- વ્યક્તિત્વ : માંડવી-કચ્છના વિદ્વાન ગોળમેજી પરિષદમાં સલાહકાર હતા
- બંધારણ સભામાં યોગદાન આપ્યું હતું
- એક કચ્છી વસે ત્યાં આખું કચ્છ વસવા બરાબર
'કચ્છ કચ્છ હોતા હૈ' કે 'કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા'. આવા વાક્યો હવે ગુજરાત ઉપરાંત દેશવાસીઓને જીભે ચઢી ચૂક્યા છે. આમ પણ કહેવાય જ છે કે જ્યાં એક કચ્છી વસે ત્યાં આખું કચ્છ વસવા બરાબર છે. કચ્છ કનેકશન કાઢવું એ કચ્છની અને કચ્છી માડુની ખાસિયત છે. સર્વસ્વીકાર્ય બાબત એ પણ છે કે, દેશ હોય કે ગુજરાતના લોકો કચ્છને અવગણી તો નથી જ શકવાના. ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદના મસલા હોય કે વિનાશક આપત્તિઓમાંથી બેઠા થઇને આગળ વધવાનું હોય. તમામ બાબતમાં સામા પાણીએ તરીને કિનારે પહોંચવું એ બાબત અહીં શીખવા જેવી છે. ખમીરના નામે પોરસાઇ જતા કચ્છીઓએ પોતાનું કાઠું કાઢવામાં એક પણ ક્ષેત્ર બાકી નથી રાખ્યું તેમ સોય ઝાટકીને કહી શકાશે. ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ હોય કે બંધારણમાં યોગદાન હોય, કચ્છીજનની હાજરી હશે જ. આગામી દિવસોમાં રાષ્ટ્રપતિની ચૂંટણી થવાની છે અને સંભવિત પરિણામ પણ નક્કી જ સમજાય છે, ત્યારે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કચ્છનું કનેકશન આઝાદી મળ્યા પછી તરત રહ્યું છે. ડૉ. મહિપતરાય મહેતા, ભવાનજી અરજણ ખીમજી, પ્રેમજી ભવાનજી ઠક્કર, ગુલાબશંકર ધોળકિયા, તુલસીદાસ શેઠ, ડૉ. બિહારીલાલ અંતાણી, રાજવી પરિવારના હિંમતસિંહજી જેવા ઝુઝારુ અને હોશિયાર નેતાઓ કચ્છે આપ્યા છે અને તેમાં એક નામ કે જે સીધું લોકપ્રતિનિધિત્વ સાથે સંકળાયેલું રહ્યું નથી પરંતુ ભારતના અર્થકારણ, બંધારણ અને પ્રજાકીય પરિષદના માધ્યમથી લોકસેવા અને લોકશાહીના સંવર્ધન માટે યાદ કરવામાં આવે છે તે દેશની બંધારણ સભાના સભ્ય નિષ્ણાત એવા પ્રો. કે.ટી. શાહનું છે.
કચ્છના માંડવીના ખુશાલ તકલશી શાહ (પ્રો. કે.ટી. શાહ) એક એવું નામ કે જેમણે દેશની આઝાદી બાદની 1950ની રાષ્ટ્રપતિની પહેલી જ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. હોનહાર અને નિપુણ નેતા ડો. રાજેન્દ્રપ્રસાદ સામે પરિણામ નક્કી જ હતું તેમ છતાં લોકશાહીનો આધારસ્તંભ સાચવવા તેમણે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું. જેમ ડૉ. રાજેન્દ્રપ્રસાદ હોનહાર હતા તેમ પ્રો. કે.ટી. શાહ પણ હોશિયાર જ હતા અને ભારતના બંધારણના ઘડતરમાં પણ તેમનું યોગદાન લેવાયું હતું. દેશના ઉચ્ચ દરજ્જાના અર્થશાસ્ત્રી હોવા છતાં તેમને જેટલી જોઇએ તેટલી પ્રસિદ્ધિ ન મળી અને એક વિદ્વાન વ્યક્તિત્વ જાણે વીસરાઇ ગયું.
પ્રો. સ્વ. શાહનું બહુ સ્પષ્ટ માનવું હતું કે, લોકશાહીમાં સ્પર્ધા હોવી જરૂરી છે, તેથી ચૂંટણી થવી જોઇએ. આમ વિચારીને તેઓ તે સમયના સત્તાધારી કોંગ્રેસ પક્ષના કદાવર નેતા ડૉ. રાજેન્દ્રપ્રસાદ સામે સંયુક્ત વિરોધ પક્ષના ઉમેદવાર બન્યા હતા. 15.3 ટકા મતથી હારી ગયા હતા. આ ઉપરાંત દેશના બંધારણ ઘડતરમાં સભ્ય તરીકે યોગદાન, કોંગ્રેસના આયોજન મંડળમાં સ્થાન કે મહાત્મા ગાંધીજીના ગોળમેજી પરિષદના સલાહકાર પ્રો. કે. ટી. શાહને તેમની વિદ્વતા માટે સ્વીકારવા પડયા છે.
માંડીને વાત કરીએ તો, 1888માં 20મી ફ્બ્રુઆરીએ કચ્છના બંદરીય નગર માંડવીમાં ખુશાલ તલકશી શાહ (કે.ટી.શાહ)નો જન્મ થયો હતો. સમય જતાં અર્થશાસ્ત્રી તરીકે નામના મેળવી હતી. તેજસ્વી વિદ્યાર્થી,, ઈંગ્લેન્ડમાં સ્નાતક થઇને પ્રોફ્સર અને પછી બેરિસ્ટર સહિતની પદવી હાંસલ કરી હતી. સમયાંતરે રાજનીતિના ફ્લકમાં પહોંચ્યા બાદ રાજકીય વિશ્લેષક તરીકે ઉભરી આવ્યા હતા. વિકાસ યોજનાપૂર્વક હોવો જોઇએ એમ તેમનું સ્પષ્ટ માનવું હતું. વિધાનસભાના માજી સ્પીકર સ્વ. કુંદનલાલ ધોળકિયાએ તેમના પુસ્તક કચ્છના અંતરંગોમાં નોંધ્યું છે કે, બંધારણ સભામાં પ્રો. કે. ટી. શાહ કચ્છમાંથી નહીં પણ મુંબઇ કે અન્ય રાજ્યમાંથી ચૂંટાયા હતા. તેઓ વિરોધ પક્ષમાં હતા, પરંતુ ભારતમાં બંધારણવિદ તરીકે તેમનું નામ મશહૂર થયું હતું. બંધારણ ઘડતરમાં તેમણે અપ્રતિમ ફળો આપ્યો તે માત્ર કચ્છનું કે ગુજરાતનું નહીં પણ સમગ્ર ભારતનું ઉજ્જવળ પ્રકરણ ગણાવાયું હતું. તેઓ વિરોધ પક્ષમાં હોવાના કારણે બંધારણમાં તેમણે સૂચવેલા મોટાભાગના સુધારાઓ સ્વીકારાયા ન હતા પણ દાયકાઓ બાદ તેમના સુધારાઓ અને ભયસ્થાનો સાચા પડયાં હોવાની નોંધ કરવામાં આવી છે.
મુંબઇમાં 1925-26માં કચ્છી પ્રજાકીય પરિષદ રચવામાં આવી તેના સ્થાપક સભ્ય બનાવાયા હતા. તો, 1934માં કોંગ્રેસે આયોજન મંડળ નીમ્યંુ હતું જેના પ્રમુખ જવાહરલાલ નહેરુ હતા અને મંત્રી પ્રો. કે.ટી. શાહને બનાવાયા હતા. દરમિયાન ચીનનો પ્રવાસ પણ કર્યો હતો અને ગોળમેજી પરિષદમાં મહાત્મા ગાંધીજીના બે વખત સલાહકાર પણ રહ્યા હતા. 1934 પછી તેઓ કોંગ્રેસમાંથી છૂટા પડયા અને 1950થી 1952 સુધી પ્રોવિઝનલ પાર્લમેન્ટમાં સભ્ય રહ્યા હતા. 1952ની લોકસભાની પ્રથમ ચૂંટણીમા પિૃમ કચ્છની બેઠક ઉપર જંગમાં ઊતર્યા હતા અને ભવાનજી અરજણ ખીમજી સામે હાર્યા હતા. તેમનું અવસાન 1953માં 10મી માર્ચે થયું હતું. આ પ્રખર અર્થશાસ્ત્રી, સુધારાવાદી અને વિઝનરી નેતાના યોગદાનની નોંધ તત્કાલીન સમયે લેવામાં આવતી હતી, પણ સમયાંતરે કાયમી નોંધ લેવાનું કદાચ ચૂકાઇ ગયું હોવાનું ચિત્ર સપાટી ઉપર છે.