રવિવારનો સૂર્યાસ્ત રમતજગતના ઇતિહાસમાં એક સુવર્ણ અને ભાવુક પ્રકરણ અંકાવા જઈ રહ્યો છે. ભારતીય કેલેન્ડરના સમય મુજબ, એક જ દિવસે વિશ્વના બે સૌથી લોકપ્રિય સ્પોર્ટ્સ ફોર્મેટમાં બે દિગ્ગજો પોતાની કારકિર્દીના સૌથી મોટા વળાંક પર ઊભા હશે. ફૂટબોલ પિચ પર આર્જેન્ટિનાના જાદુગર લિયોનેલ મેસ્સી અને ક્રિકેટના મેદાન પર ભારતીય 'હિટમેન' રોહિત શર્મા- બંને માટે આ રવિવાર માત્ર એક મેચ નથી, પણ તેમની ભવ્ય કેરિયરની આખરી અગ્નિપરીક્ષા છે. ન્યૂજર્સીના મેટલાઇફ સ્ટેડિયમમાં જ્યારે ફિફા વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં સ્પેન અને આર્જેન્ટિના આમને-સામને ટકરાશે, ત્યારે બીજી તરફ લંડનના ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વન-ડે સિરીઝની ત્રીજી અને નિર્ણાયક મેચ રમાશે જે રોહિત શર્મા માટે કદાચ આ છેલ્લી વન ડે હશે, હજુ વન ડેમાં નિવૃત્તિની સત્તાવાર જાહેરાત ન થઇ હોઈ કરોડો ચાહકો આ વાત અફવા ઠરે એવું ઈચ્છે છે.

કાર્ડિફ્ના સોફિયા ગાર્ડન્સ ખાતે રમાયેલી બીજી વન-ડેમાં ઈંગ્લેન્ડે ભારતને 4 વિકેટે હરાવીને એ સાબિત કર્યું કે, ધીમી પિચોની ફોર્મ્યુલા વિદેશી ધરતી પર ફ્લોપ નીવડી શકે છે. આ હાર કરતાં પણ મોટો આંચકો રોહિત શર્માના કરિયરને લઈને લાગ્યો છે. સોફિયા ગાર્ડન્સમાં 26 રન બનાવવા માટે રોહિતે જે સંઘર્ષ કરવો પડયો, તેણે પસંદગીકારોને લાંબા ગાળાના આયોજન તરફ વિચારવા મજબૂર કર્યા છે.BCCIના ઉચ્ચ સૂત્રો અને અજીત અગરકરની આગેવાની હેઠળની સિલેક્શન કમિટીના સંકેતો મુજબ, 19 જુલાઈએ લોર્ડ્સમાં રમાનારી મેચ રોહિત શર્માના વન-ડે કરિયરની આખરી મેચ હોઈ શકે છે. પસંદગીકારો 2027ના વન-ડે વર્લ્ડકપ (જે સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં યોજાનાર છે) માટે અત્યારથી જ યુવા ઓપનર યશસ્વી જયસ્વાલને વધુમાં વધુ તકો આપીને તૈયાર કરવા માંગે છે.

રોહિતે 2024ના T20 વર્લ્ડ કપ બાદ આ ફોર્મેટ છોડયું અને 7 મે 2025ના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લઈ લીધી હતી, જેથી શુભમન ગિલને કેપ્ટનશીપ સોંપી શકાય. રોહિતનું સપનું 2027નો વન-ડે વર્લ્ડ કપ રમવાનું હતું, પરંતુ ફોર્મ અને ઉંમરના તકાઝા વચ્ચે હવે મેસેજ ક્લિયર છેઃ જો તે સન્માનજનક રીતે નિવૃત્તિ લેવા માંગે તો તે તેનો અંગત નિર્ણય રહેશે, બાકી લોર્ડ્સ બાદ તેની પસંદગી થવાની શક્યતા નહિવત છે. 287 વન-ડે મેચોમાં 11,757 રન બનાવનાર અને 56 મેચોમાં કેપ્ટન તરીકે ભારતને 2023 વર્લ્ડ કપની ફાઇનલ સુધી તથા UAEમાં 2025 ચેમ્પિયન્સ ટ્રોફી જીતાડનાર આ મહાન ખેલાડી માટે રવિવાર પોતાના ગૌરવને સાબિત કરવાનો છેલ્લો મોકો છે.

આજે જે રોહિત શર્મા હિટ મેન તરીકે વિશ્વ ક્રિકેટમાં વિખ્યાત છે તેનું શરૂઆતનું જીવન અત્યંત સંઘર્ષપૂર્ણ હતું. મુંબઈના બોરીવલીના એક સાધારણ મકાનમાં રોહિત તેના માતા-પિતા સાથે નહીં, પણ દાદા-દાદી અને કાકા સાથે રહેતો હતો, કારણ કે તેના ક્લાર્ક તરીકે ખાનગી કંપનીમાં નોકરી કરતા પિતાની આર્થિક સ્થિતિ નબળી હતી. રોહિત શરૂઆતમાં માત્ર એક ઓફ-સ્પિનર તરીકે રમતો હતો. 1999ની સાલમાં મુંબઈના જાણીતા કોચ દિનેશ લાડની નજર આ શરમાળ છોકરા પર પડી.

દિનેશ લાડ રોહિતની પ્રતિભાથી એટલા પ્રભાવિત થયા કે તેમણે રોહિતને સ્વામી વિવેકાનંદ ઇન્ટરનેશનલ સ્કૂલમાં એડમિશન લેવા કહ્યું. પરંતુ મુશ્કેલી એ હતી કે જૂની સ્કૂલની ફી માત્ર 30 રૂપિયા હતી, જ્યારે સ્વામી વિવેકાનંદ સ્કૂલની ફી 250 રૂપિયા હતી, જે ભરવાની તેના કાકાની હેસિયત નહોતી. દિનેશ લાડે હિંમત ન હારી, તેમણે સ્કૂલના ડિરેક્ટરને વિનંતી કરીને રોહિતની ફી માફ કરાવી અને સ્કોલરશીપ અપાવી. દિનેશ લાડના કોચિંગ હેઠળ જ રોહિતની બેટિંગ પ્રતિભા ખીલી અને તે અંડર-19 તથા ડોમેસ્ટિક ક્રિકેટ રમતા-રમતા ટીમ ઇન્ડિયાનો 'હિટમેન' બન્યો. આજે એ જ સંઘર્ષી છોકરો પોતાના કરિયરની આખરી વન-ડે વળાંક પર ઊભો છે.

બીજી તરફ, ફૂટબોલ જગતમાં ફિફા વર્લ્ડ કપ 2026ની ફાઇનલ માત્ર બે દેશો વચ્ચેની જંગ નથી, પરંતુ ફૂટબોલ 

ઇતિહાસની બે અલગ-અલગ પેઢીઓના મિલનની એક અદ્ભૂત અને ભાવુક વાર્તા છે. એક તરફ 39 વર્ષના મહાન ખેલાડી લિયોનેલ મેસ્સી છે, જે કદાચ પોતાનો આખરી વર્લ્ડ કપ રમી રહ્યા છે, અને બીજી તરફ સ્પેનનો 19 વર્ષનો યુવા સેન્સેશન લામિન યમાલ છે.

આ બંને વચ્ચે નિયતિએ 19 વર્ષ પહેલાં એક એવો કિસ્સો સર્જ્યો હતો જે કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટ જેવો લાગે છે. ડિસેમ્બર 2007માં, જ્યારે મેસ્સી પોતે 20 વર્ષના ઉભરતા સ્ટાર હતા, ત્યારે યુનિસેફ (UNICEF) અને સ્પેનિશ અખબાર 'ડિયારિયો સ્પોર્ટ'ના એક ચેરિટી કેલેન્ડર શૂટ માટે તેમણે એક સ્થાનિક પરિવારના 5 મહિનાના બાળક સાથે ફોટો પડાવવાનો હતો. એ માસૂમ બાળક બીજું કોઈ નહીં પણ લામિન યમાલ હતો! ફોટોગ્રાફર જોઆન મોનફોર્ટના જણાવ્યા મુજબ, તે સમયે શરમાળ મેસ્સીને સમજ નહોતી પડતી કે, પ્લાસ્ટિકના વાદળી ટબમાં બેઠેલા આ નાના બાળકને કેવી રીતે સાચવવો. કોણે વિચાર્યું હતું કે, મેસ્સીના હાથે જે બાળકને નવડાવવામાં આવ્યો હતો, તે જ બાળક 19 વર્ષ પછી વર્લ્ડ કપ ફાઇનલમાં તેની સામે મેદાનમાં ઉતરશે!

બંને ખેલાડીઓ બાર્સિલોનાની સુપ્રસિદ્ધ 'લા માસિયા એકેડેમી'ની પ્રોડક્ટ છે, જેથી આ મેચ બાર્સિલોનાની ફૂટબોલ વિરાસતની બે પેઢીઓ વચ્ચેની લડાઈ પણ છે. 39 વર્ષની ઉંમરે પણ મેસ્સીએ ઈંગ્લેન્ડ સામેની સેમિફાઇનલમાં બે શાનદાર આસિસ્ટ કરીને આર્જેન્ટિનાને 2-1થી જીત અપાવી ફાઇનલમાં પહોંચાડયું છે. મેસ્સી હાલ 8 ગોલ અને 4 આસિસ્ટ સાથે ગોલ્ડન બૂટની રેસમાં સૌથી આગળ છે અને વર્લ્ડ કપ ઇતિહાસમાં સૌથી વધુ 21 ગોલ અને 33 મેચનો ઓલ-ટાઇમ રેકોર્ડ પોતાના નામે કરી ચૂક્યો છે.

આ સુપર સન્ડે માત્ર બે રમતોની ફાઇનલ કે નિર્ણાયક મેચ નથી, પણ બે મહાન રમતવીરોના અસ્તિત્વ અને આત્મસન્માનની લડાઈ છે. રોહિત શર્મા માટે લોર્ડ્સનું મેદાન ક્રિકેટના મક્કા સમાન છે, જ્યાં તે પોતાના આખરી પ્રકરણને સોનેરી અક્ષરોથી સજાવવા માંગશે. બીજી તરફ, મેસ્સી ફૂટબોલના આકાશમાં પોતાની ચમક સદાકાળ માટે અમર કરવા ઉતરશે.