- ઈશાન ભારતમાં શાંતિ સ્થપાય એ જરૂરી
મણિપુરમાં હિંસા અને મહિલાઓ પર થયેલા ઘૃણિત જાતીય હુમલાના મામલે સુપ્રીમ કોર્ટે સોમવારે જે પ્રકારે વિવિધ પગલાંની જાહેરાત કરી તે રાજ્યના તંત્રની અક્ષમતા અને લાપરવાહી પર બેહદ કડક ટિપ્પણી તો છે જ સાથે સર્વોચ્ચ અદાલતની સંવેદનશીલતા અને તત્પરતાનું પણ સચોટ ઉદાહરણ છે. જ્યારે મણિપુરમાં બે મહિલાઓને નિર્વસ્ત્ર ફેરવવામાં આવી હતી તેનો વીડિયો વાયરલ થયો ત્યારે જ સુપ્રીમ કોર્ટે સુઓ મોટો લઇને કેન્દ્ર અને રાજ્ય સરકારોને સ્પષ્ટ કહી દીધું હતું કે કાં તો તમે જરૂરી પગલાં ભરો અથવા તો પછી અમે ભરીશું. આૃર્ય અને દુઃખની બાબત એ છે કે રાજ્યનું વહીવટીય તંત્ર આ મોરચે ખરાબ રીતે નિષ્ફળ પુરવાર થયું છે. વાયરલ વીડિયો સહિત મહિલાઓ સાથે થયેલાં આવા અન્ય કૃત્યોની તપાસ કરવાના મોરચે નહીવત કામ થયું છે. રાજ્યમાંથી હિંસક ઘટનાઓના સમાચાર આવતાં બંધ થયાં નથી. એટલું જ નહીં રાહત અને પુનર્વાસની કામગીરીમાં પણ ભારે ફારિયાદો મળી રહી છે. રાજ્યની વસતીના અલગ અલગ હિસ્સામાં સ્થાનિક પોલીસ પ્રસાશનને લઇને વિશ્વાસનું સંકટ પણ ઊભું છે. આ બધાને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટની ભૂતપૂર્વ મહિલા જજની બનેલી એક સમિતિની રચના કરી છે કે જે રાહત અને પુનર્વાસની કામગીરી પર દેખરેખ રાખશે અને જ્યાં જરૂર જણાશે ત્યાં તત્કાળ હસ્તક્ષેપ કરશે. આ ઉપરાંત રાજ્યમાં મેથી જુલાઇ દરમિયાન દાખલ કરવામાં આવેલી સાડા છ હજારથી વધારે એફાઆઈઆર સાથે જોડાયેલા કેસીસની તપાસ પર પણ નજર રાખવા માટે મહારાષ્ટ્ર કેડરના નિવૃત્ત આઈપીએસ અધિકારીની નિયુક્તિ કરવાનો અને સીબીઆઈને મોકલવામાં આવેલા કેસીસમાં પણ ડીએસપી-એસપી લેવલનાં અન્ય રાજ્યોના અધિકારીઓને તૈનાત કરવાનો આદેશ પણ સુપ્રીમ કોર્ટે કર્યો છે. આવા પગલાં મારફાત સર્વોચ્ચ અદાલતે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો છે કે તપાસની કામગીરીમાં સ્થાનિક પોલીસને ભૂમિકા જરૂર હોય પણ તેને પૂર્વગ્રહોથી પ્રભાવિત થવા દેવામાં ના આવે. નિશ્ચિત રૂપથી આ તમામ પગલાં હાલમાં ઘોષણાના સ્તર પર જ છે. તેના પર આગળ કેવી રીતે અમલ થશે અને વાસ્તવમાં આ પગલાં કેટલા પ્રભાવી સાબિત થશે તે જોવાની બાબત રહેશે. પરંતુ તેમાં બેમત નથી કે સુપ્રીમ કોર્ટે પોતાના પગલાં દ્વારા એ સ્પષ્ટ કર્યું છે કે મણિપુરમાં પાછલા ત્રણ મહિના કરતાં વધારે સમયથી પ્રવર્તતી અરાજકતાની સ્થિતિને નિયંત્રણમાં કરવામાં રાજ્ય સરકારના પ્રયાસો કેટા અપર્યાપ્ત હતાં અને ત્યાં કેવી રીતે દખલ કરવાની જરૂર હતી. આમ ગયા સોમવારે દેશની સર્વોચ્ચ અદાલતે જે કામગીરી કરી તે કામગીરી વાસ્તવમાં તો રાજ્યના વહીવટી તંત્રની હતી. જો કે આ એક અલગ પક્ષ છે કે જેના પર લોકસભામાં મંગળવારે પ્રસ્તુત કરવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ત્રણ દિવસની વિસ્તૃત ચર્ચા દરમિયાન વધારે પ્રકાશ પડવાની આશા રાખવામાં આવે છે.










