- ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેનુઅલ મૈક્રોંને આપણા દેશે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપવા આમંત્રણ આપ્યું છે. ભારત અને ફ્રાંસના સંબંધો સારા જ છે અને વધુ સારા થવાના છે. મૈક્રોં વડાપ્રધાન મોદીની કાર્ય પદ્ધતિના વખાણ કરતા રહે છે
- આપણા દેશે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં હાજરી આપવા માટે અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઇડેનને ઇન્વિટેશન આપ્યું હતું. તેમની મુલાકાત વખતે જ ક્વાડની બેઠક યોજવાનું પણ વિચારાયું હતું. બાઇડેન આવવાના નથી એટલે મૈક્રોંને આમંત્રણ મોકલાયું છે
આપણે આપણા ઘરે કોને બોલાવીએ છીએ, આપણા કાર્યક્રમમાં કોને સ્ટેજ પર બેસાડીએ છીએ, એના પરથી આપણા તેની સાથેના સંબંધો કેવા છે એ છતું થતું હોય છે. બે દેશોના સંબંધોમાં પણ એવું જ હોય છે કે, જે નજીકના હોય એને વધુ માન-પાન આપવામાં આવે છે. આપણા દેશમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં દુનિયાના દેશોમાંથી નેતાઓને મુખ્ય મહેમાન તરીકે બોલાવવાની એક પરંપરા રહી છે. દર વર્ષે ભારત કોને બોલાવે છે તેના પર બધાની નજર હોય છે. આવતા વર્ષે એટલે કે તારીખ 26મી જાન્યુઆરી, 2024ના રોજ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપવા આપણા દેશે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેનુએલ મૈક્રોંને આમંત્રણ પાઠવ્યું છે. ભારતે ફ્રાંસના વડાને આમંત્રણ આપ્યું એ ઘટનાને અનેક રીતે સૂચક માનવામાં આવે છે. ભારત અને ફ્રાંસના સંબંધો ખૂબ જ સારા રહ્યા છે. ફ્રાંસની ભૂમિકા ઇન્ટરનેશનલ રિલેશન્સમાં પણ ખૂબ મહત્ત્વની રહી છે. ફ્રાંસ અને અમેરિકા મિત્રો છે પણ છેલ્લા થોડા સમયથી બંને દેશ વચ્ચે અંતર આવ્યું છે. રશિયા અને યૂક્રેન તથા ઇઝરાયેલ અને હમાસના યુદ્ધ બાદ દુનિયાના સંબંધોના સમીકરણોમાં ઘણી ઉથલપાથલ થઇ છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેનુઅલ મૈક્રોં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રશંસક રહ્યા છે. મૈક્રોંએ તો ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પરથી એવી વાત કરી છે કે, દુનિયા સાથે સંબંધો કેવી રીતે રાખવા જોઇએ એ બધાએ ભારત અને મોદી પાસેથી શીખવું જોઇએ. હવેનો સમય આંખ મીંચીને કોઇની પડખે ચડવાનો નથી. ભારતની જેમ દરેકે પોતાનો વિચાર સૌથી પહેલા કરવાની જરૂર છે.
26મી જાન્યુઆરી, 2024ની ઉજવણીમાં હાજરી આપવા માટે આમ તો અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઇડેનને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. બાઇડેન આવે ત્યારે જ ભારતમાં ક્વાડની બેઠક યોજવાનું પણ વિચારાઇ રહ્યું હતું. બાઇડેને ભારત આવવાની અસમર્થતા બતાવી છે એટલે મૈંક્રોને ઇન્વિટેશન મોકલાયું છે. અમેરિકાએ કહ્યું કે, જાન્યુઆરી, 2024માં બાઇડેનનું શિડ્યુલ એકદમ ટાઇટ છે એટલે ભારત આવવું શક્ય બને એમ નથી. અમેરિકા ઉપરાંત જાપાન અને ઓસ્ટ્રેલિયા ક્વાડના સભ્યો છે. જાપાનના વડાપ્રધાન ફૂમિયો કીશિદા અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝને પણ આ સમય દરમિયાન વ્યસ્ત હોવાનું બહાર આવ્યું હતું. ક્વાડની બેઠક પણ હવે મુલત્વી રાખવામાં આવી છે. અત્યાર સુધીમાં અમેરિકાના એક જ પ્રેસિડેન્ટ ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં હાજર રહ્યા છે. ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ બરાક ઓબામા વર્ષ 2015માં મુખ્ય મહેમાન બન્યા હતા. બરાક ઓબામાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મન કી બાત કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો. દિલ્હી શહેર એર પોલ્યુશન માટે આખી દુનિયામાં બદનામ છે. અમેરિકન પ્રેસિડેન્ટને એવી સલાહ આપવામાં આવી હતી કે, તમે ખુલ્લામાં બેસશો તો તમને વાયુ પ્રદૂષણની અસર થશે. બરાક ઓબામા આ વાત ગણકાર્યા વગર હાજર રહ્યા હતા. 81 વર્ષના જો બાઇડેનની હેલ્થ વિશે જાતજાતની વાતો ચાલતી રહે છે. બાઇડેનની તબિયતના કારણે પણ આ વખતનો પ્રવાસ ટાળ્યો હોય એવી શક્યતાઓ છે. જે હોય તે, હવે બાઇડેન આવવાના નથી અને તેના બદલે ફ્રાંસના પ્રેસિડેન્ટ મૈક્રોંને આમંત્રણ મોકલાયું છે. બાઇડેન ભારત આવવાના નથી એની પાછળ અમેરિકાની ચૂંટણી પણ ઘણા બધા અંશે કારણભૂત છે. 23મી જાન્યુઆરી, 2024થી ડેમોક્રેટિક પાર્ટીનું પ્રાયમરી ઇલેકશન પણ શરૂ થવાનું છે.










