• ઇઝરાયેલ અને હમાસનું યુદ્ધ 47 દિવસ પછી શાંત પડ્યું છે. હમાસે પચાસ બંધકોને છોડવાની તૈયારી બતાવી એ પછી ઇઝરાયેલે ચાર દિવસ માટે શસ્ત્રો મ્યાન કર્યા છે. સિઝ ફાયરની અવધિ પૂરી થશે એ પછી શું એ સૌથી મોટો સવાલ છે!
  • હમાસે જ્યારે હુમલો કર્યો ત્યારે જ એ વાત નક્કી હતી કે, છેલ્લે તો ઇઝરાયેલ જ યુદ્ધમાં ફાવવાનું છે. હમાસે શું મેળવી લીધું? આ યુદ્ધે દુનિયાનું વાતાવરણ ડહોળી નાખ્યું છે. બધું થાળે પડતા લાંબો સમય લાગવાનો છે!

ઇઝરાયેલ અને હમાસના યુદ્ધમાં આખરે નાનકડો વિરામ આવ્યો છે. હમાસે ઇઝરાયેલના પચાસ બંધકોને છોડવાની તૈયારી બતાવી એ પછી ઇઝરાયેલે ચાર દિવસ માટે યુદ્ધ રોકવા સંમતિ આપી છે. ઇઝરાયેલને એમ હતું કે, ગાઝા પર એટેક કરીને આપણે આપણા બંધકોને છોડાવી લેશું. જો કે, એવું થઇ શક્યું નથી. હમાસે ઇઝરાયેલના બંધકોને એવી જગ્યાએ રાખ્યા છે જ્યાં ઇઝરાયેલની સેના પહોંચી ન શકે. અત્યારે ચર્ચા એ વાતની છે કે, આ યુદ્ધવિરામ યુદ્ધનું પૂર્ણવિરામ છે કે અલ્પવિરામ? હમાસના કબજામાં ઇઝરાયેલના દોઢસો નાગરિકો છે. તેમાંથી હમાસ પચાસને જ છોડવાનું છે. સો બંધકો બાકી રહેશે. જેને છોડવામાં આવશે તેમાં 30 બાળકો, આઠ માતા અને બીજી 12 મહિલાઓનો સમાવેશ થાય છે. જે ડીલ થઇ છે એ મુજબ ઇઝરાયેલ પણ 150 પેલેસ્ટિયન કેદીઓને મુક્ત કરશે. બંને પક્ષે દસ દસના જૂથમાં બંધકોને છોડવામાં આવશે. બંધકોની મુક્તિ અને યુદ્ધવિરામની સમાપ્તિ પછી શું એના વિશે કોઇ કંઇ ફોડ પાડીને કહેતું નથી. ઇઝરાયેલે યુદ્ધને રોકવાનું નક્કી કર્યું એટલે તેના દેશમાં જ વિરોધ શરૂ થયો છે. ઇઝરાયેલના લોકો કહે છે કે, આખા ગાઝાને સળગાવી દો. આ વખતે મૂકશો તો હમાસ ભવિષ્યમાં ફરીથી માથું ઊંચકશે. યુદ્ધ રોકવા ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂ પર અમેરિકા સહિત આખી દુનિયાનું પ્રેશર હતું.

યુદ્ધવિરામના ચાર દિવસ પણ શાંતિથી પસાર થશે કે કેમ એ સવાલ છે. એનું કારણે એ છે કે, ઘણા દેશો યુદ્ધ પૂરું થાય એવું ઇચ્છતા નથી. ઇઝરાયેલનો હાથ ઉપર રહે એ ઇરાન સહિત કેટલાંક મુસ્લિમ દેશોને પસંદ નથી. આ ચાર દિવસ દરમિયાન લેબેનોનના હિઝબુલ્લાહ, યમનના હૂતી કે સીરિયાના લડાકુઓએ જો કોઇ અટકચાળું કર્યું તો વાત ફરીથી બગડી જવાની છે. આ યુદ્ધમાં ગાઝાના બાર હજારથી વધુ લોકો માર્યા ગયા છે. ઇઝરાયેલે પણ અઢીથી ત્રણ હજાર લોકો ગુમાવ્યા છે. બંને પક્ષે મળીને પંદર હજાર લોકોનો ભોગ લેવાયો છે. ગાઝા પટ્ટી ખેદાનમેદાન થઇ ગઇ છે. ગાઝામાં હજારો ઇજાગ્રસ્તો સારવાર માટે ટળવળે છે. લાખો લોકોના ઘરબાર તબાહ થઇ ગયા છે. આર્થિક નુકશાનની તો કોઇ ગણતરી જ નથી. આ યુદ્ધથી કોને શું મળ્યું એનો હિસાબ મંડાઇ રહ્યો છે. હમાસે તારીખ 7મી ઓકટોબરે એક સાથે પાંચ હજારથી વધુ રોકેટો ઇઝરાયેલ પર છોડીને યુદ્ધનો આરંભ કર્યો ત્યારે જ એ વાત નક્કી હતી કે છેલ્લે તો આ યુદ્ધમાં ઇઝરાયેલ જ ફાવવાનું છે. ઇઝરાયેલ યુદ્ધ જીત્યું પણ તેની ઇમેજ તો ખરડાઇ જ છે. હમાસે જબરજસ્ત હુમલો કરી દીધો ત્યાં સુધી ઇઝરાયેલને ગંધ સુદ્ધાં ન આવી. ઇઝરાયેલ ઊંઘતું ઝડપાયું હતું. ઇઝરાયેલે આ યુદ્ધમાંથી ઘણું શીખવું પડશે. નાની સરખી બેદરકારી પણ ભારે પડી શકે છે. હમાસે ઇરાન અને બીજા દેશને વિશ્વાસમાં લઇને યુદ્ધ છેડ્યું હતું કે કેમ તેનો ચોક્કસ જવાબ હજુ મળ્યો નથી. હમાસને કદાચ એમ હતું કે, અમે યુદ્ધ છેડશું પછી ઇરાન અને બીજા કેટલાંક દેશો તેની મદદે આવશે. ઇરાન હંમેશાં ઇઝરાયેલને નેસ્તનાબુદ કરવાની વાતો કરતું રહે છે. ઇરાને હિઝબુલ્લાહ અને હૂતી મારફતે હમાસને મદદ ચોક્કસ કરી પણ યુદ્ધમાં સીધું ઝંપલાવવાથી દૂર રહ્યું છે. ઇરાનને અમેરિકાનો ડર છે. અમેરિકાએ ચોખ્ખી ધમકી આપી હતી કે, જો ઇરાન કે બીજો કોઇ દેશ વચ્ચે આવ્યો તો અમે ઇઝરાયેલ વતી લડવા આવી જશું. અમેરિકાએ તો પોતાનું યુદ્ધ જહાજ પણ ઇઝરાયેલની મદદે મોકલી આપ્યું હતું. સારી વાત એટલી કે, આ યુદ્ધ ત્રીજા વિશ્વયુદ્ધ સુધી ન લંબાયું.

ઘણા મુસ્લિમ દેશો યુદ્ધવિરામનો જશ ખાટવા મથી રહ્યા છે. તુર્કિયેના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ અર્દોગને કહ્યું કે, અમે ઘણા સમયથી યુદ્ધવિરામ માટે પ્રયાસો કરતા હતા. આ યુદ્ધના કારણે અમેરિકા વિરોધી લોબી વધુ નજીક આવી ગઇ છે. રશિયા અને ચીન આ યુદ્ધનો ફાયદો ઉઠાવી રહ્યા છે. સોમવારે ચીનની રાજધાની બેઇજિંગમાં મુસ્લિમ દેશોના વિદેશ પ્રધાનોની બેઠક મળી હતી. આ બેઠકમાં ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ કહ્યું કે, દુનિયાના મુસ્લિમ દેશો ચીનના ભાઇ જેવા છે. સાઉદી અરેબિયાના વિદેશ પ્રધાન પ્રિન્સ ફૈઝલ બિન ફરહાન અલ સઉદે કહ્યું કે, યુદ્ધના અંત અને સમસ્યાનો ઉકેલ આવશ્યક છે. સૌથી મોટી પ્રાથમિકતા તો ગાઝાના લોકોને સહાય મોકલવાની છે. આ યુદ્ધ વિરામથી સહાય તો વધવાની જ નથી. અમુક લોકો તો એવું પણ ઇચ્છી રહ્યા છે કે, ઇઝરાયેલ આખા ગાઝા પર વહેલી તકે કબજો મેળવી લે, યુદ્ધ જીતી લીધાનો દાવો કરે અને વાત પૂરી કરે. જેનાથી ગાઝાના નિર્દોષ લોકો તો મરતા બંધ થાય. ઇઝરાયેલે યુદ્ધ જીતી લીધું હોવા છતાં એ પોતાને વિજેતા જાહેર કરતું નથી, એનું કારણ એ છે કે હમાસ પાસે હજુ તેના બંધકોનો કબજો છે. હમાસને એ વાતનો ડર છે કે, બંધકોને છોડી દીધા પછી ઇઝરાયેલ છેલ્લો પ્રહાર કરીને આપણને નેસ્તનાબુદ કરી નાખશે. બીજી ચર્ચા એ વાતની પણ છે કે, હમાસે જો ઇઝરાયેલના બંધકોને છોડવાનું વહેલું નક્કી કરી લીધું હોત તો પેલેસ્ટાઇનના ઘણા નિર્દોષ લોકોનો જીવ બચી ગયો હોત.

યુદ્ધવિરામ બાદ જે થાય તે પણ એક વાત નક્કી થઇ ગઇ છે કે, ઇઝરાયેલ અને તેના દુશ્મનો વચ્ચેની ખાઇ વધુ પહોળી થઇ છે. ઇઝરાયેલ અને પેલેસ્ટાઇનનો વિવાદ દાયકાઓ જૂનો છે અને હજુ દાયકાઓ સુધી તેનો અંત આવે એવી શક્યતાઓ જણાતી નથી. ક્યાં સુધી લડતા રહેશો? હજુ કેટલા નિર્દોષ લોકોના જીવ જશે? ડાહી ડાહી વાતો યુદ્ધના સમયમાં સાંભળવામાં આવતી નથી. યુદ્ધમાં છેલ્લે તો એવરીથિંગ ઇઝ ફેરનો સિદ્ધાંત જ લાગુ પાડવામાં આવે છે. યુદ્ધના કાયદાઓ છે પણ યુદ્ધ ફાટી નીકળે ત્યારે સૌથી પહેલા એ કાયદાઓને જ ફગાવી દેવામાં આવતા હોય છે. ઇઝરાયેલ અને હમાસના યુદ્ધના પડઘા લાંબો સમય સુધી પડવાના છે. હજુ ગાઝાના વહીવટનો મુદ્દો તો બાકી જ છે. ઇઝરાયેલે ગાઝા પર કબજો કરી લીધો છે પણ હવે તેનો વહીવટ કરવાનું કામ સહેલું નથી. મુસ્લિમ દેશોને સાથે રાખીને ગાઝાનું સંચાલન કરવામાં આવશે તો હજુ પણ થોડોક ફેર પડશે, બાકી તકલીફો રહેવાની છે. હમાસે પછડાટ ખાધી છે પણ હમાસ ખતમ નથી થયું. આતંકવાદી સંગઠનો વિશે એવું કહેવાતું રહ્યું છે કે, મેળ પડે એટલે એ ફરીથી બેઠા થાય છે. કટ્ટરતા અને ઉશ્કેરણી ઉપરાંત કેટલાંક દેશો પોતાના હિત ખાતર પણ લોકોને લડાવતા રહે છે. હમાસના નેતાઓ કતારમાં બેસીને ફાઇવ સ્ટાર ટ્રીટમેન્ટ એન્જોય કરી રહ્યા છે અને હમાસના લડાકુઓ અને ગાઝાના નિર્દોષ લોકો મરી રહ્યા છે. ચાર દિવસ યુદ્ધ રોકાયું છે ત્યારે બધા એવું જ ઇચ્છી રહ્યા છે કે, આ યુદ્ધ વિરામ લંબાય, યુદ્ધ વહેલી તકે ખતમ થાય અને ધીમે ધીમે બધું થાળે પડે! એના માટે હજુ ઘણું બધું જો અને તો પર આધાર રાખે છે!

  • Follow us on: