• ચેરમેન દિલીપ સંઘાણી સામે બળવા જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે

  • ભાજપના ઈશ્ક મિજાજી નેતા મહિલાને હોદ્દો અપાવવામાં સફળ
  • બોર્ડ ઓફ ડિરેક્ટર્સને પરત કરવા પણ માગણી કરી છે

કૃષિ અર્થતંત્રમાં કરોડો રૂપિયાનું ટર્નઓવર, નફો અને મિલકતો ધરાવતા ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન- ગુજકોમાસોલમાં ચેરમેન દિલીપ સંઘાણી સામે બળવા જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે. ભાજપે હસ્તગત કરેલી કૃષિક્ષેત્રની આ સર્વોચ્ચ સંસ્થામાં 35 ડાયરેક્ટરો છે. જેમાંથી 50 ટકાથી વધુ ડાયરેક્ટરોએ ચેરમેન અને પૂર્વ કૃષિ, કાયદા મંત્રી દિલીપ સંઘાણીને મંડળીઓને ખાતર વિતરણ સિવાય કોઈ જ ખર્ચ નહી કરવા પત્ર લખ્યો છે. એટલું જ નહીં, સંઘાણી પાસે રહેલી ખર્ચ અને વહીવટી સત્તાઓ ગુજકોમાસોલના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને પરત કરવા પણ માગણી કરી છે. અચાનક આ પ્રકારની માગણી પાછળ ગુજકોમાસોલના વહીવટમાં કંઈક કાળું થઈ રહ્યાનું કહેવાય છે. જો કે, 40 લાખ ખેડૂતોની આ સંસ્થામાં બધા જ ડાયરેક્ટરો ભાજપને વફાદાર હોવાથી ખૂલીને બહાર આવવાનું ટાળી રહ્યા છે.

ચિંતન શિબિરમાં 'કોમ્પેયર' તરીકે કેટલાક IASને જ આગળ કરાયા !

કેવડિયા કોલોનીમાં ચિંતન શિબિરમાં વિવિધ ચર્ચાસત્રોના સંચાલન માટે સુરતના કલેક્ટર આયુષ ઓક, બનાસકાંઠા કલેક્ટર વરૂણ બરાનવાલ, ગાર્ગી જૈન, પ્રશસ્તિ પારીક સહિતના જુનિયર IASને 'કોમ્પેયર'નું કામ સોંપાયું હતું. ગુજરાતમાં અનેક IASમાં સભા સંચાલનનું કૌવત છે, વિષય નિપુણતા પણ છે છતાંયે ટોચના સિનિયર IASએ પોતાના માનીતા ઓફિસરોને પોલિટિકલ બિરાદરી સમક્ષ પ્રસ્તુત કરવા, એક રીતે ઈમેજ મેકિંગ માટે આમ કર્યાની ચર્ચા ટેન્ટસિટીમાંથી હવે સચિવાલયમાં શરૂ થઈ છે. અગાઉની શિબિરોમાં વિષય નિષ્ણાત અને કેડર વાઈઝના ધોરણોને આધારે IAS ઓફિસરોને ચર્ચાસત્રોનું સંચાલન સોપતું હતું. આ વેળા આવા માપદંડનો છેદ 'માનિતા' ને 'જાણિતા' કરવાના ખેલમાં ઉડાવી દેવાયો છે.

ભાજપના ઈશ્ક મિજાજી નેતા મહિલાને હોદ્દો અપાવવામાં સફળ

ભાજપના લગ્ને લગ્ને કુંવારા જેવા એક નેતા છેલ્લે ચૂંટણીઓ સમયે ચર્ચામાં આવ્યા હતા, પ્રેમિકાને ટિકિટ અપાવવામાં તેઓ સફળ થયા નહોતા, ભાજપના વર્તુળોમાં વહેતી થયેલી ચર્ચા મુજબ ભાજપના નેતા હવે એક મહિલાને કેન્દ્ર સરકારની એક બોડીમાં મહત્ત્વની જગ્યાએ સ્થાન અપાવવામાં સફળ રહ્યા છે. કાર્યકરોના દાવા પ્રમાણે સંગઠનને વિશ્વાસમાં લીધા વગર ભાજપના નેતા નિમણૂક અપાવવામાં સફળ થયા છે. પોતાના અલગ જ પ્રકારના વર્તન માટે આ નેતા જાણીતા છે, ઘણી વાર સંગઠનને તેમના કારણે નીચાજોણું જેવી સ્થિતિનો સામનો કરવો પડતો હોય છે. આગામી લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આ નેતા હવે ફરી એક વાર મેદાનમાં આવીને એક્ટિવ થવા માંડયા હોવાનો ભાજપમાં ગણગણાટ છે.

IPL મેચમાં વરસાદ : ભાજપના ધારાસભ્યો-આગેવાનોનો હાયકારો લાગ્યો !

આઈઆપીએલ ફાઈનલ ક્રિકેટ મેચના પાસ ભાજપના ધારાસભ્યો આગેવાનોને નહીં અપાતા તેઓમાં ભારે ગુસ્સો તથા નારાજગી જોવા મળી રહ્યાં છે. પક્ષના એક આગેવાને એવો છણકો કર્યો હતો કે, મોટેરા સ્ટેડિયમ બીસીસીઆઈ અને આઈપીએલના તંત્રને ભાડે અપાયું હોવાથી તેમણે સ્થાનિક ભાજપને પાસ આપવાની દરકાર લીધી નથી. પક્ષના એક ધારાસભ્યએ તો એવો ગુસ્સો ઠાલવ્યો હતો કે, ગત માર્ચમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની મેચમાં ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થની અલ્બાનીસ આવ્યા ત્યારે પક્ષના કાર્યકરો-આગેવાનોને નારા પોકારવા માટે ખાસ યાદ કરીને મોટી સંખ્યામાં પાસ અપાયા હતા અને હવે આઈપીએલ ફાઈનલ મેચ સ્ટેડિયમમાં હાજર રહી જોવી છે ત્યારે પાસ આપવાનું યાદ આવતું નથી. માની લઈએ કે, વરસાદના ગ્રહણથી ભાજપના ધારાસભ્યો-આગેવાનો મનમાં જરૂર ખુશ થયા હશે.

સ્વર્ણિમ સંકુલમાં ફાઈલો સાથે કોંગી ધારાસભ્યોના આંટાફેરા ચર્ચાસ્પદ

પંદરમી રાજ્ય વિધાનસભાની વિશેષતા એ છે કે, કોંગ્રેસના ધારાસભ્યો હવે સોમવાર-મંગળવાર દરમિયાન સચિવાલયમાં તથા સ્વર્ણિમ સંકુલ-1 અને રમાં રેગ્યુલર મોટી સંખ્યામાં ફરતા દેખાઈ રહ્યાં છે. આમાં કોંગ્રેસના વિધાનસભા પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર, મુખ્ય દંડક ચતુરભાઈ ચાવડા પણ બાકાત નથી. અગાઉ કોંગ્રેસના ધારાસભ્યો ક્યારેક સચિવોની કેબિનમાં દેખાઈ જતા, પણ મંત્રીઓની ચેમ્બરોમાં તો જવલ્લે જ દેખાતા હતા. નવી વિધાનસભામાં આ મર્યાદા તૂટી ગઈ છે. હવે તેઓ ખુલ્લેઆમ ફાઈલો સાથે ફરતાં જોવા મળી રહ્યાં છે. એક તરફ લોકોની સરકાર સામેની ફરિયાદો સાંભળવા પક્ષ દ્વારા જનમંચના નામે કાર્યક્રમો થઈ રહ્યાં છે, તો બીજી તરફ પોતાના કામો કરાવવા માટે મંત્રીઓની ચેમ્બરોમાં પક્ષના ધારાસભ્યોના આંટાફેરા ચર્ચાસ્પદ બન્યાં છે, ગત અઠવાડિયે કૃષિમંત્રી રાઘવજી પટેલની ચેમ્બરમાં કોંગ્રેસના અડધો ડઝન ધારાસભ્યો એકઠાં થયાં હતાં. એ વખતે રાઘવજી એવું કહેતાં સંભળાયા હતા કે, 'રાજકારણમાં સત્તાવગરની પાર્ટી'ના ધારાસભ્ય તરીકે રહેવું બહુ કઠિન છે, જેનો મને અનુભવ છે.

CMના સેક્રેટરીનો એક પત્ર વાંચીને સેંકડો ડે.મામલતદારો રાજીના રેડ !

મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ- ACS કમલ દયાણીને મુખ્યમંત્રીના સેક્રેટરી અવંતિકા સિંઘે એક પત્ર લખ્યો છે. જેને વાંચીને આજકાલ મહેસુલી તંત્રને ગ્રાઉન્ડ લેવલે વાઈબ્રન્ટ રાખતા નાયબ મામલતદરો રાજીના રેડ થઈ રહ્યા છે. વાત જાણે એમ છે કે, મામલતદાર, ડેપ્યુટી કલેક્ટર માટેની આ ફિડર કેડરમાં આડેઘડ, જેની જેવી પહોંચ એવુ એનું પોસ્ટિંગ એ ન્યાયે બદલીઓ થતી રહે છે. CMના સેક્રેટરીએ આ કેડરમાં આંતરજિલ્લા બદલીની પ્રક્રિયા પારદર્શી રીતે થાય તે ઉદ્દેશ્યથી ACS દયાણીને પત્ર લખીને પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગની જેમ એક 'પોર્ટલ' બનાવવા માટે મુખ્યમંત્રી વતી સૂચના આપી છે. જેથી જેમની ઉપર સુધી ખાસ કોઈ સુખ નથી એવા સેંકડો ડેપ્યુટી મામલતદારોમાં નવી આશાનો સંચાર થયો છે.

ટેન્ટસિટી ઉપર હેવી વીજ લાઈન, અનેક IAS રાતે સૂઈ શક્યા નથી

કેવડિયા કોલોનીમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે ટેન્ટ સિટી- રમાં યોજાયેલી ચિંતન શિબિર અનેક IAS માટે ચિંતાનું કારણ બની રહી છે. કારણ કે જ્યાં IAS ઓફિસરોને ટેન્ટ ફાળવાયા હતા તેની પરથી જ હેવી વીજલાઈન હતી. જ્યાં પહેલાથી જ પવનની ગતિ વધુ હોય તેવા ખુલ્લા ટેન્ટ સિટીમાં ટેન્ટની ઉપર હેવી વીજલાઈનને કારણે અનેક IAS ઓફિસરો નિરાંતની ઊંઘ પણ લઈ શક્યા નથી એવી ગોસિપ અહીં ગાંધીનગરમાં સેક્ટર-21ના બંગલાઓમાં ચાલી રહી છે.

સુરતમાં અબ્રામા કે પછી કઠોર ? આ કકળાટે નવો તાલુકો લટક્યો

14 તાલુકાઓના સુરત જિલ્લામાં વધુ એક તાલુકાને આકાર આપવા વર્ષોથી કવાયત ચાલી રહી છે. પરંતુ, સ્થાનિક રાજકીય ખેંચંતાણને કારણે આ નિર્ણય લટકી પડયો છે. દોઢેક વર્ષ પૂર્વે સુરત શહેરના કામરેજમાંથી 'અબ્રામા'ને ફરતા ગામોને સાંકળી નવો તાલુકો રચવા કાર્યવાહી શરૂ થઈ હતી. પરંતુ, હવે ત્યાંથી ફરી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા અને સીધા જ સરકારમાં રાજ્યકક્ષાના મંત્રીપદે પહોંચેલા પ્રફુલ્લ પાનસેરિયાએ 'અબ્રામા'ને બદલે 'કઠોર' ગામના નામે તાલુકો રચવા માગણી કરી છે. જેના કારણે આખેઆખંુ લેન્ડ સેટલમેન્ટ કમિશનરેટ ચકરાવે ચઢયું છે અને નવેસરથી એકડો ઘુંટી રહ્યું છે.

બોલો, ACSએ ગિફ્ટવાળા મિત્રના પુત્રને ગાંધીનગરમાં પોસ્ટિંગ આપ્યું

ચિંતન શિબિરમાં જવા સર્કિટ હાઉસમાં ભેગા થયેલા IAS ઓફિસરો વોલ્વોમાં જેવા બેઠા અને બસ પડી બંધ. એથી સૌને બીજી વોલ્વો ન આવે ત્યાં સુધી એ જ બંધ બસમાં બેસી રહેવું પડયું. કેટલાકે આવુ કેમ થયુ ? પ્રોટ્રોકોલ ઓફિસર કયા છે? પ્રિ- ટેસ્ટિંગ કેમ ન થયું? એવો ગણગણાટ કર્યો, જે છેક વડોદરા સુધી ચાલ્યો. જેમાં પ્રોટ્રોકોલ ઓફિસર તરીકે નિયુક્ત દહેગામ મામલતદાર રોનક કપૂર ભારે ચર્ચામાં રહ્યા. ગોસિપમાં એવુ બહાર આવ્યું કે પહેલા તો સૌ સ્તબ્ધ થઈ ઊઠયા અને જેવું અધિક મુખ્ય સચિવ- ACSનું નામ બહાર આવ્યું કે ચૂપ થઈ ગયા ! કહેવાય છે કે, થોડાક સમય પૂર્વે રોનક કપૂરની બદલી ગોંડલ થઈ ત્યારે ગિફ્ટ સિટીમાં ઉચ્ચપદે રહેલા પિતાએ એક ACSને ફોન કરીને એ ઓર્ડરનો અમલ રોકાવ્યો હતો. ACSએ મામલતદારને પહેલા મહેસૂલ વિભાગમાં i-ORAમાં ગોઠવ્યા, પછી પોતાની નજીકમાં જ પોસ્ટિંગ આપ્યું. દહેગામમાં હાજર થયાના પહેલા જ સપ્તાહે કપૂરના છેડા આગળની વોલ્વોમાં રહેલા ACS સુધી પહોંચ્યા હતા.

ગુજસેલઃ પાયલોટને 'પીધેલા' દેખાડવા ચૌહાણે બનાવટી કાગળો તૈયાર કર્યા ?

સરકારી એવિએશન કંપની- ગુજસેલમાં કરોડો રૂપિયાના કૌભાંડ સસ્પેન્ડેડ કેપ્ટન અજય ચૌહાણ સામે આગળની કાર્યવાહી અકળો કારણોસર સ્થગિત છે. તેવામાં વર્ષ 2015માં તત્કાલીન ગવર્નર કોહલીને લઈને હવાઈયાત્રા કરનારા બે પાયલોટ પીધેલા હોવાનો પત્ર વાઈરલ થયો છે. જેમાં રજૂ થયેલા બંને ટેસ્ટ રિપોર્ટ બનાવટી હોવાનું ખૂલતા ગુજસેલના મેનેજિંગ ડાયરેક્ટરપદેથી કાઢી મુકાયેલા કેપ્ટન અજય ચૌહાણ સામે આંગળી ચિંધાઈ છે. કહેવાય છે કે, આ બનાવટી કાગળો તૈયાર કરીને તેમણે ગુજસેલમાંથી છૂટા કરાયેલા કર્મચારી- અધિકારીઓ પાસે પત્ર વાઈરલ કરાવ્યો હતો. આ વધુ એક કાંડ પછી પણ જે તે સમયે નાગરિક ઉડ્ડયન પ્રભાગનો કારભાર સંભાળનારા અને હવે રિટાયર્ડ IAS ઓફિસરો સામે છાંટા ન ઊડે એટલે ચૌહાણ સામે પોલીસ કેસ અને ધરપકડની કાર્યવાહી ટાળ્યાનું ચિત્ર ઉપસ્યું છે.

ત્રણ દિવસ ઈ- સરકાર બંધ રહ્યુ, સચિવાલયમાં સૌને કારણ મળ્યું

ચિંતન શિબિર પછીના બીજા- ત્રીજા દિવસે સચિવાલયમાં ઈ- સરકાર બંધ થઈ ગયું હતું. મંગળવારથી ગુરુવાર એમ સળંગ ત્રણ દિવસ ઓનલાઈન ફાઈલિંગ અને તેના નિકાલની પ્રક્રિયા જ ઠપ થઈ જતા સચિવાલયમાં તો જાણે સૌને જોઈતુ'તુ અને કારણ મળ્યા જેવો માહોલ રહ્યો હતો. અધિકાંશ વિભાગોની બ્રાન્ચોમાં ટેબલો પર આ ત્રણ દિવસ ડેપ્યુટી સેક્શન ઓફિસરથી શરૂ કરીને એડિશનલ ચીફ સેક્રેટરી- ACSની શૃંખલામાં વહીવટી કામ થયુ નથી. ઈ- સરકાર કેમ બંધ રહ્યું તે અંગે સામાન્ય વહીવટ વિભાગ- ACS અને વિજ્ઞાન અને પ્રાદ્યોગિકી વિભાગે કોઈ જ ખુલાસો કર્યો નથી ! પરંતુ, વહીવટને પેપરલેસ કરવાની લ્હાયમાં કઈ હદે નુકસાનકારક નીવડી શકે છે તેનો અનુભવ આ ત્રણ દિવસમાં સૌને થયાનું કહેવાય છે.

આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજનામાં નાણાં પડાવવાનો ધંધો?

ભાજપના એસસી મોરચા સાથે સંકળાયેલા એક ધારાસભ્યે પોતાની નજીકની એક વ્યક્તિને આઉટ સોર્સિંગ મારફત નિમણૂક કરાવી હતી, ધારાસભ્યની નજીકની આ વ્યક્તિ હવે વહેલી કમાણીની તકોમાં લાગ્યા છે, ભાજપ સંગઠનના કાર્યકરોમાં ચર્ચા છે કે, ધારાસભ્યની નજીકની આ વ્યક્તિ હવે આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજનામાં સરકાર તરફથી અઢી લાખ જેટલી સહાય મળે છે તેમાં ભાગબટાઈ શરૂ કરી છે, અરજદાર પાસેથી ગરજ મુજબ નાણાં પડાવવામાં આવે છે. જે તે અરજદારોના ઘરે જઈને વેરિફિકેશનની કામગીરીમાં ગોઠવણ પાડવામાં આવે છે. કાર્યકરો કહે છે કે, ભાજપના વફાદાર કાર્યકરોના મેરિટ પ્રમાણે કામ થતાં નથી ને આર્થિક લાભ માટે રાતોરાત ભાજપમાં જોઈન્ટ થનારા જલસા કરી રહ્યા છે.

સરકારે કરોડોનું રોકાણ કર્યું છે તેવી સરકારી યુનિવર્સિટીઓ હેરાન, ખાનગી યુનિ.ઓને જલસા

રાજ્ય સરકારે લાખો-કરોડો રૂપિયાનું રોકાણ કરીને સરકારી કોલેજ અને યુનિવર્સિટીઓની સ્થાપના કરી. જેથી વિદ્યાર્થીઓને વાજબી ફીમાં ઉચ્ચ શિક્ષણ મળે. સરકારી કોલેજ અને યુનિવર્સિટીઓ માટે નિયમો ઘડયા, તેમના બજેટ બનાવ્યા, લાયકાત ધરાવતા પ્રોફેસરોની ભરતી કરી, તેને પગાર ચૂકવ્યા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ લાખોનો ખર્ચ કર્યો. છતાં આજે સ્થિતિ એ છે કે સરકારી યુનિવર્સિટીમાં ભણવા માટે કોઈ તૈયાર થતું નથી. સરકારી યુનિવર્સિટી અને કોલેજો ખાનગી યુનિવર્સિટીઓના ભોગે હેરાન થઈ રહી છે. તેમને સાંભળનાર કોઈ નથી. યુનિવર્સિટીઓ ધો.10-12ના રિઝલ્ટની રાહ જુવે, રિઝલ્ટ આવે પછી મેરિટ લિસ્ટ તૈયાર કરે પછી છેક વિદ્યાર્થીને એડમિશન આપે. તેની સામે ખાનગી યુનિવર્સિટીઓને કોઈ નીતિ-નિયમ લાગુ પડતા નથી. ગમે તે વિદ્યાર્થીને ગમે ત્યારે એડમિશન આપી દે છે. ત્યાં લાયકાત ધરાવતો સ્ટાફ પણ હોતો નથી. આજે ભણાવી શકે તેવો સ્ટાફ ફક્ત સરકારી કોલેજ અને યુનિવર્સિટીઓ પાસે જ છે. વળી સરકાર સ્કોલરશિપ પાછળ લાખો ખર્ચ કરે છે તે બધો લાભ ખાનગી યુનિવર્સિટીઓ લઈ જાય છે. આ સરકાર, શિક્ષણ અને સમાજ માટે લાંબાગાળાનું નુકસાન છે. બિલાડીના ટોપની માફક ફૂટી નીકળેલી ખાનગી યુનિવર્સિટીઓ ગમે તેટલી ફી વસૂલે છે, ગમે તે કોર્સ ચાલુ કરી દે છે. તેમના માટે કોઈ નીતિ-નિયમો નથી. સરકારી યુનિવર્સિટીઓ પાસે બધું છે છતાં તે હેરાન થાય છે, વિદ્યાર્થી મળતા નથી. બીજી બાજુ ખાનગી યુનિવર્સિટીઓને જલસા છે. વિદ્યાર્થીને ખંખેરવાનો અને તેને મળતી સ્કોલરશિપના નામે સરકારને ખંખેરવાની.

અમદાવાદની ખાનગી સ્કૂલો કાઠું કાઢી શકી નથી અને ગ્રાન્ટેડ સ્કૂલોનો મૃત્યુઘંટ વાગી ગયો

હાલમાં જ ધો.12 સાયન્સ અને ધો.10નું રિઝલ્ટ આવ્યું. હજુ ધો.12 કોમર્સનું રિઝલ્ટ બાકી છે. દરેક રિઝલ્ટ જાહેર થાય ત્યારે એક વાત ખૂંચે છે કે અમદાવાદ ક્યાંય ચિત્ર હોતું નથી. આર્થિક, સામાજિક, ધંધા-રોજગારની રીતે અમદાવાદ નંબર-1 છે પણ સ્કૂલના શિક્ષણમાં રાજ્યના અન્ય શહેરોથી ઘણું પાછળ છે. અમદાવાદ કરતા અન્ય શહેરોના એ-1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા દર વર્ષે વધુ હોય છે. બીજી તરફ શહેરમાં લાખો રૂપિયાની ફી વસૂલ કરતી સ્કૂલો શું કરે છે ? તેમાં શિક્ષકો કેવા પ્રકારના છે ? આપણા શહેરના વિદ્યાર્થીઓ શા માટે એ-1 ગ્રેડ મેળવી શકતા નથી ? તે વિશે કોઈ ચિંતન-મંથન કરતું નથી. શહેરની નામાંકિત સ્કૂલો ફી વસૂલવામાં પાવરધી છે પરંતુ અમદાવાદ કરતા પ્રમાણમાં ઘણા શહેરોના વિદ્યાર્થીઓને શા માટે આટલી મોટી સંખ્યામાં એ ગ્રેડ મળે છે ? તેની જરા જેટલી પરવા નથી. અમદાવાદ-ગાંધીનગરનું ઉચ્ચ શિક્ષણ શ્રોષ્ઠ છે તેમાં શંકાને જરા પણ સ્થાન નથી. પરંતુ સ્કૂલનું નહીં. વર્ષો પૂર્વે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ખાનગી સ્કૂલોને ભરપુર માત્રામાં મંજૂરી આપવામાં આવી પરંતુ અમદાવાદમાં ગ્રાન્ટેડ સ્કૂલોને યથાવત રહેવા દીધી અને ખાનગી સ્કૂલોને ઓછી વિકસવા દીધી. આજે સ્થિતિ એવી બદતર થઈ છે કે અમદાવાદની ખાનગી સ્કૂલો કાઠું કાઢી શકી નથી અને ગ્રાન્ટેડ સ્કૂલોનો મૃત્યુઘંટ વાગી ગયો છે તેવો વસવસો શિક્ષણ જગતમાં પ્રવર્તી રહ્યો છે.

ડીજી હોય એવો રૂઆબ મારતા મહિલા IPSથીથી કર્મીઓ જ નહીં અનેક સિનિયર IPSથી પણ નારાજ

રાજ્યના એક મહાનગરમાં ફ્રજ બજાવતા મહિલા આઇપીએસ પોતાની મનમાનીને લઈને જાણીતા બન્યા છે. આ મહિલા આઇપીએસ સ્વભાવે ગુસ્સે છે તેઓ ફ્રમાન કરે તે કામ જો કોઈ કર્મી ન કરે તો રુદ્ર રૂપ ધારણ કરી દઈને પોતે રાજ્ય પોલીસ વડા હોય તેમ સમજીને કર્મીને ખખડાવી દે છે. આટલું જ નહીં, અનેક સિનિયર આઇપીએસ આ મહિલા આઇપીએસને ફેન કરે તો તેઓ રિસીવ કરતા નથી. જેના કારણે આ આઇપીએસથી અનેક સિનિયર અધિકારીઓ નારાજ છે. આ ઉપરાંત, આઇપીએસ પોતાને ઈમાનદાર બતાવવા અવનવા નાટકો કરતા હોવાનું પોલીસબેડામાં ચર્ચાઈ રહ્યું છે.


  • Follow us on: