- કુમારપાળે તેના શાસન દરમિયાન સોમનાથનું પુનઃનિર્માણ કરાવવાનું શરૂ કર્યું
- ઉદયન તેનો મુખ્ય કારભારી અને સેનાપતિ હતો
- કુમારપાળે તેના શાસન દરમિયાન સોમનાથનું પુનઃનિર્માણ કરાવવાનું શરૂ કર્યું
સિદ્ધરાજ 49 વર્ષ સુધી પ્રભાવશાળી શાસન કરીને 1143માં મૃત્યુ પામ્યો. તેની પાછળ તે તેનો કોઈ સીધો વારસદાર છોડીને ગયો ન હતો પરંતુ ભીમદેવના પુત્ર ખેમરાજની સીધી પેઢીમાં ત્રણ પુત્રો હતા - મહિપાલ, કીર્તિપાળ, અને કુમારપાળ. કુમારપાળની માતા રાજવી કુટુંબની ન હોવાને કારણે સિદ્ધરાજને કુમારપાળ સામે રોષ હતો. તેણે કુમારપાળને વારસ તરીકે સ્વીકારવાની ના પાડી એટલું જ નહીં, પરંતુ તે સતત તેનું કાસળ કાઢવા માટેની તક શોધતો હતો. તેથી, સિદ્ધરાજના શાસનમાં કુમારપાળને ખૂબ જ દારિદ્રતાનો સામનો કરવો પડયો અને એક રખડતા સાધુ જેવું જીવન જીવવું પડયું. આ પ્રકારની હેરાનગતિ વચ્ચે કુમારપાળને હેમચંદ્રાચાર્યની મિત્રતાનો સધિયારો મળ્યો; કૃતજ્ઞતામાં કુમારપાળે એવું વચન આપ્યું કે જો તે ક્યારેય રાજા બનશે તો તે જૈન ધર્મનો અનુયાયી બનશે.
સિદ્ધરાજનું મૃત્યુ થતાં તેના રાજ્યના કારભારીઓ એ નક્કી કરવા માટે ભેગા થયા કે હવે કોને રાજા બનાવવો. સૌથી મોટો પુત્ર ખૂબ જ નબળો હતો. વચલા પુત્રને જ્યારે એમ પૂછવામાં આવ્યું કે તેના પુરોગામી રાજા દ્વારા પાછળ છોડી જવામાં આવેલા અઢાર પ્રદેશો ઉપર તે કેવી રીતે શાસન કરશે ત્યારે તેણે જવાબ આપ્યો કે તે કારભારીઓનાં સલાહ-સૂચન મુજબ તેનું રાજ્ય ચલાવશે. આ જવાબ દર્શાવતો હતો કે રાજા તરીકેની જવાબદારી સંભાળવા માટે તે ખૂબ જ કોમળ અને અપરિપક્વ હતો. જ્યારે યુવા કુમારપાળને આ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે આગઝરતી આંખો સાથે તેણે તેની તલવાર મ્યાનમાંથી ખેંચી કાઢી. કારભારીઓ આનાથી પ્રભાવિત થયા અને રાજા તરીકે તેને સ્વીકારી તેની સમક્ષ ઝૂકીને ઊભા રહી ગયા. રાજકારભારમાં કાબેલ કુમારપાળે 1143-1174 દરમિયાન અણહિલવાડ ઉપર શાસન કર્યું.
1143માં તેના રાજ્યાભિષેક વખતે કુમારપાળ લગભગ 50 વર્ષની ઉંમરનો હતો. રાજ્યધુરા સંભાળતાની સાથે જ તેણે, તેની રઝળપાટના સમયે મિત્રતા નિભાવનારા લોકોની કદર કરવાનું અને તેમને મહત્ત્વ આપવાનું શરૂ કર્યું. ઉદયન તેનો મુખ્ય કારભારી અને સેનાપતિ હતો. ઉદયનના પુત્ર આમ્રભટ્ટે તેના પિતાના મૃત્યુ પછી કુમારપાળના મુખ્ય કારભારી તરીકે સેવા બજાવવાનું ચાલુ રાખ્યું. કાઠિયાવાડમાં ગિરનાર પર્વતની પિૃમ તરફ્ પથ્થરના પગથિયાં બનાવવાની તેની ઈચ્છા તેણે 1166માં પૂરી કરી.
ઉદયનનો બીજો પુત્ર વાહાદ અગાઉના રાજા સિદ્ધરાજનો પ્રિય હતો. તેણે કુમારપાળના આદેશોનું પાલન કરવાનો ઇનકાર કરી દીધો. તે નાગોર (અજમેર) ભાગી ગયો અને વિશાળ દેવના પૌત્ર રાજા એનકનો ચાકર બન્યો. તેણે વિશાળ દેવને ગુજરાત ઉપર હુમલો કરવા માટે ઉશ્કેર્યો. સાથે સાથે માળવાના રાજાએ પણ ગુજરાત ઉપર હુમલો કરવાનું નક્કી કર્યું. બે શક્તિશાળી દુશ્મનો અને અસંતુષ્ટ કારભારીઓને કારણે કુમારપાળની સ્થિતિ કફેડી બની ગઈ. આમ છતાં તેણે આ મુશ્કેલીઓનો બાહોશીથી સામનો કર્યો; તેણે આંતરિક બળવાને દબાવી દેવા માટે વ્યવસ્થા કરી અને તેના બે સેનાપતિઓને માળવાના આગળ વધી રહેલા સૈન્યને રોકવા માટે મોકલ્યા. તેણે પોતે નાગોર સામે કૂચ કરી.
યુદ્ધમાં કુમારપાળ જે હાથી ઉપર સવારી કરી રહ્યો હતો તેની સામે વાહાદ ધસી ગયો. કુમારપાળના આદેશો અનુસાર મહાવતે કુશળતાથી તેનો હુમલો ખાળ્યો જેના કારણે વાહાદ ધરાશાયી થઇ ગયો અને કુમારપાળના સૈનિકોએ તેને પકડી લીધો. તે પછી કુમારપાળ, રાજા એનક સાથે લડયો અને તેને તીરથી ઘાયલ કરી તેણે યુદ્ધ જીતી લીધું. કુમારપાળની આણ સ્વીકારીને એનકે તેને ઘોડા અને હાથીઓની સોગાદ આપી તેમ જ પોતાની દીકરીને કુમારપાળ સાથે પરણાવી. કુમારપાળે મોટું મન રાખીને વાહાદને માફ્ કરી ફ્રીથી પોતાની સેવામાં રાખ્યો.
તે પછી કુમારપાળે તેનું ધ્યાન માળવા તરફ્ વાળ્યું. તેને ખ્યાલ આવ્યો કે તેના બંને સેનાપતિઓએ તેને દગો દીધો છે. તેણે પોતે જ સૈન્યનું સુકાન સંભાળ્યું અને માળવાના રાજા ઉપર હુમલો કર્યો અને તેને તેના પ્રદેશમાં પાછો ખદેડી દીધો. તે પછી તેણે તેના એક સેનાપતિને કોંકણ મોકલ્યો, જેણે કોંકણના રાજાને હરાવ્યો અને તેને મારી નાખ્યો અને કોંકણ ઉપર કુમારપાળની સત્તા સ્થાપી. આમ કુમારપાળે પુરવાર કર્યું કે બહાદુરી અને કાબેલિયત બંનેમાં તે શ્રોષ્ઠ હતો અને સિદ્ધરાજનો અનુગામી બનવા તે જ લાયક હતો.
12મી શતાબ્દીના મધ્યકાળનો એક શિલાલેખ એ વાતની સાખ પૂરે છે કે કડી જિલ્લાના ખેરાલુ તાલુકામાં સિદ્ધપુરથી દક્ષિણ-પૂર્વ દિશામાં 19 માઈલના અંતરે આવેલા જૂના વડનગર શહેરનું રક્ષણ કરતી દીવાલ કુમારપાળે ચણાવી હતી. આ શહેર, ગુજરાતના રાજવીઓના દરબારમાં મહત્ત્વનું સ્થાન ધરાવતા નાગર બ્રાહ્મણોનું માદરે વતન હતું.
વડનગર પ્રાચીન આનંદપુરના સ્થળે વસેલું છે, જેનો ઉલ્લેખ ચીનના યાત્રી હ્યુ એન ત્સંગે કર્યો છે અને ગુજરાતના વલ્લભીના રાજકુમારોના ભંડોળના સંદર્ભમાં પણ તેનો ઉલ્લેખ જોવા મળે છે. વડનગરની ઉત્તર-પૂર્વે આવેલા શર્મિષ્ઠા તળાવની એક તરફ્ની અર્જુન બારીના પથ્થર ઉપર, 1132માં કુમારપાળ સોલંકી દ્વારા બાંધવામાં આવેલી નગરની દીવાલોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ શિલાલેખમાં ખાસ એ જણાવવામાં આવ્યું છે કે આ નગરનું બીજું નામ આનંદપુર હતું અને અહીં નાગર બ્રાહ્મણો વસતા હતા.
મધ્યકાળમાં વડનગરમાં વસતા નગરજનો કેટલા સમૃદ્ધ હતા તેનો એક રસપ્રદ ઉલ્લેખ, 18મી શતાબ્દીના મધ્યકાળમાં
ઇતિહાસકાર અલી મોહમ્મદખાન દ્વારા ફરસીમાં લખાયેલ મીરાંતે અહેમદીમાં જોવા મળે છે. ગુજરાત અને તેના જિલ્લાઓ વિશેની તેની આંકડાકીય માહિતીમાં તે જણાવે છેઃ વડનગર સમૃદ્ધ હિન્દુઓનું નગર છે. અહીં લખપતિ બેન્કરો વસે છે, ત્યાં સુધી કે ગુજરાત વિશે એવું કહેવાય છે કે તે બે સોનેરી પાંખો - એક ઉમરેઠનગર અને બીજું વડનગર - ધરાવતું રાજ્ય છે.
વડનગરની, નગરને ફ્રતી દીવાલો બંધાવ્યા બાદ કુમારપાળે તેના શાસન દરમિયાન સોમનાથનું પુનઃનિર્માણ કરાવવાનું શરૂ કર્યું. 'પ્રબંધ ચિંતામણિ'માં જણાવવામાં આવ્યું છે કે આ પવિત્ર કાર્ય પ્રતિષ્ઠિત જૈન આચાર્ય હેમચંદ્રની સલાહથી હાથ ધરવામાં આવ્યું હતું. એવું જણાય છે કે એ સમયે તે શૈવ પંથ અને જૈન ધર્મના સિદ્ધાંતો વચ્ચે દ્વિધામાં હતો અને જ્યારે તેણે તેના આચાર્યને કોઈ સખાવતી કાર્ય હાથ ધરવા વિશે સલાહ માંગી ત્યારે તેને ધર્મ પ્રત્યેની શ્રાદ્ધા વધારવા માટે સોમનાથનું પુનઃનિર્માણ કરવાની સલાહ આપવામાં આવી, જ્યાં દરિયાના ઉછળતાં મોજાંથી મંદિર ઉપર જોખમ તોળાતું હતું.
સોમનાથના આ પુનઃનિર્માણનો ઉલ્લેખ 'દ્વ્યાર્શ્યા'ના લેખકે પણ કર્યો છે અને પ્રભાસપાટણ ખાતે ભદ્રકાળી મંદિરના એક શિલાલેખમાં પણ તેનો ઉલ્લેખ જોવા મળે છે. આ પુનઃનિર્માણનો સમય 1169 દર્શાવવામાં આવ્યો છે અને તેમાં જણાવાયું છે કે કુમારપાળે પ્રભાસપાટણ ખાતેના તેના મુખ્ય અધિકારી ગાંડા બૃહસ્પતિના હવાલે અઢળક ધન મૂક્યું હતું અને દેવ પાટણ ખાતે વિધ્વંશ પામેલા મંદિરની મરામત કરાવવાના આદેશો આપ્યા હતા. શિલાલેખ વધુમાં જણાવે છે કે ચંદ્રમાએ પહેલું સોનાનું મંદિર બનાવ્યું હતું અને ત્યારબાદ રાવણે ચાંદીનું મંદિર બનાવ્યું હતું. કૃષ્ણ પછી ભીમદેવે તેનું પુનઃનિર્માણ કરાવ્યું અને તેમાં હીરા-મોતી જડાવ્યા અને ત્યારબાદ કુમારપાળે તેને પુનઃ મેરુ જેવું બનાવ્યું. કહેવાય છે કે કુમારપાળે આ મંદિરનું બાંધકામ પૂર્ણ થયા પછી તેનો સંકલ્પ પૂર્ણ થવાના નિમિત્તે હેમચંદ્રાચાર્ય સાથે આ નગરની મુલાકાત લીધી હતી.
આ ઉપરાંત તેણે દ્વારકા, ખંભાત અને ધંધૂકા ખાતે પણ નવાં મંદિરો બંધાવ્યાં. પછીનાં વર્ષોમાં હેમચંદ્રાચાર્યની સલાહથી તેણે માંસાહાર અને મદ્યપાનનો ત્યાગ કર્યો અને તેના શાસન દરમિયાન પશુ હત્યા રોકવાનો પ્રયત્ન કર્યો.
પ્રજાલક્ષી બાબતોમાં કુમારપાળ ન્યાયી, ધાર્મિક અને ઉદાર હતો. તેની બહાદુરી અને અન્ય સદગુણોને કારણે તેની પ્રતિષ્ઠા તેના પોતાના શાસન સિવાયના પ્રદેશોમાં પણ વિસ્તરી હતી. ચિત્તોડમાં લક્ષ્મણ મંદિરનો સન 1151નો એક શિલાલેખ એની પ્રશસ્તિમાં જણાવે છે કે *તેણે તેના દૃઢ મનોબળથી તેના શત્રુઓનો નાશ કર્યો, તેના રાજ્ય સિવાયના શાસકો પણ તેનો આદેશ માથે ચડાવતા હતા.* ઐતિહાસિક દસ્તાવેજો મુજબ કુમારપાળનું સામ્રાજ્ય ઉત્તરમાં ચિત્તોડથી જેસલમેર સુધી અને દક્ષિણમાં વિંધ્યાચળથી તાપી સુધી વિસ્તરેલું હતું. એમાં કોઈ આૃર્ય નથી કે ઇતિહાસકારો કુમારપાળ સોલંકીને 'ચાલુક્ય વંશના મુકુટમણિ' તરીકે યાદ કરે છે.