ભારતનાં સફળ ચંદ્રયાન મિશને ટૂંકાગાળામાં દેશને અવકાશ સંશોધનમાં મુઠ્ઠી ઉંચેરૂં સ્થાન અપાવ્યું છે. ભારતનું ગગનયાન મિશન માનવીને અવકાશમાં મોકલવા પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે ઈસરો તેમજ દેશની અન્ય અવકાશ સંશોધન સંસ્થાઓને આંચકો આપે તેવા સમાચારે સરકારની ચિંતા વધારી છે. અવકાશ સંશોધનમાં ભારતને ઉંચું સ્થાન અપાવનારા ઈસરોનાં 100 જેટલા વૈજ્ઞાનિકો અચાનક સારો પગાર અને સારો હોદ્દો છોડીને બીજી સંસ્થાઓમાં ચાલ્યા ગયા. આ મામલે સરકાર ઉંઘતી ઝડપાઈ હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં ઈસરોનાં 100થી વધારે વૈજ્ઞાનિકો ટપોટપ રાજીનામા આપીને બીજી સંસ્થાઓમાં જોડાઈ ગયા છે. દેશનાં તમામ નાગરિકોનાં મનમાં એક સવાલ ઉઠી રહ્યો છે કે આખરે વૈજ્ઞાનિકોએ શા માટે ઈસરો જેવી સંસ્થા છોડવી પડી? તેઓ સારો પગાર, નોકરીનાં સારા લાભ કે સારો હોદ્દો મેળવવા નોકરી છોડે તે વાત મગજમાં બેસે તેવી નથી. ભારતનાં અવકાશ સંશોધન ક્ષેત્રે બે મોટા મિશન ચંદ્રયાન -3 અને ગગનયાન માટે યુદ્ધનાં ધોરણે તૈયારીઓ થઈ રહી છે ત્યારે આ મિશનો સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોને નોકરીઓ છોડીને સ્પેસને લગતા સ્ટાર્ટ અપ્સમાં જોડાવું પડે તે વાત આૃર્ય જન્માવી રહી છે. હવે ભારતનાં મોટા સ્પેસ મિશનોને ફટકો લાગી શકે છે. ક્યાં તો આ મિશનો વિલંબમાં મુકાઈ શકે છે અથવા તો તેને આગળ ધપાવવામાં આવે તો નિષ્ફ્ળ પણ જઈ શકે છે. તમામ સંભવાનાઓ નકારી શકાય તેવી નથી. ભારતે 2020માં સ્પેસ સેક્ટરને ખાનગી કંપનીઓ માટે ખુલ્લું મુકયું તે પછી ખાનગી સ્પેસ કંપનીઓ ભારત માટે પડકારો સર્જી રહી છે. સ્કાયરૂટ એરોસ્પેસ, અગ્નમિકૂલ કોસમોસ, પિક્સેલ, બેલાટ્રિક્સ એરોસ્પેસ, ધ્રુવ સ્પેસ, દિગંતરા જેવા નવા સ્ટાર્ટ અપ્સ ભારતનાં એરોસ્પેસ સેક્ટરની તસવીર બદલવા થનગની રહ્યા છે. સ્પેસ સેક્ટરમાં સ્પર્ધાનો દોર શરૂ થયો છે. જેમાં અનુભવી વૈજ્ઞાનિકોની જરૂર છે. તેથી કદાચ બહોળો અનુભવ ધરાવતા વૈજ્ઞાનિકો નવા નવા સ્ટાર્ટ અપ્સમાં જોબ કરવા પ્રેરાયા હોય તેવું બની શકે છે. નવી કંપનીઓ રોકેટ, સેટેલાઈટ, પ્રોપલ્ઝન સિસ્ટમ અને સ્પેસ બેઝડ સર્વિસને જેટ સ્પીડે આગળ ધપાવી રહી છે. ખાનગી કંપનીઓમાં વધારે ઉંચો પગાર, વધુ ફ્લેક્સિબિલિટી અને ઝડપથી કામ કરવાનો માહોલ નવી પેઢીને સારી રીતે કામ કરવાની તક આપે છે. ઈસરોનાં કેટલાક નિવૃત અધિકારીઓ અને પૂર્વ સીનિયર ઓફિસરોએ એરોસ્પેસ સ્ટાર્ટ અપ્સ શરૂ કર્યા છે. આમ જોવા જઈએ તો તેઓ એક યા બીજી રીતે ભારતનાં સ્પેસ મિશન માટે જ કામ કરી રહ્યા છે પણ ઈસરોનાં પ્રોજેક્ટસ આને કારણે અટવાઈ પડે તેવું ન બનવું જોઈએ. પોતાની કરિયરની હરણફાળ ભરવામાં ભારતનાં સ્પેસ મિશનો હરણફાળ ભરવાનું ચૂકી જાય તે ભારતને કોઈપણ ભોગે પરવડે તેવું નથી.