કૃષ્ણકાંત ઉનડકટ


  • રશિયા અને યૂક્રેન વચ્ચે ભારતની મહત્વની ભૂમિકા
  • રશિયાના વિદેશ પ્રધાન ગુરુવારે ભારતની મુલાકાતે
  • વિદેશ પ્રધાન એસ. જયશંકર સાથે કરી શકે છે ચર્ચા

આખી દુનિયામાં અત્યારે એક સવાલ ચર્ચાઇ રહ્યો છે કે, શું રશિયા અને યૂક્રેન વચ્ચે સમાધાનનો યશ ભારતના નસીબમાં લખાયેલો છે? આપણા દેશમાં છેલ્લા થોડા દિવસોથી જે ગતિવિધિઓ ચાલી રહી છે એ એવો નિર્દેશ કરે છે કે, રશિયા અને યૂક્રેન વચ્ચે ભારતની ભૂમિકા મહત્વની બની ગઇ છે. રશિયાના વિદેશ પ્રધાન સરગેઇ લાવરોવ ગુરુવારે ભારતની મુલાકાતે આવ્યા છે. તેઓ બે દિવસ ભારત રોકાવાના છે. ભારતીય મૂળના અને અમેરિકન સરકારમાં ઇન્ટરનેશનલ ઇકોનોમિકસ વિભાગના નાયબ રાષ્ટ્રીય સલાહકાર દલિપસિંહ સૌંદ ભારતની બે દિવસની મુલાકાતે આવી ગયા. બ્રિટન અને જર્મનીના પ્રતિનિધિએ પણ ભારતની મુલાકાત લીધી. આપણા વિદેશ પ્રધાન એસ. જયશંકરે રશિયાના વિદેશ પ્રધાન સરગેઇ લાવરોવ સાથે વાતચીત કરતા પહેલા અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટની બ્લિંકન સાથે ફોન પર લાંબી વાત કરી. બ્રિટનનાં વિદેશ પ્રધાન લિઝ ટ્રસ પણ એસ. જયશંકર સાથે મુલાકાત કરવાના છે. જર્મનીના સુરક્ષા અને વિદેશ નીતિના સલાહકાર જેન્સ પ્લોટનર પણ ભારતમાં છે. તેમણે પણ જયશંકર સાથે ચર્ચાઓ કરી. આ બધા વચ્ચે યુક્રેનના વિદેશ પ્રધાન દિમિત્રો કુલેબાએ એવું કહ્યું કે, રશિયા અને યૂક્રેન વચ્ચે સમાધાન કરાવવામાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જો મધ્યસ્થી કરશે તો અમે તેનું સ્વાગત કરીશું. દુનિયાના મોટા ભાગના એવા દેશો જેનું ઇન્ટરનેશનલ રિલેશન્સમાં સારું એવું ઉપજે છે એ બધા જ દેશો ભારત સાથે સંપર્કમાં છે અને ભારતને મધ્યસ્થીની ભૂમિકા ભજવવા માટે પ્રેરિત પણ કરે છે.


