દેવાધિદેવ : શિવલિંગનો ખરો અર્થ છે વિસ્તાર, ચિહ્ન. નટરાજ સહસ્ત્રનામમાં લિંગનો અર્થ જ્ઞાન ગણાય છે

ભગવાન ભોળાનાથ શિવ આપણા લોકદેવતા છે. ગુજરાત, સૌરાષ્ટ્ર કે ભારત વર્ષનું ભાગ્યે જ કોઈ ગામ એવું હશે કે જ્યાં પુરાતની શિવ મંદિર ન હોય ! વૈદિક અને પૌરાણિક શિવ, શંકર સ્વરૂપે ગામોગામ અને નગરે નગરે પૂજાય છે. કેટલાક એવું માને છે કે શિવ આર્યદેવતા છે, પણ હકીકતે સંસ્કૃતનું પારણું ગણાતા સપ્તસિંધુના પ્રદેશમાંથી આઠથી દસ હજાર વર્ષ પૂર્વેના શિવલિંગ મળી આવ્યા છે. ઇતિહાસકારોએ એ વાત સ્વીકારી છે કે જગત આખું જ્યારે અસંસ્કૃતિના અંધકારમાં અટવાતું હતું ત્યારે સંસ્કૃતિના સૌપ્રથમ દીવડા સપ્તસિંધુના પ્રદેશમાં ઝળહળી ઊઠયા હતા. અહીં થયેલા ઉત્ખનનમાંથી ભગવાન પશુપતિનાથની અસંખ્ય મૂર્તિઓ મળી આવી છે. એવું માનવામાં આવે છે કે વિશ્વની સૌ પ્રથમ બનેલી શિવમૂર્તિઓ આ હતી.

ઇતિહાસના ઓવારે ઊભા રહીને ભૂતકાળ ભણી નજર નોંધીશું તો જણાય છે કે જૂનાકાળે જગતના અનેક દેશોમાં શિવપૂજા પ્રસન્નપણે પાંગરી હતી. ભારતના પડોશી રાજ્ય નેપાળનું એકપણ ગામ એવું નથી કે જ્યાં શિવપૂજા ન થતી હોય ! કાઠમંડુ તો પશુપતિના પ્રખ્યાત યાત્રાધામ તરીકે જાણીતું છે. જાપાનમાં જૂના કાળે આઇસનગરમાં શિવની પૂજા થતી હતી. આ ઉપરાંત જાવા, સુમાત્રા, બાલી, બોર્નિયા, લાઓસ, કમ્બોડિયા, દ. અમેરિકા, પેરુ, બ્રાઝિલ, બોલવિયા, ઇજિપ્ત, અફઘાનિસ્તાન, અરબસ્તાન હંગેરી, રશિયા અને શ્રાીલંકા સુધી ભારતીય શિવપૂજા પહોંચી હતી. આ વાતને ત્યાંથી મળેલા ભવ્ય શિવાલયો સમર્થન આપે છે.

ભારતમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને પ્રભાસ પાટણથી ગૌહતી સુધી પૂજાતા, જગતના જીવોનું કલ્યાણ કરનારા ભોળિયાદેવ શંકરના 'શિવ-સહસ્ત્ર નામ'માં એક હજારને એક નામો મળે છે. તેમાંના પશુપતિ, મહેશ્વર, મહાદેવ, ધૂર્જટી, વિશ્વરૂપ, ત્ર્યંબક, ચંદ્રશેખર, દક્ષિણા મૂર્તિ, સદાશિવ, અર્ધનારીશ્વર, વિશ્વનાથ, ત્રિલોચન, કૈલાસપતિ, હરિહર, કેદારનાથ, બૈજનાથ, યોગેશ્વર, ભોલાનાથ, આષુતોષ, નીલકંઠ વગેરે નામો અત્યંત જાણીતા છે. શિવનું નામ પશુપતિ કેમ કહેવાય છે ? વેદ, ઉપનિષદ અને પુરાણોમાં પ્રાણી માત્રને પશુ કહેલ છે. અહંકારથી ઘેરાયેલો સંસારી જીવ પણ પશુ સમાન જ ગણાય છે.

ભારતીય નૃત્યશાસ્ત્રના પ્રણેતા શિવની સાથે શિવતત્ત્વનું અલૌકિક જીવનદર્શન પણ જોડાયેલું છે. ઘણીવાર આપણને પ્રશ્ન થાય કે શિવ ભગવાન શંકર-નટરાજ શા માટે નૃત્ય કરે છે ? આપણા ઋષિમુનિઓ કહે છે કે સૃષ્ટિ પર જીવન-મરણનું સંતુલન જળવાઈ રહે એટલા માટે શિવ-નટરાજ નૃત્ય કરે છે. શિવ-નટરાજનું નૃત્ય અટકી જાય તો સૃષ્ટિ સમાપ્ત થઈ જાય. ધરતી પણ જીવન જ ન રહે, ખેતરોમાં અનાજ ન ઊગે. પૃથ્વીના પટ પર કંઈ જ બચવા ન પામે. એ માન્યતા પણ ખોટી છે કે શિવનૃત્ય માત્ર પ્રલયકારી નૃત્ય જ છે પ્રલયનું નૃત્ય તો શિવજીને જ્યારે ક્રોધ આવે છે ત્યારે જ થાય છે. ભોળાનાથને અકારણ કદીયે ક્રોધ આવતો નથી. જ્યારે દેવ, માનવ કે દાનવ અક્ષમ્ય ઘોર અપરાધ કરે છે ત્યારે જ એ ક્રોધિત થાય છે અને તાડવ નૃત્ય આરંભે છે. આ તાડવ વિનાશરૂપે આપણી નજર સામે આવે છે. ભૂકંપના રૂપમાં પૂરહોનારતના રૂપમાં, મહાયુદ્ધ કે મહામારીના રોગચાળા જેવા કોઈ ને કોઈ સ્વરૂપે આવે છે.

શિવનું સ્વરૂપ અનંતકાળથી એક જ રહ્યું છે. તેઓના નામો સમયાંતરે બદલાતા રહ્યા છે. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો એમને પશુપતિનાથ અને વૈદિક સમયના લોકો એમને રુદ્રના નામે જાણતા હતા. પછીથી શિવની ઓળખ એક હજાર નામથી પ્રસ્થાપિત થઈ.

શિવનું જીવનદર્શન સહજ જીવનનું દર્શન છે. તેઓ પહાડ કે જંગલમાં માત્ર સાધના જ નહોતા કરતા પણ નૃત્ય, ગીત અને સંગીતના મહાન આચાર્યના નાતે નૃત્યશાસ્ત્રનો જન્મ એમના પગની ગતિ અને હાથની આંગળિયોની મુદ્રાઓ સાથે થમો છે. તેઓ પરમ યોગી છે છતા પણ ગૃહસ્થાશ્રામી છે, તેઓ પોતાના પત્ની અને પુત્રો સાથે રહે છે. એમને અપાર પ્રેમ આપે છે, એને યોગ અને ભોગનો અદ્ભુત સમન્વય ગણી શકાય. કૈલાશ અને માનસરોવર જેવા અત્યંત કઠિન સ્થાનો પર તેઓ રહેતા હતા, જ્યાંથી હિમાલય પર્વતની શૃંખલાઓનો સિલસિલો શરૂ થાય છે. શિવના અંગ માથે સર્પો વીંટળાયેલા રહેતા. આ સર્પો માનવજીવનમાં આવનારી મુસીબતોનું પ્રતીક છે. આ પ્રતીક એવું સૂચવે છે કે શિવની જેમ દેવો અને માનવોએ આવનારી મુસીબતોને હસતને મુખે સહન કરી લેવી જોઈએ. શિવ તો વિષને પણ અમૃત માનીને પી ગયા હતા. આવા સંકટો સહન કરી લેનાર શિવ દેવોના દેવ મહાદેવ છે. એમનું વાહન બળદ છે. ભારતમાં બળદનું ઘણું મહત્ત્વ છે. બળદ આપણે કૃષિ સંસ્કૃતિનું મહત્ત્વનું અંગ છે. આમ શિવ આપણા જીવન અને સંસ્કૃતિનું વધુ નજીક છે.

શિવ પૂર્ણ સંસારી છે. બરફના પહાડો પર સ્વયં વસવાટ કરે છે. તેઓ માનવમાત્રના હિતચિંતક રહ્યા છે. ક્રોધે ભરાયેલ મહાકાળી માતા ધરતીનો વિનાશ કરવા પર ઊતરી આવ્યા ત્યારે રુદ્રરૂપે શિવે એમના ચરણોમાં સૂઈ જઈને ક્રોધ શાંત કર્યો અને ધરતીને સર્વનાશમાંથી ઉગારી લીધી. આથી શિવ કલ્યાણકારી દેવ મનાય છે. સિંધુ સંસ્કૃતિના અવશેષોમાંથી મળેલી મુદ્રાઓમાં શિવ પશુઓથી વીંટળાઈને બેઠેલા જોવા મળે છે. તેઓ આ રીતે વન્ય પ્રાણીઓની રક્ષાનો સંદેશો પણ આપે છે. ત્રણેય લોકના દેવ હોવા છતા શિવ અત્યંત સહજ અને સરળ દેવ છે. એમની પાસે શું નથી ? કૈલાસના સર્વે સુખો હોવા છતા તેઓ દિગંબર કહેવાય છે. સૃષ્ટિને સ્થિરતા બક્ષનાર શક્તિનું નામ 'દિક' છે. આ 'દિક' શિવનું કટિવસ્ત્ર છે, આથી શિવ દિ+અંબર દિગંબર કહેવાય છે. સિવના ચાર સુપ્રસિદ્ધ આયૂધો ત્રિશૂળ, ડમરું, પરશુ અને મૃગ છે. ત્રિશૂળ ત્રિગુણનું પ્રતીક છે. શિવપંથીઓના મતે તે જ્ઞાન, ઇચ્છા અને ક્રિયાનું પ્રતીક છે. ડમરું શબ્દ અને બ્રહ્મનું પ્રતીક છે. મૃગવેદ છે. પરશુ દુષ્ટોના દમન માટે છે. શિવ ક્યારેક રુંડમાળ, ક્યારેક મુંડમાળ તો ક્યારેક રુદ્રાક્ષ ધારણ કરે છે. એ વિષ્ણુની વૈજન્તીમાલાની જેમ પંચાશદ્વર્ણ માલા છે. જે સૃષ્ટિનું પ્રતીક છે. શિવનું વાહન વૃષભ છે. જે વિશ્વના રૂપમાં સાકાર બ્રહ્મની પોતાની ધર્મશક્તિ છે. વૃષભ ધરતીનું પણ પ્રતીક છે. શિવના નિરંતર નૃત્યથી સૃષ્ટિ સદાય ધબકતી રહે છે. જગતની રક્ષા માટે શિવજી નિત્ય સંધ્યા પ્રસંગે નૃત્ય કરે છે. એ સમયે દેવ, યક્ષ, રક્ષ આદિ એમની સેવામાં હાજર રહે છે. પ્રદોષસ્તોત્રમ અનુસાર એક શિવની પૂજાથી સર્વ દેવોની પૂજા થઈ જાય છે, એટલે શિવને નટરાજ કહેવામાં આવે છે. કૈલાશ પર્વત પર સુવર્ણજડિત સિંહાસન પર પાર્વતીજી બેઠાં છે. શિવ નૃત્ય કરી રહ્યા છે. વાગ્દેવી વીણા વગાડી રહ્યા છે. ઇન્દ્ર એ વેણું હાથમાં લીધી છે. બ્રહ્મા તાલ દઈ રહ્યા છે. ભગવતી રમા ગાઈ રહ્યા છે. ત્રણે લોકના ગંધર્વ, દેવ, કિન્નર, અપ્સરાઓ, ભૂતપ્રેત બધા ત્યાં ઉપસ્થિત છે. (નટેશ્વરસતોત્રમ્).

છેલ્લે શિવલિંગની વાત પણ કરી લઈએ. લિંગનો અર્થ થાય છે ચિહ્ન, અનુમાન, સાંખ્યની પ્રવૃત્તિ, શિવની એક પ્રકારની મૂર્તિ, અને શિશ્ન પણ. શિશ્નને લિંગપ્રતિમા સાથે જોડવાની વાત ઉચિત જણાતી નથી. તાત્રિકોએ આ વાત પાછળથી જોડી દીધેલી જણાય છે. શિવલિંગનો ખરો અર્થ છે વિસ્તાર, ચિહ્ન. નટરાજ સહસ્ત્રનામમાં લિંગનો અર્થ જ્ઞાન ગણાય છે. લિંગનો અર્થ નિર્ગુણ બ્રહ્મ એમ બ્રહ્મસૂત્રમાં જણાવ્યું છે. આમ ભગવાન શિવ જીવનનું પ્રતીક છે. શિવનું નૃત્ય સર્જનનું પ્રતીક છે. શિવનું દર્શન નિતાન્ત સહજ જીવનનું પ્રતીક છે. શિવ મળી જાય તો જીવનનું કલ્યાણ થઈ જાય છે. શિવ સત્ય છે શિવ સુંદર છે. શિવ સહજ છે. શિવરાત્રિનો આ સંદેશ છે.


  • Follow us on: