ભારતના ભૌગોલિક નકશા પર નજર કરીએ તો રાજસ્થાન એક 'લેન્ડલૉક્ડ' રાજ્ય છે. 'લેન્ડલૉક્ડ' રાજ્ય એટલે એવું રાજ્ય કે, જે ચારેય બાજુથી જમીનથી જોડાયેલું હોય. આવા રાજ્યને દરિયા કિનારો ન મળવાના કારણે તેણે વેપાર અને નિકાસ માટે અન્ય રાજ્યના, બંદરો પર આધારિત રહેવું પડે છે. રાજસ્થાન 'લેન્ડલોક્ડ' રાજ્ય હોવાને લીધે તેણે હંમેશા ગુજરાતના કંડલા, મુંદ્રા અથવા મહારાષ્ટ્રના જવાહરલાલ નેહરુ પોર્ટ પર નિર્ભર રહેવું પડે છે. જેથી રાજસ્થાન માટે લોજિસ્ટિક્સ ખર્ચ ખૂબ વધી જાય છે. રાજ્યને દરિયા કિનારો મળવો એ ભૌગોલિક કુદરતી સંરચના છે, એટલે રાજસ્થાન ઈચ્છે તો પણ તેને દરિયા કિનારો નથી મળવાનો. પણ, આધુનિક તકનીક અને રાજકીય ઇચ્છાશક્તિ થકી રાજસ્થાનને કૃત્રિમ રીતે દરિયા કિનારાનો લાભ મળવાની શક્યતા ઊભી થઈ છે. હા, આ વાત મુંગેરીલાલનું હાસિન સપનું બિલકુલ નથી.
ભારત સરકારે તાજેતરમાં એક અદ્ભુત યોજના બનાવી છે, જેના થકી આગામી થોડાં જ વર્ષોમાં રાજસ્થાનને દરિયા કિનારો નસીબ થવાનો છે. હાલમાં કેન્દ્ર સરકારના 'સાગરમાલા પ્રોજેક્ટ' અને 'નેશનલ વોટરવેઝ એક્ટ' હેઠળ એક એવો ક્રાંતિકારી પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે, જે રાજસ્થાનના રણને સીધું સમુદ્ર સાથે જોડી દેશે. આ પ્રોજેક્ટ એટલે જાલોર (સાંચોર) ઇનલેન્ડ પોર્ટ અને નેશનલ વોટરવે-48. રાજસ્થાન માટે સુખદ આનંદની વાત એ છે કે, આજે આ પ્રોજેક્ટની ભૌગોલિક રૂપરેખા, એન્જિનિયરિંગ પડકારો, આર્થિક પ્રભાવ અને પર્યાવરણીય પાસાઓનો તથ્યો આધારિત વિગતવાર અભ્યાસ પૂરજોશમાં ચાલી રહ્યો છે.
કોઈપણ પ્રોજેક્ટ માટે તેની પૃષ્ઠભૂમિ અને ભૌગોલિક રૂપરેખા ખૂબ જ મહત્વની હોય છે. રાજસ્થાન જ નહીં, પણ દેશ માટે 'જાલોર ઇનલેન્ડ પોર્ટ' એ માત્ર એક બંદર નહીં, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇતિહાસનો સૌથી અનોખો પ્રયોગ બની રહેનાર છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય અરબી સમુદ્રના પાણીને નહેર અને નદી પ્રણાલી દ્વારા રાજસ્થાનના છેવાડાના જિલ્લા જાલોર (હવે સાંચોર જિલ્લાનો ભાગ) સુધી લાવવાનો છે. આ સૂચિત જળમાર્ગની કુલ લંબાઈ આશરે 262 કિલોમીટર જેટલી અંદાજવામાં આવી છે.
આ જળમાર્ગનો રૂટ ગુજરાતના કચ્છના રણમાંથી શરૂ થઈને પ્રવાહની વિરુદ્ધ દિશામાં રાજસ્થાનના સાંચોર (જાલોર) સુધી જવાનો છે. આ પ્રોજેક્ટ માટે રાજસ્થાન તરફ્થી વહેતી લૂણી અને તેની સહાયક નદી જવાઈના બેસિનનો ઉપયોગ કરવામાં આવનાર છે. આ બેસિનમાં પાણી વહાવવા માટે અરબી સમુદ્ર અને કચ્છના અખાતમાંથી પાણીને લિફ્ટ કરવા અથવા નહેર દ્વારા આગળ વધારવાનું આયોજન હાથ ધરવામાં આવનાર છે. રણ પ્રદેશમાં સમુદ્રી જહાજો લાવી શકાય તેવો જળમાર્ગ બનાવવો એ કાંઈ સહેલું કામ નથી. આ કામમાં અસંખ્ય એન્જિનિયરિંગ અને ટેકનિકલ પડકારો અડચણ રૂપ બની શકે છે. જેનો નિવેડો લાવવા કેન્દ્ર સરકારે આઈ.આઈ.ટી. મદ્રાસને વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ અને ફ્જિીબિલિટી રિપોર્ટ આપવાની જવાબદારી સોંપી છે. આ પ્રોજેક્ટના ટેકનિકલ પડકારોને ઉકેલવા સરકારે કમર કસી લીધી છે.
સમુદ્રની સપાટીથી જાલોર/સાંચોરની ઊંચાઈ આશરે 100થી 150 મીટર વધું છે અને પાણી ક્યારેય આપમેળે ઊંચાઈ તરફ્ વહી શકતું નથી. જેના તોડ માટે વૈજ્ઞાનિકોએ 'લૉક સિસ્ટમ'નો પ્રસ્તાવ મૂક્યો છે. પનામા નહેરમાં આજે જે સિસ્ટમ વપરાય છે, એ જ પેટર્નથી, જહાજોને તબક્કાવાર પાણીનું સ્તર વધારીને ઊંચાઈ પર લાવવાનું આયોજન આ પ્રોજેક્ટ માટે વિચારાયું છે. લૂણી અને જવાઈ નદીઓ બારમાસી નથી, તેથી તેના જળમાર્ગમાં આખું વર્ષ ઓછામાં ઓછી 4થી 5 મીટરની ઊંડાઈ જાળવી રાખવા માટે સમુદ્રના પાણીને પમ્પ કરવા વિશાળ લિફ્ટ સ્ટેશનો અને ચેનલ ડેજિંગની પણ જરૂર પડનાર છે. બીજી સમસ્યા એ છે કે, બંને નદીના પટમાંથી અને કચ્છના રણમાંથી કરોડો ટન રેતી અને માટી હટાવીને ઊંડી ચેનલ બનાવવી પડશે. જો આમ થાય તો જ, 2,000 થી 3,000 ટનની ક્ષમતા ધરાવતા બાર્જ અને નાના જહાજો સરળતાથી અવરજવર કરી શકે.
આ પરિયોજનામાં આર્થિક અસરો અને લોજિસ્ટિક્સ ક્રાંતિની વાત પણ ઘણી રસપ્રદ બનવાની છે. હાલમાં ભારતમાં લોજિસ્ટિક્સ ખર્ચ જી.ડી.પી.ના આશરે 13-14% છે, જે વિકસિત દેશોમાં 8% ની આસપાસ છે. આ પ્રોજેક્ટ ખાસ કરીને પિૃમ ભારતના અર્થતંત્ર માટે ગેમ-ચેન્જર સાબિત થશે અને લોજિસ્ટિક્સ ખર્ચમાં મોટો ઘટાડો થશે. કોઈપણ માલસામાનનું પરિવહન જો રોડ દ્વારા થાય તો તેનો સરેરાશ ખર્ચ રૂ.2.50થી રૂ.3.00 પ્રતિ ટન, પ્રતિ કિલોમીટર આવે છે. રેલવેમાં આ ખર્ચ રૂ.1.50થી રૂ.2.00 થાય છે, જ્યારે જળમાર્ગ દ્વારા માલ પરિવહન થાય તો આ ખર્ચ ઘટીને માત્ર રૂ.0.40થી રૂ.0.60 પૈસા થઈ જાય છે.
આ યોજના સાકર થશે એટલે અનેક ઉદ્યોગોને તેનો સીધો ફાયદો થશે. રાજસ્થાનમાં ગ્રેનાઈટ, માર્બલ, ફેલ્ડસ્પાર અને જિપ્સમ જેવા ખનિજોનો મોટો ભંડાર છે. જાલોરનો ગ્રેનાઈટ પણ વિશ્વપ્રસિદ્ધ છે. ઇનલેન્ડ પોર્ટ બનવાથી આ બધાં ભારે ખનિજોની સીધી વિદેશમાં નિકાસ થઈ શકશે. વળી, બાડમેરમાં એચ.પી.સી.એલ. ની વિશાળ રિફાઇનરી આવેલી છે, જે જાલોર પોર્ટથી ખૂબ નજીક હોવાથી અહીં ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની હેરફેર અત્યંત સરળ બની જશે. જીરુ, ઇસબગુલ અને કઠોળના ઉત્પાદનમાં સાંચોર અને જાલોર અગ્રેસર છે એટલે આ પોર્ટ દ્વારા કૃષિ પેદાશો સીધી ગલ્ફ્ દેશો અને યુરોપ સુધી પહોંચશે.
પ્રાથમિક અંદાજ મુજબ, પ્રોજેક્ટના નિર્માણ ગાળા દરમિયાન અને તે શરૂ થયા પછી આશરે પચાસ હજારથી વધું પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઊભી થશે. બંદરની આસપાસ સ્પેશિયલ
ઇકોનોમિક ઝોન, લોજિસ્ટિક્સ પાર્ક, વેરહાઉસિંગ હબ અને કન્ટેનર ફ્રેટ સ્ટેશનો આકાર લેશે. રિયલ એસ્ટેટ અને પ્રવાસન ક્ષેત્રનો પણ વિકાસ થશે. સાંચોર અને જાલોર વિસ્તારમાં જમીનોના ભાવ અને વ્યાપારી પ્રવૃત્તિઓમાં ઉછાળો આવશે. રણની વચ્ચેથી પસાર થતી શિપિંગ કેનાલ પ્રવાસીઓ માટે પણ મોટું આકર્ષણ બની રહેશે.
આ બધાની વચ્ચે પર્યાવરણીય પડકારો અને ટકાઉ વિકાસ સૌથી મોટા પડકાર હશે. કેમ કે, કોઈપણ મેગા પ્રોજેક્ટ પોતાની સાથે વિકાસ લાવે છે તો પર્યાવરણીય ચિંતાઓ પણ લાવે છે. 'જાલોર ઇનલેન્ડ પોર્ટ' આકાર લેવાથી કેટલાક ગંભીર મુદ્દાઓ ઉપસ્થિત થઈ શકે છે. જે બાબતે સરકાર દ્વારા ગંભીર વિચારણાઓ પણ ચાલી રહી છે. આ પ્રોજેક્ટને લીધે કચ્છના રણની ઇકોલોજી જોખમાય શકે છે. આ જળમાર્ગ કચ્છના રણમાંથી પસાર થવાનો હોવાથી ત્યાં રહેતા ઘુડખર જેવા વન્યજીવોના કુદરતી આવાસને નુકસાન થઈ શકે છે. બીજી મોટી સમસ્યા એ ઊભી થશે કે, દરિયાનું ખારું પાણી જ્યારે રણના આંતરિક ભાગોમાં લાવવામાં આવશે, ત્યારે આસપાસની ખેતીલાયક જમીનમાં ખારાશ વધી જવાનો ભય ઊભો થશે. આ માટે કેન્દ્ર સરકાર નહેરની બંને બાજુએ 'કોંક્રિટ લાઇનિંગ' અને અત્યાધુનિક જીઓ-મેમ્બ્રેન શીટ્સ વાપરવાનું આયોજન કરી રહી છે, જેથી પાણી જમીનમાં નિતાર ન પામે.
સરકાર દ્વારા 'હરિતસાગર' માર્ગદર્શિકા હેઠળ આ પોર્ટને સંપૂર્ણપણે સૌર ઊર્જા અને ગ્રીન એનર્જીથી ચલાવવાનું આયોજન છે, જેથી કાર્બન ઉત્સર્જન નહિવત રહે. આ પ્રોજેક્ટ ભારત સરકારના શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયની લાંબાગાળાની યોજનાનો ભાગ છે અને તેનો સંભવિતતા અહેવાલ ઘણો જ હકારાત્મક આવ્યો છે. આ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન અને પર્યાવરણીય મંજૂરીઓની પ્રક્રિયાઓ હાલ તબક્કાવાર ચાલી રહી છે. પ્રોજેક્ટ પાછળ અંદાજિત દસથી પંદર હજાર કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે, જે પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલ હેઠળ પણ કરી શકાય તેમ છે.
જાલોર ઇનલેન્ડ પોર્ટ' એ માત્ર એક ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ નથી, પરંતુ 21મી સદીના બદલાતા ભારતની બુલંદ તસવીર છે. જે દેશમાં ક્યારેય રણ પ્રદેશમાં બંદરની કલ્પના પણ નહોતી થઈ, ત્યાં આજે વિજ્ઞાન અને ટેકનોલોજીના જોરે દરિયાને લાવવાની તૈયારીઓ થઈ રહી છે. પડકારો ચોક્કસ મોટા છે - ભલે તે ભૌગોલિક હોય, આર્થિક હોય કે પર્યાવરણીય - પરંતુ જો આ પ્રોજેક્ટ સફ્ળતાપૂર્વક પૂર્ણ થશે, તો તે રાજસ્થાનને વૈશ્વિક વેપારના નકશા પર લાવીને મૂકી દેશે અને ભારતમાં લોજિસ્ટિક્સ ક્ષેત્રે એક નવો સુવર્ણ અધ્યાય લખાશે.
::: થ્રી ડૉટ્સ :::
અંગૂઠો ભલે આંગળીઓ કરતા નાનો હોય, પણ વેઢા ગણવાં માટે એ જ કામમાં આવે છે.