- પર્યટન : ગુજરાત ટૂરિસ્ટોને આકર્ષવામાં મોખરે, ગત વર્ષ 10 લાખથી વધુ ફોરેન ટૂરિસ્ટે ગુજરાતની મુલાકાત લીધી હતી
હરવું-ફરવું, જોવું અને જાણવું તે માણસની પ્રકૃતિ છે. પહેલાના સમયમાં યાત્રા કરવી તે જીવનનો લહાવો હતો. બધા યાત્રા પણ ન કરી શકતા. પરંતુ, હવે યાત્રા પ્રવાસ સામાન્ય નહીં, જીવનનો એક ભાગ બની ગયો છે. દર વર્ષે નાના-મોટા પ્રવાસ લોકો કરતા હોય છે એટલે જ પ્રવાસન ઉદ્યોગ ઝડપથી વિકસી રહ્યો છે. લોકો સ્થાનિક અને વિદેશમાં પ્રવાસ કરી રહ્યા છે. ખાસ કરીને હવે મધ્યમ વર્ગ યાત્રા પ્રવાસમાં અઢળક ખર્ચ કરી રહ્યો છે. યાત્રાના સાધનો અને સુવિધાઓ વધતા પ્રવાસો સરળ થયા છે. લોકો તેની આવકનો અમુક ભાગ હરવા-ફરવામાં પિકનિક મનોરંજન યાત્રા અને સ્થાનિક પ્રવાસ તથા વિદેશના પ્રવાસ પાછળ ખર્ચી નાખે છે. ફરવાના સ્થળોએ મળનારા પાંચમાંથી ત્રણ ગ્રૂપ ગુજરાતીઓના હોય છે. કોઈ યાત્રા કે પ્રવાસના સ્થળો પર કોઈ ગ્રૂપમાં કોલાહલ, હસીમજાક કે મોટેથી વાતો થતી હોય તો સમજવું કે, તે ગુજરાતીઓ જ હશે...દેશમાં સૌથી વધુ ફરવાના શોખીનોમાં ગુજરાતીઓ અગ્રેસર છે.
ગુજરાતીઓમાં ખાવાનો અને ફરવાનો વિશેષ શોખ છે. એટલે જ થેપલા, ખાખરા, ગાંઠિયા કે સુખડી વગર ગુજરાતીઓનો પ્રવાસ ન હોય...આ પ્રજા જિંદગીનો ભરપૂર આનંદ માણે છે. ગુજરાતીઓ માત્ર ભારતમાં જ નહીં વિદેશોમાં પણ મોટા પ્રમાણમાં જઈ રહ્યા છે. તે જ રીતે અન્ય રાજ્યો અને વિદેશમાંથી લોકો હવે ગુજરાત આવતા થયા છે. વાહન વ્યવહારની સુવિધા તથા રહેવા-જમવા અને ફરવાના સ્થળોના વિકાસને કારણે ફરવા જનારા લોકોની સંખ્યા વધી રહી છે. ગુજરાતીઓ હંમેશા સમૂહમાં ફરવા જાય છે. કપડાં તથા ખાવાની વસ્તુઓના થેલા-લગેજબેગ ઠસોઠસ ભરેલા જ હોય છે. એક-બે દિવસ કે, મહિનાઓની યાત્રાએ ગુજરાતીઓ નીકળે છે. ખાવાના શોખીન ગુજરાતીઓને રહેવા અને જમવાનું સારું જોઈએ છે એટલે, જે ટૂર ઓપરેટર્સ સારું જમવાનું આપતા હોય તે ગુજરાતીઓની પ્રથમ પસંદગી હોય છે.
હવે દિવાળી આવી...! દિવાળીની રજાઓમાં ફરવા જવાના આયોજન અત્યારથી જ થવા લાગ્યા છે. મોટાભાગના બુકિંગો થઈ ગયા હશે, દિવાળી લોકોમાં ગજબનો ઉત્સાહ ભરે છે. દિવાળી વેકેશનમાં ગુજરાતીઓ વિદેશ ફરવા નીકળી પડે છે. સમગ્ર ગુજરાતમાં સુરતનો હીરા ઉદ્યોગ એક એવો ઉદ્યોગ છે, જ્યાં દિવાળી પછી એક મહિનાથી વધુ સમય માટેની રજા પડે છે. હીરા ઉદ્યોગ એક મહિનો બંધ રહે છે. કારીગરોને રજાનો પગાર પણ મળતો નથી તેમ છતાં, દિવાળીની રજાઓમાં લોકોમાં ભારે આનંદ અને ઉત્સાહ જોવા મળે છે. સુરતના મોટાભાગના રત્ન કલાકારો તેમના પરિવાર સાથે વતન સૌરાષ્ટ્ર કે ઉત્તર ગુજરાતમાં જાય છે. ગામડે આવ્યા પછી પણ સગા સંબંધી સાથે ધાર્મિક સ્થળોએ ફરવા જાય છે. દિવાળીની રજાઓમાં સૌરાષ્ટ્રમાં ફરતા વાહનોમાં સુરત પાર્સિંગના વાહનો મોટી સંખ્યામાં જોવા મળે છે.
ધાર્મિક હેતુ સાથે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે જનાર સમૂહને યાત્રાળુ કહેવાય છે. પરંતુ, ધાર્મિક ઐતિહાસિક કે કુદરતી સ્થળોએ મુલાકાતે અને ફરવા જાય તે પ્રવાસ છે તેને પ્રવાસીઓ કહેવાય છે. યાત્રા કે, પ્રવાસ માણસને ઘણું શીખવાડે છે. શાળાઓ બાળકોને શૈક્ષણિક પ્રવાસ કરાવે છે. પરંતુ, ઘણા વર્ષોથી શાળાઓ તરફ્થી યોજાતા પ્રવાસો ઘટી ગયા છે. પરંતુ, લોકોની ફરવા જનારાની સંખ્યા ઘણી વધી છે. હવે તો ટૂરિઝમ ને ખાસ મહત્વ મળ્યું છે, ટૂરિઝમ ઉદ્યોગ ઝડપથી વિકસી રહ્યો છે. પ્રવાસીઓને આકર્ષવા રાજ્ય સરકારો પણ નોંધનીય પ્રયાસ કરે છે, પ્રવાસીઓ આવે તો અર્થતંત્ર ગતિશીલ બને છે.
વિશ્વનો સૌથી મોટો ઉદ્યોગ પ્રવાસન ઉદ્યોગ છે. વિશ્વની કુલ આવકમાં પ્રવાસનનો ફાળો 10 ટકા છે. યાત્રા પ્રવાસને સામાન્ય બાબત ગણવા જેવી નથી. લોકો જેટલા ફરવા આવે તે આવકનું મોટું સાધન બને છે તે વાત હવે, સમજાઈ ગઈ છે. ધંધા-ઉદ્યોગ, વેપાર કે સેવા ક્ષેત્રનું જેટલું મહત્વ છે એટલું જ મહત્વ પ્રવાસન ક્ષેત્રનું છે. આંતરરાષ્ટ્રીય વેપારમાં ત્રીજા ભાગનો વેપાર પ્રવાસનને આધારે થાય છે. ઉદ્યોગ ધંધાના મેળાવડા, એક્ષ્પો કે સેમિનારો એ પ્રવાસન ઉદ્યોગનો એક ભાગ છે. વિશ્વ પર્યટનમાં ભારતનો હિસ્સો માત્ર 0.38 ટકા જ છે. પરંતુ, 2014 પછી ભારતે પર્યટનને વિશેષ મહત્વ આપ્યું છે. પ્રવાસનને આધારે વિશ્વમાં સૌથી વધુ કમાણી કરનારા દેશોમાં ભારત માંડ 1 ટકા કમાણી કરે છે. સૌથી વધુ અમેરિકા 15 ટકા ત્યારપછી સ્પેન 6.7 ટકા, ફ્રાન્સ 6.6 ટકા, ઇરાક 6.4 ટકા, યુ.કે 4.6 ટકા, જર્મની 3.7 ટકા, ચીન 2.4 ટકા, સિંગાપુર 2.2 અને ભારત 1 ટકા જેટલી કમાણી કરે છે. 1960 માં ભારત સરકારે પ્રવાસન ઉદ્યોગનું મહત્વ સ્વીકારી ભારતીય પ્રવાસન વિકાસ નિગમ (ITDC) અને 1980 માં રાજ્ય સ્તરીય નિગમોની સ્થાપના કરવામાં આવી હતી. 27મી સપ્ટેમ્બરે *વિશ્વ પ્રવાસન દિવસ* તરીકે મનાવવામાં આવે છે. આ વર્ષની થીમ 'ટૂરિઝમ એન્ડ ગ્રીન ઇન્વેસ્ટમેન્ટ' રાખવામાં આવી છે. ભારતે G20 નાં સંમેલનોમાં સ્થાનિક પ્રવાસનને પ્રમોટ કરવા ભરપૂર પ્રયાસ કર્યો છે. ભારતમાં ટૂરિઝમ ઉદ્યોગનો જીડીપીમાં 4.7 ટકા હિસ્સો છે. ફોબ્સ સામાયિકની યાદીમાં સુંદર દેશોની ટોપ 50 દેશોની યાદીમાં ભારત સાતમા ક્રમે છે. 2021 માં ભારતમાં પ્રવાસન ઉદ્યોગની રેવન્યૂ 13.2 લાખ કરોડની હતી. જે જીડીપીના 5.8 ટકા થાય છે. નિષ્ણાંતોનો અંદાજ છે કે, ટૂરિઝમ 7.8 ટકાના દરે વધશે. ભારતમાં મેડિકલ ટૂરિઝમ માર્કેટ ખૂબ મોટું છે. સ્ટેચ્યૂ ઓફ્ યુનિટીના નિર્માણ પછી ગુજરાત પ્રવાસન ક્ષેત્રે આગળ આવી રહ્યું છે. દેશના અગ્રણી રાજ્યોમાં તમિલનાડુ 11.5 કરોડ પ્રવાસીઓ, યુ.પી 8.1 કરોડ પ્રવાસીઓ તથા મહારાષ્ટ્ર 4.3 કરોડ પ્રવાસીઓ સાથે ટોપ 3 માં આવે છે. પરંતુ, વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં ગુજરાત પ્રથમ છે. ગત વર્ષ 10 લાખથી વધુ ફોરેન ટૂરિસ્ટે ગુજરાતની મુલાકાત લીધી હતી. ભારતના પ્રવાસન ઉદ્યોગનો કુલ મૂડી રોકાણમાં 7 ટકા હિસ્સો છે. કુલ સેવા અને ઉત્પાદનમાં 6 ટકા છે અને રોજગારી ઉપાર્જનમાં 7 ટકા ફાળો છે. આ માહિતી પરથી ખ્યાલ આવે છે કે, પ્રવાસન ઉદ્યોગ મોટો અને મહત્વનો ઉદ્યોગ છે.
વાહન વ્યવહારના સાધનો ન હતા ત્યારે, પણ ગુજરાતીઓ યાત્રા પ્રવાસ કરતા તથા જે ચારધામની યાત્રા કરતા તે નસીબદાર વ્યક્તિ ગણાતા આજે પણ હરિદ્વાર ખાતે ત્રણ પ્રવાસીઓમાં એક ગુજરાતી તો અથડાઈ જાય છે. ગુજરાતીઓ ફરવાના શોખીન તો છે જ સાથે સાથે ગુજરાતમાં ફરવાલાયક અનેક ઐતિહાસિક અને કુદરતી સ્થળો પણ છે. ગુજરાતના ગૌરવવંતા ઐતિહાસિક સ્થાનોમાં લોથલ અને ધોળાવીરા, દ્વારકા, સમ્રાટ અશોકના શિલાલેખો, રાણકી વાવ, મોઢેરાનું સૂર્ય મંદિર, સિદી સૈયદની જાળી, ચાંપાનેર, ઉપરકોટ, ભદ્રાનો કિલ્લો, વગેરે..સાંસ્કૃતિક સ્થાપત્યો, નળ સરોવર, સફોદ રણ કે પરવાળાનો સમુદ્ર કિનારો વગેરે વિદેશી પ્રવાસીઓને આકર્ષે છે, એટલું જ નહીં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું જન્મસ્થળ પોરબંદર કે કર્મસ્થળ અમદાવાદ ખાતે આવેલ સાબરમતી આશ્રામ લોકોના પસંદગીના સ્થળો છે. ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલના સ્મારક અને સ્ટેચ્યૂ ઓફ્ યુનિટી એ લોકોને ઘેલા કર્યા છે. વિશ્વમાં એકમાત્ર એશિયન સિહોનું સ્થાન એવા ગીર પણ ફરવાનું સ્થળ છે. 12 જ્યોતિર્સિંલગ પૈકીનું સોમનાથ આસ્થાનું કેન્દ્ર છે. ગુજરાત ટૂરિઝમ વિભાગ પ્રવાસનના પ્રોત્સાહન માટે કાર્યરત છે. સાપુતારા વગેરે હિલ સ્ટેશનને વિકસાવવામાં આવી રહ્યા છે. ધાર્મિક સ્થળોને ચોખ્ખા રાખવા તથા રહેવા જમવાની સુવિધા વધારવામાં આવી રહી છે, જે પ્રવાસન ઉદ્યોગને વિકસાવવા માટે મહત્વનું પગલું છે.
કાનમાં કહું...
દિવાળી ટાણે પ્રવાસ માટે તૈયારી થવા લાગી છે. જો આ પ્રવાસ સારો અને યાદગાર કરવો હોય તો થોડી વાત જાણી લેવી.