રશિયા અને યૂક્રેનના યુદ્ધમાં ભારતનું વલણ પહેલેથી સ્પષ્ટ છે. આપણા દેશે કોઇનો પક્ષ લીધો નથી. ભારતે કહેતું રહ્યું છે કે, વાતચીતથી શાંતિપૂર્ણ સમાધાન નીકળે એવું જ અમે ઇચ્છીએ છીએ. યુએનમાં રશિયા સામેના મતદાનથી ભારત દૂર રહ્યું હતું. ભારતનું સ્ટેન્ડ અમેરિકાથી સહન થતું નથી. અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઇડેન એવું કહી ચૂક્યા છે કે, યુરોપિયન દેશો અને ક્વાડના સભ્યો જાપાન અને ઓસ્ટ્રેલિયા પણ રશિયાની નિંદા કરી ચૂક્યા છે પણ ભારત ચૂપ રહ્યું છે. રશિયાએ ભારતને વાજબી દરે ઓઇલ આપવાની ઓફર કરી છે. ઇરાન સાથે જે રીતે રિયાલ અને રૂપિયામાં વ્યવહાર થાય છે એ જ રીતે રશિયાએ રૂબલ અને રૂપિયામાં વહેવાર કરવાની તૈયારી બતાવી છે. ભારત તેના પર વિચાર કરી રહ્યું છે. અમેરિકા અને ઓસ્ટ્રેલિયાએ તો રશિયાની આ ઓફર પર વિચાર કરવા વિશે પણ એવું કહ્યું છે કે, ભારતનું વર્તન ખૂબ જ નિરાશાજનક છે. અમેરિકાના કોમર્સ સેક્રેટરી જિના રાયમોંડા અને ઓસ્ટ્રેલિયાના વેપાર પ્રધાન ડૈન તેહાને કહ્યું કે, અત્યારે એવો સમય છે કે બધા લોકશાહી દેશો સાથે મળીને કામ કરે. મતલબ કે રશિયાની સામે ખડા થઇ જાય. અમેરિકા ભારતનું મિત્ર છે તો સામા પક્ષે રશિયા પણ આપણું દુશ્મન, વિરોધી કે હરીફ નથી. આપણા દેશનો સિદ્ધાંત વસુધૈવ કુટુંબકમનો રહ્યો છે. આપણે આપણી તટસ્થ નીતિને વળગી રહ્યા છીએ. એ જ કારણ છે કે, દુનિયાના દેશો મધ્યસ્થી માટે ભારત તરફ મીટ માંડીને બેઠા છે.

રશિયાના વિદેશ પ્રધાન સરગેઇ લાવરોવ ભારતની મુલાકાતે આવ્યા છે. યૂક્રેને વધુ એક વખત એવું કહ્યું છે કે, ભારત જો મધ્યસ્થીની ભૂમિકા ભજવશે તો અમે આવકારીશું. યુદ્ધ રશિયા અને યૂક્રેન બંનેને ખતમ કરવું છે અને બંનેને તંગડી પણ ઊંચી રાખવી છે

વાત જ્યારે સમાધાનની આવે ત્યારે બંને પક્ષો એવા પર જ પસંદગી ઉતારે છે જે બંનેનું હિત ઇચ્છતા હોય અને સાથોસાથ કોઇનું અહિત ઇચ્છતા ન હોય. અમેરિકાની દાનત એવી જ હોય છે કે, અમારો મિત્ર દેશ અમે કહીએ એવું જ કરે. ભારત એવું કરતું નથી. રશિયાના વિદેશ પ્રધાન સરગેઇ લાવરોવ સાથે શું વાત થાય છે એના પર ઘણો બધો આધાર રહેવાનો છે. રશિયા અને યૂક્રેન યુદ્ધ વિશે અત્યારે જાતજાતની વાતો બહાર આવી રહી છે. એક વાત એવી છે કે, બંને યુદ્ધ ખતમ કરવા ઇચ્છે છે પણ બંનેને પોતાની તંગડી ઊંચી રાખવી છે. બીજી વાત એવી છે કે, યૂક્રેને જે રીતે ટક્કર આપી છે એનાથી રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિનના ઇગોને જબરજસ્ત ઠેંસ પહોંચી છે. તેણે મનથી નક્કી કરી લીધું છે કે, હવે તો યૂક્રેનને ઝૂકાવ્યે જ છૂટકો કરવો છે. રશિયાના હુમલાઓ એવાને એવા ચાલુ છે. રશિયાના લાખ પ્રયાસો છતાં રશિયન સેના યૂક્રેનની રાજધાની કિવમાં ઘૂસી શકી નથી. યૂક્રેનના પ્રેસિડેન્ટ વોલોડિમીર ઝેલેન્સ્કી રોજ રોજ જાહેર નિવેદનો આપી રહ્યા છે એને દુનિયાના દેશો પાસે હથિયારો માંગી રહ્યા છે. ઝેલેન્સ્કીએ તો ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે, હવે નાટો સાથે જોડાવવાનો કોઇ સવાલ જ નથી, તો પણ પુતિન સમાધાનની વાતો આગળ વધારતા નથી. બે દિવસ પહેલા ત્યાં સુધીની વાતો આવી હતી કે, સમાધાન માટે પુતિન અને ઝેલેન્સ્કી વચ્ચે મુલાકાત થઇ શકે છે. અલબત્ત, મહત્ત્વ મુલાકાતનું નથી. એ બંને કેવી રીતે મળે છે અને સમાધાનની કોઇ ફોર્મ્યુલા સુધી પહોંચી શકે છે કે કેમ એ મહત્ત્વનું છે. પુતિને આખા યૂક્રેનને કચડી નાખવા સુધીના નિવેદનો કર્યા છે.


રશિયા માટે હવે ભારત વધુ મહત્ત્વનું બની ગયું છે. રશિયા પર એટલા બધા પ્રતિબંધો લાદી દેવાયા છે કે તેની હાલત ખરાબ થઇ જાય. રશિયા એવું ઇચ્છે છે કે, ભારત રશિયા સાથેના વ્યવહારો ઓછા ન કરે. બધા માટે ભારતની ભૂમિકા મહત્ત્વની બની ગઇ છે

આપણા દેશ માટે સવાલ એ છે કે, આપણો દેશ મધ્યસ્થી કરશે ખરો? આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અગાઉ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી ચૂક્યા છે. ઝેલેન્સ્કી સાથે પણ વડાપ્રધાન મોદીએ વાત કરી છે. બંનેને યુદ્ધ ખતમ કરવા અપીલ પણ કરી છે. વાત કરવી એ અલગ વસ્તુ છે અને મધ્યસ્થી કરવી એ જુદી વાત છે. યૂક્રેને એવું કહ્યું છે કે, રશિયાના તમામ નિર્ણયો માત્રને માત્ર પુતિન જ લે છે એટલે યુદ્ધ સમાપ્ત કરવા માટે પુતિન સાથે જ સીધી વાત કરવાની જરૂર છે. વાતો તો એવી પણ આવી રહી છે કે, રશિયન સેનાની યૂક્રેનમાં જે હાલત છે અને જે ગ્રાઉન્ડ રિયાલિટી છે એની સાચી માહિતી પુતિનને આપવામાં જ આવતી નથી. મૂછે તાવ દઇને ફરતા રશિયન સેનાના કમાન્ડરો એક પછી એક મરી રહ્યા છે, રશિયન સેનાનું મનોબળ નબળું પડી રહ્યું છે, આવા સંજોગોમાં યુદ્ધ જીતવું સહેલું કામ નથી. રશિયાએ યૂક્રેનને ડરાવવાના તમામ પ્રયાસો કરી જોયા છે. ન્યુક્લિયર વેપન વાપરવા સુધીની વાતો રશિયા એક વાર નહીં પણ અનેકવાર કરી ચૂક્યું છે. જોકે, રશિયાની ધમકીઓથી યૂક્રેનને કોઇ ફેર પડતો એવું લાગતું નથી.

ભારત જો રશિયા અને યૂક્રેન વચ્ચે સમાધાન કરાવી શકે તો એ બહુ મોટી વાત હશે. અમેરિકા ભલે અત્યારે ભારતના વલણની ટીકા કરતું હોય પણ જો ભારત સમાધાન કરાવી શકે તો એણે પણ ભારતની ભૂમિકાની સરાહના કરવી પડે. માનો કે સમાધાનના પ્રયાસો કારગત ન નીવડે તો પણ એ જોવાનું રહેશે કે, આપણો દેશ રશિયા સાથે કઇ રીતે પેશ આવે છે. ભારત જે રીતે વર્તી રહ્યું છે એ જોતાં એવું ચોક્કસ કહી શકાય એમ છે કે, આપણો દેશ રશિયા સાથે સંબંધ બગાડવાનો નથી.

  • Follow us on: