• ઇટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પોતાના પાર્ટનર એન્ડ્રિયા જિયામિબ્રુનો સાથેના દસ વર્ષના સહજીવનનો અંત આણી દીધો છે. એન્ડ્રિયા પોતાની બિભત્સ ટિપ્પણીઓના કારણે પહેલેથી વિવાદમાં રહ્યો છે. બંનેનું સહજીવન તૂટવાનું જ હતું!
  • એન્ડ્રિયાની વાઇરલ થયેલી એક વોઇસ ક્લિપના કારણે મેલાની પર વિરોધીઓ તડાપીટ બોલાવી રહ્યા હતા. પાર્ટનરના બેશરમ વર્તનના કારણે મેલોનીને રાજકારણમાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. મેલોનીએ આખરે છેડો ફાડી નાખ્યો

ઇટલીમાં જ્યારથી 46 વર્ષના જ્યોર્જિયા મેલોની વડાંપ્રધાન બન્યા છે ત્યારથી તેમનું પ્રેમ પ્રકરણ સતત ચર્ચામાં રહ્યું છે. ગયા વર્ષે તારીખ 22મી ઓકટોબર, 2022ના રોજ જ્યોર્જિયાએ વડાપ્રધાનપદ સંભાળ્યું ત્યારે તેમને દેશના પહેલા મહિલા વડાપ્રધાન તરીકે લોકો બિરદાવતા હતા, સાથોસાથ તેના એન્ડ્રિયા સાથેના સંબંધો વિશે પણ સવાલો ઉઠાવતા હતા. જર્યોર્જિયા અને એન્ડ્રિયાએ સત્તાવાર રીતે મેરેજ નથી કર્યા પણ બંને કપલની જેમ જ દસ વર્ષથી સાથે રહેતા હતા. બંનેને સાત વર્ષની જિનેવરા નામની દીકરી છે. જ્યોર્જિયા અને એન્ડ્રિયાની લવ સ્ટોરીનો પ્રારંભ ફિલ્મી સ્ટાઇલથી થયો હતો. એન્ડ્રિયા જિયામિબ્રુનો ઇટલીની ટેલિવિઝન ચેનલ મીડિયાસેટના એક ટોક શોના પ્રેઝન્ટર છે. બંનેની મુલાકાત ટીવીના એક કાર્યક્રમ દરમિયાન જ થઇ હતી. જ્યાર્જિયા આ ટીવી કાર્યક્રમમાં ગેસ્ટ તરીકે ગયા હતા. કાર્યક્રમ પહેલા બધા બેઠા હતા. જ્યોર્જિયાએ એક કેળું ખાધું. અડધું કેળું ખાઇને બાકીનું અડધું તેણે એન્ડ્રિયાને આપ્યું. બંનેની આંખો મળી અને પ્રેમ થઇ ગયો. બંને પહેલેથી પોતાના પ્રેમને લવ એટ ફર્સ્ટ સાઇટ કહેતા રહ્યા હતા. જ્યોર્જિયા બાદમાં પોલિટિક્સમાં એક એક પગલું આગળ વધતી રહી અને એન્ડ્રિયા પોતાના ટીવી કાર્યક્રમો સાથે જોડાયેલો રહ્યો. જ્યોર્જિયા મહિલાઓના પ્રશ્નો કે સમસ્યાઓની વાત હોય તો મહિલા અધિકાર અને મહિલા સન્માનનો ઝંડો લઇને નીકળી પડતા હતા. બીજી તરફ એન્ડ્રિયા મહિલાઓ વિશે ગમે તેવી કમેન્ટ્સ કરતા રહેતા હતા. જયોર્જિયાને એમ હતું કે, પોતે હવે વડાપ્રધાન બની ગઇ છે ત્યારે પોતાનો પાર્ટનર બોલવામાં અને વર્તન કરવામાં કેરફૂલ રહેશે. જો કે, એવું થયું નહીં. ઉલટું એન્ડ્રિયા વધુ બેફામ બની ગયો.

ઇટાલીમાં થોડા સમય પહેલા ગેંગ રેપની એક ઘટના બની હતી. એન્ડ્રિયાએ પોતાના ટીવી ટોક શો દરમિયાન એવું કહ્યું હતું કે, જો તમે ડાન્સ કરતા હોવ તો તમને નશો કરવાનો પૂરો અધિકાર છે. જો કે, તમે નશો કરવાથી દૂર રહો તો તમે બીજી ઘણી ઘટનાઓથી બચી શકો છો. એન્ડ્રિયાની આ કમેન્ટ્સે હોબાળો મચાવ્યો હતો. ઇટલીની મહિલાઓએ કહ્યું હતું કે, મહિલાઓએ નશો કરવો કે નહીં એ કહેવાવાળો એન્ડ્રિયા કોણ? એન્ડ્રિયાએ આવું કહીને તેણે બળાત્કારીઓની ફેવર કરી છે. બહુ વિવાદ થયો પછી પણ જ્યોર્જિયાએ એન્ડ્રિયાનો બચાવ કર્યો હતો. જ્યોર્જિયાએ કહ્યું કે, એન્ડ્રિયાની વાતને ખોટી રીતે સમજવામાં આવી છે. આ મામલો માંડ માંડ શાંત પડ્યો હતો ત્યાં હમણા એક બીજી ઘટના બની. એન્ડ્રિયાની એક ઓફ એર રેકોર્ડિંગ વાઇરલ થઇ ગઇ. તેમાં એન્ડ્રિયા પોતાની સાથે કામ કરતી એક છોકરી સાથે અભદ્ર અને અશ્લીલ ટિપ્પણી કરતો સાંભળવા મળ્યો હતો. પોતાની હેર સ્ટાઇલ મુદ્દે એણે છોકરી સામે ફરિયાદ કરી અને પછી તેને એવું કહ્યું કે, તું મને પહેલા કેમ ન મળી? એ સિવાય પણ સેક્સ સંબંધિત કમેન્ટસ કરી હતી. આ તો બે ઘટનાઓ છે, એન્ડ્રિયાએ ઓન એર અને ઓફ એર જે બિભત્સ વિધાનો કર્યા છે તેનું તો લાંબુ લિસ્ટ છે. આખરે જ્યોર્જિયાએ નક્કી કર્યું કે, ઇનફ ઇઝ ઇનફ. બસ બહુ થયું, હવે એન્ડ્રિયા સાથે વધુ રહેવું શક્ય નથી.

પોતાની લવ લાઇફ બચાવવા માટે જ્યોર્જિયાએ ઘણા પ્રયાસો કર્યા હતા. તેનું કારણ એ હતું કે, તે એવું ઇચ્છતી હતી કે, પોતાની દીકરીને બંનેનો પ્રેમ મળે. જ્યોર્જિયાની માતા પણ તેના હસબન્ડ જુદી થઇ ગઇ હતી. માતાએ એકલા હાથે તેને ઉછેરી હતી. સિંગલ મધરની ચેલેન્જિસ અને પોતાને થયેલા અનુભવો પણ તેણે નજીકથી જોયા હતા. જ્યોર્જિયા નહોતી ઇચ્છતી કે, તેની સાથે જે થયું છે એ તેની દીકરી સાથે પણ થાય. અલબત્ત, જે થવાનું હોય એ થઇને જ રહે છે. જ્યોર્જિયા મેલોનીએ એન્ડ્રિયાથી છૂટા પડતી વખતે પણ સોશિયલ મીડિયામાં સરસ પોસ્ટ લખી છે. તેણે લખ્યું કે, અમે બંનેએ ખૂબ જ સરસ સમય વિતાવ્યો છે. જિંદગીમાં ઘણી મુશ્કેલીઓ પણ આવી છે, તમામ સમસ્યાઓનો અમે સાથે મળીને હિંમતભેર સામનો કર્યો છે. હું તેની સાથેની યાદો સંભાળીને રાખીશ. અમારા રસ્તાઓ આમ તો ઘણા સમયથી જુદા થઇ ગયા હતા. હવે એનો સ્વીકાર કરવાનો સમય આવી ગયો છે. જ્યોર્જિયાએ સાથો સાથ એમ પણ કહ્યું કે, હવે ભવિષ્યમાં એન્ડ્રિયા વિશે કંઇ કહેવાનું હું ટાળીશ. જ્યોર્જિયાએ આવું કહીને એવો મેસેજ પણ આપ્યો છે કે, મારે દેશ માટે ઘણું બધું કરવાનું છે. એન્ડ્રિયાએ જ્યોર્જિયા સાથે છૂટા પડવા વિશે ખાસ કંઇ કહ્યું નથી. તેણે જ્યોર્જિયાને થેંક યુ કહીને વાત પૂરી કરી છે. ઇટાલીમાં તો હવે એવી ચર્ચાઓ પણ થવા લાગી છે કે, શું જ્યોર્જિયા પોતાના જીવનમાં બીજા કોઇ વ્યક્તિને આવવા દેશે ખરી? જ્યોર્જિયાને જે લોકો જાણે છે તે એવું કહે છે કે, તે પોતાના દેશ અને પોતાના કામ માટે કમિટેડ છે. એન્ડ્રિયા ભલે દૂર થઇ ગયો પણ દીકરી તેની સાથે જ છે. હવે પાર્ટનરના વિવાદોથી દૂર રહીને જ્યોર્જિયા પોતે જે કામો કરવાના છે તેના પર ફોકસ કરી શકશે.

જ્યોર્જિયા મેલોની વડાપ્રધાન બન્યા તેને આજે જ એટલે કે, 22મી ઓકટોબરે એક વર્ષ પૂરું થાય છે. એક વર્ષમાં તેમણે પોતાના દેશ માટે અનેક મહત્ત્વપૂર્ણ કામો કર્યા છે. જી-20ની બેઠકમાં ભાગ લેવા માટે તેઓ ભારત આવ્યા હતા. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જ્યોર્જિયા મેલોનીએ બંને દેશના સંબંધોને નવી કક્ષાએ લઇ જવાનું નક્કી કર્યું હતું. જી-20 પહેલા પણ જ્યોર્જિયા મેલોની ભારતની મુલાકાતે આવ્યા હતા. ઇન્ડોનેશિયામાં જી-20ની બેઠક દરમિયાન નવેમ્બર, 2022માં પણ નરેન્દ્ર મોદી અને જ્યોર્જિયા મેલોનીની વન ટુ વન બેઠક યોજાઇ હતી. ચીનને દૂર કરવામાં ઇટલીએ મહત્વની ભૂમિકા ભજવી છે. ઇટલીએ માર્ચ, 2019માં ચીનના વન બેલ્ટ એન્ડ રોડ ઇનિશિએટિવ પ્રોજેક્ટ માટે હસ્તાક્ષર કર્યા હતા. હવે ઇટાલીએ ચીનના બીઆરઆઇ પ્રોજેક્ટમાંથી નીકળી જવાનો નિર્ણય કર્યો છે. માત્ર ભારત જ નહીં, અમેરિકા તથા ભારતના મિત્ર હોય તેવા દેશો સાથે પણ જ્યોર્જિયા મેલોનીએ સંબંધો વધાર્યા છે. પ્રાઇમ મિનિસ્ટર તરીકે તો તેમની કામગીરીની ઇટલીના તમામ લોકો નોંધ લઇ રહ્યા છે, જોકે પોતાના પર્સનલ રિલેશન્સના કારણે તેમણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. પહેલી મહિલા વડાપ્રધાન હોવાના નાતે એક તરફ મહિલાઓએ તેમનું ગૌરવ હોવાનું કહ્યું છે અને બીજી તરફ તેના પાર્ટનર દ્વારા જ મહિલાઓનું અપમાન થાય એને દુખદ ગણાવ્યું હતું. હવે જ્યોર્જિયાએ પોતાના પાર્ટનર એન્ડ્રિયા સાથે સંબંધો પૂરા કરી દીધા છે ત્યારે એ પણ જોવાનું છે કે, પોતાનો ભૂતકાળ તેનો પીછો છોડે છે કે નહીં? દીકરીના પણ સવાલો છે. જ્યોર્જિયા સામે લાંબી કરિયર છે. એ પ્રાઇમ મિનિસ્ટર છે. દીકરીનો ઉછેર એકલા હાથે કરવાની તેની ક્ષમતા છે. ઇટાલીના લોકો પણ જ્યોર્જિયાને કહે છે કે, તમે જે કર્યું એ સારું કર્યું, અમારી લાગણીઓ તારી સાથે છે. જે સંબંધોનો ભાર લાગે એનાથી મુક્ત થઇ જવામાં કશું જ ખોટું નથી!


  • Follow us on: