• કળા : ગુજરાતની અજોડ સંગીત અધિષ્ઠાત્રીઓની સમાધિઓની દેરીઓ તેમની યાદ આપતી ઊભી છે

શિલ્પ, સ્થાપત્ય અને પ્રાચીન સંસ્કૃતિની નગરી ગણાતું વડનગર. વડનગરમાં તાના-રીરીની સમાધિઓ-દેરડીઓ સમક્ષ ગુ. રાજ્ય સંગીત, નૃત્ય નાટક અકાદમીના ઉપક્રમે વર્ષોથી તાના-રીરી સંગીત મહોત્સવ ઊજવાય છે. આ વરસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ સંગીત મહોત્સવને આંતરરાષ્ટ્રીય મહોત્સવ તરીકે ઊજવવાની જાહેરાત કરી છે, ત્યારે અહીં મારે ગુજરાતની સંગીત સમ્રાજ્ઞીઓ નાગર રૂપરંભાઓ તાના અને રીરીની વાત ઉજાગર કરવી છે.

ગુજરાતના આદિકવિ નરસિંહ મહેતા એમની પુત્રી કુંવરબાઈ, કુંવરબાઈની પુત્રી મલ્હાર રાગ ગાવામાં પ્રવીણ શર્મિષ્ઠા. શર્મિષ્ઠાની બે પુત્રીઓ તાના અને રીરી. સંગીતની સાધનાર્થી એમને મલ્હાર રાગ ગાવાની અજોડ સિદ્ધિ વરી હતી. એ જમાનામાં એમની સાથે સરખામણી થાય તેવી કોઈ સ્ત્રી ગાયિકા ગુજરાત નહીં, ભારતભરમાંયે નહોતી. વડનગર એમનું નિવાસસ્થાન.

આ વાત છે શહેનશાહ અકબરના સમયની. અકબરના દરબારમાં નવ માનવરત્નો હતા. એમાંનો એક સંગીત સમ્રાટ તાનસેન પણ હતો. 'આઇને અકબરી'માં અબૂલ ફઝલ લખે છે કે એક હજાર વર્ષમાં તાનસેન જેવો બીજો કોઈ ગવૈયો થયો નથી. એક વખતની વાત છે. અકબરના દરબારમાં સંગીતની મહેફિલ જામી છે. એમાં એક પંજાબી ગવૈયાએ પોતે દીપક રાગ ગાય છે એમ કહીને બુઝાયેલા દીપકો, દીપક રાગ ગાઈને પ્રગટાવ્યા. અકબરના એના સંગીત પર મુગ્ધ થયો અને વાહ વાહ બોલી ઊઠયો. એ વખતે તાનસેન ઊભો થયો ને બોલી ઊઠયો :

'બેઅદબી માફ કરશો. પણ આ દીપક રાગ સાચો નથી. પણ નજરબંદીનો ખેલ છે. દીપક રાગ ભારતમાં મારા સિવાય ગાવા કોઈ સમર્થ નથી.'

અકબરે તાનસેનને દીપક રાગ ગાવાની ફરજ પાડી. ચેતવેલા દીપકો બુઝાવી દેવામાં આવ્યા. બાદશાહની હઠ આગળ લાચાર તાનસેને તાનપુરો હાથમાં લઈને દીપક રાગના સૂર રેલાવ્યા. વાતાવરણમાં સ્તબ્ધતા વ્યાપી ગઈ. તાનસેને પૂરા તલસાટથી ગાયું. બુઝાયેલા દીપકો પુનઃ પ્રગટી ઊઠયા. ચોતરફ વાહ વાહના પોકારો ઊઠયા, પણ તાનસેનને કસમયે દીપક ગાવાનો પરિશ્રામ મોંઘો થઈ પડયો. એના અંગે અંગમાં આગ ઊઠી, ત્યારે વૃદ્ધ સંગીતકાર ખડખડાટ હસી પડયો ને બોલ્યો :

'મારો સંગીતનિપૂણ પુત્ર દરબારમાં તારી સાથે હોડ બકવા આવ્યો હતો. એને મહેમાન બનાવી શરાબના જામમાં ઝેર મેળવીને તેં એનો જીવ લીધો, યાદ છે એ કરુણ પ્રસંગ ? આજ મેં એનું વેર વાળ્યું. તું હવે જીવનભર આગથી સળગતો રહેશે.' એમ બોલીને દરબાર છોડીને એ ચાલી નીકળ્યો. અકબરને ઊંડો આઘાત લાગ્યો. શાહી હકીમો આવ્યા પણ તાનસેનનો દાહ કોઈ મટાડી શક્યું નહીં. તાનસેનને પણ થયું કે ખોટું સાહસ થઈ ગયું પણ પ્રશ્ન હતો સાચા સંગીતની પરવરિશનો. એ વખતે તાનસેનને સમાચાર મળ્યા કે ગુજરાતમાં મલ્હાર રાગની ગાયિકાઓ છે. ફરતો ફરતો એ ગુજરાતમાં આવ્યો ને ઉ. ગુજરાતમાં વડનગરના પાદરે ડેરા-તંબુ તાણ્યા. સવારનો સમય છે. તાનારીરી કૂવાકાંઠેથી પાણી ભરીને પાછી ફરતી હતી. એમણે તાનસેનને જોયો. એ બહેનો પામી ગઈ કે આ કોઈ દીપક રાગ ગાવાથી દાઝી ગયેલો કોઈ મહાન ગાયક છે, તાનસેને એમની પાસે પાણી માગ્યું. પાણી પાતાં પાતાં બહેનો બોલી : 'ગાયક ! તમે દીપક રાગ ગાતી વખતે મર્યાદા ઓળંગી ગયા હશો ! તમારા કંઠને ભારે પરિશ્રામ આપવાથી તમારા રોમેરોમમાં દીપકનો દાહ લાગુ પડયો છે. દીપક ગાને તમને ક્ષયની બક્ષિસ આપી છે તેથી તમારા અંગમાં આગ લાગી છે.'

બહેન ! મારી ભાગ્યવિધાત્રીઓ ! તમારી વાત સાચી છે. એના ઇલાજ માટે હું ગુજરાતમાં આયો છું.' કહી પોતાનો પરિચય આપી આખી ઘટના કહી સંભળાવી.

સંગીત સમ્રાટ અમે બંને બહેનો તમારા તરફ આદરભાવ દર્શાવી મલ્હાર રાગ ગાઈએ છીએ. આ મલ્હાર આજ સુધી અમે કોઈનેય સંભળાવ્યો નથી. એનું પ્રદર્શન કર્યું નથી પણ તમારા રોગ નિવારણ અર્થે આહ્વાન કરીએ છીએ.' એમ કહી બંને બહેનોએ તાનપુરા હાથમાં લઈ મલ્હારના સૂર છેડયા. વાતાવરણમાં હવા જામવા માંડી. જોતજોતામાં આકાશમાં કાળાંડિબાંગ વાદળાં ચડી આવ્યા અને મુશળધાર વરસાદ તૂટી પડયો. બુંદેબુંદે તાનસેનનો દાહ શાંત થયો, જાણે એનો કાયાકલ્પ થયો. તાનસેન ગળગળો થઈને બોલ્યો : 'આપ બંને બહેનોનો હું આજન્મ ઋણી રહીશ.'

તાના-રીરીનું અણમોલ આતિથ્ય માણીને તાનસેને ભારે હૈયે વિદાય લીધી. પાટનગરમાં આવતા જ સમ્રાટે તાનસેનનું ભવ્ય સ્વાગત કર્યું. ને દીપકનો દાહ બુઝાવનારનું મુબારક નામ જાણવાનો આગ્રહ કર્યો. તાનસેને ઘણી આનાકાની કરી પણ બાદશાહે હઠ પકડી. આખરે તાનસેનને વચનભંગ થવું પડયું અને બનેલી ઘટના કહી સંભળાવી.

શહેનશાહને જિજ્ઞાસા થઈ તાના-રીરીને નિહાળવાની અને એમનું અનુપમ સંગીત સાંભળવાની. એમણે એક માનીતા અમીરને વડનગર રવાના કર્યો. વડનગરના પાદરમાં ડેરા-તંબુ તાણીને તાના-રીરીના વયોવૃદ્ધ સસરાને બોલાવ્યાને શાહી ફરમાન સંભળાવ્યું. સસરાએ ઘેર જઈને વાત કરી. ઘરમાં શોકનું વાતાવરણ ફરી વળ્યું. ત્યારે તાનાએ કહ્યું : 'બાપુજી ! મૂંઝાશોમાં ! તાનસેન વચનભંગ ભલે થયો પણ અમે બાદશાહને એવો પાઠ ભણાવીશું કે તે ગૌરવવંતી ગુજરાતણોનું ખમીર જોઈને આૃર્યચકિત થઈ જશે અને તાનસેનને જીવનભર પસ્તાવો થશે.'

રીરી બોલી : 'બાપુજી ! બાદશાહના દરબારમાં હાજર થઈને આપણા ખાનદાન કૂળને લાંછન નહીં લાગવા દઈએ.'

બંને બહેનો સસરાજીને પ્રણામ કરી મ્યાનામાં બેસી ગઈ. બંનેના પતિ દેવો ખિન્ન હૈયે બાદશાહના માણસો સાથે પાટનગરમાં આવ્યા. સૌનું સ્વાગત કરવા બાદશાહ તાનસેનને લઈને તાના-રીરીના તંબુએ આવ્યો. પેલા અમીરને પૂછયું : 'ક્યાં છે એ સંગીતપ્રવીણ ગુજરાતણો ?'

અમીરે કહ્યું : 'મ્યાનામાં બેઠી છે. બહાર આવવાની ના પાડે છે. એમને બહાર કાઢવાની અમારી હિંમત નથી.'

તાનસેને બે હાથ જોડીને ગળગળા સાદે કહ્યું : 'સૌંદર્યમૂર્તિઓ બહાર આવો ને સમ્રાટને દર્શન આપો.' ઉત્તર મળ્યો નહીં. : છેવટે સમ્રાટે બંનેના પતિદેવોને કહ્યું : 'બંને કલાધરિત્રીઓને બહાર લાવી દર્શન કરાવો. પતિદેવો પરિણામ જાણતા જ હતા. એમના હૈયામાં વેદના હતી. ભારે હૈયે મ્યાનાના પડદા ઊંચા કર્યા. બંને બહેનો પેટમાં કટારી નાખી મૃત્યુને વરી હતી. આ દૃશ્ય જોઈ બંને ઢગલો થઈને ઢળી પડયા.'

તાનસેન બોલી ઊઠયો ! યા પરવરદિગાર મારા માથે વિશ્વાસઘાતનું પાપ ચડયું. મહાપાપ..... મહાપાપ એ પોકારી ઊઠયો. મારા જીવનદાતાની મેં આ દશા કરી ? એની આંખમાંથી અશ્રાુધારા વહેવા માંડી. બાદશાહ એટલું જ બોલ્યો : 'મારું ફરમાન આવો અનર્થ સર્જશે એની મને કલ્પના જ નહોતી. આ પાપ મારા જીગરને જીવનભર કોરી ખાશે. મહાદેવીઓને વંદન કરીને માફી માગું છું. ખુદા મને માફ નહીં કરે.' એમ બોલીને આ બંને મહાન ગુજરાતણોને છાજે એ રીતે તેમની ઉત્તરક્રિયાની વ્યવસ્થા કરાવી બાદશાહ વંદન કરીને ચાલી નીકળ્યો. ગુજરાતની અજોડ સંગીત અધિષ્ઠાત્રીઓની સમાધિઓની દેરીઓ તેમની યાદ આપતી ઊભી છે. અહીં પ્રતિવર્ષ તાનારીરી સંગીત ઉત્સવ યોજાય છે. આ

ઇતિહાસ કથાને સૌ પ્રથમ બહાર લાવવાનું શ્રોય ડૉ. મૂળજીભાઈ પી. શાહને ફાળે જાય છે.


  • Follow us on: