વર્તમાન વિશ્વ એક વિચિત્ર વિરોધાભાસમાંથી પસાર થઈ રહ્યું છે. માનવજાતે વિજ્ઞાન, ટેક્નોલોજી અને વૈશ્વિક સંચારના ક્ષેત્રમાં અણધારી પ્રગતિ કરી છે. ડિજિટલ ક્રાંતિના કારણે વિશ્વના જુદા જુદા ખંડો વચ્ચેનું ભૌગોલિક અંતર સાવ ભૂંસાઈ ગયું છે અને આખી દુનિયા આંગળીના ટેરવે આવી ગઈ છે. પરંતુ આ ભૌતિક નિકટતાની સમાંતર એક વરવી વાસ્તવિકતા એ પણ છે કે માણસો વચ્ચેનું, પરિવારને તોડતું ભાવનાત્મક તેમજ માનસિક અંતર ચિંતાજનક હદે વધી રહ્યું છે. આપણી આસપાસ માહિતીનો અખૂટ પ્રવાહ વહી રહ્યો છે, છતાં સમાજમાં પરસ્પર અવિશ્વાસ અને નફરતનો ભાવ અનુભવાય છે. ભૌતિક વિકાસની દોડમાં વ્યક્તિગત રીતે માણસ વધુ સાધનસંપન્ન અને શક્તિશાળી બન્યો છે, પરંતુ એક સામૂહિક સમાજ તરીકે આપણી સંવેદનશીલતા ઘટી રહી છે. આવા સમયમાં, દર વર્ષે 18 જુલાઈએ ઉજવાતો 'નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ' આપણને માત્ર એક મહાન નેતાને યાદ પૂરતો નથી; પરંતુ તે માનવતાના એક એવા કાલીન જીવનદર્શન તરફ્ દોરી જાય છે, જે આજના સંઘર્ષગ્રસ્ત વિશ્વની સૌથી મોટી અનિવાર્ય જરૂરિયાત છે. આ અદ્ભુત જીવનદર્શનનું નામ છે 'ઉબુન્ટુ'-Ubuntu.
ઉબુન્ટુ' એ દક્ષિણ આફ્રિકાની પ્રાચીન ન્ગૂની-બાન્ટુ ભાષા-પરંપરામાંથી વિકસેલો એક ગહન દાર્શનિક અને નૈતિક વિચાર છે. વૈશ્વિક સ્તરે તેનો સૌથી લોકપ્રિય અર્થ 'I am because we are' એટલે કે *હું છું કારણ કે આપણે છીએ* એવો કરવામાં આવે છે. આ સાંભળવામાં કદાચ એક સાદું વાક્ય લાગે, પરંતુ તેની પાછળ માનવજીવનના સહઅસ્તિત્વનું ગહન તત્ત્વચિંતન રહેલું છે. આ દર્શન સ્પષ્ટ કરે છે કે પૃથ્વી પર મનુષ્યનું અસ્તિત્વ ક્યારેય એકલવાયું હોઈ શકે જ નહીં. કોઈ પણ વ્યક્તિનું સુખ, આત્મગૌરવ અને સર્વાંગી વિકાસ બાકીના સમાજથી અલગ થઈ શકતા નથી. 'ઉબુન્ટુ' અનુસાર માણસની માનવતા ત્યારે જ પૂર્ણ બને છે, જ્યારે તે બીજા મનુષ્યના અસ્તિત્વનો પૂરતો આદર કરે છે. આ દર્શન વ્યક્તિને માત્ર કાયદાકીય અધિકારો ધરાવતા નાગરિક તરીકે જ નહીં, પરંતુ તેને સમાજના એક અવિભાજ્ય અને જીવંત અંગ તરીકે સ્વીકારે છે. કરુણા, સહાનુભૂતિ, ક્ષમાશીલતા, શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ અને સામૂહિક જવાબદારીની ભાવના એ જ આ જીવનદર્શનના મજબૂત સ્તંભો છે.
નેલ્સન મંડેલાએ આ આફ્રિકન દર્શનને માત્ર પુસ્તકો સુધી સીમિત ન રાખતાં, પોતાના સમગ્ર જીવનમાં અક્ષરશઃ જીવી બતાવ્યું. રંગભેદની નીતિ સામે લડતાં તેમણે જીવનના અમૂલ્ય 27 વર્ષ કારાવાસમાં વિતાવ્યા. આટલો લાંબો સંઘર્ષ અને યાતનાઓ ભોગવ્યા પછી જ્યારે તેઓ દેશના સર્વોચ્ચ સત્તા પદ પર પહોંચ્યા, ત્યારે તેમની પાસે વિરોધીઓ સામે બદલો લેવાની પૂરેપૂરી તક હતી. પરંતુ તેમણે નફરતની સામે નફરતનો માર્ગ પસંદ ન કર્યો. મંડેલા સમજતા હતા કે જો આ વિજય માત્ર એક પક્ષનો જ ગણાશે અને તે બીજા પક્ષના સ્વાભિમાનને કચડી નાખશે, તો રાષ્ટ્ર ક્યારેય આંતરિક શાંતિ મેળવી શકશે નહીં. તેથી તેમણે સમાધાન અને ક્ષમાને માત્ર એક રાજકીય વ્યૂહરચના તરીકે નહીં, પરંતુ માનવતાના પરમ કર્તવ્ય તરીકે સ્વીકારી. તેમના મતે, સાચી જીત વિરોધીને હરાવવા કે હંફાવવામાં નથી હોતી, પરંતુ વિરોધીના હૃદયને જીતીને તેને ભવિષ્યની યાત્રામાં ફરીથી પોતાનો સહયાત્રી બનાવવામાં હોય છે. આ જ 'ઉબુન્ટ' દર્શનની સર્વોચ્ચ અભિવ્યક્તિ હતી, જેણે દક્ષિણ આફ્રિકાને આંતરવિગ્રહમાંથી બચાવી લીધું.
ભૌગોલિક રીતે આફ્રિકાની ધરતી પર પાંગરેલું આ જીવનદર્શન ભારત માટે બિલકુલ અજાણ્યું નથી. તેનો આત્મા ભારતીય જ્ઞાનપરંપરાના અનેક શાશ્વત વિચારો સાથે આબેહૂબ સંવાદ કરતો જણાય છે. ભારતીય જ્ઞાનસંપદા કરુણાને પણ માનવજીવનનું કેન્દ્રસ્થ મૂલ્ય માને છે. ધમ્મપદમાં ભગવાન બુદ્ધ કહે છે કે, વેરથી વેર ક્યારેય શાંત થતું નથી; વેરનો અંત તો માત્ર અવેર અર્થાત્ પ્રેમ, કરુણા અને ક્ષમાથી જ આવે છે. આ સનાતન ધર્મ છે.* તેમજ, મહાઉપનિષદનું સુપ્રસિદ્ધ વચન 'અયં નિજઃ પરો વેતિ ગણના લઘુચેતસામ્, ઉદારચરિતાનાં તુ વસુધૈવ કુટુમ્બકમ્' પણ આ વાતની સાક્ષી પૂરે છે. આ સનાતની શ્લોક સમગ્ર માનવ સમાજ માટેનું સર્વોચ્ચ નૈતિક ઘોષણાપત્ર છે. અહીં મનુષ્યને જાતિ, ભાષા કે રાષ્ટ્રની સરહદોમાં બાંધવામાં આવતો નથી, પરંતુ સમગ્ર માનવજાતને એક જ વિશાળ પરિવાર તરીકે જોવાની ઉદાર વૈશ્વિક દૃષ્ટિ પૂરી પાડવામાં આવે છે. આમ, 'ઉબુન્ટુ' અને 'વસુધૈવ કુટુમ્બકમ્' બંને જુદી જુદી સંસ્કૃતિઓમાં સ્વતંત્ર રીતે વિકસેલા દર્શનો હોવા છતાં, બંનેનું કેન્દ્રબિંદુ એક જ છેઃ માનવીય ગૌરવની રક્ષા અને પરસ્પર સહઅસ્તિત્વ.
ભારતીય જ્ઞાનપરંપરા વ્યક્તિ અને સમાજના સંબંધને કરુર સ્પર્ધાથી નહીં, પરંતુ પરસ્પર સહકારથી વ્યાખ્યાયિત કરે છે. આપણા ઉપનિષદોની શાંતિપ્રાર્થના '? સહ નાવવત' આ ભાવને અત્યંત સુંદર રીતે વ્યક્ત કરે છે, જેમાં પરમાત્મા પાસે સાથે રક્ષણ, સાથે પોષણ અને સાથે મળીને શક્તિપૂર્વક કાર્ય કરવાની પ્રાર્થના છે. આ વૈદિક મંત્રમાં 'હું'ના અહંકાર પહેલાં આપણેની સામૂહિક શક્તિનો સ્વીકાર કરવામાં આવ્યો છે, જે ઉબુન્ટુનો પણ મૂળભૂત પાયો છે. આ ઉપરાંત, શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ 'લોકસંગ્રહ'નો સિદ્ધાંત રજૂ કરતાં કહે છે કે, 'લોકસંગ્રહમેવાપિ સમ્પશ્યન કર્તુમર્હસિ' અહીં 'લોકસંગ્રહ'નો અર્થ સમગ્ર સમાજનું સુખ અને કલ્યાણ છે. જ્યારે પણ વ્યક્તિ પોતાના નિર્ણયોમાં માત્ર અંગત સ્વાર્થને નહીં, પરંતુ સામૂહિક હિતને સ્થાન આપે છે, ત્યારે જ સાચા અર્થમાં એક સુસંસ્કૃત સમાજનું નિર્માણ થાય છે. 'ઉબુન્ટુ' અને 'લોકસંગ્રહ' એ બંને ભલે અલગ સંસ્કૃતિમાંથી જન્મેલા વિચારો હોય, પરંતુ બંને આપણને એક જ દિશામાં દોરી જાય છે કે માણસનું સર્વોત્તમ સ્વરૂપ ત્યારે જ પ્રગટ થાય છે જ્યારે તે બીજાના કલ્યાણમાં પોતાનું કલ્યાણ જુએ છે.
ભારતીય સંસ્કૃતિમાં 'સેવા' એટલે કોઈ લાચાર પર દયા બતાવવી એવો અર્થ નથી, પરંતુ પોતાના અસ્તિત્વને વિશાળ સમાજ સાથે જોડી દેવી તે છે. આ જ વૈશ્વિક ભાવનાને જગાડવા માટે સંયુક્ત રાષ્ટ્રસંઘ દરવર્ષે આજના નેલ્સન મંડેલા દિવસ નિમિત્તે વિશ્વના તમામ નાગરિકોને ઓછામાં ઓછી 67 મિનિટનો સમય કાઢીને સમાજસેવાના કોઈ નિઃસ્વાર્થ કાર્ય માટે સમર્પિત કરવા અપીલ કરે છે. આ પ્રતીકાત્મક પહેલથી આપણો માત્ર એક કલાક, એક સંવેદનશીલ વિચાર કે કોઈ દુઃખી વ્યક્તિ માટે સહાનુભૂતિભર્યો મીઠો શબ્દ પણ માનવતાના પુનર્નિર્માણમાં ખૂબ જ મોટો ફાળો આપી શકે છે.
આજે 21મી સદીનું વિશ્વ યુદ્ધો, શરણાર્થીઓની સમસ્યા, સામાજિક ધ્રુવીકરણ અને ભયાનક એકલતા જેવા અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે. આધુનિક સંસ્કૃતિએ આપણને ગતિ ચોક્કસ આપી છે, પરંતુ જીવન જીવવાની સાચી દિશા તો આજે પણ માત્ર ઉચ્ચ માનવીય અને નૈતિક મૂલ્યો જ આપી શકે છે. ભારતીય ઋષિઓ દ્વારા ગવાયેલો વિશ્વ કલ્યાણ મંત્ર 'સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયાઃ...' સમગ્ર માનવજાત માટે સદાય પ્રેરણારૂપ બની રહે છે, જે સમગ્ર માનવજાતની સુખાકારી માટેની શુભેચ્છા છે. 'ઉબુન્ટુ' નો આંતરિક ભાવ પણ આ જ છે કે માનવતાનું ભવિષ્ય પરસ્પર આદર અને સામૂહિક જવાબદારી સ્વીકારવામાં જ રહેલું છે.
મહાભારતમાં વ્યક્ત થયેલું સૂત્ર 'આત્મનઃ પ્રતિકૂલાનિ પરેષાં ન સમાચરેત' અર્થાત વર્તન આપણને પોતાના માટે અપ્રિય લાગે, તેવું વર્તન ક્યારેય બીજા સાથે ન કરવું એ 'ઉબુન્ટુ' અને ભારતીય ચિંતનવચ્ચેનો સૌથી મજબૂત સેતુ છે. જ્યારે માણસના સંકુચિત 'હુ' નું વિસ્તરણ થઈને તે વિશાળ 'આપણે' સુધી પહોંચે છે, ત્યારે જ સાચી માનવતાનો જન્મ થાય છે અને રાષ્ટ્રોનું ભવિષ્ય વિનાશક શસ્ત્ર્રોની શક્તિથી નહીં, પરંતુ માનવહૃદયમાં વસેલા પરસ્પર વિશ્વાસ, કરુણા અને સહઅસ્તિત્વના મૂલ્યોથી જ ઘડાય છે.