• ઇઝરાયેલ હમાસ સંઘર્ષ : ગાઝામાં જમીની કાર્યવાહીનાં અનેક ભયસ્થાનો છે, ઇઝરાયેલ પાસે કોઈ નક્કર પ્લાન નથી

હમાસ અને ઇઝરાયેલ વચ્ચેનું યુદ્ધ આવનારા દિવસોમાં ક્યાં પહોંચશે તેની કોઈને ખબર નથી. ઇઝરાયેલ જેટલી તાકાતથી ગાઝા પટ્ટી પર હુમલા કરવાની યોજના બનાવી રહ્યું છે તેટલી જ ઝડપથી આરબ રાષ્ટ્રો એક થઈ રહ્યાં છે. ઇરાને તો ધમકી પણ આપી છે હવે ગાઝા પટ્ટીના નિર્દોષ લોકો પરનો અત્યાચાર સામે અમે ચૂપ નહીં બેસી રહીએ. ઇરાન જો આ જંગમાં ઝંપલાવશે તો આખો નવો જ વળાંક દુનિયાને જોવા મળશે. અમેરિકા પણ સીધી રીતે ઇરાનને કાબૂમાં રાખવા મેદાનમાં ઊતરશે તે વાત પણ નક્કી છે. જોકે, મિલિયન ડૉલરનો સવાલ એ છે કે, ઇઝરાયેલ ગાઝા પટ્ટી પરથી હમાસને ખતમ કરવાની વાત કરે છે તે કેવી રીતે શક્ય બનશે ?

ઇઝરાયેલ હમાસને ખતમ કરવા ગાઝા પટ્ટીમાં જમીની કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે પરંતુ આ એક મોટો અગનખેલ સર્જાવાનો છે. ઇઝરાયેલ જો હમાસને ખતમ કરવાની વાત કરતું હોય તો હમાસ એટલે શું ? હમાસના કાર્યકરોની કોઈ ઓળખ નથી. હમાસના કેટલાક લીડર્સની પહેચાન ઈઝરાયેલ પાસે છે. આ લીડર્સનો ખાતમો બોલાઈ જાય એટલે હમાસ ખતમ થઈ જાય એવી માન્યતા ભૂલભરેલી છે. જાણકારોનું કહેવું છે કે, હમાસ એક વિચારધારા છે. આ વિચારધારા ઇઝરાયેલને ખતમ કરવાની છે. ગાઝા પટ્ટીમાં હમાસ સમર્થિત લોકો રહે છે. આ વિસ્તારમાં હમાસનું શાસન ચાલે છે. હમાસના નેતાઓને અહીની પ્રજાએ મત આપીને શાસનની ધૂરા સોંપી છે. હમાસે ગાઝા પટ્ટી પર કબજો જમાવ્યા પછી તેનો વિરોધી પક્ષ ફતેહના કાર્યકરો અને નેતાઓને હમાસે વીણી વીણીને ગાઝા પટ્ટીમાંથી બહાર કાઢી મૂક્યાં છે. હમાસ ગાઝા પટ્ટીમાં જમીની સ્તર પર લોકપ્રિય સંગઠન છે. હવે આ સંગઠનને જો ગાઝા પટ્ટીમાંથી બહાર કાઢવું હોય તો ઇઝરાયેલે બહુ મોટો નરસંહાર ગાઝા પટ્ટીમાં કરવો પડે તેમ છે. કારણ કે, હમાસની ઓળખ ઇઝરાયેલ કેવી રીતે કરશે તે બીજો મોટો સવાલ છે. કારણ કે, ગાઝા પટ્ટીમાં દરેક ઘરમાં રહેનાર લોકો હમાસને ચાહે છે. ઘરમાં રહેતો યુવાન જ્યારે હાથમાં હથિયાર પકડતો હોય છે ત્યારે હમાસનો સક્રિય કાર્યકર બની જતો હોય છે અને ઘરમાં બેસીને ટીવી જોતો હોય છે ત્યારે દુનિયાને લાગે છે કે આ એક નિર્દોષ નાગરિક છે. એટલે જ ઇઝરાયેલે ગાઝા પટ્ટી પર બેફામ બોમ્બ વરસાવ્યા છે. આ બોમ્બ પછી રહેઠાણ વિસ્તાર હોય, હૉસ્પિટલ હોય કે નિરાશ્રિાતોની છાવણી હોય. ઇઝરાયેલે કોઈ શરમસંકોચ રાખ્યા વગર બધે જ બોમ્બ ફેંક્યાં છે. ઇઝરાયેલનું માનવું છે કે, ગાઝા પટ્ટીમાં રહેનારા બધા જ હમાસના કાર્યકરો, ટેકેદારો કે શુભેચ્છકો છે.

હવે જ્યારે ગાઝા પટ્ટીમાંથી હમાસને કાઢવાની વાત ઈઝરાયેલ કરે છે ત્યારે ઇઝરાયેલ પાસે હકીકતમાં શું પ્લાન છે તેની કોઈને ખબર નથી. ગાઝા પટ્ટીમાં રહેતા 20 લાખથી વધારે લોકોને શું ઇઝરાયેલ બીજે ધકેલવા માગે છે ? હકીકત એ છે કે, આ લોકો જ્યાં જશે ત્યાં હમાસ ખડું થશે. જ્યાં હશે ત્યાંથી ઇઝરાયેલ પર પોતાનો કોપ વરસાવશે. દુનિયામાં અત્યાર સુધી જેટલા યુદ્ધ થયાં છે એ યુદ્ધોમાં ક્યારેય પણ સ્થાનિક પ્રજાને હરાવી શકાય તેમ નથી. યુદ્ધમાં સેનાઓ હારે છે પરંતુ પ્રદેશ જીતાતા નથી. અફઘાનિસ્તાનને હરાવવા દુનિયાની બે મોટી તાકાત રશિયા અને અમેરિકાએ વર્ષો સુધી પ્રયત્નો કર્યા. અફઘાનિસ્તાનમાં ખુવારી સર્જાઈ પરંતુ ઘાયલ તો અમેરિકા અને રશિયા પણ થયું. અફઘાનિસ્તાન ખુવાર થયું પણ હાર કબૂલ્યું નહીં. રશિયા અને અમેરિકા જેવી મોટી તાકાતે પણ નીચી મુંડીએ અફઘાનિસ્તાનમાંથી પીછેહઠ કરવી પડી એ આખી દુનિયાને ખબર છે. હકીકત એ છે કે, વર્ષોની લડાઈ પછી ફરી પાછું અફઘાનિસ્તાનમાં તાલિબાનોનું રાજ છે. અમેરિકાની હાલત વિયેતનામમાં પણ આવી જ ખરાબ થઈ હતી. વિયેતનામમાંથી ભૂંડા હાલે અમેરિકાએ પરત ફરવું પડયું હતું. દુનિયાના યુદ્ધોમાં ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ અલગ છે. જેમાં પાકિસ્તાનના બે ભાગલા કરીને એક નવા દેશનું સર્જન ભારતે કર્યું હતું. બાંગ્લાદેશનું 1971માં સર્જન થયું. આ બાંગ્લાદેશમાં જો ભારતે પોતાની સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો હોત તો ચોક્કસ નિષ્ફળ જાત. ભારતે યુદ્ધ પછી સ્થાનિક પ્રજાને સત્તા સોંપીને બાંગ્લાદેશમાંથી ચૂપચાપ વિદાય લીધી હતી. પરિણામે બાંગ્લાદેશમાં અત્યાર સુધી સ્થિર શાસન રહ્યું છે અને કોઈ તોફાન સર્જાયા નથી.

ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલ શું કરવા માગે છે ? એ અંગે હવે રહસ્ય સર્જાયું છે. ભવિષ્ય અંગેની કોઈ નક્કર યોજના બનાવ્યા વગર ઇઝરાયેલ કોઈ પગલું ભરશે તો તે નિષ્ફળતાને વરસે તેવું નિષ્ણાતો કહી રહ્યાં છે. નિષ્ણાતોનું કહેવું છે કે, ઇઝરાયેલ પાસે હજુ કોઈ નક્કી યોજના નથી. જો કોઈ યોજના હોય તો તેનો ઢાંચો બનાવીને મહિનાઓ અને વર્ષો સુધી તેના પર રાજકીય રીતે કામ કરવું જોઈએ. ગાઝા પટ્ટીમાં જો જમીની કાર્યવાહી શરૂ કરવામાં આવશે તો શું થશે તે કલ્પનાથી જ નિષ્ણાતો ધ્રૂજી ઊઠે છે. નિષ્ણાતોનું કહેવું છે કે, હમાસ એ એક વિચારધારા છે અને તેને આસાનીથી ખતમ નહીં કરી શકાય. 2003માં જે રીતે ઇરાકમાં અમેરિકાએ સૈન્ય કાર્યવાહી કરી હતી અને સદ્દામ હુસૈનના તમામ નિશાનો મિટાવી દેવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ આ પ્રયત્નો નિષ્ફળ નીવડયા હતા. ઇરાકમાં અરાજકતા ઊભી થઈ હતી અને અમેરિકાએ ઇરાકનું ગ્રાઉન્ડ છોડવું પડયું હતું. ઇરાક યુદ્ધનો અનુભવ લઈ ચૂકેલા અમેરિકી નિષ્ણાતો પણ અત્યારે ઇઝરાયેલના વડાઓને આ જ સલાહ આપી રહ્યાં છે કે અમે જે

ઇરાકમાં ભૂલ કરી તમે તે ભૂલ ગાઝા પટ્ટીમાં ના કરતા. ઇઝરાયેલ એવું ઇચ્છતું હોય કે ગાઝા પટ્ટીની સત્તાધારી પાર્ટીને અમે ખતમ કરી દઈએ અને લોકોની વિચારધારા બદલી નાખીએ. પરંતુ એવું થવાનું નથી. વળી બીજો સવાલ પણ એ છે કે, માની લો કે ગાઝા પટ્ટીમાંથી હમાસ ખતમ થઈ ગયું તો ત્યારપછી ગાઝા પટ્ટી પર શાસન કોણ કરશે ? આ એક અગત્યનો સવાલ છે. ઇઝરાયેલ જે લોકોનો હાથ પકડીને સત્તાની ખુરશી પર બેસાડશે તે લોકો ગાઝા પટ્ટીની પ્રજા માટે દગાખોર બની જશે અને તેમને સાથ ક્યારેય નહીં આપે. ઇઝરાયેલ જો હમાસની સામેની પાર્ટી ફતેહને ગાઝા પટ્ટીમાં શાસન આપવા માગતું હોય તે પણ શક્ય બનવાનું નથી. કારણ કે, ગાઝા પટ્ટીના લોકો ફતેહના નેતાઓને પસંદ કરતા નથી. આ સંજોગોમાં ઇઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદના જ એક પૂર્વ અધિકારીનું કહેવું છે કે, ગાઝા પટ્ટીને ઈઝરાયેલથી દૂર કરીને દરિયામાં ના લઈ જઈ શકાય. આ સંજોગોમાં એક વાત ચોક્કસ છે કે હવે ઇઝરાયેલે કાયમ માટે ગાઝા પટ્ટીની સાથે લડવું પડશે. હકીકત તો એ છે કે, હવે આ ગાઝા પટ્ટી ઇઝરાયેલના ગળામાં ફસાયેલી હડ્ડી બની ગઈ છે.


  • Follow us on: