ઝડપી ઔદ્યોગિકરણ પછી જે રીતે કુદરતી સંસાધનોનું ખાનગી નફા માટે દોહન થવા લાગ્યું અને કુદરત હાંફ્વા લાગી ત્યારે 1969 મા રોમમાં 40 વિજ્ઞાનીઓ ક્લબ ઓફ્ રોમ સ્વરૂપે એકત્ર મળ્યા. તેમણે કહ્યું કે જે રીતે આપણે કુદરતી સંસાધનોનું દોહન કરવા લાગ્યા છીએ તે જોતાં ભવિષ્યમાં કોલસો, પેટ્રોલ, ખનીજ વ. નહીં રહે. આથી સંસાધનોનું દોહન અટકાવો. કોઈએ આ વાત ન માની. સન 1982 માં બેલ્જિયમમાં પૃથ્વી પરિષદ મળી. તે પછી નિમાયેલ કમિશનનો અહેવાલ Our Common Future પૃથ્વીને બચાવવી તે આપણું સહિયારું ભવિષ્ય છે અને પર્યાવરણ બગાડશે તો ગરીબ મરશે અને ધનવાન બચી જશે તેવું નહીં બને. બધા સાથે મરશું. કોઈએ આ વાત ન માની. પછી 1992માં United Nations Conference on Environment and Development મળી. આ લેખકે તેમાં ભાગ લીધો હતો. તેમાં એજન્ડા-21 પસાર કરવામાં આવ્યો, જેમાં એકવીસમી સદીમાં ટકાઉ વિકાસ માટે નો એજન્ડા હતો. આ ટકાઉ વિકાસની વાત યુનોના સભ્ય દેશોની સરકારો એ ન સ્વીકારી. પછી સહસ્ત્ર્રાબ્દી વિકાસ ધ્યેયો આવ્યા. બહુ ધ્યાન ન અપાયું. છેવટે યુનોએ 2015માં Sustainable Development Goals આપ્યા જેમાં 17 વિવિધ ધ્યેયો અને 169 લક્ષ્યાંકો હતા. આ લક્ષ્યાંકો 2030 સુધીમાં પાર પાડવાની ભારત જેવા કેટલાક દેશોએ સ્વીકાર્યું. પરંતુ આ ધ્યેયો સિદ્ધ કરવા માટે નવ ઉદારવાદી માળખામાં ફેરફાર કરવો પડે. આ સમયે જગતના અર્થશાસ્ત્ર્રીઓએ અર્થકારણનું સુકાન બદલવા માટે ખૂબ લખ્યું. પરંતુ ઉદારવાદ હમેશા આંતરિક સુધારણા કરીને સુકાન બદલવાથી બચી જાય છે. આ વખતે ઉદારવાદી અર્થશાસ્ત્ર્રીઓએ પુનરાવર્તિત અર્થતંત્ર(Circular Economy )નો ખ્યાલ આપીને નવઉદારવાદને બચાવી લેવાનું કામ કર્યું છે.આંતરરાષ્ટ્રીય પુનરાવર્તિત અર્થતંત્ર મંચની સ્થપના 2015 મા થઈ હતી. તેની દસમી અને દક્ષિણ એશિયાની પ્રથમ આંતરરાષ્ટ્રીય પરિષદ હમણાં જ ગાંધીનગરમાં મળી ગઈ. તેનું આયોજન કેન્દ્ર સરકારના વન અને પર્યાવરણ મંત્રાલયે કર્યું હતું. ભારત માટે આ નવી વાત હોવાથી તેના સમાચાર વર્તમાનપત્રમાં ચમક્યા નથી. પરંતુ આ પરિષદે (1) લોકભાગીદારી થી સમૃધ્ધિ,(2) પર્યાવરણ મિત્ર જીવનશૈલી, (3) શૂન્ય કચરો અને (4) રીપેર', 'રિપ્લેસ' અને 'રીયુઝ' જેવા કાર્યક્રમો અપનાવવાની વાત કરી. ગુજરાત સરકારે તેમાં સક્રિય સાથ આપ્યો. હવે દક્ષિણ એશિયન દેશોમાં આ એજન્ડા કેવી રીતે કાર્યરત બને છે તે જોવું રહ્યું.   

કેવા પ્રકારના કાર્યક્રમો પુનનિર્મિત અર્થકારણ માટે સ્વીકારવા? પર્યાવરણ નિષ્ણાતો ઉત્પાદન અને વપરાશ પ્રક્રિયામાં સાત 'ઇ' અપનાવવાનું કહે છે. આ આઠ આર'ની વાત કરીએ.   

(1) વપરાશ ઘટાડો(reduce): જેમ કે તમારે કેટલા રૂમનું મકાન જોઈએ? જો બે બેડરૂમ થી ચાલતું હોય તો વટ મારવા પાંચ બેડરૂમનું મકાન શ માટે ખરીદો છો? તમે અધિકારી છો અને તમારે કાર જોઈએ. પરંતુ લક્ઝરી કાર લેવાને બદલે તમે સાદી કાર ખરીદી શકો. 30-40 હજાર નો મોબાઈલ ખરીદવાને બદલે 10 હજાર નો મોબાઈલ ખરીદી શકો. ઘરમાં જે કમરામાં કામ ન હોય ત્યાંની વીજળી બંધ કરો. વાસણ ધોતી સમયે નળ સતત ચાલુ ન રાખો. તમે વ્યક્તિગત રીતે શું કરી શકો તેની એક યાદી બનાવી શકો. તેવી જ રીતે સરકારી કચેરીઓમાં વીજળી અને પંખા સતત ચાલુ ન રાખવા. એસીનો વપરાશ ઓછો કરવો. આનાથી ઊર્જાની બચત તો થશે જ. પરંતુ નાણાંની બચત પણ થશે. સમારંભો સમયે ખોટો ખર્ચ ન કરો. મહાત્મા ગાંધીના 'વણજોતું નવ સંઘરવું' અને 'જાતે મહેનત' સૂત્રોનો અમલ કરવો. જ્યાં માનવ શ્રમ ચાલી શકે ત્યાં યંત્રનો ઉપયોગ ન કરવો. જીવન જેટલું સાદું હશે એટલા વિચાર ઉચ્ચ હશે. ભારતીય ઘરોમાં રોજના 30% ખોરાકનો બગાડ થાય છે. આપણે જરૂર કરતાં વધુ રસોઈ કરીએ છીએ અને પછી વધારાની રસોઈ બગડે છે. 

(2) પુનર્વપરાશ(reuse):હવેના જમાનામાં 'વાપરો અને ફેંકી દો'નું ચલણ વધ્યું છે. આપણે પ્લાસ્ટિકની થેલીમાં શાક લાવ્યા પછી તે થેલી ફેંકી દઈએ છીએ. બૉલપેન વાપર્યા પછી રિફ્લિ ખાલી થઈ જતા ખોખું ફેંકી દઈએ છીએ. ફરી રિફિલ ભરી શકાય તેવી પેન ન વપરાય? બજાર કે હોટલમાં નાસ્તો કર્યા પછી પેપર કે થરમૉકૉલની ડિશ ફેંકી દઈએ છીએ. ચા પીધા પછી માટીની કુલડી કે પેપર કપ ફેંકી દઈએ છીએ. કાગળનો નેપકીન ઉપયોગમાં લીધા પછી ફેંકી દઈએ છીએ. એક વાર ઈન્જેકશન આપ્યા પછી ડૉક્ટર સિરિંજ ફેંકી ડે છે. સામાન લાવ્યા પછી તે જે ખોખામાં, બોટલમાં કે બોક્સમાં આવ્યો હોય તે તમામ ફેંકી દઈએ છીએ. આવે બજારમાં જે તૈયાર ખોરાક મળે છે તે ખાસ પેકિંગમાં પેક કરે છે. આ મોંઘું પેકિંગ ખોરાક કાઢી લીધા પછી ફેંકી દઈએ છીએ. બાળકોના રમકડા બહુ જ આકર્ષક પેકિંગમાં આવતા હોય છે. તેવી જ રીતે અમુક દવાઓ અને સૌંદર્ય પ્રસાધનો આકર્ષક પેકિંગમાં આવતા હોય છે. આ તમામ વસ્તુઓ ફેંકી દેવા કરતાં તેનામાં સહેજ ફેરફાર કરીને ફરીથી વપરાશ માં લઈ શકાય તેમ હોય છે. આને માટે કોઈ ખાસ ટેકનોલોજીની જરૂર નથી પડતી. કેટલાક લોકો બાળકોના પુસ્તકોને જૂના છાપાના કવર ચડાવે છે. કેટલાક લોકો જૂન કપડાના નેપકીન કે પોછા બનાવે છે.

(3) વપરાશ બદલો(replace): ટૂથબ્રશ, રસોઇના નેપકીન, ઝાડુ, સહેજ ફાટેલા કપડા . વ. અનેક વસ્તુઓ આપણે સતત બદલતા રહેતા હોઈએ છીએ. વળી ટૂથ પેસ્ટ ખરીદો એટલે ટૂથબ્રશ મફ્ત આવે એટલે સહજ રીતે બદલી દઈએ. આપણે જે વસ્તુ વારંવાર બદલવી પડે તે વસ્તુઓને બદલે સતત વાપરી શકાય તેવી વસ્તુઓના વપરાશ તરફ્ વળવું જોઈએ. હા, કેટલીક વપરાશની વસ્તુઓ તબીબી અને આરોગ્ય સલાહ મુજબ બદલવી પડે તો તે બદલવી. જેમ કે બજારનું ચવાણું ઘરે લાવ્યા પછી પંદર દિવસ બાદ ન ખવાય. કેટલીક વસ્તુઓ ફ્રીજમાં પણ બગડી જાય તો તેને બદલવી પડે. એટલું જ નહીં, જે વસ્તુ બદલવાની થાય તેનો સસ્તો વિકલ્પ બજારમાંથી પસંદ કરી શકાય.   

(4) સમારકામ(repair ): ઘર જૂની થઈ જાય તો આપણે વેચી નથી દેતા.ઊલટાનું તેનું વિરાસત મૂલ્ય(heritage value )સચવાઈ રહે તે રીતે રીપેર કરાવીએ છીએ. તેવી જ રીતે કપડાં, જોડા, છત્રી, ગાડી, ટીવી, ઘડિયાળ વ. જીવન જરૂરિયાતની વસ્તુઓ સમારકામ કરાવીને ઉપયોગમાં લઈ શકાય. પરંતુ કેટલાક લોકોને ટેવ પડી હોય છે કે હવે આ ફ્ર્નિચર જૂનું થઈ ગયું છે, નવું લઈએ. મને કહેવા દો કે રીપેર કરેલું ફ્ર્નિચર વધુ સારું લાગે છે. બાથરૂમના નળ, વીજળીની વસ્તુઓ, ટાઇલ્સ, કબાટ, રેક, ખુરશી વ. અનેક વ વસ્તુઓ એવી હોય છે કે જે રીપેર કરીને વપરાશમાં લઈ શકાય. જો વેપારીને પૂછવા જશો તો તમને કહેશે કે જૂનું આપીને નવું લઈ જાઓ. હવે વેપારી તે જૂની વસ્તુ સમારીને નવા જેવી કરી વેચશે. તો તમે જ શ માટે સમારકામ ના કરાવો? કેટલાક લોકો તો ઘરમાં જ ટુલબોક્સ રાખતા હોય છે અને નાનું નાનું સમારકામ જાતે કરી લેતા હોય છે. એક ગણતરી કરવા જેવી છે કે આમ કરવાથી આપણે કેટલા પૈસા બચાવીએ છીએ અને કેટલો કચરો ઓછો ઉત્પન્ન કરતાં હોઈએ છીએ.   

(5) રિચાર્જ(recharge): પહેલા ટોર્ચ ની બેટરી એક વાર પાવર ખલાસ થઈ જાય પછી બદલવી પડતી હતી. પરંતુ હવે ચાર્જ થઈ શકે તેવી બેટરી આવે છે. તમારો સ્માર્ટ ફોન, લેપટોપ, ટેબલેટ,, બ્લ્યુ ટૂથ સ્પીકર, હેડફોન, વ. તો તમે સમયાંતરે ચાર્જ કરતાં હશો. પરંતુ આ ઉપરાંત તબીબી ઉપયોગના ઘણા સાધનો રિચાર્જ કરી શકાય. તમામ પાવર ટૂલ્સ જેવા ડ્રિલ, સ્ક્રૂ ડ્રાઇવર, કિચન લાઇટર, પોર્ટેબલ વીજળી સાધનો વ. રિચાર્જ કરી શકાય. રિચાર્જ થાય તેવી વસ્તુઓ વાપરો તો નવી વસાવવાની જરૂર ઊભી નથી થતી. આવી લગભગ 200 વસ્તુઓની યાદી બનાવી શકાય. જો તમે એમેઝોન કે ફ્લિપકર્ત ની વેબસાઈટ પર જઈ રિચાર્જેબલ ગેજેટ શોધશો તો તમને આશ્ચર્ય પામી જાઓ એટલી વસ્તુઓ મળી આવશે. હમણાં ઘર પર લગાવાતી સોલાર પેનલ રિચાર્જ નથી તો શું છે? હા, વરસાદી પાણી જમીનમાં ઉતારી તેમાં પાણીના સ્ત્ર્રોતને રિચાર્જ કરી શકો.

(6) પુનરુત્પાદન (reproduce)આપણે આને જુગાડ પણ કહીએ છીએ. જુના મોટર સાયકલ માંથી નાના ટ્રેક્ટર બની શકે. કાલ ની વધેલી ખાદ્ય વસ્તુ માંથી આજે નવી વસ્તુ બની શકે. વધેલા ખોરાક ને ફેંકી ન દેતા તેમાંથી વિવિધ વાનગીઓ બનાવી શકાય. રીવોલ્વીંગ ફેન માંથી એર કુલર બનાવી શકાય. જૂનું પ્લાસ્ટિક સહેજ સમારી દેશી નળિયા વાળા મકાન પર લગાવો તો વરસાદનું પાણી ઘરમાં આવતું રોકી શકાય.   

(7) સુધારા વધારા(refurbished): તમે મોબાઈલ લેવા જશો તો દુકાનદાર પૂછશે,*સાહેબ, નવો આપું કે રિફ્ર્બિશ ?* હવે દરેક જૂની વસ્તુ લઈને તેને નવી બનાવવાનું બજાર ઊભું થતું જાય છે. જુની ગાડી નવા જેવી બનાવીને વેચાય છે. ફોન, લેપટોપ, ટેબલેટ વ. રિફ્ર્બિશ ગ=હ વસ્તુઓનું બજાર વિકસ્યું છે. આ રિફ્ર્બિશ વસ્તુ સારું કામ આપે તે રીતે તેને સુધારે છે. વળી આ વસ્તુઓ સસ્તી પણ મળતી હોય છે. હવે તો એમેઝોન કે ફ્લિપકાર્ટ પણ આવી વસ્તુઓ વેચે છે અને પછી તેમા વૉરંટી પણ આપે છે.   

(8) પુનરચક્રીકરણ(recycle ): ઘરની પસ્તી માંથી ફરી પેપર બને. જૂના કાચને ઓગાળીને ફરી કાચની વસ્તુ બને. ધાતુને ઓગળીને તેમાંથી નવી ધાતુની વસ્તુ બને. પ્લાસ્ટિકને ઓગાળીને તેને દાણા બનાવી ને તેમાંથી પ્લાસ્ટિકની નવી વસ્તુ બને. ઘન કચરાથી ઇંટો બને. માનવ મળ માંથી ખાતર બને. વપરાયેલ પાણીને શુદ્ધ કરીને ફરી વાપરી શકાય, લંડનની થેમ્સ નદી નું પાણી શુદ્ધ કરીને ત્રણ વાર વપરાય છે.   

 હવે પુનરાવર્તિત કે 'આર' અર્થકારણ નો જમાનો આવશે. આમ કરવાથી આપણે સંસાધનોનો થોડી બચત કરી શકશું. થોડો પર્યાવરણ નો સવાલ હલ કરી શકશું.