- અમેરિકા શું પુરવાર કરવા માંગે છે
આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા અંગેનાં અમેરિકાના પંચ (USCIRF) દ્વારા ધાર્મિક સ્વતંત્રતાના મામલે ભારતને વિશેષ ચિંતાજનક દેશ જાહેર કરવામાં આવ્યો છે અને તેનાં પર પ્રતિબંધ લગાવવાની ભલામણ કરવામાં આવી છે. અમેરિકા ભારત પર આવા વાહિયાત અને બેહૂદા આક્ષેપો કરીને શું પુરવાર કરવા માંગે છે તે સમજાતું નથી. કેનેડાએ ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યામાં ભારતનાં એજન્ટની સંડોવણીનાં આક્ષેપો કર્યા તો તે વખતે પણ રાજકીય અને કૂટનીતિક તટસ્થતા જાળવવાને બદલે અમેરિકા વચ્ચે કૂદી પડયું હતું અને આ મામલે તપાસ કરવા ભારત પર દબાણ કર્યું હતું. હવે જ્યારે આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતાની વાત આવી ત્યારે પણ ભારત પર માછલા ધોવાની તક ઝડપી લીધી છે. અમેરિકાને ખ્યાલ હોવો જોઈએ કે ભારત હવે કોઈનાં દબાણમાં કે શેહ શરમમાં આવવાનું નથી. બીજી એક વાત મહત્ત્વની છે કે કાચનાં ઘરમાં રહેતા લોકોએ કોઈના ઘર પર પથ્થરો ફેંકતા પહેલાં બે વખત વિચાર કરવો જોઈએ કે તેઓ કઈ સ્થિતિમાં રહે છે. વિશ્વમાં અમેરિકા સહિત અનેક દેશો એવા છે કે જ્યાં ધાર્મિક સ્વતંત્રતાનાં નામે લોકોનું શોષણ કરવામાં આવે છે. ધર્મ પરિવર્તન માટે લોકો પર દબાણ કરવામાં આવે છે. વંશીય હુમલા કરવામાં આવે છે. અમેરિકાએ પહેલા પોતાનાં ઘરમાં ડોકિયું કરવાની અને પછી જગત જમાદાર બનવાની જરૂર છે. ભૂતકાળમાં પણ USCIRF આવા ડીંડવાણા કરી ચૂક્યું છે અને ભારતને કઠેડામાં ઊભા કરવાનો નિષ્ફળ પ્રયાસ કરી ચૂક્યું છે. USCIRFનો આ વખતનો રિપોર્ટ અધકચરી વાતોને આધારિત છે જેમાં કોઈ નક્કર હકીકતો નથી કે નક્કર પુરાવા નથી. ક્યાંય સત્યતાની પુષ્ટિ પણ કરવામાં આવી નથી. નિજ્જર હત્યાકાંડ અને અમેરિકામાં જ આશરો લઈને તેનાં સહારે જીવતા બીજા ખાલિસ્તાની ઉગ્રવાદી ગુરપતવંત પન્નુની હત્યાનાં કાવતરામાં ભારતીયની કથિત સંડોવણીનો આરોપ લગાવીને ભારત વિરોધી તત્ત્વોને અમેરિકા ટેકો આપી રહ્યું છે. USCIRF દ્વારા આ મુદ્દાઓને પકડીને ફરી ભારત પર વાહિયાત આક્ષેપો કરાયા છે. અમેરિકાની સરકારે રિપોર્ટની સત્યતા તપાસ્યા વિના ભારતને સાણસામાં લેવાની નાપાક હરકત કરી છે. અમેરિકાના આયોગે છેલ્લા ત્રણ વર્ષનાં રિપોર્ટમાં ભારત વિરુદ્ધ ઝેર ઓકવાનું કામ જ કર્યું છે. ભારત સરકારે તો આ રિપોર્ટને ફગાવી દીધો છે પણ આ વખતે અમેરિકા અહેવાલની ખરાઈ કર્યા વિના તેમાં કૂદી પડયું છે જે આૃર્યજનક છે. આમાં ક્યાંકને ક્યાંક અમેરિકાનો ભારત સામેનો પૂર્વગ્રહ બહાર આવી ગયો છે. ભારતીય મૂળનાં પાંચ અમેરિકન સાંસદોએ તો ત્યાં સુધી કહી દીધું છે કે આ પ્રકારનાં ડુંભાણા ચાંપવાથી ભારત અને અમેરિકા વચ્ચેનાં સંબંધોમાં કડવાશ ફેલાઈ શકે છે. રિપોર્ટની સત્યતાને કોરાણે મૂકીએ તો એવું લાગી રહ્યું છે કે ભારત અને અમેરિકા વચ્ચેનાં સૌહાર્દપૂર્ણ ગાઢ સંબંધોમાં કોઈ પલિતો ચાંપવા માંગે છે.










