- એક કદમ : * વસુધૈવ કુટુમ્બકમ્*ની ભારતીય વિભાવના સાકાર કરવા તરફ્
દુનિયાના મોટાભાગના દેશોમાં શનિ-રવિની રજાઓ પરિવાર સાથે માણવાનો શ્રેષ્ઠ સમય હોય છે, ત્યારે ગયા શનિ-રવિમાં એટલે કે તારીખ 9 અને 10 સપ્ટેમ્બર 2023ના રોજ વિશ્વના ટોચના 20 દેશોના સર્વોચ્ચ નેતાઓ G-20ના નવી દિલ્હી અધિવેશનમાં *વસુધૈવ કુટુમ્બકમ્*ની ભારતીય વિભાવના ચરિતાર્થ કરવા મળ્યાં એ માનવજાત માટે એક ઐતિહાસિક અવસર હતો. ભારતની અધ્યક્ષતામાં અમેરિકા, ચીન, રશિયા, યુ. કે., ફ્રાન્સ, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા, જાપાન, જર્મની, કેનેડા, ઈટાલી, મેક્સિકો, આર્જેન્ટિના, સાઉથ આફ્રિકા, સાઉદી અરેબિયા, સાઉથ કોરિયા, તુર્કી, ઈન્ડોનેશિયાના રાષ્ટ્ર નેતાઓ તથા યુરોપિયન યુનિયનના વતી યુરોપિયન કાઉન્સિલ અને યુરોપિયન કમિશનના પ્રમુખો આ સમિટમાં હાજર રહ્યા હતાં. બે દિવસ ચાલેલા આ વૈશ્વિક છતાં જાણે કે પારિવારિક હોય તેવાં મિલનના પરિપાકરૂપે જે *દિલ્હી ઘોષણાપત્ર - 2023*ની સર્વસંમતિથી જાહેરાત કરવામાં આવી છે તે માનવજાતના ભવિષ્ય માટે નિર્ણાયક ભૂમિકા ભજવનાર છે. દીર્ઘકાલીન ટકાઉ વિકાસ અંતર્ગત વિવિધ સામાજિક અને આર્થિક બાબતોની રણનીતિ તેમાં ઘોષિત કરવામાં આવી છે. તેમાંય વિશેષ કરીને પર્યાવરણ માટે જે રીતે એક સક્ષમ માળખું પૂરું પડાયું છે તે ચોક્કસપણે ધ્યાનાકર્ષક બન્યું છે.
2008માં સૌ પ્રથમ G-20 સમિટ યોજાઈ હતી તે પછી 15 વર્ષના લાંબા ઇન્તજાર પછી યજમાન બનવાનો ભારતનો વારો આવ્યો તે વસવસો આ વખતનાં ઘોષણાપત્રને જોયા પછી રહેતો નથી! જાહેર થતાં જ જેની વિશ્વભરમાં મુક્તમને પ્રશંસા થઈ રહી છે તે આ અઢારમી સમિટના ઘોષણાપત્રના મુસદ્દામાં સર્વસંમતિ સાધવી એ આમ તો લોઢાના ચણા ચાવવા જેવું કામ હતું - ખાસ કરીને રશિયા-યૂક્રેન યુદ્ધના કારણે! શ્રેણીબદ્ધ ચિંતન બેઠકો પછી ભારત G-20ના અધ્યક્ષ તરીકે આ ભગીરથ કાર્ય સુપેરે પાર પાડી શક્યું છે તેના મૂળમાં *સર્વનું (જીવ માત્રનું) કલ્યાણ થાઓ* એવી ભારતની સનાતન હિન્દુ ધર્મની ભાવના રહેલી છે.
વિશ્વ સ્તરની આ G-20 સમિટ દિલ્હીના પ્રગતિ મેદાનમાં ખાસ બનાવવામાં આવેલા *ભારત મંડપમ્* ખાતે યોજાઈ હતી. આ વિશેષ સ્થળનું નામ પોતે જ ઘણું બધું સૂચવી જાય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ મંડપનો અર્થ થાય છે મંદિરથી સહેજ અલાયદો ચોરસ કે લંબચોરસ આકારનો સ્તંભોવાળો ખુલ્લો ઓરડો કે જ્યાં માંગલિક કાર્યો, પૂજાવિધિ કે પછી કલા અને સંસ્કૃતિના નિદર્શન કાર્યક્રમ યોજાય છે. મૂળ સંસ્કૃત શબ્દ *મંડપ*નો ઉલ્લેખ આપણા અનેક શાસ્ત્રો અને પુરાણોમાં કરવામાં આવ્યો છે. 11મી સદીમાં ભોજદેવે રચેલાં *સમરાંગણસૂત્રધારા* નામના ગ્રંથમાં 35 જાતના મંડપોનું વર્ણન જોવા મળે છે .
હિન્દુ મંદિરોના પ્રકારોની કોઈ નિશ્ચિત સંખ્યા કહેવી મુશ્કેલ છે પરંતુ વિષ્ણુધર્મોત્તર પુરાણમાં સો પ્રકારના મંદિરો દર્શાવ્યા છે અને તે પૈકીનું એક નામ છે *મંડપ*! સહુનું મંગળ થાય તેવાં શુભ નામ સાથેના આ સભાસ્થળમાં ધાર્યું પરિણામ ના મળે તેવું બને જ નહીં ને! (વિદેશી નામો સાથે ભારતમાં રહેણાંકની કે વાણિજ્યિક સ્કીમ મૂકી ગ્રાહકોને આકર્ષવા પ્રયાસ કરતાં બિલ્ડરોએ નોંધવા જેવું!)
G-20ના નેતાઓના આ 'નવી દિલ્હી ઘોષણાપત્ર'ના મુખપૃષ્ઠ ઉપર જુદા જુદા 20 કમળ છે, ભારતનો રાષ્ટ્રધ્વજ છે, યોગ મુદ્રા છે, રાષ્ટ્રીય પ્રાણી વાઘ તથા રાષ્ટ્રીય પક્ષી મોર છે, કલા- સંસ્કૃતિના પ્રતીક છે, પતંગ જેવું ઉત્સવોનું પ્રતીક છે; તો લશ્કરી જવાનો, શિક્ષણ, તબીબી તથા ઇજનેરી વિજ્ઞાન, સંશોધનો, પુનઃ પ્રાપ્ય ઊર્જા, પ્રવાસન વિકાસ, પર્યાવરણ સાથે સંતુલન જાળવી શહેરી વિકાસ તથા અવકાશી સિદ્ધિઓને પણ આવરી લેવામાં આવ્યા છે. *વસુધૈવ કુટુમ્બકમ્*ના પ્રમુખ સૂત્ર સાથે * એક પૃથ્વી - એક પરિવાર - એક ભવિષ્ય * એવી ઘોષણા મુખપૃષ્ઠ ઉપર જ કરી દેવામાં આવી છે. આમ, આ ઘોષણાપત્રનું મુખપૃષ્ઠ પોતે જ પર્યાવરણ જાળવણી માટેની ઘણીબધી બાબતોને આવરી લે છે.
ઋગ્વેદમાં કહ્યું છે કે 'આ નો ભદ્રાઃ ક્રતવો યન્તુ વિશ્વતઃ' અર્થાત બધી જ દિશાઓમાંથી મને શુભ વિચારો પ્રાપ્ત થાય. જાણે આ જ કારણે દસ દિશાઓના પ્રતીક હોય તેવા દસ મુદ્દાઓ આ ઘોષણાપત્રમાં સમાવિષ્ટ કરવામાં આવ્યાં છે. જેમાં (1) મજબૂત, દીર્ઘકાલીન ટકાઉ, સંતુલિત અને સર્વગ્રાહી વિકાસ (2) દીર્ઘકાલીન ટકાઉ વિકાસ માટેના લક્ષ્યાંકો (Sustainable Development Goals - SDGs) હાંસલ કરવા પ્રતિ ઝડપી પ્રગતિ (3) દીર્ઘકાલીન ટકાઉ ભવિષ્ય માટે હરિત વિકાસ સંધિ (4) 21મી સદી માટેની બહુપક્ષીય સંસ્થાઓ (5) તકનીકી પરિવર્તન તથા જાહેર જનતા માટે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (6) આંતરરાષ્ટ્રિય કરવેરા (7) જાતીય સમાનતા તથા તમામ મહિલાઓ અને કન્યાઓનું સશક્તીકરણ (8) નાણાકીય ક્ષેત્રના મુદ્દાઓ (9) આતંકવાદ તથા મની લોન્ડરિંગનો પ્રતિકાર તથા (10) વધુ સર્વસમાવિષ્ટ વિશ્વનું સર્જન - એવાં દસ મહત્ત્વના મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે.
આ પૈકી મુદ્દા ક્રમાંક (3) તો દેખીતી રીતે જ પર્યાવરણને લગતો છે, પરંતુ બાકીના નવ મુદ્દાઓ પણ કોઈને કોઈ રીતે પર્યાવરણને સ્પર્શ્યા વિના રહેતાં નથી. ઘોષણાપત્રની પ્રસ્તાવનામાં પણ ગ્રીન હાઉસ ગેસીઝ તથા કાર્બન ઉત્સર્જનમાં ઘટાડા પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યકત કરવામાં આવી છે. તો વળી સંયુક્ત રાષ્ટ્રના 2030ની સાલ સુધીમાં દીર્ઘકાલીન ટકાઉ વિકાસ હાંસલ કરવાના લક્ષ્યાંક તેમજ પેરિસ ઘોષણાપત્ર પ્રત્યે પ્રતિબદ્ધતા દોહરાવવામાં આવી છે. પેરિસ ઘોષણાપત્રમાં ગ્લોબલ વોર્મિંગના પરિણામે વૈશ્વિક તાપમાનમાં થતો વધારો 2.0 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછો રાખવાની અને શક્ય હોય ત્યાં સુધી 1.5 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછો રાખવાની ઘોષણા થઈ હતી તેને વળગી રહેવાની જાહેરાત ફરી એકવાર થઈ છે. ચાલુ સાલે જુલાઈ મહિનો વૈશ્વિક તાપમાનની દૃષ્ટિએ અત્યાર સુધીમાં સૌથી વધારે ગરમ રહ્યો અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ દ્વારા ગ્લોબલ વોર્મિંગનો યુગ પૂરો થયો છે અને ગ્લોબલ બોઈલિંગનો યુગ શરૂ થયો છે તેવી જે જાહેરાત થઈ છે તે સંદર્ભે G-20ના દેશોની આ પ્રતિબદ્ધતા ખૂબ જ મહત્ત્વની બની રહેશે.
આ ઘોષણાપત્રને * For the Planet, People, Peace and Prosperity એટલે કે પૃથ્વી માટે, લોકો માટે, શાંતિ માટે અને સમૃદ્ધિ માટે ગણાવાયું છે. અહીં એ ખાસ નોંધપાત્ર છે કે લોકો કરતાં પણ એ પૃથ્વી માટે પહેલાં બતાવાયું છે. એ પણ નોંધનીય છે કે સમૃદ્ધિ કરતાં અહીં શાંતિને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે જે ભારતીય સંસ્કૃતિનું જ પ્રતિબિંબ પાડે છે! આ ઘોષણાપત્રમાં યૂક્રેનમાં ચાલતાં યુદ્ધનો ઉલ્લેખ કરી જણાવાયું છે કે અમે વિશ્વભરમાં યુદ્ધો અને ઘર્ષણોને કારણે માનવજાત પર પડતી વિપરીત અસરો અને અતિશય પીડાઓની ઊંડી ચિંતા સાથે નોંધ લઈએ છીએ. ન્યુક્લિયર શસ્ત્રોનો ઉપયોગ કે તે અંગેની ધમકી અસ્વીકાર્ય હોવાની સ્પષ્ટ વાત આ ઘોષણાપત્ર કરી શક્યું છે, જેનું પાલન પર્યાવરણની મોટી સેવા ગણાશે.
હરિત વિકાસ સંધિને લગતા મુદ્દા ક્રમાંક (3) માં એ હકીકતનો એકરાર કરવામાં આવ્યો છે કે આજની અને ભાવિ પેઢીની સમૃદ્ધિ અને સુખાકારીનો આધાર આપણા આજના વિકાસકાર્યો, નીતિઓની પસંદગી અને પગલાંઓ ઉપર છે. આથી આ ઘોષણાપત્ર દ્વારા G-20ના દેશોએ ઠરાવ્યું છે કે આર્થિક પ્રગતિ અને વિકાસ માટેના પગલાંઓ સંકલિત રીતે, સર્વગ્રાહી રીતે, સંતુલિત રીતે અને પર્યાવરણીય દૃષ્ટિએ દીર્ઘકાલીન ટકાઉ હોય તે રીતે હાથ ધરવામાં આવે. ક્લાયમેટ ચેન્જના કારણે સર્જાતી ભૌતિક પરિસ્થિતિઓ અને તેને કારણે વૈશ્વિક સ્તરે તેમજ જુદા જુદા દેશોમાં થતી વિપરીત આર્થિક અસરોને ધ્યાનમાં રાખીને આગામી આર્થિક નીતિઓ ઘડવા તેમજ અમલમાં મૂકવાની વાત પણ કરવામાં આવી છે.
ભારતે વિશ્વને જે ભેટ આપી છે તે Lifestyles for Sustainable Development (LiFE)ને માનવજીવનના મુખ્ય પ્રવાહ તરીકે સ્વીકાર કરવાની સહમતી આ અંગેના ભારતીય ચિંતનની વૈશ્વિક સ્વીકૃતિ ગણી શકાય. સતત વધતી માંગને પહોંચી વળવા ઊર્જા પ્રાપ્તિ માટેના આપણા ઉપાયો સ્વચ્છ, દીર્ઘકાલીન ટકાઉ, ન્યાયિક, પરવડે તેવા અને સર્વસમાવેશક હોય તે જરૂરી હોવાનું સ્વીકારાયું છે. તો અધ્યક્ષ સ્થાનેથી સૂચવ્યા મુજબ હરિત હાઈડ્રોજન સંશોધન કેન્દ્રની સ્થાપનાની પણ નોંધ લેવાઈ છે.
આર્થિક રીતે જોઈએ તો 2030 પહેલાંના સમયમાં વિકાસશીલ દેશોમાં તેમના પર્યાવરણ માટેના રાષ્ટ્રીય એક્શન પ્લાન માટે 5,800થી 5,900 અબજ ડોલરની જરૂર હોવાની નોંધ લેવાઈ છે અને 2030 સુધી સ્વચ્છ ઊર્જા વિકાસ માટે દર વર્ષે 4,000 અબજ ડોલર જરૂરી હોવાનું પણ સ્વીકારાયું છે. આ મહાકાય જરૂરિયાતોને પહોંચી વળવા માટે વિકસિત દેશો દ્વારા 2020થી 2025 દરમિયાન દર વર્ષે 100 અબજ ડોલરની સહાય કરવાનો જે નિર્ધાર 2010માં વ્યક્ત કરાયો હતો તે પહેલી વખત આ સાલ (2023)માં પૂરો થવાની સંભાવના વિકસિત દેશો જોઈ રહ્યા છે.
જૈવિક વિવિધતાને જાળવી રાખવાની વાત હોય કે પછી આપણા દરિયાઓની જાળવણીની વાત હોય, G-20ના દેશો સર્વાનુમતે અગાઉની પ્રતિબદ્ધતા દોહરાવી રહ્યાં છે, જે એક મોટી ઉપલબ્ધિ ગણાય. પ્લાસ્ટિક પ્રદૂષણ (સફેદ પ્રદૂષણ)ને નાથવા માટે તમામ સભ્યોએ કૃતનિૃયી હોવાની જાહેરાત કરી છે.
ઘોષણાપત્રના સમાપનમાં અગાઉની વૈશ્વિક આપત્તિઓ સમયે લેવાયેલ સામૂહિક પગલાંઓને યાદ કરીને વિશ્વને હાલની પડકારજનક પરિસ્થિતિઓમાંથી બહાર કાઢીને લોકો માટે તથા આપણા પૃથ્વી ગ્રહ માટે વધુ સુરક્ષિત, વધુ મજબૂત, વધુ પ્રતિકારશક્તિ ધરાવતું, સર્વગ્રાહી અને વધુ તંદુરસ્ત ભાવિ નિર્માણ કરવાનો દૃઢ સંકલ્પ વ્યક્ત કરાયો છે.
83 ફ્કરાઓ અને 25 પરિશિષ્ટ ધરાવતું આ ઘોષણાપત્ર 83+25 એમ 108 બાબતો આવરી લે છે. એ માત્ર એક સંયોગ હોય તો પણ ભારતીય સંસ્કૃતિનો એક શુભ અંક દર્શાવે છે અને તેથી આ ઘોષણાપત્રના એટલાં જ ઉજ્જવળ અમલીકરણની આશા સાથે પર્યાવરણને લગતી જે પ્રતિબદ્ધતા વ્યક્ત કરાઈ છે તેને તમામ સભ્યો, વિશેષ કરીને વિકસિત દેશો, વળગી રહે તે હેતુથી આગામી વર્ષ દરમિયાન બ્રાઝિલના નેતૃત્વમાં સહુ (નવા જોડાયેલા આફ્રિકન યુનિયન સહિત) સાથે મળીને કામ કરીએ તે આજના સમયની માંગ છે. આવું થશે તો અને તો જ સફ્ળ બનેલી G-20ની નવી દિલ્હી સમિટ સાર્થક પણ બનશે!