- 8 પૂર્વ નૌકાદળના અધિકારીઓને સજામાં રાહત
ભારતની વિદેશનીતિ અને કૂટનીતિનો સિતારો આજકાલ ચમકી રહ્યો છે. યૂક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધ વખતે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાનો મુદ્દો હોય કે સપ્લાય ચેનને ચાલુ રાખવાની વાત હોય કે પછી યૂક્રેન અને રશિયા પાસેથી અન્ય ચીજવસ્તુઓ ખરીદવાની વાત હોય, અમેરિકાના ભારે દબાણ છતાં ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાનું ચાલુ રાખ્યું છે. ભારત કોઈના દબાણને વશ થયું ન હતું અને થશે પણ નહીં. કોરોના વખતે અનેક સમસ્યાઓ તેમજ પડકારો વચ્ચે ભારતે ગરીબ દેશોને દવાઓ તેમજ વેક્સિનનો વિપુલ જથ્થો પૂરો પાડીને તેની ફ્લેક્સિબલ વિદેશ નીતિનો ચમકારો દર્શાવ્યો હતો. તાજેતરમાં હમાસ અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધમાં પણ ભારતે મક્કમપણે ઈઝરાયેલને ટેકો આપ્યો છે. તમામ પ્રકારના આતંકવાદનો તે વિશ્વફલક પર વિરોધ કરતું આવ્યું છે. તાજેતરમાં ભારતની કૂટનીતિનો કતારમાં પણ વિજય થયો છે. કતારમાં કાર્યરત ભારતનાં 8 પૂર્વ નૌકાદળના અધિકારીઓને ફાંસીની સજા ફરમાવવામાં આવી હતી. ભારતે તત્કાળ તેનો અમલ રોક્યો હતો. પીએમ મોદી દ્વારા આ મામલો કતારના શેખ તેમજ સત્તાવાળાઓ સમક્ષ ઉઠાવવામાં આવ્યો હતો. ભારતીયોની ફાંસીની સજાને આજીવન કારાવાસમાં ફેરવવામાં આવી હતી. આમ ભારતની સફળ કૂટનીતિ અને વિદેશનીતિને કારણે 8 જિંદગીઓ ફાંસીનાં માંચડે લટકતા બચી ગઈ છે. કતારમાં કામ કરવા ગયેલા ભારતનાં 8 પૂર્વ નૌકાદળના અધિકારીઓને કતારની કોર્ટે કયા કારણોથી ફાંસીની સજા ફરમાવી હતી તેના કારણોનો હજી સુધી ખુલાસો કરવામાં આવ્યો નથી. તેમની પર કયા આરોપો લગાવાયા છે? તેમની વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા છે કે કેમ? તેની પણ કતાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી નથી. આવા સંજોગોમાં સજા પામેલા અધિકારીઓના પરિવારની હાલત કેવી થઈ હશે તે વિચારવા જેવું છે. એવું જાણવા મળે છે કે ફાંસીની સજાના આરોપી નૌકાદળનાં 8 અધિકારીઓ સામે ઈઝરાયેલ માટે જાસૂસી કરવાનો આરોપ હતો. હવે આ આરોપોને લગતા પુરાવા વિના નિર્દોષ ભારતીયોને ફાંસીની સજા કેવી રીતે ફરમાવવામાં આવી તે પણ પેચીદો મુદ્દો છે. ભારત સરકારે જો આ મામલો કતારના શેખ સમક્ષ ઉઠાવ્યો ન હોત તો પીડિત અધિકારીઓની શું હાલત થઈ હોત તે સમજી શકાય છે. કતારના સત્તાવાળાઓને આ કેસમાં મોડેમોડે તેમની ભૂલનો અહેસાસ થયો હશે જેથી ભારત સાથે શીંગડા ભેરવવાને બદલે સજામાં રાહત આપવાનું યોગ્ય લેખ્યું હશે તેવું માની શકાય. સજામાં રાહત પછી હવે ભારતનાં આ 8 પૂર્વ નૌકાદળ અધિકારીઓને બાકીની સજા ભોગવવા ભારત મોકલવામાં આવે તો ભારતની બીજી એક મોટી જીત થયેલી ગણાશે.










