• ત્રણ સભ્યોની સમિતિ રચાઈ

મણિપુરની હિંસા અને બે મહિલાની નગ્ન પરેડે આખા દેશને શરમજનક સ્થિતિમાં મૂકી દીધો છે. છેલ્લા સાડા ત્રણ મહિનાથી ચાલી રહેલી હિંસા અને આગજનીમાં 200થી વધુ લોકોનાં મોત થયાં છે. હજારો લોકો બેઘર બન્યાં છે. મૈતી અને કૂકી સમુદાય વચ્ચેની હિંસાએ આખા દેશને હચમચાવી દીધો છે. મણિપુર પોલીસ તેમજ સીબીઆઈ દ્વારા ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા SITની રચના પણ કરાઈ છે. જો કે આ તમામ પ્રકારની તપાસમાં સુપ્રીમ કોર્ટને બહુ ભરોસો નથી તેથી હિંસાચારની સુઓ મોટો નોંધ લઈને સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટની ત્રણ નિવૃત્ત મહિલા જજની સમિતિ બનાવી છે. જે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ પોલીસ તેમજ સીબીઆઈની તપાસ સિવાયનાં કેસોની તપાસ કરશે. મહિલાઓ પર અત્યાચારની ઘૃણાસ્પદ ઘટનાઓને મહિલાઓ જ સારી રીતે વાચા આપી શકશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. સુપ્રીમ કોર્ટના આ કડક પગલાંને કારણે મણિપુરના લોકોમાં બંધારણ પ્રત્યે વિશ્વાસ જાગશે તેમાં પણ બેમત નથી. જે લોકોએ અહીં હિંસા ભડકાવીને પોતાનાં હિતો પોષવા અને સ્વાર્થ સાધવાની કોશિશ કરી છે તેમને પકડી પકડીને આરોપીના કઠેડામાં ઊભા કરી દેવાશે. સર્વોચ્ચ અદાલતનાં આ પગલાંથી મણિપુરના લોકોને ન્યાય મળશે તેવી આશા છે. સુપ્રીમ કોર્ટે મામલો પોતાનાં હાથમાં લીધો તે પહેલાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને કડક શબ્દોમાં ચેતવણી આપીને હિંસા ડામવા શક્ય તેવા તમામ પગલાં લેવા તાકીદ કરી હતી. જો કે સરકારોએ તેના નિર્દેશોને ગંભીરતાથી ન લેતા કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર પર આકરા શબ્દોમાં માછલાં ધોયાં હતાં. કોર્ટે પોલીસને પૂછયું હતું કે મહિલાઓને નગ્ન પરેડ કરાવવાના કિસ્સામાં FIR નોંધવામાં પોલીસે શા માટે 14 દિવસ લગાડયા હતા? કોર્ટે પોલીસ અને સરકાર પાસે તમામ FIRની વિગતો માંગી હતી. કોર્ટે જે 3 નિવૃત્ત મહિલા જજિસની સમિતિ રચી છે તે મહિલાઓને લગતા કેસોની તપાસ ઉપરાંત હિંસાગ્રસ્ત લોકોને રાહત શિબિરોમાં કામગીરીની, વળતરની તેમજ પુનઃ વસવાટની કામગીરી પર દેખરેખ રાખશે. કોર્ટે મહારાષ્ટ્રના એક પૂર્વ ડીજીપીને સીબીઆઈની તપાસ પર દેખરેખ રાખવા નિયુક્ત કર્યા છે. સારી વાત એ છે કે સુપ્રીમ કોર્ટે પોલીસ અને રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી તપાસની કામગીરી પર દેખરેખ રાખવા પોતાની વ્યવસ્થા લાગુ કરી છે. મહત્ત્વની વાત એ છે કે 3 સભ્યોની સમિતિ તેનો રિપોર્ટ સીધો સુપ્રીમ કોર્ટને જ સોંપશે. પોલીસ અને અર્ધસૈનિક દળોનાં શસ્ત્રોની હજી પણ છડેચોક લૂંટફાટ થઈ રહી છે. ત્યાંનાં લોકોને હવે પોલીસ કે અર્ધસૈનિક દળો પર વિશ્વાસ રહ્યો નથી. લોકો અસુરક્ષા અનુભવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે તેમજ સરકારોએ હવે સાચી દિશાનાં પગલાં લઈને લોકોમાં વિશ્વાસ જગાવવાનો છે.


  • Follow us on: