- સંકલ્પ : નવા વર્ષે કામ સિવાય રોજ માત્ર એક જ કલાક મોબાઈલનો ઉપયોગ કરવાનો સંકલ્પ લઈએ તો જીવન સાર્થક થાય
નવું વર્ષ આવી ગયું. જે ગયા વર્ષે નવું લાગતું હતું એ આ વર્ષે જૂનું થઈ ગયું. એ જ રીતે જે આ વર્ષે નવું લાગી રહ્યું છે આવતા વર્ષે જૂનું થઈ જશે. સમયના ગર્ભમાં કંઈ જ કાયમી નથી. વર્ષ બદલાતું રહે છે એની સાથે માણસનાં રેઝોલ્યુશન પણ બદલાતાં રહે છે. આમ તો રેઝોલ્યુશનને તમે ઘણાં અર્થમાં લઈ શકો એમ છે. સામાન્ય રીતે રેઝોલ્યુશન એટલે પ્રતિજ્ઞા, નિૃય અથવા તો પોતાની જાત સાથે કરેલો એક કરાર. મોટેભાગે એવું બનતું હોય છે કે માણસ વર્ષ દરમિયાન પોતાની મર્યાદાઓ શોધે છે અને પછી એને દૂર કરવા માટે વર્ષનાં અંતે પોતાની જાત સાથે કરાર કરે છે કે હવેથી હું મારી એ મર્યાદાને દૂર કરીશ. મર્યાદા દૂર થાય કે ન થાય એ તો પછીની વાત છે પરંતુ માણસ એક વાર નક્કી તો કરી જ લે છે. આને ફેશન કહો કે પરંપરા પરંતુ વર્ષોથી માણસ પોતાની જાત સાથે કરાર કરે છે એ વાત પાક્કી. જો કે આ બધાની એક જુદી જ બ્યૂટી હોય છે. હવે વર્ષ પૂરું થવાને બે-ત્રણ દિવસ બાકી છે. નવું વર્ષ આવી ગયું. સમય તો ક્યાં નીકળી જાય છે સહેજ પણ સમજાતું નથી. આ વર્ષે પણ આપણામાંના ઘણા લોકો હવેથી આવું કરીશ, આવું ના કરીશ એવું વિચારીને બેઠા હશે. વ્યકિત વ્યકિતએ લિસ્ટ જુદું જુદું હશે. નવા વર્ષની સવારે પ્રતિજ્ઞા પણ લેવાઈ જશે. ખેર, પરંતુ મુદ્દાની વાત તો એ છે કે આ વર્ષે આપણે પોતાની જાતને શું કમિટમેન્ટ આપવાની છે ? જો ખરેખર પોતાની જાત સાથે કોઈ કરાર કરવો હોય તો એવો કરાર કરવો જોઈએ કે હું વર્ચ્યુઅલ નહીં પણ એકચ્યુલ બનીશ. આપણે વધારે તો કશું નહીં પરંતુ મોબાઈલનો બિનજરૂરી વપરાશ ઓછો કરવાનો કરાર પોતાની જાત સાથે તો કરવો જ જોઈએ. સમય બદલાઈ રહ્યો છે એનાં સંદર્ભમાં માણસની જીવનશૈલી પણ બદલાઈ રહી છે. જીવન હોય કે મૃત્યુ બધું જ ઝડપી બની ગયું છે. આ બધાની વચ્ચે જીવવાનું ચૂકાઈ જતું હોય એવું લાગી રહ્યું છે.
કહેવાય છે કે વાઘને પૂરવા માટે વાઘનાં માપનાં પાંજરાની જરૂર પડે છે. સિંહને પૂરવા સિંહનાં માપનું પાજરું જોઈએ પરંતુ માણસ જ એક એવું પ્રાણી છે કે એને પૂરવો હોય તો એક છ ઇંચની સ્ક્રીન એનાં હાથમાં પકડાવી દો એટલે એ પાંજરામાં પૂરાઈ જશે ! શરૂઆતમાં જ સ્પષ્ટતા કરી લઉં કે અહીં કહેવાનો મતલબ એવો નથી કે મોબાઈલ ખરાબ છે. મોબાઈલે દુનિયામાં ખૂબ જ મોટી ક્રાંતિ સર્જી છે. મોબાઈલ આવ્યા પછી આખી દુનિયા બદલાઈ ગઈ છે. વિશ્વ એક ગામડું બની ગયું છે. માણસ આંગળીના એક ટેરવે દુનિયા ડોલાવતો થઈ ગયો છે. જો કે પોતે પણ ડોલતો થઈ જ ગયો છે. તકલીફ્ મોબાઈલને લઈને નથી, તકલીફ્ એના અવિવેકી વપરાશને લઈને છે. રક્ષક જ્યારે ભક્ષક બને ત્યારે મુશ્કેલી સર્જાય છે. તમને એવું નથી લાગતું કે આપણે વધારે પડતી ઝડપે આગળ વધી ગયાં છીએ ! આગળ વધવાની ફરિયાદ નથી પરંતુ આગળ વધવાની સાથે જો પોતાના પાછળ છૂટી જાય તો ફરિયાદ થાય છે. તહેવારની સીઝન ચાલી રહી છે. દીપાવલી એટલે પ્રકાશનો તહેવાર. અંધકારમાંથી પ્રકાશ તરફ્ની ગતિ વાયા દિવાળી થઈને જ થતી હોય છે. આ દિવસો માત્ર રજાના નથી પરંતુ પોતાના લોકો સાથે મજા કરવાના દિવસો છે. આ દિવસોમાં રૂટિન શબ્દને કોઈ જ સ્થાન નથી. પ્રોફેશનલ કમિટમેન્ટને બાજુએ રાખીને જીવી લેવાની તક તહેવારો આપતાં હોય છે. પરમ આદરણીય કાકાસાહેબ કાલેલકરે તો આપણા તહેવાર ઉપર એક આખેઆખું પુસ્તક લખેલું. તહેવારોનું માનવ જીવનમાં શું મહત્ત્વ છે એ જો જાણવું હોય તો એ પુસ્તક જરૂરથી વાંચવું. સતત વ્યસ્ત અને તણાવગ્રસ્ત જીવનમાંથી માણસને પોતાના માટે જીવવાની તક આવા તહેવારો જ આપતાં હોય છે. વાત માત્ર દિવાળીના તહેવાર પૂરતી જ સીમિત નથી, આખા વર્ષ દરમિયાન આવતા દરેક તહેવાર માણસને એક નવી ઊર્જા આપતા હોય છે. આવા સમયે માત્ર વર્ચ્યુઅલ બનીને જો આપણે ઉજવણી કરીએ તો સાક્ષીભાવ વિસરાઈ જાય છે. દિવાળી વેકેશન ચાલી રહ્યું છે. રજાના દિવસો છે. આ જ દિવસો એવા છે જ્યારે માણસ પોતાના પરિવાર સાથે મન ભરીને જીવી શકે છે. આવા સમયે પણ જો એ પોતાના પરિવાર અને બીજા અન્ય સ્વજનો સાથે સમય વિતાવવાનું બાજુએ રાખી મોબાઈલમાં વ્યસ્ત રહે તો એવો માણસ ખરેખર દયાપાત્ર છે. શુભકામનાઓના ફોરવર્ડ મેસેજને બાજુએ રાખી ઘરના સભ્યને જો સમય આપવામાં આવે તો ખરા અર્થમાં દિવાળી ઊજવાઈ એમ કહેવાય. ઘણીવખત એવું બને છે કે માણસ ભૌતિક રીતે ઘરે રજા પર હોય છે, પરંતુ માનસિક રીતે એ કોણ જાણે કયાંનો કયાં હોય છે. હવે આવી વ્યકિત ઘરે રહે તો પણ શું અને ન રહે તો પણ શું ! પોતાનાં સંતાનો, પત્ની, માતા-પિતા અને બીજા અન્ય સભ્યોની હાજરી હોય, બધા એક સાથે સમય વિતાવી રહ્યા હોય એ સમયે પણ જો તમે સોશિયલ મીડિયામાં સ્ટેટ્સ અપલોડ કરવામાં અથવા તો રિલ્સ જોવામાં બિઝી હોવ તો તમારા જેવા કંગાળ બીજા કોઈ નથી. ઘણા પરિવાર એવા જોયા છે જેમાં એક નિયમ જ પ્રવર્તે છે કે તમે ઘરમાં આવ્યા પછી જરૂરી કામ સિવાય મોબાઈલનો ઉપયોગ કરી શકો નહીં. તમારો ક્વૉલિટી ટાઈમ તમારે તમારા પરિવારને જ આપવાનો હોય છે. એક મિત્રને ઓળખું છું. થોડા સમય પહેલાં એમના ઘરે જવાનું થયેલું. એમના દીવાનખંડના દરવાજાને અડીને એક બોક્સ હતું જેના ઉપર લખ્યું હતું ઈડિયટ બોક્સ. એમના ઘરમાં એવો નિયમ હતો કે ઘરમાં આવનાર દરેક વ્યકિત એ ઘરનો સભ્ય હોય કે ઘર બહારનો માણસ એમણે પોતાનો મોબાઈલ ફોન પેલા બૉક્સમાં જ મૂકીને આવવું. એમને જ્યારે આવું કરવા પાછળનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે એમણે કહેલું કે, આ નિયમ બનાવવા પાછળનું કારણ એટલું જ છે કે અમે આખો દિવસ વ્યસ્ત હોઈએ છીએ. પુરુષો નોકરી-ધંધામાં વ્યસ્ત હોય છે. સ્ત્રીઓ ઘરકામમાં વ્યસ્ત હોય છે અને અમારાં બાળકો અભ્યાસમાં વ્યસ્ત હોય છે. વહેલી સવારે ઊઠી બધા જ પોતપોતાના સમયે પોતાના કામે નીકળી જાય છે અને આખો દિવસ કોઈપણ માણસ એકબીજાને મળી શકતું નથી. સાંજે બધા વારાફ્રતી ઘરે ભેગા મળે છે. હવે આ સમય પણ જો અમે મોબાઈલમાં અને ખાસ કરીને સોશિયલ મીડિયા અને મોબાઈલ ગેમના વપરાશમાં વેડફી નાખીએ તો એકબીજાને સમય આપવાનું ચૂકી જવાય. પરિણામે પરિવારનું બંધારણ ખોરવાય. વધુમાં અમારા બધા વચ્ચેનો પ્રેમ, લાગણી અને સંવેદનાનો સેતુ ખોરવાય. આવું ન થાય એટલે અમે બધાએ મળીને આ નિયમ બનાવ્યો છે અને સખત પાલન પણ કરીએ છીએ. ભારતમાં આવા પરિવાર ખૂબ જ ઓછા છે. આવા પરિવાર માટે રોજના દિવસો જ તહેવારના દિવસો બની જતા હોય છે.










