• માલદીવના નવા રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઇજ્જુએ શપથ ગ્રહણ કરવાની સાથે જ ભારતની સરકારને વિનંતી કરી કે, તમારી સેનાને માલદીવથી પાછી બોલાવી લો. શું માલદીવ હવે ચીનની સેનાને માલદીવમાં ઘૂસાડવા માંગે છે?
  • રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઇજ્જુએ પોતાની શપથવિધિના કાર્યક્રમમાં હાજરી આપવા માટે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું હતું પણ મોદીએ સમજી વિચારીને જવાનું ટાળ્યું હતું. આપણી સરકાર તેલ અને તેલની ધાર જોઇ રહી છે!

ભારત અને માલદીવની દોસ્તી એક નવા વળાંક પર આવીને ઊભી છે. માલદીવમાં નવા રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઇજ્જુએ ગયા શનિવારે શપથગ્રહણ કરીને સત્તા સંભાળી. માલદીવની સરકારે રાષ્ટ્રપતિ મોઇજ્જુની શપથવિધિના કાર્યક્રમમાં હાજરી આપવા માટે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ પાઠવ્યું હતું. વડાપ્રધાન મોદી વર્ષ 2018માં આ પહેલાના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહની શપથવિધિના કાર્યક્રમમાં ગયા હતા. એ વખતની વાત જુદી હતી. આ વખતે માલદીવમાં ચૂંટણી યોજાઇ ત્યારે પ્રચાર દરમિયાન જ મોહમ્મદ મોઇજ્જુએ ભારત વિરૂદ્ધની વાતો કરી હતી. માલદીવમાં ભારતીય સેનાની હાજરી ચૂંટણીનો મુદ્દો બની હતી. મોહમ્મદ મોઇજ્જુએ કહ્યું હતું કે, હું રાષ્ટ્રપતિ બનીશ તો ભારતની સેનાને પાછી મોકલી દઇશ. ચીનના ઇશારે જ તેમણે અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીને ભારત આઉટ કેમ્પેઇન ચલાવી હતી. મોહમ્મદ મોઇજ્જુની શપથવિધિમાં આપણી સરકારે કેન્દ્રીય પ્રધાન કિરન રિજિજુને માલદીવ મોકલ્યા હતા. કિરન રિજિજુએ નવા રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઇજ્જુ સાથે દ્વીપક્ષીય મંત્રણાઓ કરી હતી. એ દરમિયાન રાષ્ટ્રપતિ મોઇજ્જુએ વિનંતી કરી હતી કે, ભારત પોતાની સેનાને પાછી બોલાવી લે. ભારત અને માલદીવના સંબંધોમાં માત્ર સેના એક જ ઇશ્યૂ નથી, બંને દેશ વચ્ચે સોથી વધુ સમજૂતીઓ થઇ છે. માલદીવની નવી સરકારે આ તમામ સમજૂતીઓ પર પુનર્વિચાર કરવાની વાત કરી છે. હજુ જોવાનું એ રહે છે કે, માલદીવની સરકાર પોતાના દેશમાં ચાલતા ભારતના પ્રોજેક્ટો વિશે કેવું વલણ અપનાવે છે. ભારતીય સેનાને પાછી મોકલીને માલદીવ સરકાર ચીનને સેનાને ઘૂસાડવા માંગે છે? માલદીવના નિષ્ણાતો કહે છે કે, રાષ્ટ્રપતિ મોઇજ્જુ જો આવું કરશે તો એ તેમની સૌથી મોટી ભૂલ હશે. ભારત દરેક સંકટ વખતે માલદીવની સાથે રહ્યું છે. માલદીવે એ વાત ભુલવી ન જોઇએ. માલદીવ અત્યારે ઓલરેડી ચીનની ડેબ્ટ ટ્રેપમાં ફસાયેલું છે. અગાઉની સરકારનો ઝુકાવ ભારત તરફી હતો એટલે ચીને માલદીવ પાસે પઠાણી ઉઘરાણી કરવાનું શરુ કરી દીધું હતું. માલદીવે ચીનનું દેવું ચુકવવા માટે ભારત પાસે આર્થિક મદદ માંગવી પડી હતી. ભારતે તમામ મદદ કરી હતી.

માલદીવ ભારત માટે ભૌગોલિક રીતે ખૂબ જ મહત્ત્વનું છે. ચીનની દાનત માલદીવમાં પોતાની સેનાનું થાણું બનાવીને ભારત પર નજર રાખવાની છે. ચીને માલદીવનો એક ટાપુ 40 લાખ ડોલરમાં પચાસ વર્ષના પટ્ટે લખાવી લીધો છે. હજુ બીજા ટાપુ પર ચીનની નજર છે. ચીને માલદીવમાં બે હજાર મિલિયન ડોલરના ખર્ચે એક પુલ બનાવી આપ્યો છે. ચીન હજુ બીજા વિકાસ કામો માટે માલદીવને આંબા-આંબલી બતાવી રહ્યું છે. ચીનની દાનત એ છે કે, માલદીવ ભારતના પ્રોજેક્ટો બંધ કરાવે અને બધા કામો ચીનને સોંપે. આપણા દેશ માટે સૌથી મોટો સવાલ માલદીવમાં વસતા 30 હજાર ભારતીયોનો છે. અગાઉ ચીન કહે એટલું જ પાણી પીનારા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીનની સત્તા વખતે ભારતીય મૂળના લોકોને હેરાન પરેશાન કરવામાં આવ્યા હતા. માલદીવમાં નવી નોકરીઓ માટે જે જાહેરાતો પ્રસિદ્ધ કરવામાં આવતી હતી તેમાં પણ એવું લખવામાં આવતું હતું કે, ઇન્ડિયનોએ અરજી કરવી નહીં. આપણો દેશ અત્યારે તેલ અને તેલની ધાર જોઇ રહ્યો છે. રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઇજ્જુ કેવા પગલાં ભરે છે એના પર બંને દેશોના સંબંધોનો આધાર રહેવાનો છે. એક વાત નક્કી છે કે, સંબધોમાં જે મીઠાશ હતી એ હવે રહેવાની નથી. મીઠાશ ન રહે એનો પણ વાંધો નથી, કડવાશ થઇ તો ઘણા બધા ઇશ્યૂઝ થવાના છે.

માલદીવમાં ભારતીય સેનાના 77 જવાનો તહેનાત છે. આપણી સરકારે માલદીવને એક હેલિકોપ્ટર અને એક ડોર્નિયર વિમાન પણ આપ્યું છે. આ બધાનો ખર્ચ ભારત ભોગવે છે. માલદીવ બારસો સુંદર ટાપુઓના સમૂહનો દેશ છે. દરિયાઇ સૌંદર્યના કારણે દુનિયાભરના પ્રવાસીઓમાં માલદીવનું આકર્ષણ રહે છે. માલદીવમાં ડ્રગ્સનું દૂષણ ખતરનાક રીતે પ્રસરેલું છે. વિદેશી પ્રવાસીઓને ડ્રગ પૂરું પાડવા માફિયા ગેંગો માલદીવમાં સક્રિય છે. આપણી સેના ડ્રગનું દૂષણ રોકવા માટે માલદીવની મદદ કરતી હતી. એ સિવાય પણ માલદીવના રક્ષણ માટે ભારતીય સેનાએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. એક સમયે તો માલદીવને ભારતીય સેનાએ જ બચાવ્યું હતું. આપણા દેશની સેના જો સમયસર માલદીવની મદદે પહોંચી ન હોત તો આતંકવાદીઓએ માલદીવ પર કબજો જમાવી દીધો હોત. વાત છે, તારીખ 3 નવેમ્બર, 1988ની. એ વખતે અબ્દુલ ગયૂમ માલદીવના રાષ્ટ્રપતિ હતા. માલદીવના જ એક બિઝનેસમેન અબ્દુલાહ લુથૂફીના ઇશારે શ્રીલંકાના પીપલ્સ લિબરેશન ઓર્ગેનાઇઝેશન ઓફ તમિલ ઇલમના 80 જેટલા સશસ્ત્ર આતંકવાદીઓ ટૂરિસ્ટના વેશમાં દરિયાઇ રસ્તે માલદીવમાં ઘૂસી આવ્યા હતા. આતંકવાદીઓએ એક પછી એક સરકારી સંસ્થાઓ પર કબજો કરવાનું શરૂ કર્યુ હતું. રેડિયો, ટીવી સ્ટેશન અને બીજી સરકારી કચેરીઓ પણ કબજો કરીને આતંકવાદીઓ રાષ્ટ્રપતિ ભવન તરફ આગળ વધતા હતા. આતંકવાદીઓની ગણતરી રાષ્ટ્રપતિ અબ્દુલ ગયૂમની હત્યા કરીને અથવા તો તેમને બંધક બનાવીને દેશ પર કબજો જમાવવાની હતી. રાષ્ટ્રપતિ અબ્દુલ ગયૂમે ભારત સરકારને મદદ માટે વિનંતી કરી હતી. આપણી સરકારે કોઇ જાતનો વિલંબ કર્યા વગર સેનાને માલદીવ પહોંચીને મદદ કરવા જણાવ્યું હતું. ભારતીય સેનાએ માલદીવને બચાવવા માટે ઓપરેશન કેકટસ હાથ ધર્યું હતું. માત્ર નવ કલાકમાં જ ભારતીય સેના માલદીવ પહોંચી ગઇ હતી. આતંકવાદીઓથી ભારતીય સેનાએ માલદીવને મુક્ત કરાવ્યું હતું. માલદીવ સુરક્ષિત થઇ ગયું એ પછી ભારતની સેના પાછી ફરી રહી હતી. એ વખતે માલદીવના તત્ત્કાલીન રાષ્ટ્રપતિ અબ્દુલ ગયૂમે ભારતની સરકારને વિનંતી કરી હતી કે, ભારતીય સેનાને માલદીવમાં રાખો. એ સમયથી આજના દિવસ સુધી ભારતીય સેના માલદીવમાં છે. ભારતીય સેનાની જ્યારથી માલદીવમાં હાજરી છે એ પછી માલદીવમાં બળવા કે મોટા હુમલાની એકેય ઘટના બની નથી. હવે 35 વર્ષ પછી ભારતીય સેનાએ માલદીવમાંથી પાછા આવવું પડે એવી સ્થિતિ નિર્માણ થઇ છે. માલદીવથી ભારતની સેના પાછી આવે એનાથી આપણા દેશને ખાસ કોઇ ફેર પડવાનો નથી. માલદીવને ચીનનો વધુ પડતો ભરોસો ભારે પડે એવી શક્યતાઓ વધારે છે.

માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઇજ્જુએ ભારતને સેના પાછી બોલાવવાનું કહ્યું એની સાથે એવું પણ કહ્યું છે કે, અમે ભારત સાથે સારા સંબંધો ઇચ્છીએ. તેમણે એવી વાત પણ કરી કે, અમે તો ભારત, ચીન સહિત તમામ દેશો સાથે મળીને જ કામ કરવાના છીએ. માલદીવને બધાની જરૂર છે. બધાના સાથથી જ માલદીવ આગળ વધી શકશે. રાષ્ટ્રપતિ મોઇજ્જુને એ વાતનો પણ ડર છે કે, જો ભારત દૂર થઇ ગયું તો ભારતના મિત્ર દેશો અને ખાસ કરીને અમેરિકા પણ માલદીવથી મોઢું ફેરવી લેશે. માલદીવની ઇકોનોમી અને ટૂરિઝમમાં ભારતનો હિસ્સો નોંધપાત્ર છે. ભારતીયો માટે માલદીવ પ્રિય ટૂરિસ્ટ ડેસ્ટિનેશન છે. ભારતના પ્રવાસીઓ પર માલદીવનું ટૂરિઝમ નભે છે એવું કહીએ તો પણ વધુ પડતું નથી. ભારત સાથે બગાડવું માલદીવને પરવડે એમ નથી. રાષ્ટ્રપતિ મોઇજ્જુ ભારત સાથે કેવા સંબંધો રાખે છે એના પર ઘણું બધું નિર્ભર રહેવાનું છે!

  • Follow us on: