- હમાસનો હત્યાકાંડ દુનિયામાં ક્રિશ્વિયાનિટી વર્સિસ ઇસ્લામનો પલીતો ચાંપશે
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે જે જંગ શરૂ થયો છે તેની સેકન્ડે સેકન્ડ પર દુનિયાભરની નજર મંડાયેલી છે. આ યુદ્ધ લાંબું ચાલશે તો દુનિયા ફરી એકવાર બે ભાગમાં બદલાઇ જવાની છે અને આ વખતે અમેરિકા વર્સિસ રશિયા તો છે જ, સાથે સાથે ક્રિશ્વિયાનિટી વર્સિસ ઇસ્લામ થઇ જવાની તમામ શક્યતાઓ છે. અમેરિકા આ બાબતથી પૂરેપૂરી વાકેફ છે. તેમછતાં અમેરિકાએ હમાસ સામેના જંગમાં ઇઝરાયેલને સંપૂર્ણ ટેકો જાહેર કરી ઇઝરાયેલને મદદ કરવા સૈન્યસામગ્રી અને જહાજો પણ ઇઝરાયેલ તરફ રવાના કરી દીધાં છે. સાથે સાથે અમેરિકાના અન્ય સાથી દેશોએ પણ ઇઝરાયેલ તરફે સહાનુભૂતિ બતાવી છે. ભારત પણ ઇઝરાયેલ તરફે રહ્યું છે અને કહ્યું છે કે, દુનિયાભરમાં ક્યાંય પણ આતંકવાદ વિરુદ્ધ ભારતનું વલણ રહેશે. ભારતે હમાસ દ્વારા કરાયેલા નરસંહારની આકરી નિંદા કરી છે. સવાલ એ છે કે, ભારત કેટલી હદે ઇઝરાયેલને મદદ કરશે અને તેની સાથે રહેશે.
દુનિયામાં તટસ્થ રહેનાર દેશો કોઇના અંગત મિત્ર બની શકતા નથી તે કડવી વાસ્તવિકતા છે. અમેરિકા અને રશિયા વચ્ચેના કૉલ્ડ વૉરના જમાનામાં આપણે તટસ્થતાનો દાવો કરતા હતા. પરંતુ આપણો ઝુકાવ રશિયા તરફી હતો. સમય બદલાતો ગયો. રશિયા તરફી ઝુકાવ આપણો ઓછો થયો. ભારતે અમેરિકા સાથે મોદીયુગમાં સંબંધો ગાઢ બનાવ્યા અને જેના પરિણામે અમેરિકા આજે ભારતને ખાસ દોસ્ત ગણે છે. યૂક્રેન-રશિયા વચ્ચેના યુદ્ધ દરમિયાન ભારતની ફરી પાછી પરીક્ષા થઇ. અમેરિકાએ ભારત પર દબાવ વધાર્યો અને યૂક્રેન પરના હુમલા માટે રશિયાની નિંદા કરવા જણાવ્યું. પરંતુ ભારતે ખૂબ જ સંયમિત સ્વરે કહ્યું કે યુદ્ધ એ કોઇ સમસ્યાનો ઉકેલ નથી. ભારતની રણનીતિની આ કસોટી હતી. ભારતે યૂક્રેન-રશિયાના યુદ્ધ દરમિયાન રશિયા પાસે સસ્તા ભાવે ક્રૂડ ઓઇલ પણ ખરીદ્યું. જે ખરીદી અત્યારે પણ ચાલુ છે. આ વાતથી અમેરિકા ભારત પર અકળાયું હતું પરંતુ ભારતે કુનેહ વાપરીને આ પરિસ્થિતિ સાચવી લીધી. અત્યારે ઉપરથી જોવા જઇએ તો પરિસ્થિતિ એવી છે કે ભારતનો ઝુકાવ અમેરિકા તરફી વધ્યો છે. પરંતુ રશિયાને ભારતે હજુ સુધી નારાજ કર્યું નથી.
