આજે અષાઢી બીજ. લોક ઉત્સાહ હિલોળે ચડવાનો દિવસ. આમ તો આખો અષાઢ મહિનો એટલે જ લોક ઉત્સાહ હિલોળે ચડવાનો મહિનો. કવિ પિંગળશી ગઢવીનાના મુખેથી સ્વાભાવિક રીતે જ શબ્દો સરી પડે છે, અષાઢ ઉચ્ચારમ મેઘ મલ્હારમ બની બહારમ જલધારમ, દાદુર ડકારમ મયુર પુકારમ તડીતા તારમ વિસ્તારમ, ના લહી સંભારમ પ્યારો અપારમ નંદ કુમારમ નીરખ્યા રી, કહે રાધે પ્યારી હું બલિહારી ગોકુળ આવો ગિરધારી.* તો અષાઢનો પ્રથમ દિવસ કવિ કાલિદાસ દિન અથવા સંસ્કૃત દિન તરીકે પણ ઓળખાય છે કારણ કે આ દિવસે કાલિદાસનું યાદ આવે. નાટક મેઘદૂત आषाढ़स्य प्रथम दिवसे શ્લોકથી જ શરૂ થાય છે જેમાં વિરહી યક્ષ વાદળને પોતાની પ્રિયતમા માટે સંદેશ લઈ જવાનું કહે છે. ત્યારથી માંડીને અષાઢનો છેલ્લો-અમાસ- દિવસ દિવાસો કહેવાય છે ત્યાં સુધી લોક ઉત્સાહ ટકી રહે છે અલૂણાં, જયા પાર્વતી, દેવશયની એકાદશી, જૈન મુનિઓના ચાતુર્માસ વ. અનેક તહેવારો આવી જાય છે. તેમાં પણ દિવાસો એટલે સો પરબનો માસો. સુખ વાદી મનોવિજ્ઞાન કહે છે કે માનવ જીવનમાં સતત કંઈક બનતું રહેવું જોઈએ જે તેને સુખ આપે. આ બનવાની ક્રિયાને અંગ્રેજીમાં happening કહે છે. ચંચી મહેતાએ તેના માટે બનન્તી શબ્દ પ્રયોજ્યો હતો. સુખની શોધમાં રહેલા માનવી સતત બનન્તી શોધે છે. આપણા ઉત્સવો આ બનન્તી છે. આજે આપણે અષાઢી બીજના સુખકારક ઉત્સવની વાત કરવી છે. વાવણી લાયક વરસાદ પડી ચૂક્યો છે, સારા પાકની અને પશુઓ માટે ચારાની આશા બંધાઈ છે. ધરતીમાંથી તૃણ અંકુર ફૂટી નીકળ્યા છે. મોરલા ગહેકાટ કરે છે. ધરતીમાંથી ભીની સોડમ નીકળે છે. એક બીજાને ચાહતા સ્ત્ર્રી-પુરુષ માટે સાથે રહેવાનો સમય છે, *આભમાં ઝીણી ઝબુકે વીજળી રે, ઝીણા ઝરમર વરસે મેહ ગુલાબી,.. તમને વહાલી તમારી ચાકરી રે, અમને તમારો નેહ ગુલાબી, નહી રે જાવા દઉં ચાકરી રે.*
ગુજરાતમાં અને ખાસ કરીને કચ્છના જનજીવનમાં અષાઢી બીજ નું અનેક રીતે મહત્વ છે. અષાઢી બીજ એટલે વણ જોયું મુહૂર્ત. આ દિવસે વરસાદના ખાસ વરતારા થાય છે. વળી પહેલા માત્ર અમદાવાદમાં જ રથયાત્રા નીકળતી. હવે તો ગુજરાતના વિવિધ શહેરોમાં લગભગ 150 જેટલી નાની મોટી રથયાત્રા નીકળે છે. કચ્છ માટે તો આ નવું વર્ષ છે. જૈન મુનિઓ માટે આજથી ચતુર્માસની શરૂઆત થાય છે. હિન્દુઓ માટે પણ હવે અનેક પવિત્ર તહેવાર આવવાની શરૂઆત થાય છે. મુંબઈ કે અન્યત્ર રહેતા કચ્છીઓમાં તો કહેવત છે,
*ગગન ગાજે ને મોરલા બોલે,
માથે ચમકતી વીજ,
હલો પાંજે કચ્છડે
આવી અષાઢી બીજ*.
પ્રથમ વાત કરવી પડે જગન્નાથની રથયાત્રાની. *અષાઢી બીજ આવી રે ભક્તોની ભીડ જામી રે, જગન્નાથ રથમાં હાલ્યા રે પ્રભુની મૂર્તિ પ્યારી રે.* એક સમય હતો કે માત્ર જગન્નાથપુરીમાં જ ભગવાન જગન્નાથનો રથ પુરીની યાત્રાએ નીકળતો. પછી આ પરંપરા અમદાવાદમાં શરૂ થઈ અને આજે 149મી રથયાત્રા નીકળી રહી છે. આ રથયાત્રાના ત્રણ રથમાં ભગવાન જગન્નાથ (કૃષ્ણ), ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા રથયાત્રા માટે ખાસ બનાવેલા વસ્ત્ર્રો પહેરીને નગરચર્યાએ નીકળશે. સવારે સાત વાગ્યે જમાલપુરના જગન્નાથ મંદિરથી નીકળી આ રથ સરસપુરના મોસાળે પહોંચી ભોજન વિરામ લેશે. રથયાત્રા સાથે સામેલ તમામ લોકો અહીં ભોજન લેશે. બપોર પછી નીકળી શહેરમાં યાત્રા કરી મોડી સાંજે રથયાત્રા જમાલપુર જગન્નાથ મંદિરે પહોંચશે અને ત્યાં પૂર્ણ થશે. કેટલાક લોકો પૂછે કે આમાં શું નવાઈ? આવા તો અનેક ધાર્મિક પ્રસંગો ઉજવાતા હોય છે. પરંતુ અહીં તફાવત છે કે આ સંપૂર્ણ પણે લોકોત્સવ છે. 149મી રથયાત્રાનું આયોજન જગન્નાથ મંદિર દ્વારા કરવામાં આવે છે. સરકાર અને વહીવટી તંત્રે તો માત્ર ટ્રાફ્કિ વ્યવસ્થા જાળવવા માટે સાથ આપવાનો છે. તેમાં ત્રણ રથો, અનેક અખાડાઓ (અંગ કસરતના દાવ કરનાર સ્વયંભૂ અખાડાઓ). 103 ટ્રકો, 2500 જેટલા સાધુ સંતો, 18 ગજરાજો, વિવિધ સાંસ્કૃતિક જૂથો, અને લગભગ 50,000 હજાર જેટલા ભાવિકો જોડાશે. ત્રણ કિમી જેટલી આ યાત્રા 14 કિ મી સુધીનો યાત્રાપથ પૂર્ણ કરશે. આ યાત્રા દરમિયાન લગભગ 25,00,000 લોકો રથયાત્રાના દર્શન કરશે. વિવિધ સમુદાયોના લોકો વિવિધ જગ્યાએ રથયાત્રાનું સ્વાગત કરશે. આમ અહીં સામુદાયિક એકતા પણ દ્રષ્ટિગોચર થાય છે. સરસપુર ના મોસાળે ભોજન થશે ત્યાં પણ લગભગ 1.25 લાખ લોકો પ્રસાદ લેશે. સરસપુરના લોકો જ વિરામ અને ભોજનનું આયોજન કરે છે. કવિ કાલિદાસે સાચું જ કહ્યું છે, *उत्सव प्रिया: खलु मनवा:*
આ લોકોત્સવ એટલો જનપ્રિય બન્યો છે કે માત્ર અમદાવાદમાં જ અન્ય બે રથયાત્રા નીકળે છે. સમગ્ર ગુજરાતમાં 150 જેટલી રથયાત્રા નીકળે છે. તેમાં ભાવનગર, વડોદરા અને સુરતની રથયાત્રા પ્રમાણમાં મોટી હોય અને વધુ સંગઠિત હોય છે. કચ્છની વાત કરી તો ભુજમાં અને અન્ય તાલુકાઓમાં પણ રથયાત્રા નીકળે છે. આ વર્ષથી રાપરમાં પણ રથયાત્રા નીકળવાની છે. હવે ગુજરાતમાં
ઇસ્કોન, સ્વામિનારાયણ સંપ્રદાય પણ રથયાત્રા કાઢવા લાગ્યા છે.
તો અષાઢી બીજે આટલો જ મહત્વનો બીજો ઉત્સવ એ કચ્છનું નવું વર્ષ છે. કહેવાય છે કે કચ્છના રાજવંશ જાડેજા વંશ મૂલતઃ અનિરુદ્ધ અને ઓખા ના સંતાન વ્રજનાલના વંશજો છે. આ વંશ સિંધમાં રાજ કરતો હતો. કચ્છમાં આવ્યા પછી લાખો ફુલાણી કચ્છના પ્રવાસે નીકળ્યા અને અષાઢી બીજે પરત ર્ફ્યા. પછી કચ્છી શાસનના વર્ષ તરીકે અષાઢી બીજ જાહેર થઈ. વળી કચ્છ પશુપાલન અને ખેતી પર નિર્ભર જિલ્લો છે,. અષાઢી બીજે વરસાદ પડી ગયો હોય પશુપાલન અને ખેતી બંને માટે આશાઓ બંધાઈ હોય છે. લોકો આનંદમાં હોય છે તેથી પણ અષાઢી બીજ આનંદોત્સવ બની જાય છે. ખાસ કરીને કચ્છના ખેડૂતો (પાટીદાર) અષાઢી બીજ નો ઉત્સવ મનાવે છે. કચ્છના 1819ના ભૂકંપ પછી ખેતી અને વેપાર નબળા પડતા કચ્છના અનેક લોકો મુંબઈ, નાગપુર, અમદાવાદ વ. જગ્યાએ સ્થળાંતર કરી ગયા છે. તેઓ અષાઢી બીજે કચ્છ પરત ફરવાની અને કચ્છમાં અષાઢી બીજ ઉજવવાની ઉમ્મેદ રાખતા હોય છે. જે લોકો બહાર છે અને પરત ફરી શકે તેમ નથી તેવા લોકો પોતાના સ્થળે જ કચ્છનું નવું વર્ષ ઊજવે છે.. જેમ કે આ વર્ષે નાગપુરના 142 કચ્છી પાટીદાર પરિવાર નાગપુર મા જ ઉજવણી કરશે. કચ્છના ગામોમાં રહેતા લોકો પરંપરાગત વેશભૂષા પહેરી કચ્છી બોલીમાં પરસ્પરને શુભેચ્છા પાઠવાશે. કહેશે,*નયે વરેજી જજી જજી વધાઈયુ.* લોકગીત ગવાશે, ભજન ધૂનનું આયોજન થશે, પરંપરાગત વાનગીઓ રંધાશે અને તેમ લોકો પોતાની સંસ્કૃતિને યાદ કરશે. સમય બદલાયો છે તેથી એકબીજાને મળીને શુભેચ્છા પાઠવવાનો સમય ઓછો રહે છે. યાદ રહે સંસ્કૃતિ મૃત્યુ પામતી નથી, તે બદલાતા સ્વરૂપમાં ટકી રહે છે.
કચ્છી સંસ્કૃતિ જાળવવાના પ્રયાસો અનેક રીતે થાય છે. પરંતુ તાજેતરમાં કચ્છી સંસ્કૃતિ ને ઉજાગર કરવા માટે કચ્છી કાર્નિવલનું આયોજન થવાનો ચાલ શરૂ થયો છે. આજે આ કાર્યક્રમ નાની યાત્રા થી શરૂ થશે અને હમીરસર પરિસરમાં યોજાશે. આ વખતે 65 જેટલી સંસ્થાઓ અને જ્ઞાતિ મંડળો ભાગ લઈને પોતાની સંસ્કૃતિના વિવિધ પાસાઓ રજૂ કરશે અને તેમાંથી પાંચને પસંદ કરીને પારિતોષિક અપાશે. 60થી વધુ ઝાંખીઓ અને 1500થી વધુ કલાકારો ભાગ લઈને અને કચ્છી સંસ્કૃતિને પુનર્જાગૃત (revisit) કરવાનનો આ પ્રયાસના સાક્ષી બનવા લગભગ 1,50,000 લોકો ઉમટી પડે તેવો અંદાજ છે. આ ઉપરાંત અષાઢી બીજ અનેક નાના મોટા કાર્યક્રમો લઈને આવે છે. તેમાં નવા નિર્ણય વધામણાં થશે. રામદેવપીરનો પાટ (અષાઢી બીજે પીર પાટે પધારો-ગીત)નો કાર્યક્રમ યોજાશે. વહાણવટી ભાઈઓનું ગામમાં સ્વાગત કરવામાં આવશે.
લોકોને એકધારા જીવનના ઢાંચામાંથી બહાર આવવુંગમે છે. તેઓ બનન્તી શોધે છે. કચ્છડે મેં અષાઢી બીજ જો ત્યોંહાર બડી ધામધૂમ સાં મનાયો વે.