- ચીનમાં નવો અને ભેદી વાયરસ લોકોને પોતાની અડફેટમાં લઇ રહ્યો છે. સૌથી વધુ બાળકો તેનો ભોગ બની રહ્યા છે. કોરોના વિશે પહેલેથી એવું કહેવાતું રહ્યું છે કે, કોરોના ચીનનું પાપ હતું. આ નવી બીમારીએ પણ ભેદભરમ સર્જ્યા છે!
- ચીનના અનેક શહેરોમાં દર્દીઓની લાંબી લાઇનો લાગી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ચીન પાસે આ નવી બીમારી વિશે રિપોર્ટ માંગ્યો છે. ચીનના કારણે દુનિયા વધુ એક મુશ્કેલીનો ભોગ બનશે? ચીનના બાયોલોજિક્લ વેપન્સનું આ પરિણામ છે?
કોરોનાનું નામ પડે એટલે હજુ લોકોના શરીરમાંથી લખલખું પસાર થઇ જાય છે. કોરોનાએ આખી દુનિયાને હચમચાવી નાખી હતી. નરી આંખે ન દેખાતા વાઇરસના કારણે સમગ્ર વિશ્વના લોકોએ ઘરમાં પુરાઇ રહેવું પડે એવી સ્થિતિ કોરોનાએ પેદા કરી હતી. કોરોના વાઇરસ વિશે પહેલેથી એવું કહેવાતું રહ્યું છે કે, કોરોના ચીનનું પાપ છે. ચીનના શહેર વુહાનની બાયોલોજિકલ લેબોરેટરીમાંથી વાઇરસ લીક થયો અને ધીમે ધીમે આ વાઇરસે આખી દુનિયાને પોતાના ભરડામાં લઇ લીધી. ચીન ભલે એવું કહેતું હોય કે, કોરોના વાઇરસ કુદરતી રીતે પેદા થયો હતો પણ દુનિયાના ઘણા રિસર્ચ સેન્ટરોએ આ વાઇરસ માટે ચીનને જવાબદાર ઠેરવ્યું છે. ચીન બાયોલોજિકલ વેપન્સ તૈયાર કરી રહ્યું છે એ આખી દુનિયા જાણે છે. કોરોનાથી હજુ દુનિયાને પૂરેપૂરો છૂટકારો મળ્યો નથી ત્યાં ચીનમાં ફેલાયેલી એક નવી બીમારીએ ચિંતા પેદા કરી છે. ચીનના બેઇજિંગ, વુહાન, લિયાઓનિંગ સહિત અનેક શહેરોમાં હોસ્પિટલની બહાર દર્દીઓની લાંબી લાઇનો લાગવા માંડી છે. ખાસ કરીને બાળકોને આ ભેદી બીમારી પોતાના સકંજામાં લઇ રહી છે. ન્યૂમોનિયા જેવા લક્ષણો ધરાવતી આ બીમારીમાં ફેફસામાં સોજો આવી જાય છે. સખત તાવ આવે છે અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. દર્દીની હાલત થોડા જ સમયમાં ખરાબ થઇ જાય છે. ઓપન એક્સેસ સર્વેલન્સ પ્લેટફોર્મ પ્રોમેડે એવો ભય વ્યક્ત કર્યો છે કે, ચીનની આ બીમારી ખતરનાક સ્વરૂપ ધારણ કરે અને કોરોનાની જેમ જ બીજા દેશોમાં પણ ફેલાય એવી શક્યતા નકારી શકાતી નથી.
કોરોના વખતે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પર ચીનને છાવરવાના આક્ષેપો થયા હતા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ચીનને રોક્યું નહીં, દુનિયાને સમયસર એલર્ટ કરી નહીં એટલે કોરોના આખી દુનિયામાં ફેલાઇ ગયો. ચીને પોતાનું પાપ છુપાવવાના પ્રયાસો કર્યા હતા અને કોરોનાને રોકવા માટે કોઇ પગલાં લીધા નહોતા. હવે નવી બીમારી અંગે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પહેલેથી સતર્ક બન્યું છે. ડબલ્યૂએચઓએ ચીન પાસે રિપોર્ટ માંગ્યો છે કે, આ નવી બીમારી વિશે નાનામાં નાની વિગતો આપો. ચીન તેની આદત મુજબ મોઢું સીવીને બેઠું છે. ચીનથી જે અહેવાલો આવી રહ્યા છે એ એવા છે કે, બાળકો આ નવી બીમારીની અડફેટે ન આવે એ માટે ચીને સ્કૂલોમાં રજા જાહેર કરી દીધી છે. લોકોને પણ સાવચેત કરવામાં આવ્યા છે. અલબત્ત, બીજા દેશોમાં આ બીમારી ન ફેલાય એ માટે ચીને હજુ કોઇ પગલાં લીધા નથી. ચીનમાં હજુ કોરોનાના કેસો નોંધાઇ રહ્યા છે. દુનિયાના બીજા દેશોમાં કોરોનાની અસરો ઓછી થઇ ગઇ છે પણ ચીન હજુ કોરોનાથી મુક્ત થયું નથી. ચીન વિશે એટલે જ એવું કહેવાઇ રહ્યું છે કે, ચીન પોતાના કર્યા ભોગવી રહ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કહ્યું છે કે, ચીને કોરોના પછી જે સતર્કતા વર્તવી જોઇએ એ વર્તી નથી એટલે ચીનમાં કોરોના વાઇરસ વારે વારે ઉથલો મારી રહ્યો છે. ચીને પોતાની હેલ્થકેર સિસ્ટમ વિશે નવેસરથી વિચારવાની જરૂર છે અને કોઇ બીમારી જરાકેય નવી કે જુદી લાગે તો સમયસર પગલાં લેવાની જરૂર છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તો સ્વાસ્થ્ય સંબંધી વાતો કરે છે પણ એ સિવાય દુનિયાની અનેક એજન્સીઓ એવું કહી રહી છે કે, ચીનમાં જે કંઇ થઇ રહ્યું છે એ ચીનના બાયોલોજિકલ વેપન્સ બનાવવાના પ્રયાસોના કારણે થાય છે. ચીનના અનેક શહેરોની લેબોરેટરીમાં એવા વાઇરસ પેદા કરવાના પ્રયોગો થઇ રહ્યા છે જે પરમાણુ બોંબ કરતા પણ વધુ ખતરનાક સાબિત થઇ શકે છે. દુનિયામાં કોરોના વાઇરસ ફેલાયો એ પછી જુલાઇ, 2020માં ઓસ્ટ્રેલિયાના એક મીડિયાએ પુરાવાઓ સાથે એવો અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો કે, ચીન 2015થી બાયોલોજિકલ વેપન્સ તૈયાર કરી રહ્યું છે. ધ ચાઇનીઝ પિપલ્સ લિબરેશન આર્મી તરીકે ઓળખાતી ચીનની સેનાએ મિલિટરી સાયન્ટિસ્ટોને બાયોવેપન તૈયાર કરવાનું કામ સોંપ્યું હતું. ચીનના 18 વૈજ્ઞાનિકોએ બાયોલોજિકલ વેપન્સ વિશે એક રિસર્ચ પેપર તૈયાર કર્યું હતું. વૈજ્ઞાનિકોએ જે બાયોવેપન બનાવવાનું સૂચવ્યું હતું એના પર ચીને કામ પણ શરૂ કરી દીધું હતું. વુહાનની લેબોરેટરીમાં એનું જ કામ ચાલી રહ્યું હતું ત્યારે કોઇ કારણોસર કોરોના વાઇરસ લીક થયો હતો. અમેરિકાના વોલ સ્ટ્રીટ જર્નલમાં એક અહેવાલ પ્રસિદ્ધ થયો હતો. તેમાં જણાવાયું હતું કે, કોરોનાનો પહેલો કેસ વુહાનમાં તારીખ 8મી ડિસેમ્બર, 2019ના રોજ નોંધાયો હતો. એ પહેલા જ વુહાનની લેબમાં સંશોધનનું કામ કરતા ત્રણ વૈજ્ઞાનિકોને કોરોનાના લક્ષણો સાથે જ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. ચીને આ વાત છુપાવી હતી. ચીને જો ત્યારે જ દુનિયાને એલર્ટ કરી હોત તો કદાચ કોરોના આખી દુનિયામાં ફેલાયો ન હોત.
ચીન પાકિસ્તાન સાથે મળીને બોયોલોજિકલ વેપન્સ બનાવી રહ્યું હોવાની વાતો થોડા સમય પહેલા બહાર આવી હતી. બાયોલોજિકલ વેપન્સ બનાવવામાં પોતાનું નામ ન આવે અને કંઇ થાય તો પોતે બચી જાય એ માટે ચીને પાકિસ્તાનમાં વિશેષ લેબોરેટરી બનાવી છે. ચીને પાકિસ્તાન સાથે બાયોલોજિકલ વેપન્સ બનાવવા માટે બાકાયદા કોન્ટ્રાકટ કર્યો છે. આ કરારને કોલાબોરેશન ફોર ઇમર્જિંગ ઇન્ફેક્ટિશિયસ ડિસિઝ એન્ડ સ્ટડીઝ ઓન બાયોલોજિકલ કંટ્રોલ ઓફ વેક્ટર ટ્રાન્સમિટિંગ ડિસિઝ નામ અપાયું છે. આ આખા પ્રોજેક્ટનું ફંડિગ ચીન કરી રહ્યું છે. આ મુદ્દે જબરજસ્ત ઉહાપોહ થયો એ પછી પાકિસ્તાને પણ આ વાત સ્વીકારી હતી. પાકિસ્તાને એવો બચાવ કર્યો હતો કે, આ બધું તો બાયોલોજિકલ સેફ્ટી માટે થઇ રહ્યું છે.
ચીન બાયોવેપન્સ બનાવવા માટે પોતાને ત્યાં જે કરતૂતો કરે છે એ વિશે અમેરિકા સહિત દુનિયાના અનેક દેશોએ સવાલો ઉઠાવ્યા છે. ઇન્ટરનેશનલ એક્સપર્ટેસે ચીનને એવી અપીલો કરી છે કે, અમને તપાસ કરવા માટે તમારે ત્યાં આવવા દો અને તમારી લેબોમાં શું ચાલે છે એની તપાસ કરવા દો. ચીન કોઇને મંજૂરી આપતું નથી. કોરોના ફેલાયા બાદ ચીને દુનિયાના મેડિકલ એક્સપર્ટ્સ કે ઇન્ટરનેશનલ ઓબ્ઝર્વર્સને વુહાન આવવા દીધા નહોતા. ચીનના પેટમાં પાપ છે એટલે જે એ કોઇને પેટ છૂટી વાત કરતું નથી. હવે જ્યારે ચીનમાં નવો વાઇરસ પેદા થયો હોવાની શંકા સેવાઇ રહી છે ત્યારે પણ ચીન કંઇ કહેતું નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પણ માત્ર એલર્ટ જાહેર કરીને સંતોષ માની લે છે. ચીનમાં નવી બીમારીના કારણે કેટલા બાળકોને અસર થઇ છે? કેટલા બાળકોએ જીવ ગુમાવ્યા છે? ટોટલ કેટલા કેસો નોંધાયા? આ બાળકોને શેની સારવાર આપવામાં આવે છે? ચીન આ બીમારીને રોકવા શું પ્રયાસો કરે છે? એ સવાલોના કોઇ જવાબ ચીન આપતું નથી. સૌથી મોટો સવાલ એ પણ છે કે, ચીનમાં જ કેમ આવું થાય છે? કુદરતી વાઇરસ હોય તો એમાં કશું છુપાવવા જેવું હોતું નથી. ઉલટું એ વિશે જાહેર કરીને આખી દુનિયાને સાવચેત કરવાની હોય છે. ચીન તેના બદલે ઢાંકપિછોડા કરવાના પ્રયાસો કરે છે અને એના કારણે જ એવી શંકાઓ પેદા થાય છે કે, ચીનમાં કંઇ ભેદી અને ખતરનાક ચાલી રહ્યું છે!