દુનિયાની રાજકીય પરિસ્થિતિ અત્યારે બે ભાગમાં વહેંચાયેલી છે. એક તરફ ચીન, રશિયા, ઇરાન, નોર્થ કોરિયા, તુર્કી જેવા દેશોની ધરી છે. તો બીજી બાજુ અમેરિકાની આગેવાની હેઠળ બ્રિટન, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુરોપના મોટાભાગના દેશો એકજૂથ છે. અત્યારે અમેરિકા અને તેના સાથી મિત્રો ઇઝરાયેલની સાથે છે. ઇઝરાયેલ વિરુદ્ધ હમાસ-પેલેસ્ટાઇન સાથેના યુદ્ધમાં અમેરિકા અને તેના સાથી દેશો કેટલી હદ સુધી જશે તેના પર હવે સૌની નજર છે. ઇઝરાયેલ પર હમાસના ઘાતક હુમલા અને બર્બર હત્યાકાંડ પછી ઇઝરાયેલે ગાઝા પટ્ટીને નેસ્તોનાબૂદ કરી દેવાની જાહેરમાં ઘોષણા કરી છે. તેનું અમલીકરણ પણ શરૂ થઇ ગયું છે. દુનિયાના સૌથી ગીચ વિસ્તાર તરીકે જાણિતી થયેલી ગાઝા પટ્ટી પર છેલ્લા ત્રણ દિવસથી ઇઝરાયેલનાં વિમાનો બોંબમારો કરી રહ્યાં છે. ગાઝા પટ્ટીની મોટી મોટી ઇમારતો ધ્વંશ થઇ રહી છે. ઇઝરાયેલ કહે છે કે, અમે ગાઝા પટ્ટીને ટેન્ટ સિટી બનાવી દઇશું. તેનો સીધો મતલબ એ છે કે , ગાઝા પટ્ટીની તમામ ઇમારતો ઇઝરાયેલ ધ્વંશ કરી નાખશે. ગાઝા પટ્ટીમાં રહેતા 20 લાખ કરતાં વધારે મુસ્લિમોનો અત્યારે બેલી કોઇ નથી તેવું ચિત્ર ઊભું થયું છે. આતંકવાદી સંગઠન હમાસનો ઇરાદો આ જ હતો. હમાસે જ્યારે એકસાથે 5000 જેટલા રોકેટો ઇઝરાયેલ પર છોડયાં ત્યારે હમાસના નેતાઓને ખબર હતી કે ઇઝરાયેલ ઝનૂની બનીને બમણાં જોરથી તેમના વિસ્તારો પર ત્રાટકશે. હુમલો કર્યા પછી મોટાભાગે હુમલાખોરો તો સંતાઇ જતાં હોય છે અને સેફ પ્લેસમાં આશ્રાય લેતા હોય છે. મરો નિર્દોષ લોકોનો થાય છે. અત્યારે હમાસનાં કાળાં કરતૂતોનો ભોગ ગાઝા પટ્ટીના નિર્દોષ નાગરિકો પણ બની રહ્યાં છે. હમાસ તરફથી ગાઝા પટ્ટીનાં બાળકો, મહિલાઓ, વૃદ્ધોની હત્યાના વીડિયો જારી કરાઇ રહ્યાં છે. દુનિયાભરના મુસ્લિમ દેશો સુધી આ વીડિયો પહોંચી ગયાં છે. પરિણામે મુસ્લિમ દેશોમાં અત્યારે ભારે રોષનું વાતાવરણ સર્જાયું છે. દરમિયાનમાં શુક્રવારે હમાસ તરફથી સમગ્ર દુનિયાના મુસ્લિમોને ગાઝા પટ્ટીમાં નરસંહારના વિરોધમાં દેખાવો કરવાનું આહવાન કરાયું છે જેનો સીધો મતલબ એ છે કે શુક્રવારે દુનિયાભરના દેશોમાં અશાંતિ સર્જાવાની છે. મુસ્લિમ દેશોના શાસકોની ખુરસી નીચે હમાસે જીવતો બોંબ છોડી દીધો છે. જો મુસ્લિમ શાસકો ઇઝરાયેલ વિરુદ્ધ ભેગા થઇને કોઇ એકશન ના લે તો સ્થાનિક મુસ્લિમ પ્રજા શાસકોની વિરુદ્ધમાં થઇ જાય.
તાજેતરનાં જ રાજકીય ડેવલોપમેન્ટમાં અમેરિકાની મદદથી ઇઝરાયેલ પોતાના પડોશી આરબ દેશો સાથે મિત્રતા કેળવી રહ્યું હતું. ખાસ કરીને સાઉદી અરબ સાથે તાજેતરમાં જ ઇઝરાયેલે મિત્રતાનો હાથ લંબાવ્યો છે. તાજેતરમાં ઇઝરાયેલનું પ્રતિનિધિમંડળ સાઉદી અરબની મુલાકાતે ગયું હતું. આ વાતથી હમાસ, પેલેસ્ટાઇન તથા કટ્ટર મુસ્લિમોના પેટમાં તેલ રેડાયું છે. મુસ્લિમ દેશોની નેતાગીરીનો તાજ જેના શિરે છે એ સાઉદી અરબ સાથે ઇઝરાયેલ મિત્રતા કરી દે એ વાત કોઇ કાળે હમાસને પસંદ ન હતી. પરિણામે એક સોચીસમજી રણનીતિ મુજબ હમાસે મોતનો અગનખેલ ખેલી નાખ્યો છે. જેના પરિણામ શું આવશે તેની કોઇને કલ્પના નથી. જોકે હમાસની રણનીતિ મુજબ ઇઝરાયેલમાં ભડકો કરવો, પછી ગાઝા પટ્ટીનો વિનાશ દુનિયાને બતાવવો અને આ હજારો નિર્દોષોના કતલેઆમના ઓથા હેઠળ ઇઝરાયેલને મુસ્લિમ-આરબ રાષ્ટ્રોથી દૂર કરી દેવું.
હમાસનો આ ભયંકર પ્લાન સફળ થશે કે નહીં તે આવનારા દિવસો કહેશે પરંતુ અત્યારે તો હમાસનો આ પ્લાન આગળ વધી રહ્યો છે તેવું દેખાઇ રહ્યું છે. ઇઝરાયેલ ઝનૂની થઇને ગાઝા પટ્ટી પર ત્રાટકી રહ્યું છે. અમેરિકાના સાથી દેશો ઇઝરાયેલને મદદ કરવા આગળ આવી રહ્યાં છે. બીજી બાજુ અરબ દેશો પણ ધીમે ધીમે નજીક આવી રહ્યાં છે. એ તો જગજાહેર છે કે હમાસને જે શસ્ત્રો મળ્યાં છે તે રશિયાએ વાયા ઇરાન પૂરાં પાડયાં છે.
હવે આગામી દિવસો ભારતની પણ અગ્નિપરીક્ષાના રહેશે. ભારત આ જંગમાં તટસ્થતા નહીં જાળવી શકે. યુદ્ધ આગળ વધશે તો ભારતે પણ તેની ભૂમિકા નિભાવવી પડશે. ભારતને અત્યારે રશિયા અને ઇરાન સાથે સારા સંબંધો છે. ઇઝરાયેલ તરફી નિવેદન કરીને ભારતે આ બંનેવ દેશોને નારાજ તો કર્યાં છે. પરંતુ જો ભારત નિવેદનથી આગળ વધીને ઇઝરાયેલને અન્ય મદદ કરવા આગળ વધશે તો ભારતના ઇરાન અને રશિયા સાથે સંબંધો પર જોખમ તોળાશે. સાથે સાથે અમેરિકા અને સાથી રાષ્ટ્રોના પાલામાં ભારતે બેસવું પડશે.