- 25 દિવસમાં 10,000નાં મોત, 10 લાખ લોકો બેઘર : ઈઝરાયેલ અને હમાસ હજુ 'ડૂ ઓર ડાઈ'ના મૂડમાં
આરબ, ખ્રિસ્તી અને યહૂદીઓની પ્રાચીન સંસ્કૃતિના પ્રદેશ મધ્યપૂર્વમાં છેલ્લા 25 દિવસથી અમાનવીય ઘટનાક્રમોને પૂરું વિશ્વ નિહાળી રહ્યું છે. 7મી ઓક્ટોબરે હમાસે ઈઝરાયેલ ઉપર છોડેલા 5 હજાર રોકેટ અને નિર્મમ હત્યાકાંડ બાદ નિર્દોષ ઈઝરાયેલીઓને બંધક બનાવતા ઈઝરાયેલે યુદ્ધનું એલાન કરેલું. આ યુદ્ધને એક મહિનો થવા જઈ રહ્યો છે. ઈઝરાયેલે આટલા દિવસોમાં ગાઝાને હતું- ન હતું કરી નાખ્યું છે. જ્યાંથી હમાસે રોકેટમારો કરેલો એ 23 લાખની વસ્તીવાળા ગાઝામાં તબાહીનો મંઝર છવાયો છે. ગીચ ઈમારતો અને અન્ડર ગ્રાઉન્ડ ટનલના આ શહેરમાં 6 હજારથી વધુ બોમ્બ ફેંકાયા છે. તેની ત્રણ દિશામાં ઈઝરાયેલની સેના અને ચોથી દિશામાં ભૂમધ્ય સમુદ્ર છે. બોર્ડર ઉપર ઈઝરાયેલનો કબજો છે. અંદર માત્ર બોમ્બ અને રોકેટ જ આવી શકે છે. પાણી, વીજળી, દવા, અનાજ નથી... સતત ભયાનક હુમલાથી અત્યાર સુધીમાં ગાઝામાં 9061 લોકો મૃત્યુ પામ્યા હોવાનું પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રી જણાવે છે. લોકો ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં જાન બચાવવા તરફડી રહ્યા છે.
3 હજાર બાળકોને આ યુદ્ધ ભરખી ગયું છે. દિનપ્રતિદિન વિસ્તરતા યુદ્ધે પેલેસ્ટાઈન ઓથોરિટી હસ્તકના વેસ્ટ બેન્કમાં 130નો ભોગ લીધો છે, લેબેનોનમાં 68 અને સીરિયામાં 16 લોકોના મોત થયા છે. ઈઝરાયેલના 1000 લોકો, 308 સૈનિકો, 10 એજન્ટો અને 58 પોલીસ ઓફિસરે જાન ગુમાવ્યા છે.
ઈઝરાયેલે હમાસનો ખાતમો બોલાવવાની ચેતવણી સાથે ગાઝાને તારાજ કરવાનું ચાલુ રાખ્યું છે, પરંતુ નિર્દોષ ગાઝાવાસીઓ મરતા હોવા છતાં હમાસે બંધકોને છોડયા નથી, ઈઝરાયેલના હુમલામાં હમાસના કમાન્ડરો મરી રહ્યા છે, તેના કેમ્પો ઊડી રહ્યા છે, પરંતુ હમાસનાં પ્રવક્તાઓના આરબ ચેનલોમાં આવતા નિવેદનો દર્શાવે છે કે, તે આત્મસમર્પણ કરવા બિલકૂલ તૈયાર નથી- ઉલ્ટાનું ગાઝામાં ગ્રાઉન્ડ ઓપરેશન તરફ જઈ રહેલી ઈઝરાયેલી સેનાને તેણે ધમકી આપી છે કે, હવે લાશોને ગણવા તૈયાર રહેશો. હમાસનો આ વખતનો પ્લાન બહું ફુલપ્રૂફ એટલા માટે છે કે, તેમાં નિર્દયતા ભરેલી છે, ગાઝામાં નિર્દોષ લોકો મરતા હોવા છતાં હમાસ જાણે ''હજુ મારો- અમને કોઈ ફરક નથી'' એવો વર્તાવ કરે છે, તેના ઉપર કોઈ દબાણ સર્જાતું નથી.
ઈઝરાયેલી સેનાનો દાવો છે કે, જબલિયા નિરાશ્રિાત કેમ્પ એ હમાસનો અડ્ડો છે. હોસ્પિટલોમાં હમાસના કમાન્ડરો રહે છે. ગાઝામાં રહેલો ઈંધણનો જથ્થો હમાસે કબજે કરી લીધો છે અને તેનાથી તે ભૂગર્ભમાં તેના આશ્રાય સ્થાનોની જાળવણી કરે છે. હમાસના લોકો આમજનતાની વચ્ચે છુપાયેલા છે એટલે તેનો ખાતમો બોલાવવામાં સેંકડો નિર્દોષો પણ ખતમ થઈ રહ્યા છે.
ગાઝાના દર્દનાક દૃશ્યોથી હવે વધુને વધુ આરબ દેશો યુદ્ધવિરામ માટે દબાણ કરવા માંડયા છે. જોર્ડને પોતાના રાજદૂતને ઈઝરાયેલથી પરત બોલાવી લીધા છે. લેબેનોનમાં હમાસનું સમર્થક ઉગ્રવાદી જૂથ હિઝબોલ્લાહ પણ મેદાનમાં આવી ગયું છે, ગુરુવારે દક્ષિણ લેબેનોનની સરહદેથી ઈઝરાયેલમાં ઝીંકાયેલા રોકેટ અંગે હિઝબોલ્લાહે જવાબદારી સ્વીકારતા મધ્યપૂર્વમાં હવે યુદ્ધ કઈ દિશામાં જઈ રહ્યું છે? તે સવાલ ઊઠી રહ્યો છે.
અમેરિકાને સૌથી વધુ ચિંતા હિઝબોલ્લાહની છે. કારણ કે, લેબેનોનનું આ ઉગ્રવાદી જૂથ ઈરાનની મદદથી તાલીમબદ્ધ સૈન્ય અને શસ્ત્ર સરંજામ ધરાવે છે. તેના મુકાબલા માટે અમેરિકાએ ભૂમધ્ય સમુદ્રમાં વોરશિપ પણ તૈનાત કર્યુ છે. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કન 25 દિવસમાં એટલે કે, યુદ્ધ શરૂ થયા બાદના ટૂંકા ગાળામાં ત્રીજી વખત મધ્ય પૂર્વની મુલાકાતે આવ્યા છે. અહીં તે વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂને મળવાના છે. અમેરિકા સમજે છે કે, હવે પરિસ્થિતિ બહુ પડકારજનક છે. શરૂઆતમાં વિશ્વની સંવેદના ઈઝરાયેલ સાથે હતી, પરંતુ ગાઝામાં લાશોના ઢગલા અને ખોફનાક મંઝરથી હવે વિશ્વના અનેક દેશો યુદ્ધવિરામના સમર્થનમાં દબાણ સર્જી રહ્યા છે. ગાઝામાં હમાસને નેસ્તાનાબૂદ કરવું સંપૂર્ણપણે શક્ય નથી તેવું અમેરિકા માને છે કારણ કે, હમાસ એ એક વિચારધારા છે, આવા નૃસંશ હત્યાકાંડથી નવા હમાસ સર્જાતા રહે છે.
તારાજ થઈ ગયેલા ગાઝામાં હવે કોણ શાસન કરશે? એ પણ સમસ્યા છે. ઈરાક અને અફઘાનિસ્તાનના અનુભવોથી અમેરિકા હવે અહીં 'જમાદારી' કરવાના મૂડમાં નથી. ઈઝરાયેલ સામે આરબ દેશોનો મોરચો મોટો થતો જાય અને યુદ્ધ વિસ્તરે એ પણ અમેરિકા ઈચ્છતું નથી, અને એટલે જ અમેરિકા હવે શરૂઆતનાં આક્રમક મિજાજને બદલે ડિપ્લોમેટિક સ્ટેપ્સ ઉપર આ મામલાને વૈશ્વિક સ્તરે માનવીય અભિગમ સાથે જોડવાની મથામણમાં છે.
ગાઝાની છાતી ઉપર લડાયેલા આ યુદ્ધમાં ગાઝા માટે તો ઈઝરાયેલ અને હમાસ બંને દુશ્મન પુરવાર થયા છે. બે વિચારધારાની લડાઈ એટલી હદે ભયાવહ બની ગઈ કે, જેમાં માનવજિંદગીનું જ કોઈ મૂલ્ય રહ્યું નથી. આટલી ક્રૂરતા? આટલી બર્બરતા? પૂરા વિશ્વના સભ્યસમાજની આ ઘોર નિષ્ફળતા છે.