દિલ્હીમાં આમ આદમી પાર્ટીની કારમી હાર પછી સૌથી વધુ ચર્ચા એ વાતની જ છે કે, હવે પંજાબમાં આપની સરકાર કેટલું લાંબુ કાઢશે?
| પંજાબમાં આપના મુખ્યમંત્રી ભગવંત માન સામે પહેલેથી જ અસંતોષ છે. કેટલાંયે ધારાસભ્યો વાડ પર જ બેઠા છે. મેળ પડવાનો જ મોકો શોધે છે. ભગવંત માન પણ એ વિચારવાના જ છે કે, આપમાં હવે પોતાનું ભવિષ્ય કેવું અને કેટલું છે? ભગવંત માન કેજરીવાલને છેહ દેશે?
|
દિલ્હીમાં ભારતીય જનતા પક્ષની જબરજસ્ત જીતથી આમ આદમી પાર્ટીમાં સન્નાટો છવાઇ ગયો છે. મોટી મોટી વાતો કરતા આપના નેતાઓની બોલતી બંધ થઇ ગઇ છે. એક સમયે અરવિંદ કેજરીવાલની નજીક રહેલા અને બાદમાં તેનાથી દૂર થઇ ગયેલા કુમાર વિશ્વાસ સહિતના લોકોએ અરવિંદ કેજરીવાલની ઝાટકણી કાઢવામાં કંઇ બાકી રાખ્યું નથી. દિલ્હીની હાર પછી સૌથી વધુ ચર્ચા એ વાતની થઇ રહી છે કે, હવે પંજાબની આમ આદમી પાર્ટીની સરકાર કેટલી ટકશે? અરવિંદ કેજરીવાલ પોતે હારી ગયા પછી સોશિયલ મીડિયામાં એવી મજાક ચાલી છે કે, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કેજરીવાલને મોબાઇલ પર બ્લોક કરી દીધા છે! આ સિવાય પણ હળવાશમાં ઘણું બધું કહેવાઇ રહ્યું છે.
અરવિંદ કેજરીવાલના રાજકીય અસ્તિત્ત્વ સામે અનેક પ્રશ્નાર્થો લાગી ગયા છે. અરવિંદ કેજરીવાલને પણ સૌથી મોટું ટેન્શન પંજાબની સરકારનું જ હશે. ભારતીય જનતા પક્ષ પોતાના હરીફો અને વિરોધીઓને પાડી દેવામાં કોઇ કસર છોડતો નથી એ બધા સારી રીતે જાણે છે. પંજાબના મુખ્યંત્રી ભગવંત માન સામે તેની પાર્ટીમાં જ ભારોભાર અસંતોષ છે. દિલ્હીમાં આપની હાર પછી પંજાબમાં ભાજપ, અકાલીદળ અને કોંગ્રેસ ગેલમાં આવી ગયા છે. પંજાબ કોંગ્રેસના નેતા પ્રતાપસિંહ બાજવાએ એવું નિવેદન કર્યું કે, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પંજાબના હવે પછીના એકનાથ શિંદે બની શકે છે! બાજવાએ તો એવી વાત પણ કરી કે, આમ આદમી પાર્ટીના ત્રીસ ધારાસભ્યો કોંગ્રેસના સંપર્કમાં છે. એ બધા ગમે ત્યારે બળવો કરી શકે છે.
ભાજપના નેતાઓ કંઇ બોલતા નથી. અંદરખાને એવું ચર્ચાઓ પણ છે કે, ભાજપ બોલવામાં નહીં પણ કરી બતાવવામાં માને છે. મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેને વિશ્વાસમાં લઇને ભાજપે મોટો ખેલ પાડી દીધો ત્યાં સુધી કોઇને અણસાર સુદ્ધાં આવ્યો નહોતો!
