ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇન ફેસેલિટી માટે નિર્ણય જાહેર થયો તેના બરાબર એક દિવસ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અગ્રસચિવ ડો. પી.કે. મિશ્રા દિલ્હીમાં નહીં પણ અહીં ગાંધીનગરમાં જ હતા ! 23મી ડિસેમ્બરે તેમણે ગિફ્ટ સિટીમાં બેઠક યોજી હતી અને ગિફ્ટ સિટીમાં આવેલા શાહપુર ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના એક કાર્યક્રમમાં ગ્રામજનોને મળ્યા પણ હતા. તેમની આ મુલાકાતના બે દિવસ પછી અચાનક નશાબંધી નિયામકે ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇન ફેસેલિટી શરૂ કરવાનો નિર્ણય જાહેર કરતા સ્ટેટ બ્યુરોક્રેટ્સનું ધ્યાન હવે દિલ્હી સ્થિત કેબિનેટ સેક્રેટોરિયેટ અને PMO તરફ્ બરોબરનું ખેંચાયું છે. કહેવાય છે કે હવે ગુજરાતમાં વડાપ્રધાનના તમામ ડ્રીમ પ્રોજેક્ટની કમાન ડો. મિશ્રાને સોંપી દેવાઈ છે. ગિફ્ટ સિટીને વાસ્તવમાં ગ્લોબલ ઇકોનોમિક હબ તરીકે ઊભું કરવા PMOના અગ્રસચિવ ડો. મિશ્રા પોતે દર ત્રીજા મહિને ગાંધીનગર આવશે અને એક એક બાબતો, રોકાણકર્તાઓના પ્રશ્નો સંદર્ભે સમીક્ષા કરશે.
અગ્રવાલના રિટાયર્ડમેન્ટ બાદ બોગસ ડિગ્રી તપાસવાળા આયુષ ડારેક્ટર બદલાઇ ગયા
આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ- ACS મનોજ અગ્રવાલના રિટાયર્ડમેન્ટ પછી આયુષ નિયામકનો ચાર્જ પણ બદલી દેવાયો છે. સપ્ટેમ્બર- 2023માં આરોગ્ય વિભાગના ACS રહેતા મનોજ અગ્રવાલે જેમની સામે બોગસ ડિગ્રી અને અનુભવના પ્રમાણપત્રો હોવાની ફરિયાદો પુરાવા સાથે થઈ હતી તે જ વૈધ હર્ષિત એસ.શાહ.ને આયુષ વિભાગના ઇન્ચાર્જ નિયામકનો હવાલો સોંપી દીધો હતો. આવી બનાવટગીરી મુદ્દે સરકારને પણ જાણ હોવા છતાંય મંત્રી કે મુખ્યમંત્રી કાર્યાલયે તે સમયે જાણે ACS અગ્રવાલનું રિટાયર્ડમેન્ટ બગડે નહી તેની કાળજી રાખી રહ્યું હોય એમ ચૂપચાપ બધું ચલાવ્યે રાખ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ હવે આયુષ ડાયરેક્ટનો ચાર્જ ડો. હર્ષિલ શાહ પાસેથી લઈને ડો. જયેશ પરમારને તત્કાળ સોંપવા 26મી ડિસેમ્બરે આદેશ થયો છે. હવે ડો. શાહ સામે બોગસ ડિગ્રીની ફરિયાદ, ચાર્જ આપવાની પ્રક્રિયામાં તપાસ થાય છે કે પછી અગ્રવાલને સાચવ્યા એમ સરકાર બીજાને પણ સાચવે છે તેના ઉપર સૌની નજર છે.
રાજકુમાર દિલ્હીમાં બેચાર દિવસ શું રહ્યા અહીં સૌને મજા પડી ગઈ, દયાણી ગાયબ !
25મી ડિસેમ્બર, ક્રિસમસની જાહેર રજાથી શરૂ થયેલા સપ્તાહે રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારને સરકારી કામકાજ માટે ચાર-પાંચ દિવસ દિલ્હીમાં રહેવું પડયું છે. જેના કારણે તેઓ બુધવારે સાંજે મળેલી કેબિનેટ બેઠકમાં પણ જોવા મળ્યા નહોતા. 25 અને 26 ડિસેમ્બરે UPSCના ઇન્ટરવ્યૂ અને ત્યારપછીના બે દિવસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં દેશના તમામ રાજ્યોના મુખ્ય સચિવોની કોન્ફ્રન્સને કારણે સ્વાભાવિક છે કે બ્લોક નંબર એકના પાંચમે માળથી સચિવાલયમાં કોઇને ફેન આવવાનો નહોતો અને એક પણ IASને રૂબરૂ જવાનું નહોતું. એથી આ સપ્તાહે શું સિનિયર અને શું જુનિયર તમામ IASને બરોબરના જલસા પડી ગયા હતા. એમાંય સામાન્ય વહીવટ વિભાગ- GADના ACS કમલ દયાણી તો ચેમ્બરમાં જ આવતા નહોતા ! સચિવાલયનુ 'હ્ય્દય' એવા GADના સર્વેસર્વા જ ગાયબ રહેતા સમગ્ર સંકુલમાં ઘણા ગુલ્લીબાજોને ફવતું મળી ગયું છે.
કરાર આધારિત ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કૃપાથી મહિલા ઇન્સ્પેક્ટરને રજાની મજા !
નકલી, બનાવટી ખાદ્ય પદાર્થો અને દવાઓને કારણે કાયમ ચર્ચામાં રહેતા ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડ્મિનિસ્ટ્રેશન કમિશનરેટની અંદર હવે જબરજસ્ત વાસણો ખખડી રહ્યા છે. આ કમિશનરેટમાં પહેલાથી જ વયનિવૃત્તિ પછી કમિશનર તરીકે હેમંત જી. કોશિયાને 62 વર્ષની મર્યાદા પૂર્ણ થયા પછી ખાસ કિસ્સામાં પાંચમી વખત અપાયેલા કરાર આધારિત મુદ્દત વધારાને કારણે બબાલો ચાલે છે ત્યારે સરકારે આઠેક મહિના પૂર્વે કરેલા ક્લાસ વન- ટુ ઓફ્ બદલીઓના અમલને લઈને નવો ફ્ણગો ફૂટયો છે. વાત જાણે એમ છે કે સરકારે આઠેક મહિના પૂર્વે જે મહિલા ડ્રગ ઇન્સ્પેક્ટરને રાજકોટથી ગાંધીનગર કમિશનરેટમાં મૂક્યા હતા તેઓ નિયમિતપણે ડો.જીવરાજ મહેતા સ્થિત મુખ્ય કચેરીએ આવતા જ નથી ! આવી રજાઓ, કાર્યમુક્તિ પાછળ કમિશનરેટના વડા ડો.કોશિયાની કૃપા કારણભૂત હોવાની ચોમેર ચર્ચા છે.
IAS વિદેહ ખરેને સુરત ડે. મ્યુનિસિપલ કમિશનર કેમ બનાવ્યા ? IPSમાં ચર્ચા
મૂળ આંધ્રપ્રદેશ કેડરમાંથી ગુજરાત કેડરમાં આવેલા 2018ની બેચના IAS વિદેહ ખરે આજકાલ તેમની પોતાની બિરાદરી કરતા IPS ઓફ્સિરોમાં ચર્ચામાં છે ! તેની પાછળ સપ્તાહ પૂર્વે માત્ર ત્રણ જ IAS ઓફ્સિરોની બદલીના આદેશો કારણભૂત છે. જેમાં ખરેને વિજ્ઞાન- પ્રાદ્યોગિકી વિભાગમા ઇલેક્ટ્રોનિક મિશનના ડાયરેક્ટર તરીકે ખસેડીને સુરતમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે મોકલી દેવાયા હતા. આ IASના પત્ની લવિના સિંહા IPS છે, અમદાવાદ શહેર પોલીસમાં ડેપ્યુટી પોલીસ કમિશનર તરીકે કાર્યરત છે. આથી, IPS બિરાદરીમાં લોકસભા ચૂંટણી પૂર્વે IPS લવિના સિંહા પણ સુરત શહેર કે પછી ગ્રામ્ય વિસ્તારમાં પોસ્ટિંગ મેળવશે તેવી જોરશોરથી ચર્ચા છે. જો એ સાચું ઠરે તો ઠીક છે બાકી વિજ્ઞાન અને પ્રાદ્યોગિકી વિભાગના સચિવ IAS વિજય નહેરાને ભારે વિવાદોને પગલે દિલ્હી ડેપ્યુટેશન પર સાઇડ લાઇન થવું પડયું તેના ત્રણેક મહિનામાં જ નહેરાની નીચે કામ કરનારા જુનિયર IASને પણ વિભાગમાંથી બહાર મોકલી દેવાયાની નવેસરથી ચર્ચા થાય તો નવાઇ નહીં.
ટેસ્લા કે મારુતિ ? આ બુધવારે જમીનોના દલાલો, બ્યૂરોક્રેટ્સની 'હવા' મપાઇ જશે !
ગુજરાતમા જમીન દલાલો અને તેમની જેમ જ બ્યૂરોક્રેટ્સમાંથી જેઓ જમીનમાં રોકાણ કરીને કે કરાવીને રાતોરાત 'તેજી'નો લાભ લેવાની આવડત ધરાવે છે તેવા ટોળાએ લાંબા સમયથી એલન મસ્કની ટેસ્લા કાર ઉત્પાદક કંપની અહીં રોકાણ કરી રહી છે, સરકારના અધિકારીઓની સાથે અમદાવાદ, વડોદરા, સુરેન્દ્રનગરમાં જમીનો જોઇ રહ્યા છે. જાપાનની સુઝૂકી પણ બહુચરાજી- માંડલ SIRની બહાર નવો પ્લાન્ટ સ્થાપવા જમીનો જોઇ રહ્યાનું ફેલાવી એક પ્રકારની 'હવા' બાંધી રહ્યો છે. ટેસ્લાના મુદ્દે ચાલતી અટકળો ઉપર GIDCના મેનેજિંગ ડિરેક્ટર રાહુલ ગુપ્તાએ *આવી કોઇ માહિતી નથી* કહીને પૂર્ણવિરામ મૂકયું છે પરંતુ આગામી ત્રીજી જાન્યુઆરીના બુધવાર એ MOU ડેનો છેલ્લો બુધવાર છે. ત્યાર પછીના સપ્તાહે વાઇબ્રન્ટ સમિટ યોજાનાર છે. આથી, આ બુધવારે સૌથી મોટા રોકાણના MOU થશે. જેમાં ચારેક મહિનાથી ટેસ્લા માટે જે 'હવા' ફેલાવાઇ રહી છે તેનું માપ આપોઆપ સ્પષ્ટ થઈ થશે !
ખેલ મહાકુંભના ઓપનિંગ પહેલાં સચિવનો ખેલ પડી ગયો !
કોઈ મોટી ઈવેન્ટ પહેલાં જ આયોજકનું પત્તું કપાઈ જાય એવી ઘટના બની છે. ગયા અઠવાડિયે 110 જેટલા એડિશનલ કલેક્ટર કક્ષાના 'ગેસ' કેડરના અધિકારીઓનો એક સાથે તબાદલો થયો. 22મી ડિસેમ્બરે મોડી સાંજે આ બધા ઓર્ડર થયા. એમાં સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાતના સચિવ રુશિન ડી. ભટ્ટની પણ બદલી થઈ ગઈ. આ અધિકારી ખેલ મહાકુંભના આયોજન સાથે શરૂઆતથી જોડાયેલા હતા, પણ આ મોટી ઈવેન્ટનું ઓપનિંગ થાય એ પહેલાં જ એમનો ખેલ પડી ગયો. બદલીના ઓર્ડર પછી ત્રણ દિવસની સરકારમાં રજા હતી અને એ પછી 27મીએ રાજ્ય કક્ષાની રમતગમતની આ મેજર ઇવેન્ટનું નવા સચિવ આઇ.આર. વાળાની નિશ્રામાં ઉદ્ઘાટન થયું હતું. આર.ડી. ભટ્ટને સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાતમાં માંડ બે વર્ષ જ થયા હતા, એટલે એમની વિકેટ કોણે લીધી એની 'ગેસ' કેડરમાં ચર્ચા ચાલી રહી છે, તો બીજી તરફ એવી પણ વાત બહાર આવી છે કે, 'સેગ'માં ત્રાસેલા અધિકારી છૂટવા માગતા હતા.
પહેલાં પ્રમોશનમાં હરખની રાહ જોતી 2020ની બેચ
આઇએએસ સર્વિસમાં પહેલું પ્રમોશન 4 વર્ષે આવે, જેમાં આસિસ્ટન્ટ કલેક્ટર કક્ષાના અધિકારીઓને ડીડીઓ દરજ્જાનું પ્રમોશન મળે છે. પહેલી જાન્યુઆરીએ 2020 બેચના અધિકારીઓનું આ પ્રમોશન પાકે છે. આ બેચમાં ત્રણ મહિલા અને ત્રણ પુરુષ અધિકારીઓ સામેલ છે, જેમને વાઇબ્રન્ટ સમિટ પહેલાં 1999 અને 2008ની બેચની જેમ બઢતીનો લાભ મળશે.
વાઈબ્રન્ટ સમિટ : મહાનુભાવોની હાજરી અંગે કન્ફર્મેશનની જોવાતી રાહ
ગુજરાતમાં વાઈબ્રન્ટ સમિટને લઈ તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે. દેશ-વિદેશના મહાનુભાવો, પ્રતિષ્ઠિત કંપનીના સંચાલકોને વાઈબ્રન્ટ સમિટ માટે આમંત્રણ મોકલવામાં આવી રહ્યા છે. જોકે કયા દેશમાંથી કેટલા અને કયા મહાનુભાવો આવશે, કઈ પ્રતિષ્ઠિત કંપનીના સંચાલક હાજરી આપશે તે વિશે ફોડ પડાતો નથી, એની પાછળનું કારણ એ છે કે, ફાઈનલ કન્ફર્મેશન મેળવવાની કે આવવાની હજુ રાહ જોવાઈ રહી છે. એકંદરે મહાનુભવોની હાજરી વિશે ફોડ પાડવામાં અધિકારીઓ પણ સાવધાની રાખી રહ્યા છે. અધિકારીઓ વાઈબ્રન્ટની તૈયારીના આખરી ઓપને લઈ બેઠકો યોજીને સમયાંતરે જરૂરી પ્રેઝન્ટેશન રજૂ કરી રહ્યા છે.
વિધાનસભા ફિઝિકલમાંથી ડિજિટલ થઈ પણ સમયસર ડેટા અપલોડ થતો નથી!
ગુજરાત વિધાનસભાનું બજેટ બીજી ફેબ્રુઆરીએ રજૂ થશે, આગામી બજેટમાં અનેકવિધ મહત્ત્વાકાંક્ષી યોજનાઓ જાહેર કરવા સચિવાલયમાં અત્યારે તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે. ગુજરાત વિધાનસભાની ફિઝિકલમાંથી ડિજિટલ કરવાની જાહેરાત તો કરાઈ છે, પરંતુ છેલ્લે જે અનુભવો રહ્યા તે પ્રમાણે પ્રશ્નોત્તરી પણ સમયસર વેબસાઈટ પર મૂકી શકાતી નથી, એટલું જ નહિ પરંતુ પ્રશ્નોત્તરીના જવાબમાં જે પત્રકો રજૂ કરાય છે તે ઓનલાઈન મૂકવામાં ધાંધિયા સર્જાય છે. ડિજિટલ વિધાનસભા પ્રોજેક્ટ અંતર્ગત ધારાસભ્યોને તાલીમ પણ આપવામાં આવી હતી, અલબત્ત, ટેબલેટ જોવાને બદલે ધારાસભ્યો પણ લખેલી ચિઠ્ઠીના સહારે જ પ્રશ્ન પૂછી શકતાં હતા. એકંદરે ધારાસભ્યોને વધારાની તાલીમ આપવી પડે તેવો ઘાટ છે.
દુબઈમાં 3 હજાર કરોડનો પ્રોજેક્ટ કરનાર વિઝા એજન્ટને બચાવવા નેતાના ધમપછાડા
ગેરકાયદે અમેરિકા, કેનેડા કે લંડન મોકલતા વિઝા એજન્ટો પર પોલીસ સકંજો કસી સાગમટે દરોડા પાડીને દસ્તાવેજો કબજે કર્યા હતા. પોલીસે દસ્તાવેજો કબજે કરતા અમદાવાદના વિઝા એજન્ટને બચાવવા ભાજપના બે નેતાઓ પોલીસ અધિકારીઓ પાસે દોડી ગયા હતા. પોલીસમાં ચર્ચા એવી છે કે, આ વિઝા એજન્ટએ દુબઈમાં ત્રણ કરોડનું એક પ્રોજેક્ટમાં રોકાણ કર્યું જેમાં અનેક નેતાઓના રૂપિયા લાગ્યા હતા. જો એજન્ટ સામે ગુનો દાખલ થાય અને તે જેલમાં જાય તો પ્રોજેક્ટ લટકી જાય અને નેતાઓના કરોડો રૂપિયા અમુક મહિનાઓ સુધી અટવાઈ જાય તેવી સ્થિતિ હતી. જેના પગલે આ એજન્ટ સામે ગુનો દાખલ ના થાય તે માટે નેતાઓએ વગ તો અનેક લગાવી પણ પોલીસે આ એજન્ટ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. જો કે, હજુ સુધી આ એજન્ટ પોલીસ પકડથી દૂર અને દુબઈમાં બેઠો હોવાની ચર્ચાએ જોર પકડયું છે. પોલીસે નેતાઓ સાથે ઘરોબો ધરાવતા એજન્ટ પર ગુનો દાખલ કર્યો પણ તેની સાથે તેની પત્ની પણ આ ઓફિસમાં બેસતી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જો કે, એજન્ટની પત્નીનું નામ હજુ સુધી પોલીસની તપાસમાં ખુલ્યું નથી.
ભાજપના નેતાએ AMCમાં અચાનક આવીને ચેરમેનોની હાજરી પૂરી
AMCમાં ચેરમેનોને સમયસર આવવા માટે સરકારી વાહનો અપાયા છે. આમ છતાં કેટલાય ચેરમેનો કમિટીની મિટીંગ સિવાય આવતા જ નથી. ગત સપ્તાહમાં ભાજપના એક નેતાએ અચાનક કોર્પોરેશનમાં હાજર રહી તમામ ચેરમેનોની હાજરી પૂરી હતી. તેમણે પટાવાળાને સાથે રાખી એક-એક ચેમ્પર ખોલાવી હતી અને અંદર ચેરમેન બેઠા છે કે નહીં, તેની ખાતરી કરી હતી. ચેરમેન ના હોય તેની હાજરી નહીં હોવા બાબતે માહિતી પણ મેળવી હતી. ચેરમેનો અને ડેપ્યુટી ચેરમેનોમાં આ મુદ્દો ચર્ચાનો બન્યો હતો. કોર્પોરેશનના એક અગ્રણી નેતાને પૂછયુ તો જાણવા મળ્યું કે, ચેરમેન અને ડેપ્યુટી ચેરમેન રોજ આવશે તો જ તેઓના વિભાગમાંમાં શું ચાલી રહ્યું છે, તેની માહિતી મેળવી શકશે. કોઇ પણ પરિસ્થિતીમાં ચેરમેન પોતે માહિતીગાર હોય તો પ્રજાના પ્રશ્નોનું ઝડપથી નિકારણ આવી શકે.
શિક્ષણ વિભાગની બદલીઓમાં 1 વર્ષવાળા અધિકારીઓએ હવાતિયાં માર્યાં પણ ફાવ્યાં નહીં
શિક્ષણ વિભાગ દ્વારા વર્ગ-2 અને 1ના મળીને કુલ 66 અધિકારીઓના પ્રમોશન અને 3 અધિકારીઓની બદલીઓના જે ઓર્ડર કરવામાં આવ્યાં હતા. આ બદલીઓની પ્રક્રિયામાં છેલ્લી ઘડી સુધી બદલીને હજુ માત્ર એક વર્ષ પણ થયું ન હોય તેવા અધિકારીઓએ શિક્ષણમાં સારી ગણાતી જગ્યાઓ કે જ્યાં બેસવા માટે પ્રસાદ પણ ચડાવવામાં આવતો હોય છે, એવી જગ્યાઓ પર બેસવા માટે હવાતિયાં માર્યા હતાં પરંતુ ફાવી શક્યા નથી. એટલું જ નહીં, ત્રણ વર્ષ પૂરા કર્યા ન હોય તેવા અધિકારીઓને ઉથલાવવા માટે પણ છેલ્લી ઘડી સુધી ધમપછાડા થયાં હતાં. મુખ્યમંત્રી કાર્યાલય સુધી પણ લોબિંગ કરવામાં આવ્યું હતું, જેમાં કેટલાક ધારાસભ્યો અને ઉચ્ચ અધિકારીઓ પણ મેદાને ઉતર્યાં હતાં. પરંતુ આ બદલીઓમાં શિક્ષણમંત્રી એટલા સ્પષ્ટ રહ્યાં હતા કે, જે અધિકારીઓને હજુ ત્રણ વર્ષ થયાં નથી તેઓને બદલવાની કોઈ જરૂરિયાત રહેતી જ નથી.










