- યુવાશક્તિ : 2022માં યુકેને પાછળ રાખી ભારત વિશ્વનું પાંચમું મોટું અર્થતંત્ર બની ગયું છે
- મુક્ત વેપાર કરારથી વૈશ્વિક બજારમાં ભારતની પકડ મજબૂત બનશે
- શિક્ષણ સાથે સીધી રીતે સંકળાયેલા લોકોની માનસિકતા અને અભિગમ બદલવાની પણ જરૂર
વિશ્વમાં સૌથી વધુ યુવાનો ભારત પાસે છે. જે ભારતની સૌથી મોટી તાકાત છે. આવનારા સમયમાં યુવાનોની ક્ષમતા અને કૌશલ્ય પર ભારત વિશ્વમાં મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કરી શકશે. યુવા દેશ ગણાતા ભારતમાં જો યુવાનોને યોગ્ય શિક્ષણ, તાલીમ અને ધંધા-રોજગારમાં પૂરતી તકો મળે તો ભારતને મહાસત્તા બનતા કોઈ રોકી શકે તેમ નથી. ભારત હવે બદલાતી દુનિયાના કેન્દ્રમાં રહેવાનું છે. ત્યારે યુવાશક્તિ જ મહત્ત્વનું પરિબળ રહેનાર છે. સ્વામી વિવેકાનંદજીના વિચારોથી યુવાનોને પ્રેરિત કરવા માટે દેશભરમાં 12મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમનું આયોજન થાય, યુવાનોને યોગ્ય દિશા આપવામાં આવે તથા યુવાનો રાષ્ટ્રની ખરી તાકાત બને તે રીતે તેનું શિક્ષણ અને ઘડતર થાય તે માટે સક્રિય અને જવાબદારીપૂર્વક પ્રયાસ કરવાનો આ શ્રોષ્ઠ સમય છે.
યુવાનો રાષ્ટ્રની મૂડી છે. તેને સશક્ત અને ઊર્જાવાન બનાવવા માટે પ્રયાસ થાય તથા જાગૃતિ આવે તે માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘ તરફથી ઈ.સ.1985ના વર્ષને આંતરરાષ્ટ્રીય યુવા વર્ષ જાહેર કરવામાં આવ્યું હતું. આ વર્ષે સમગ્ર વિશ્વમાં યુવા વર્ષની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમો અને યુવા જાગૃતિ માટે વિવિધ ઘોષણા કરવામાં આવી હતી. ભારતે પણ સ્વામી વિવેકાનંદજીના જન્મદિવસે દર વર્ષે 12 જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા દિન તરીકે ઉજવણી કરવાની ઘોષણા કરી હતી. 1985થી દર વર્ષે ભારતમાં 12મી જાન્યુઆરીએ યુવા સંમેલનો તથા યુવાનોને પ્રોત્સાહિત કરવા વિવિધ કાર્યક્રમો સાથે રમતગમત અને સ્પર્ધાઓનું દેશભરમાં આયોજન કરવામાં આવે છે. પરંતુ ખુદ યુવા વર્ગ આ બાબતમાં નિરુત્સાહી હોય તેમ લાગે છે. યુવાનોને જગાડવાની જરૂર છે. આ બાબતમાં કોલેજો અને સંસ્થાઓ થોડું ચિંતન કરે અને યુવાનોને પરીક્ષા સિવાયની અન્ય પ્રવૃત્તિઓમાં રસ લેતાં કરવાની જરૂર છે. યુવાનોને સારા જાગૃત નાગરિક બનાવવાની જરૂર છે.
સ્વામી વિવેકાનંદનું એક વાક્ય સર્વત્ર જાણીતું છે. શાળા-કોલેજોની દીવાલ ઉપર પણ તે જોવા મળે છે તે 'ઊઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી લાગ્યા રહો' આ માત્ર શબ્દો નથી જેમણે જીવનમાં કંઈક કરી દેખાડવું છે તેના માટે જીવન મંત્ર છે. યુવાનો માટે એ 'ગુરુમંત્ર' છે.. ખરેખર જવાબદાર યુવાપેઢી તૈયાર કરવા માટે સતત પ્રયાસની જરૂર પડે તેમ છે. આજના વિદ્યાર્થીઓમાં કંઈક ઘટે છે તેવું લાગે છે. આજના મોટાભાગના યુવાનોનું સારું આરોગ્ય નથી.. તેમનામાં એકાગ્રતા ઓછી છે. જીવનમાં કંઈક બનવાનું સ્વપ્ન નથી તે ચિંતાનો વિષય છે. સ્વપ્ન નથી એટલે જીવનનું કોઈ લક્ષ નથી. લક્ષ વગરનું યુવાધન મૂડી નહીં પરંતુ દેશ માટે બોજ બની જાય છે. એટલે સારા રાષ્ટ્રના નિર્માણ માટે સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર-સુવિધાઓ કરતા યુવાશક્તિની કેળવણીને અગ્રતા આપવાની જરૂર છે.
ભારતની યુવા વસતી દેશની અર્થવ્યવસ્થાને ગતિ આપશે. ભારતની ઇકોનોમી આજે 3.47 ટ્રિલિયન ડોલર છે. આજે ચીનની ઇકોનોમી 18 ટ્રિલિયન ડોલર છે. પરંતુ ચીનની વસતી વૃદ્ધ થઈ રહી છે. તેથી તેના ઇકોનોમિક ગ્રોથમાં ઘટાડો થયો છે. હાલમાં ભારતમાં લોકોની સરેરાશ ઉંમર 28 વર્ષની છે. જ્યારે ચીનની સરેરાશ ઉંમર 39 વર્ષની છે. જેનાથી ભારતની સરેરાશ ઉંમર 11 વર્ષ ઓછી છે. આ વધતા વર્કફોર્સ (યુવા વર્ગ)ને કારણે આવનારા 10 વર્ષમાં ભારતનો વિકાસદર 6.5 ટકા જ્યારે ચીનમાં તેનો વિકાસદર 3.6 ટકા રહી શકે છે. આમ ભારત તેની યુવા વસતીને કારણે મજબૂત અર્થતંત્ર ધરાવે છે. આવનારો સમય ભારત માટે ખૂબ મહત્ત્વનો બની રહેશે.
ભારત વિદેશી કંપનીઓ માટે મોટું વર્કિંગ હબ બની રહ્યું છે. 2020માં વર્ક ફ્રોમ ઇન્ડિયા મોડલથી 43 લાખથી વધુ લોકોને રોજગારી મળી છે. એક અંદાજ મુજબ 2030 સુધીમાં આઉટસોર્સિંગનો બિઝનેસ રૂપિયા 14 લાખ કરોડ રૂ. પહોંચે તેમ લાગે છે. તેનો સૌથી વધુ લાભ ભારતને થશે અને તેમાંય ભારતના કૌશલ્યવાન યુવાનો મહત્ત્વની ભૂમિકા ભજવશે. મુક્ત વેપાર કરારથી વૈશ્વિક બજારમાં ભારતની પકડ મજબૂત બનશે. ભારત વૈશ્વિક શક્તિ બની આગળ વધશે. વિશ્વ બેન્કનો અંદાજ છે કે, ભારતનો વિકાસદર 6.9 ટકાની નજીક રહી શકે છે. 10 વર્ષ પહેલાં ભારતનું અર્થતંત્ર 11માં સ્થાને હતું. જે 2022માં યુકેને પાછળ રાખી ભારત વિશ્વનું પાંચમું મોટું અર્થતંત્ર બની ગયું છે. IMFના અનુમાન મુજબ ભારત 2028 સુધીમાં જર્મની અને જાપાનને પાછળ રાખીને દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની શકે તેમ છે. તે દિશામાં ગતિ છે. પરંતુ દેશના યુવાનો મહત્ત્વનો રોલ ભજવે તે જરૂરી છે. દેશની 50 ટકા વસતી 28 વર્ષથી નાની છે. તેને અવગણી શકાય જ નહીં. તેના યોગ્ય શિક્ષણ અને ઘડતર માટે દેશમાં નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિનો અમલ શરૂ થયો છે. આ નવી શિક્ષણનીતિથી શિક્ષણ પદ્ધતિ અને અભ્યાસક્રમમાં મોટો ફેરફાર આવી રહ્યો છે. યુવાનોને રોજગારલક્ષી શિક્ષણ જીવનમૂલ્ય અને નોકરી-વ્યવસાયને લાયક બને તે બાબતે નવી પોલિસીમાં ભાર આપવામાં આવ્યો છે.
આજના મોટાભાગના યુવાનો દેખાદેખીમાં જીવે છે. કારકિર્દી ઘડવા માટે ગંભીર નથી. ખોટા આદર્શ અને વ્યસનને કારણે બરબાદીના રસ્તે છે. આત્મવિશ્વાસનો અભાવ છે. જીવન વ્યવહારમાં વિવેક જોવા મળતો નથી. આ ચિંતાનો વિષય છે. સ્વામી વિવેકનંદજીના મતે 'યુવાન તંદુરસ્ત હોવો જોઈએ.' આજના યુવાનો ફિટ નથી. શરીરે નબળા અથવા જાડિયા (ચરબી) છે. પરિણામે ભણવામાં એકાગ્રતા લાવી શકતા નથી. તેથી આજનો યુવાન સતત ટેન્શનમાં હોય તેમ લાગે છે. ઘણા યુવાનો આવા સતત ટેન્શનને કારણે ડિપ્રેશનનો ભોગ બને છે. આત્મહત્યાના બનાવો પણ વધી રહ્યા છે તે સારી નિશાની નથી.
માત્ર 39 વર્ષના ટૂંકા જીવનમાં (1863થી 1902)માં સ્વામી વિવેકાનંદજી એ દેશ અને દુનિયાને ભારતીય સંસ્કૃતિની વિશેષ ઓળખ આપી છે. સ્વદેશ પ્રેમ કેવો હોવો જોઈએ તે વિવેકાનંદજીના જીવનમાંથી શીખવા મળી શકે તેમ છે. યુવાનોમાં સુષુપ્ત શક્તિઓ પડી છે પરંતુ તેમણે આળસ, પ્રમાદ કે માનસિક નકારાત્મકતા છોડવી પડશે. આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે, યુવાન બળવાન, બુદ્ધિવાન અને આશાસ્પદ હોવો જોઈએ.
બીજી તરફ બાળકના ઘડતરમાં માતા-પિતા-પરિવારે સમય પ્રમાણે કાળજી લેવી જોઈએ તેવી લઈ શક્તા નથી.. અથવા તો લેતા નથી. વિદ્યાર્થીઓ-યુવાનોમાં આવતા નવા વિચારોના સ્વાગત કરવા માટે એક વ્યવસ્થાની જરૂર છે. નવી પેઢીમાં જો વાંચન વધે... આરોગ્યની કાળજી રાખવામાં આવે. રાષ્ટ્રભાવનાનું સિંચન થાય, દીર્ઘદૃષ્ટિ ખીલે અને માણસ તરીકે લાગણીથી ધબકે તો ભારતને મહાસત્તા બનતા કોઈ રોકી શકે તેમ નથી.
આજના યુવાનો ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રે વધુ રસ લઈ રહ્યા છે. જેમનું વાંચન છે અને ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરે છે તેવા યુવાનો વિવિધ ક્ષેત્રે શ્રોષ્ઠ પ્રગતિ કરી રહ્યા છે. વિશ્વભરમાં ભારતના કૌશલ્યવાળા યુવાનોની માંગ પણ છે. મોટી સંખ્યામાં યુવાધન દેશ છોડી રહ્યા છે. હવે સામાન્ય પરીક્ષા આપતી શિક્ષણવ્યવસ્થાને બદલે સ્કિલ્ડ બેઝ શિક્ષણ માટે શિક્ષણવ્યવસ્થામાં મોટા પરિવર્તનની જરૂર છે. માત્ર શિક્ષણનીતિ બદલવાથી પરિણામ મળી શકે તેમ નથી. શિક્ષણ સાથે સીધી રીતે સંકળાયેલા લોકોની માનસિકતા અને અભિગમ બદલવાની પણ જરૂર છે. તો જ યોગ્ય યુવાફોર્સ તૈયાર કરી શકાશે.. જે ભારતની ખરી તાકાત બની શકે તેમ છે. આ તક ચૂકી જવાશે તો ભારતનો સુવર્ણયુગ ફરી પાછો ક્યારેય નહીં આવે.
કાનમાં કહું...
વસતી નિયંત્રણ માટે કઠોર પગલાં ભરવામાં આવશે તો દેશ અમીર બનતા પહેલાં વૃદ્ધ બની જશે.'