ફ્રાન્સમાં સ્કૂલોને લઈને ઊભો થયેલો વિદ્યાર્થી અસંતોષ એક મોટી તસવીર દર્શાવી રહ્યો છે. ત્યાં ખરાબ ઇમારતો, શિક્ષકોની અછત, મોટા વર્ગખંડો અને લાંબા શેડયૂલ જેવા મુદ્દાઓએ વિદ્યાર્થીઓને રસ્તા પર ઉતારી દીધા. કેટલીક જગ્યાએ પ્રદર્શન હિંસક પણ બન્યા. આ માત્ર ફ્રાન્સની કહાની નથી. આ દરેક એવી વ્યવસ્થા માટે ચેતવણી છે, જે બાળકોની ફરિયાદોને સમયસર સાંભળતી નથી. ભારતની તસવીર પણ સંપૂર્ણપણે બેદાગ નથી. અહીં સ્કૂલોની સંખ્યા મોટી છે. બાળકોની સંખ્યા તેનાથી પણ વધારે છે. સુવિધાઓ વધી છે. તેમ છતાં અનેક પાયાની ખામીઓ હજુ પણ બાકી છે. સવાલ માત્ર એટલો નથી કે સ્કૂલો કેટલી છે? અસલી સવાલ એ છે- આપણી સ્કૂલો બાળકોને કેટલું સારું ભવિષ્ય આપી રહી છે?

ફ્રાન્સનું આંદોલન માત્ર સડકોની કહાની નથી

ફ્રાન્સમાં સપ્ટેમ્બર 2026થી શરૂ થયેલું વિદ્યાર્થી આંદોલન થોડા જ દિવસોમાં રાષ્ટ્રીય મુદ્દો બની ગયું. 1 ઓક્ટોબર સુધી 1,027 હાઇસ્કૂલ આ આંદોલનથી પ્રભાવિત હોવાનું જણાવાયું. અનેક જગ્યાએ નાકાબંધી કરવામાં આવી. કચરાના ડબ્બા અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાની ઘટનાઓ સામે આવી. પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ પણ થઈ. પરંતુ સમગ્ર ઘટનાક્રમમાં એક મહત્વની વાત છુપાયેલી છે. હિંસાએ મુદ્દાને પાછળ ધકેલી દીધો. વિદ્યાર્થીઓની મૂળ ફરિયાદો હતી- સ્કૂલની ઇમારતોની સ્થિતિ, શિક્ષકોની અછત, મોટા વર્ગખંડો અને અભ્યાસનું વધતું દબાણ. ફ્રાન્સ સરકારે આંદોલનમાં હિંસક અને બહારના જૂથોની ભૂમિકાની વાત કરી છે. બીજી તરફ્ પ્રદર્શનકારીઓ શિક્ષણ વ્યવસ્થાની સમસ્યાઓ પર ભાર મૂકી રહ્યા છે. તેથી બંને બાબતોને અલગ-અલગ જોવી જરૂરી છે. ફરિયાદ યોગ્ય હોઈ શકે છે. હિંસા યોગ્ય ન હોઈ શકે. આ જ તફાવત લોકશાહી સમાજની સૌથી મોટી પરીક્ષા છે.

ભારત પાસે સંખ્યા ઘણી છે, પરંતુ શું પૂરતી વ્યવસ્થા છે?

ભારતનું સ્કૂલ શિક્ષણ વિશ્વની સૌથી મોટી વ્યવસ્થાઓમાંનું એક છે. નીતિ આયોગના મે 2026ના રિપોર્ટ અનુસાર UDISE+ 2024-25માં દેશમાં 14.71 લાખ સ્કૂલ, 24.69 કરોડ વિદ્યાર્થીઓ અને આશરે 1.01 કરોડ શિક્ષકો નોંધાયા છે. આ આંકડો પોતાનામાં જખૂબ મોટો છે. પરંતુ મોટી વ્યવસ્થાનો અર્થ એ જરૂરી નથી કે દરેક બાળકને સમાન તક મળી રહી છે. ભારતની સ્કૂલ વ્યવસ્થા સામે એક મહત્વની સમસ્યા છે- ક્કપિરામિડ પ્રોબ્લેમક્ર. દેશમાં આશરે 7.3 લાખ પ્રાથમિક સ્કૂલ છે. પરંતુ હાયર સેકન્ડરી સ્તર સુધી પહોંચતાં તેમની સંખ્યા ઘટીને આશરે 1.64 લાખ રહી જાય છે. ઉચ્ચ માધ્યમિક સ્તરે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો એટલે કે GER 58.4 ટકા છે. એટલે કે સ્કૂલમાં પ્રવેશ લેનાર દરેક બાળક ધોરણ12 સુધી એ જ મજબૂતી સાથે પહોંચી શકતું નથી. અહીં સમસ્યા માત્ર ડ્રોપઆઉટની નથી. સમસ્યા આગળના સ્તરનું શિક્ષણ ઉપલબ્ધ હોવાની પણ છે. સમસ્યા પરિવારની આર્થિક સ્થિતિની પણ છે. અને સમસ્યા એ બાળકની પણ છે, જેને આગળના અભ્યાસ માટે દૂર જવું પડી શકે છે.

એક શિક્ષક અને આખો વર્ગ- આ ગણિત કેવી રીતે ચાલશે?

સ્કૂલની સૌથી મોટી તાકાત ઇમારત નહીં, પરંતુ શિક્ષકનો સમય છે. જો એક શિક્ષકને અનેક વર્ગો સંભાળવા પડે, વહીવટી કામગીરી કરવી પડે અને બાળકોની અલગ-અલગ જરૂરિયાતો પર ધ્યાન આપવું પડે, તો ગુણવત્તાયુક્ત શિક્ષણ મુશ્કેલ બની જાય છે.UDISE+ 2024-25 અનુસાર દેશમાં 1,04,125 સ્કૂલ એવી હતી, જ્યાં માત્ર એક જ શિક્ષક હતો. આ સ્કૂલોમાં આશરે 33.77 લાખ બાળકોઅભ્યાસ કરતા હતા. 2025-26માં પણ દેશમાં 1,00,843 સિંગલ-ટીચર સ્કૂલ નોંધાઈ. એટલે કે સંખ્યા ઘટી છે, પરંતુ સમસ્યા સમાપ્ત થઈ નથી. ગુજરાતની તસવીર પણ ધ્યાન ખેંચે છે.UDISE+ 2025-26 અનુસાર રાજ્યમાં 2,335 સિંગલ-ટીચર સ્કૂલ હતી. આ આંકડો કોઈ ચર્ચાનો વિષય ન હોવો જોઈએ. આ વ્યવસ્થાનો સીધો પડકાર છે. સવાલ એ છે કે એક શિક્ષક કેટલા બાળકોને પૂરતો સમય આપી શકે?

શૌચાલયથી ઇન્ટરનેટ સુધી- પાયાની સુવિધાઓ હજુ અધૂરી છે

સ્કૂલમાં કમ્પ્યુટર હોવું સારી વાત છે. સ્માર્ટ ક્લાસ હોવો તેનાથી પણ સારી વાત છે. પરંતુ તે પહેલાં જરૂરી છે કે બાળક સુરક્ષિત અને સન્માનજનક વાતાવરણમાં અભ્યાસ કરી શકે. દેશમાં પાયાની સુવિધાઓમાં પાછલા વર્ષોમાં મોટો સુધારો થયો છે. વીજળી, પાણી અને શૌચાલયની ઉપલબ્ધતા વધી છે. પરંતુ તમામ સ્કૂલની સ્થિતિ એકસરખી નથી. 2024-25માં આશરે 63.5 ટકા સ્કૂલમાં ઇન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ હતી. તેનો અર્થ એ પણ છે કે એક તૃતીયાંશથી વધુ સ્કૂલ હજુ પણ ઇન્ટરનેટથી બહાર હતી. કમ્પ્યુટર સુવિધામાં પણ સુધારો થયો. 2025-26માં કમ્પ્યુટર એક્સેસ ધરાવતી સ્કૂલનું પ્રમાણ વધીને 69.9 ટકા થયું, જે 2024-25ના 64.7 ટકાની સરખામણીએ વધુ સારું છે.

ગુજરાત આ મામલે કેટલાક સકારાત્મક ઉદાહરણો પણ આપે છે. નીતિ આયોગે ગુજરાતની જ્ઞાનકુંજ પહેલને ડિજિટલ શિક્ષણના સારા ઉદાહરણ તરીકે નોંધ્યું છે. તેના હેઠળ 1,609 સ્કૂલમાં 2.85 લાખથી વધુ વિદ્યાર્થીઓ સુધી ડિજિટલ શિક્ષણ પહોંચાડવામાં આવ્યું. સ્માર્ટ બોર્ડ, પ્રોજેક્ટર, લેપટોપ અને ઇન્ટરનેટ જેવી સુવિધાઓનો ઉપયોગ કરવામાં આવ્યો. પરંતુ અહીં પણ એક વાત યાદ રાખવી પડશે. ડિજિટલ સુવિધા એક સાધન છે, શિક્ષણનો વિકલ્પ નથી.

વિરોધનો અવાજ સાંભળો, પરંતુ આગને રસ્તો ન બનાવો

અહીં ફ્રાન્સની ઘટના ભારત માટે સૌથી મોટો બોધપાઠ બને છે. લોકશાહીમાં અસહમતિ જરૂરી છે. વિદ્યાર્થીઓ સવાલ પૂછી શકે છે. શિક્ષકો સવાલ પૂછી શકે છે. વાલીઓ સવાલ પૂછી શકે છે. સરકાર પાસેથી જવાબ માંગવો તેમનો અધિકાર છે. પરંતુ લોકશાહીની તાકાત આગચંપીમાં નથી. શિક્ષણ જેવા સંવેદનશીલ મુદ્દા પર સરકારોએ ફરિયાદોને સમયસર સાંભળવી જોઈએ. બીજી તરફ્ પ્રદર્શન કરનારાઓની જવાબદારી પણ ઓછી નથી. જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવું કોઈ સમસ્યાનું સમાધાન નથી. સોશિયલ મીડિયા અને AIના સમયમાં અફ્વા થોડી જ મિનિટોમાં હજારો લોકો સુધી પહોંચી શકે છે. તેથી શિક્ષણ જેવા વિષયમાં પારદર્શક ઇન્ફેર્મેશન સિસ્ટમ પણ જરૂરી છે. સરકારોએ નિયમિત રીતે જણાવવું જોઈએ કે કેટલા સ્કૂલમાં શિક્ષકોની અછત છે. કેટલી ઇમારતોને મરામતની જરૂર છે. કેટલા સ્કૂલમાં ઇન્ટરનેટ નથી. કેટલા બાળકોએ અભ્યાસ છોડી દીધો. અને સુધારાની સમયમર્યાદા શું છે. જ્યારે આંકડા જાહેર થશે, ત્યારે અફ્વાઓની જગ્યાએ તથ્યો લેશે.

અસલી સવાલ સ્કૂલની દીવાલોથી આગળ છે

સ્કૂલ માત્ર ચાર દીવાલોનું નામ નથી. સ્કૂલ એ જગ્યા છે જ્યાં દેશ પોતાનું ભવિષ્ય તૈયાર કરે છે. તેથી શિક્ષણ પરના ખર્ચને માત્ર બજેટની એક બાબત માનવી યોગ્ય નહીં હોય. આ આવનારી પેઢીમાં રોકાણ છે. ભારતે પાછલા દાયકામાં અનેક ક્ષેત્રોમાં સુધારો કર્યો છે. વીજળી, પાણી, શૌચાલય અને ડિજિટલ સુવિધાઓમાં સ્પષ્ટ પ્રગતિ થઈ છે. પરંતુ હજુ મંઝિલ બાકી છે. હવે આગામી તબક્કો માત્ર ક્કસ્કૂલ સુધી પહોંચાડવાનોક્ર ન હોવો જોઈએ. હવે લક્ષ્ય હોવું જોઈએ- ક્કસારું શિક્ષણ પહોંચાડવું.ક્ર દરેક બાળક પાસે શિક્ષક હોય. દરેક બાળકી પાસે સુરક્ષિત શૌચાલય હોય. દરેક સ્કૂલમાં સુરક્ષિત ઇમારત હોય. દરેક વર્ગખંડમાં શીખવા માટેનું વાતાવરણ હોય. દરેક બાળકને ડિજિટલ તક મળે. અને સૌથી જરૂરી- દરેક બાળકને એ વિશ્વાસ હોય કે તેનો અવાજ સાંભળવામાં આવશે. ફ્રાન્સની ઘટનાને ભારતમાં હિંસાની ચેતવણી તરીકે જોવાથી વધુ જરૂરી છે કે તેને નીતિગત ચેતવણી તરીકે જોવામાં આવે. કારણ કે જે બાળકની ફરિયાદઆજે સ્કૂલની તૂટેલી બારીથી શરૂ થાય છે, એ જ બાળક આવતીકાલે વ્યવસ્થા પર સવાલ પૂછશે. અને સવાલ પૂછનાર બાળક લોકશાહીની સમસ્યા નથી. તે લોકશાહીની તાકાત છે. બસ જરૂર એટલી છે કે તેનો અવાજ રસ્તા પર આગ બનતા પહેલાં સ્કૂલના ટેબલ સુધી પહોંચી જાય.