પંજાબમાં આમ તો આમ આદમી પાર્ટી સ્ટ્રોંગ છે પણ ગાબડું ગમે ત્યારે પડી જશે એવું પણ કહેવાઇ રહ્યું છે. પંજાબમાં વિધાનસભાની 117 બેઠકો છે. તારીખ 20મી ફેબ્રુઆરી, 2022ના રોજ પંજાબ વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી. પરિણામો આવ્યા ત્યારે આમ આદમી પાર્ટીને 117માંથી 92 બેઠકો મળી હતી. કોંગ્રેસના ફાળે 18 બેઠકો આવી હતી. શિરોમણી અકાલી દળે ત્રણ બેઠકો પર વિજય મેળવ્યો હતો. ભાજપને માત્ર બે બેઠકો મળી હતી. એક બેઠક બહુજન સમાજ પાર્ટી અને એક બેઠક અપક્ષને મળી હતી.
ખેડૂતોનું આંદોલન ભાજપને નડી ગયું હતું અને ભાજપ ધાર્યું પરિણામ મેળવી શક્યો નહોતો. આંકડાના હિસાબે જોવા જઇએ તો આપની સરકારને તોડવી આસાન કામ નથી. બીજી કોઇ પાર્ટી પાસે એટલા ધારાસભ્યો નથી કે આપના અસંતુષ્ઠોને સાથે લઇને સરકાર બનાવી શકે. જો કે, રાજકીય પંડિતો એવું કહે છે કે, રાજકારણમાં કોઇએ ક્યારેય કલ્પના પણ કરી ન હોય એવું બનતું રહે છે. એક ચર્ચા તો એવી પણ ચાલે છે કે, ભાજપ એવું જ ઇચ્છશે કે પંજાબની સરકાર તૂટે અને પંજાબમાં નવેસરથી ચૂંટણી જ આવે!
આમ આદમી પાર્ટીમાં એવી વાતો પણ થઇ રહી છે કે, હવે અરવિંદ કેજરીવાલ પંજાબના મુખ્યમંત્રી બની જશે! કોંગ્રેસના નેતા પ્રતાપસિંહ બાજવાએ આમ આદમી પાર્ટીના પંજાબના અધ્યક્ષ અમન અરોરાની એક વાતને ટાંકીને આ ચર્ચાને વધુ હવા આપી છે. અમન અરોરા થોડા દિવસ અગાઉ એવું બોલ્યા હતા કે, પંજાબના મુખ્યમંત્રી કોઇ શીખ જ હોય એવું જરૂરી નથી, કોઇ હિન્દુ પણ પંજાબના મુખ્યમંત્રી હોય શકે છે.
આ વાત અરવિંદ કેજરીવાલને ધ્યાનમાં રાખીને જ કહેવામાં આવી હતી એવું પણ કહેવાઇ રહ્યું છે. પંજાબમાં લુધિયાણા વિધાનસભાની બેઠક ખાલી છે. આ બેઠક આમ આદમી પાર્ટી પાસે જ હતી. ગઇ તારીખ 11મી જાન્યુઆરી 2025ના રોજ લુધિયાણા બેઠકના આપના ધારાસભ્ય ગુરપ્રીત ગોગી પોતાની પિસ્ટલ સાફ કરી રહ્યા હતા ત્યારે અકસ્માતે ગોળી છૂટી ગઇ હતી. આ ગોળી ગોગીને માથામાં વાગતા તેનું મોત થયું હતું. આ બેઠકની ચૂંટણી યોજાવાની છે. અરવિંદ કેજરીવાલ અહીંથી ચૂંટણી લડશે એવા તર્કો પણ લગાવાઇ રહ્યા છે. અલબત્ત, અરવિંદ કેજરીવાલ એવું કરે કે કેમ એ સવાલ છે. કેજરીવાલ એવું કરે તો તેની આબરૂ જાય અને દિલ્હીમાંથી તેનો એકડો નીકળી જાય. અરવિંદ કેજરીવાલ કંઇ કરે કે ન કરે પણ ભગવંત માન અથવા તો આપના ધારાસભ્યો કંઇ પણ કરી શકે છે.
અરવિંદ કેજરીવાલ માટે એક રસ્તો રાજ્યસભાના સંસદ સભ્ય બનવાનો છે. કેજરીવાલ પાસે દિલ્હી અને પંજાબમાં એટલા ધારાસભ્યો તો છે જ કે, એ રાજ્યસભામાં ચૂંટાઇ શકે. જો કે એમાં પણ એક પ્રોબ્લેમ છે. પંજાબ અને દિલ્હીમાં નજીકના ભવિષ્યમાં રાજ્યસભાની ચૂંટણી થવાની નથી. પંજાબમાં રાજ્યસભાની હવે પછીની ચૂંટણી 2028માં અને દિલ્હીમાં 2030માં થવાની છે. હજુ ત્રણ વર્ષ સુધી તો અરવિંદ કેજરીવાલનો ક્યાંય મેળ પડે એવું લાગતું નથી.
પંજાબમાં તો જ્યારે ઉથલપાથલ થવાની હશે ત્યારે થશે, દિલ્હી આમ આદમી પાર્ટીમાં પણ ગમે ત્યારે ગમે તે થઇ શકે છે. આમ આદમી પાર્ટીને દિલ્હીમાં 22 બેઠકો મળી છે. આ બાવીસ ધારાસભ્યો પણ આમ આદમી પાર્ટી સાથે જ રહે એવી કોઇ ગેરંટી નથી. ભાજપને આપના ધારાસભ્યોની કોઇ જરૂર નથી પણ આપ ભવિષ્યમાં ફરીથી બેઠું થઇ ન શકે એ માટે ભાજપ કંઇ પણ કરી શકે છે. દિલ્હી અને પંજાબના રાજકારણમાં આગામી સમયમાં ઘણી બધી ઉથલપાથલ જોવા મળવાની છે. એનું સૌથી મોટું કારણ એ છે કે, અરવિંદ કેજરીવાલથી બધા કંટાળ્યા છે. અત્યાર સુધી તો કેજરીવાલની ભક્તિ ચાલી પણ હવે આપના નેતાઓ એક પછી એક તેની સામે પડે તો એમાં નવાઇ પામવા જેવું કશું નહીં હોય!
| દિલ્હી ઝંખે છે શુદ્ધ હવા, ચોખ્ખું પાણી અને મહિલાઓની સુરક્ષા
દિલ્હીના લોકોએ અરવિંદ કેજરીવાલ પાસે જે અપેક્ષાઓ રાખી હતી એ પૂરી નથી થઇ. દિલ્હીના લોકોએ એટલે જ આપને અલવિદા કહી દીધું છે. ભાજપની સરકાર પાસે દિલ્હીના લોકોને શુદ્ધ હવા, ચોખ્ખા પાણી, સપાટ રસ્તા અને સૌથી વધુ તો મહિલાઓની સુરક્ષાની અપેક્ષા છે. નિર્ભયા કાંડને હજુ દિલ્હીવાસીઓ ભૂલી શક્યા નથી. દિલ્હીમાં ભાજપના છેલ્લા મુખ્યમંત્રી સુષમા સ્વરાજે 27 વર્ષ અગાઉ એવું કહ્યું હતું કે, તમે આરામથી સૂઇ જજો, હું જાગીશ. ભાજપની સરકારે એ ખાતરી ફરીથી આપવી પડશે. દિલ્હીમાં આજની તારીખે રાતના સમયે એકલા નીકળતા મહિલાઓ ડરી રહી છે. એ ડર કાઢવામાં જો ભાજપની સરકાર સફળ થશે તો એ બહુ મોટી વાત હશે. દિલ્હીની ગણના દુનિયાની સૌથી પ્રદૂષિત રાજધાની તરીકે થાય છે. ઝેરી હવાના કારણે લોકોને શ્વાસ લેવામાં પણ ભય લાગે છે. યમુનાનું પાણી ખતરનાક રીતે પ્રદૂષિત થઇ ગયું છે. ઝેરી કેમિકલ્સના કારણે યમુનામાં જોખમી ફીણનો દરિયો ખડો થઇ જાય છે. દિલ્હીના હવા પાણી બદલાશે તો દિલ્હીના લોકો ભાજપને કાયમ દિલમાં રાખશે! |










