• વારસો : વ્યવસ્થિત અને પદ્ધતિસર ગુજરાતનો ઇતિહાસ નવેસરથી તૈયાર કરવાનો પ્રયત્ન જસ્ટિસ ફેર્બ્સ દ્વારા થયો હતો

ગુજરાતનો ઇતિહાસ ઔપચારિક રીતે ગુજરાત તરીકે નામ આપવામાં આવ્યું તે પહેલાંના સમયનો છે. પ્રાચીન સમયમાં ભગવાન શિવની પૂજા પ્રબળ હતી, જેનો પુરાવો છે સોમનાથ મંદિરમાં આજે પણ ભારતીયોની અભૂતપૂર્વ આસ્થા. ત્યાર પછી વિષ્ણુના અવતાર તરીકે ભગવાન કૃષ્ણની પૂજા કરવામાં આવી હતી. મથુરાથી યાદવોના પલાયન પછી, ભગવાન કૃષ્ણએ સૌરાષ્ટ્રમાં દ્વારકા નગરી વસાવી હતી. એમ કહેવાય છે કે આ વિસ્તારમાં પહેલાથી જ યાદવો રહેતા હતા, જેની મદદથી ભગવાન કૃષ્ણ અહિયાં આવ્યા હતા. આવી જ રીતે જૈનોના આદરણીય 22મા તીર્થંકર, ભગવાન નેમિનાથને પણ તેમનું જીવન ગિરનાર પ્રદેશમાં વિતાવ્યું હતું. બૌદ્ધ ગુફઓ, વિહારો અને મૂર્તિઓની હાજરી દર્શાવે છે કે આ વિસ્તારમાં આ બંને ધર્મોનો નોંધપાત્ર પ્રભાવ હતો.

પણ કાલના માપમાં આવે એવો ગુજરાતનો ઇતિહાસ ઇ.સ. 4થી સદીથી શરૂ થાય છે. ઘણા ઇતિહાસકારોએ ગુજરાતની બાબતમાં લખ્યું છે પણ આમાં સ્થાનિક અનુશ્રુતિઓનું તથા ઉપલબ્ધ પ્રાચીન સાહિત્ય અને અભિલેખોની સામગ્રીની તપાસ કરીને એમાંથી મળતા વૃત્તાંતોનું સંકલન કરી વ્યવસ્થિત અને પદ્ધતિસર ગુજરાતનો ઇતિહાસ નવેસરથી તૈયાર કરવાનો આદરણીય પ્રયત્ન જસ્ટિસ કીનલોક ફેર્બ્સ જે બોમ્બેમાં 19મી સદીમાં સનદી અધિકારી હતા તેમણે કર્યો જે રાસમાળાના નામે 1856માં પ્રકાશિત થયો. ત્યાર પછી 20મી સદીમાં દુર્ગાશંકર શાસ્ત્રી, પ્રો. કોમિસેરિયેત, કનૈયાલાલ મુનશી અને રસિકલાલ છોટાલાલ પરીખ અને હરીપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રી જેવા ઇતિહાસકારોનો સિંહફળો હતો.

આ ઈતિહાસકારોએ સ્થાપત્ય સ્મારકો, પુરાતત્ત્વીય શોધો, યુગના સિક્કાઓ તેમજ શિલાલેખો પર આધાર રાખ્યો હતો. કેટલાક કિસ્સાઓમાં, તેઓએ સ્થાનિક કવિઓનાં કાવ્યો સાથે તે ઇતિહાસને શણગાર્યો હતો.

ઇ.સ.ચોથી સદીમાં ઉત્તર ભારતમાં મૌર્ય સામ્રાજ્યની સર્વોચ્ચ શક્તિ તરીકે સ્થાપના થઇ. ચંદ્રગુપ્ત મૌર્ય અને તેમના પૌત્ર અશોકનું શાસન એપિગ્રાફ્કિલ પુરાવા (શિલાલેખના આધારિત) પર સ્થાપિત થયેલ છે, જે પુષ્ટિ કરે છે કે મૌર્યોનું વર્ચસ્વ પાટલી પુત્રથી અરબી સમુદ્ર સુધી વિસ્તરેલું હતું.

 જૂનાગઢ નજીક ગિરનાર ખડકના શિલાલેખમાં સમ્રાટ અશોકના આદેશથી ઇ.સ. ત્રીજી સદીમાં મુખ્ય શિલાલેખ ઉપરાંત આશરે 150 વર્ષમાં ક્ષત્રપ રુદ્રમણ 1નો પછીનો શિલાલેખ છે, જે આપણને જણાવે છે કે ચંદ્રગુપ્ત મૌર્યના સાળા વૈશ્ય પુષ્યગુપ્ત મૌર્ય શાસન હેઠળના સ્થાનિક સરદાર હતા, જેનું મુખ્ય મથક જૂનાગઢ હતું. તેઓએ સુદર્શન તળાવના પાળા બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. શિલાલેખ આપણને આગળ જણાવે છે કે અશોકના સમયમાં યવનરાજા તુષાપાએ જરૂરિયાતના સમયે તથા પૂર દરમિયાન આ તળાવમાંથી પાણી છોડવા માટે નદીઓનું જાળું બનાવ્યું હતું, જે બતાવે છે કે તે વખતના શાસકોને ખેડૂતોને સિંચાઇ માટે પાણી પૂરું પાડવાનો પ્રયત્ન કર્યો હતો.

યવનરાજા તુષાપાનું નામ સૂચવે છે કે તેઓ પર્શિયન હતા. એવું પણ થઇ શકે કે કોઇ સ્થાનિક રાજકીય આગેવાને તેમનું પર્શિયન જેવું નામ રાખ્યું હોય. જે બતાવે છે કે તે વખતે ભારતમાં પર્શિયાનો પ્રભાવ હતો. વળી, આ શિલાલેખ ગિરનારમાં સ્થાપિત કરવામાં આવેલ તે સૂચવે કે ગિરનારનું કાઠિયાવાડમાં પહેલાંથી જ મોખરેનું સ્થાન હતું. રસપ્રદ વાત એ છે કે, એક પરોપકારી હિંદુ વેપારી સુંદરજીએ યાત્રિકોની સુવિધા માટે ગાઢ જંગલમાંથી જૂનાગઢથી ગિરનાર સુધીનો રસ્તો બનાવ્યો ત્યાં સુધી ગિરનારના શિલાલેખો જાડા બાવળની ઝાડીઓ હેઠળ લાંબા સમય સુધી છુપાયેલા હતા. ગિરનાર સુધી રસ્તો ખુલ્લો થઇ ગયો પણ બાંધકામ કામદારો દ્વારા બિનવ્યાવસાયિક કામકાજને લીધે કમનસીબે ખડકનો એક ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો.

 ગિરનાર ખડકનો આદેશ એ શ્યામ ગ્રેનાઇટનો વિશાળ ગોળાર્ધ સમૂહ છે, જે માનવ શરીર પર મસાની જેમ તિરાડ અને અસમાનતા વિના પૃથ્વી માતાના પોપડામાંથી બહાર નીકળી ગયો છે અને જેને લોખંડની કલમથી કોતરી પુસ્તકનાં રૂપમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે. અશોકનો શિલાલેખ સપાટીના 100 ચોરસ ફૂટની આસપાસ જગ્યા આવરી લે છે અને મધ્યમાં ઊભી રેખા દ્વારા વિભાજિત છે. લીટીની ડાબી બાજુએ આડી રેખાઓ દ્વારા વિભાજિત પ્રથમ પાંચ આજ્ઞાઓ છે; જમણી બાજુએ આગામી સાત સમાન રીતે વિભાજિત છે; તેરમાને પાંચમા અને બારમાથી નીચે મૂકવામાં આવ્યું છે, આને જ કમનસીબે નુકસાન થયું છે. ચૌદમો આદેશ તેરમાની જમણી બાજુએ મૂકવામાં આવ્યો છે.

દરેક આજ્ઞા એક વિશેષ વિષયને સમર્પિત છે અને સમ્રાટ અશોક દ્વારા તેનો ઉપયોગ ધર્મના કાયદાને લાગુ કરવા માટે કરવામાં આવેલ છે જે તેમણે તેમના બૌદ્ધ શિક્ષકો પાસેથી આત્મસાત્ કર્યો હતો. મુખ્ય માર્ગદર્શક સિદ્ધાંતો છેઃ માતા-પિતાની આજ્ઞાનું પાલન કરવું આવશ્યક છે; તમામ જીવંત જીવો માટે આદર લાગુ કરવો આવશ્યક છે; સત્ય બોલવું જોઈએ; શિક્ષકનો વિદ્યાર્થી દ્વારા આદર થવો જોઈએ અને તમામ સંબંધો પ્રત્યે યોગ્ય સૌજન્ય દર્શાવવું જોઈએ.

આ શિખામણોને વિશ્વના જ્ઞાનમાં લાવવાનો શ્રોય કર્નલ જેમ્સ ટોડ, જે તે વખતના પિૃમી રાજસ્થાનનાં પોલિટિકલ એેજન્ટ હતા, તેમને જાય છે. 1822માં ગિરનારની તેમની મુલાકાત વખતે સૌપ્રથમ તેઓએ આની નોંધ લીધી હતી અને તેના વિશે તેમના પુસ્તક ટ્રાવેલ્સ ઇન વેસ્ટર્ન ઇન્ડિયામાં લખ્યું હતું.

ગિરનાર શિખામણો ખુલ્લી પડી હતી પરંતુ તેમને કેવી રીતે સમજવી એ મોટી મુશ્કેલી હતી. આમાં પ્રતિષ્ઠિત વિદ્વાન જે પ્રિન્સેપનો મોટો ફળો હતો. તેમણે 1837માં પ્રાકૃત ભાષાની એક જાતમાં બ્રાહ્મી લિપિના રૂપમાં લખેલા શિલાલેખોની ચાવી શોધી કાઢી અને તેઓ શિલાલેખોનો હેતુ જણાવવામાં સફ્ળ થયા હતા.

 ઇ.સ. 256માં અશોક દ્વારા તેમના વિશાળ સામ્રાજ્યના સાત અલગ-અલગ દૂરના સરહદી પ્રાંતોમાં આ આદેશો પ્રસ્થાપિત કરવામાં આવ્યા હતા. તેઓ સરકારના સિદ્ધાંતો અને તેની નૈતિક પ્રણાલીનું દર્શન કરાવે છે. ગિરનાર શિલાલેખ જેવા શિલાલેખ દિલ્હીમાં અશોક સ્તંભ, મેવાડના તળાવની મધ્યમાં વિજય સ્તંભ અને ભારતના વિવિધ પ્રાચીન ગુફ મંદિર જેવા નોંધપાત્ર જગ્યા ઉપર જોવા મળે છે. આમ, તેઓ મૌર્ય સામ્રાજ્યની હદનો મજબૂત પુરાવો પૂરો પાડે છે.

 શિલાલેખો વધુમાં પુષ્ટિ કરે છે કે દ્વીપકલ્પીય ગુજરાત અથવા કાઠિયાવાડ, ખંડીય ગુજરાત અને ઉત્તર કોંકણ મૌર્ય સામ્રાજ્યનો ભાગ હતા. પૂર્વ બાજુએ મંદસોરથી દાહોદ સુધીનો માર્ગ માલવાને ગુજરાત સાથે જોડે છે, જે બંને પ્રાંતો વચ્ચેના સંબંધોમાં મુખ્ય ભૂમિકા ભજવતો હતો. જેની આવતા દિવસોમાં ભૂમિકા વધારે મહત્ત્વપૂર્ણ થવાની હતી.

 અશોકનું મૃત્યુ ઇ.સ.232માં થયું હતું અને તેના સામ્રાજ્યનું વિભાજન 185માં પૂર્ણ થઇ ગયું હતું, જ્યારે મૌર્ય સેનાપતિ પુષ્યમિત્ર શૃંગ છેલ્લા મૌર્ય શાસક બૃહદ્રથને મારી પાટલીપુત્રમાં સિંહાસન પર બેઠો હતો.

 આમ, ઇ.સ. 4થી સદીથી શરૂ થઇને લગભગ છ સૈકા સુધી ગુજરાતમાં મૌર્ય સામ્રાજ્ય હતું અને ગિરનારનો શિલાલેખ તે સમયનો અમૂલ્ય વૃત્તાંત આપે છે.

(પ્રાચીન ગુજરાતના ઇતિહાસ પરની લેખમાળાનો આ પ્રથમ લેખ છે. બાકીના લેખ સમયાંતરે પ્રકાશિત કરવામાં આવશે. આ લેખમાળા દ્વારા યુવા વાચકોને, ગુજરાતના પ્રાચીન ઇતિહાસ અને વારસાથી અવગત કરાવવાનો અને તેઓને તે અંગે રસ લેતાં કરવાનો પ્રયાસ છે.)


  • Follow us on: