• લોકોના અભિપ્રાય ઉપર ટકેલું અસ્તિત્વ ક્યારેય સુખ આપી શકે નહીં

  • સુખી થવું એ કાંઈ ગુનો નથી
  • અમુક લોકો પાસે ગમે તેટલું હોય છતાં પણ એ દુઃખી જ દેખાતાં હોય છે

જેટલું નક્કર સત્ય જન્મ અને મૃત્યુનું છે બસ એટલું જ નક્કર સત્ય સુખ અને દુઃખનું પણ છે. સુખ આ એક એવો શબ્દ છે જે સાંભળવા માટે માણસ આખું જીવન દોડતો રહે છે. યાદ રહે માત્ર સાંભળવા માટે જ, અનુભવવા માટે નહીં ! કદાચ નવાઈ પમાડે એવી વાત છે પણ આ જ હકીકત છે. આપણે બધા જ સતત સુખને શોધતા ફ્રીએ છીએ. જાણે સુખ નામનો કોઈ ભૌતિક પદાર્થ હોય અને એ મળી જાય એટલે આખું જીવન સુખમય બની જાય ! એક ભ્રામક ખોજ માણસને સતત દોડતો રાખી રહી છે. સુખી થવું એ કાંઈ ગુનો નથી. દુનિયાનો દરેક માણસ પોતે સુખી થાય એવી ઈચ્છા રાખતો જ હોય છે, જો કે એમાં કશું ખોટું પણ નથી. ઈચ્છા પણ રાખવી જોઈએ અને એ માટે પ્રયત્ન પણ કરતા રહેવું જોઈએ. પરંતુ પ્રયત્ન યોગ્ય દિશામાં થવા જોઈએ. ક્યારેક વિચાર્યું કે દુનિયામાં કેમ આટલા બધા લોકો દુઃખી છે. અલબત્ત, દુઃખી દેખાવું અને દુઃખી હોવું એ બે બાબતમાં જમીન-આસમાનનો ર્ફ્ક છે. અમુક લોકો પાસે ગમે તેટલું હોય છતાં પણ એ દુઃખી જ દેખાતાંહોય છે. સતત તણાવમાં, સતત પીડામાં જ જણાતા હોય છે. કોણ જાણે કેમ એમને હાસ્ય, પ્રસન્નતા સામે શું વાંધો છે ! મૂળ વાત ઉપર પાછા આવીએ કે, સુખ હોય કે દુઃખ એ જોવાનો, સાંભળવાનો વિષય નથી એ તો અનુભવવાનો વિષય છે. માણસ સુખી છે કે દુઃખી એ એની પરિસ્થિતિના આધારે નહીં બલકે એ પોતાની પરિસ્થિતિને કયા દૃષ્ટિકોણથી જોવે છે સાથે એ પરિસ્થિતિમાં શું અનુભવે છે એના આધારે નક્કી થાય છે. ઘણી વખત એવું બને છે કે આપણને લાગતી દુઃખી વ્યકિત ખરેખર દુઃખી ન પણ હોય. આપણે જે રીતે વિચારીએ છીએ એ રીતે એ ન પણ વિચારતી હોય એટલે કદાચ એ સુખી પણ હોય. ટૂંકમાં, સુખ અને દુઃખનો બધો આધાર માણસની અનુભૂતિ ઉપર જ છે. જે અંધારી રાત સામાન્ય માણસને ડરામણી લાગે છે એ જ અંધારી રાત ચોર માટે તક ઊભી કરતી હોય એવું લાગે છે.

 આટલી ચર્ચા પછી એટલું તો નક્કી થાય છે કે સુખી રહેવું કે દુઃખી એ માણસના પોતાના હાથમાં છે. દુનિયામાં કોઈ માણસ બીજા માણસને સુખી નથી કરી શકતો એમ જ એ દુઃખી પણ નથી કરી શકતો. વ્યક્તિની માનસિકતા જ એને સુખી અને દુઃખી કરી શકે છે. આગળ કહ્યું એમ સુખ અને દુઃખ એ ચર્ચાનો વિષય નથી એ તો અનુભૂતિનો વિષય છે. એ રીતે જોવા જઈએ તો આ વિષયના સંદર્ભે મારું આ લખવું અને તમારું વાંચવું એ પણ નિરર્થક જ ગણાય. પરંતુ આ બધાની વચ્ચે મારે સમસ્યાનાં મૂળમાં જવું છે અને એ સમસ્યાનું મૂળ એટલે અન્યનો અભિપ્રાય. હા, બીજાનો અભિપ્રાય. ક્યાંક ને ક્યાંક ઓછાવધતે અંશે આપણા સુખની ચાવી આપણે બીજાનાં હાથમાં આપી દેતા હોઈએ છીએ. આપણા સુખનો આધાર એમના એપ્રૂયલ ઉપર હોય છે. સામેવાળી વ્યકિતને ગમશે કે નહીં, સામેવાળી વ્યકિત આપણા માટે શું વિચારશે બસ આવી બાબતો માણસને માનસિક ગુલામ બનાવી દેતી હોય છે. પરિણામે માણસ પોતાના અભિપ્રાયને બાજુએ રાખી લોકોનાં અભિપ્રાય માટે ક્યારે જીવતો થઈ જાય છે એ એને જ ખબર નથી રહેતી ! આ સંદર્ભમાં અમેરિકન લેખક જોન પૉવલે ધારદાર વાત કહેલી. એમણે કહેલું કે, 'આખી દુનિયામાં કેવળ એક જ માણસ તમને સુખી કરી શકે છે અને તે માણસ તમે જાતે છો માણસને સુખી કરનાર બાબત કોઈ સાધનસંપત્તિ નથી. કોઈ બીજા માણસો પણ નથી. તમને સુખી કરનાર માણસ તમે જાતે જ છો.' કેટલી અદ્ભુત વાત ! આટલું વાંચ્યા પછી સુખ અંગેના મોટિવેશનની લાંબીલચક કોઈ જ ચોપડી વાંચવાની જરૂર લાગતી નથી. બસ, જોન પૉવલની વાતને બરાબર સમજવાની જરૂર છે.

 જોન પૉવલની વાત બે બાબતો ઉપર મુખ્ય ભાર મૂકે છે. એક તો, માણસ પોતે જ પોતાની જાતને સુખી કરી શકે છે. સુખી થવાનો બધો આધાર પોતાની જાત ઉપર જ છે. લોકોના અભિપ્રાય ઉપર ટકેલું અસ્તિત્વ ક્યારેય સુખી નહીં રહી શકે. લોકોનું તો શું છે આજે કંઈક જુદો અભિપ્રાય અને કાલે કંઈક જુદો. લોકોના અભિપ્રાયો બદલાતા રહેવાના. જો બીજાનાં એપ્રૂવલ ઉપર તમારા સુખનું, તમારા હાસ્યનું અસ્તિત્વ ટકેલું હોય તો તમે ચોક્કસ એક ખોટી દિશામાં જઈ રહ્યાં છો. આ દિશા તમને ક્યારેય સુખ ન અપાવી શકે. માણસ આવ્યો પણ એકલો અને આ પૃથ્વી ઉપરથી જશે પણ એકલો. એની સાથે કશું જ નથી આવવાનું. લોકોનાં એ અભિપ્રાયો પણ નહીં આવે જેને આધારે એ આખું જીવન જીવે છે. સારીનરસી તમામ વાતો અહીં જ રહી જશે. અરે, એ લોકો પણ સાથે નહીં આવે જેણે આખી જિંદગી અભિપ્રાયો આપ્યા છે. તો પછી વિચારવાનું જ શું, ઓશો કહે છે એમ જો જીવન આપણું હોય તો એને જીવવાની જવાબદારી પણ આપણી જ છે. કેવી રીતે જીવવું એ આપણે નક્કી કરવાનું છે. કોઈના ઈશારે જીવવું એ તો પાર્ટટાઈમ મૃત્યુ જેવું છે. 'તમે તમારી સાથે જોડાયેલા બધા જ માણસોને કયારેય ખુશ રાખી શકવાના નથી' આ નગ્ન સત્યને બરાબર સમજી લેવા જેવું છે. જો આ સત્યનો સ્વીકાર કરશો તો જીવન સરળ બની જશે. સતત બધાને ખુશ રાખનાર વ્યકિત આખરે થાકી જતો હોય છે અને એકલો પડી જતો હોય છે. માણસે પોતે જ સુખી થવું પડે છે. યાદ રહે, બીજાના અભિપ્રાયો તમને સુખી કે દુઃખી કરી શકતા હોય તો એમાં વાંક સામેવાળાનો નથી, સંપૂર્ણ વાંક તમારો છે. કારણ કે કોની કેટલી વાતને આપણા મગજ અને હ્રદય સુધી આવવા દેવી એ તો આપણે નક્કી કરવાનું હોય ને. સતત નકામી વસ્તુ જ જો ભરતા રહીશું તો આપણું મગજ ઊકરડો સાબિત થશે.

બીજી વાત સાધનસંપત્તિની છે. આપણે બધા જ એક આભાસી વિચારમાં રમતા રહીએ છીએ. આપણે બધા જ સગવડને સુખ માની બેઠા છીએ. ભૌતિક સગવડ એ સુખનો માપદંડ બની ગયો છે. ગાડી, બંગલા અને થોડા પૈસા ધરાવનાર વ્યકિત સુખી છે એવું ધારી લેવામાં આવે છે. પદ, પ્રતિષ્ઠા અને પૈસો જો સુખનો આધારસ્તંભ હોય તો આ દુનિયામાં ઘણાબધા લોકો સુખી હોત. સાધનસંપત્તિ તમને જીવવા માટે સગવડ કરી આપે છે પરંતુ સુખી થવા માટેની જગ્યા નહીં કરી આપે. સુખી તો આપણે પોતે થવું પડે છે. વાસ્તવમાં તો ઊલટી ગંગા વહે છે. આપણે સગવડ ઊભી કરવામાં એટલા દોડતા થઈ જઈએ છીએ કે જીવવાનું જ ભૂલી જઈએ છીએ અને બને છે એવું કે હજી આપણે ધારેલી સગવડ ઊભી કરી જ રહ્યા હોઈએ ત્યાં તો તે સાધન આઉટ ઓફ્ ડેટ થઈ ગયું હોય છે. એટલે નવી સગવડ અને પાછી નવી દોડ. વધુમાં પેલો સાપેક્ષતાનો નિયમ પણ અસર કરે છે. ઘણીવાર એવું થાય છે કે આપણી પાસે કોઈ સાધનસંપત્તિ ન હોય એનું દુઃખ નથી હોતું પરંતુ એ સંપત્તિ અન્ય પાસે છે એનું દુઃખ હોય છે. ઈર્ષા આપણા માહ્યલાને ટકવા નથી દેતી અને ફ્રી એક દોડ શરૂ થાય છે અન્ય પાસે જે છે તે પોતે મેળવવાની. આમ જોવા જઈએ તો આનો કોઈ અંત જ નથી. માણસ સતત અંદરને અંદર ફ્સાતો જ જાય છે. દરેક સાથે આવું જ થતું આવ્યું છે અને ભવિષ્યમાં પણ આવું જ થતું રહેશે. જ્યાં સુધી માણસ સગવડને સુખ માની લેશે ત્યાં સુધી આ ચક્ર ચાલતું જ રહેશે. જૉન પોવલનું ચિંતન સચોટ છે. એમના મતે માણસને સુખી થતાં બે જ બાબતો અટકાવી શકે છે. એક કે, બીજા શું કહેશે એવું સતત વિચારીને જીવવાની ટેવ અને બીજું ભૌતિક સગવડમાંથી સુખ શોધવાની ટેવ.

 જો કે આ બધી તો એક તરફ્થી વાત થઈ. અંતે બધો આધાર તો માણસના પોતાના ઉપર જ છે. નકારાત્મકતા છોડી ઈશ્વરે આપણી જીવન નામની આ અનમોલ ભેટનો સ્વીકાર કરી જીવનને ઉત્સવની જેમ ઊજવી લેવામાં જ મજા છે.


  • Follow us on: