વિશ્વમાં વસતા આઠ અબજથી વધું લોકોમાં કદાચ ચહેરા મળતા આવે, અવાજમાં સમાનતા જોવા મળે, સરખા લાગતા જોડિયા બાળકો પણ મળી આવે; પરંતુ એક એવી ઓળખ કે, જે જન્મથી મૃત્યુ સુધી દરેક વ્યક્તિને અનન્ય બનાવે છે - તે છે ફ્ગિંરપ્રિન્ટ. કુદરતના આ અનન્ય સર્જનને આપણે ઘણીવાર માત્ર મોબાઇલ ફોન અનલૉક કરવા, ઑફ્સિમાં હાજરી નોંધાવવા કે બેંકમાં ઓળખ માટે ઉપયોગી સાધન તરીકે જ ઓળખીએ છીએ. પરંતુ હકીકતમાં ફ્ગિંરપ્રિન્ટ માનવ ઉત્ક્રાંતિ, જીવવિજ્ઞાન, ફોરેન્સિક વિજ્ઞાન, ટેક્નોલોજી અને સુરક્ષા - આ બધાં ક્ષેત્રોને સ્પર્શતો અભ્દુત વિષય છે. કદાચ કુદરતે મનુષ્યના શરીર પર કરેલ સૌથી પ્રમાણભૂત 'હસ્તાક્ષર' છે.
આંગળીઓના ટેરવાં પર દેખાતી ઊંચીનીચી રેખાઓને વૈજ્ઞાનિક ભાષામાં 'ફરિક્શન રિજિસ' કહેવાય છે. આ રેખાઓનો હેતુ માત્ર ઓળખ પૂરતો જ સીમિત નથી, તે વસ્તુને મજબૂત રીતે પકડવામાં, સ્પર્શની સંવેદનશીલતા વધારવામાં અને ભીની કે લીસી સપાટી પર પણ હાથની પકડ જાળવી રાખવામાં ઉપયોગી છે. જો આ રેખાઓ ન હોત, તો આપણાં માટે રોજિંદા જીવનના અનેક સામાન્ય કાર્યો પણ મુશ્કેલ બન્યા હોત. વૈજ્ઞાનિક મત મુજબ ગર્ભાવસ્થાના લગભગ દસમાં અઠવાડિયાથી જ ભ્રૂણની આંગળીઓ પર રેખાઓ વિકસવા લાગે છે. સોળમાં-સત્તરમાં અઠવાડિયા સુધીમાં તો તેનું મૂળ સ્વરૂપ સ્થિર થઈ જાય છે. ત્યારબાદ વ્યક્તિનું આખું જીવન પસાર થાય, પરંતુ આ મૂળભૂત સંરચના બદલાતી નથી. હાથ પર ઘા લાગે, ચામડી ઉતરી જાય કે વૃદ્ધાવસ્થા આવે, નવી ચામડી એ જ પેટર્ન સાથે ફરી વિકસે છે. એટલે જ ફ્ગિંરપ્રિન્ટને વિશ્વનું સૌથી વિશ્વસનીય બાયોમેટ્રિક ઓળખનું સાધન માનવામાં આવે છે.
ફ્ગિંરપ્રિન્ટનો ઇતિહાસ ઘણો જ રસપ્રદ છે. લગભગ ચાર હજાર વર્ષ પહેલાના બેબિલોનમાં વેપારીઓ માટીની તકતીઓ પર અંગૂઠાની છાપ મૂકતા હતા. પ્રાચીન ચીનમાં દસ્તાવેજોની સત્તાવાર પુષ્ટિ માટે હાથની છાપ લેવામાં આવતી હતી. જોકે તે સમયે કોઈને એ ખબર નહોતી કે, આ છાપ દરેક વ્યક્તિ માટે અલગ હોય છે. આધુનિક ફ્ગિંરપ્રિન્ટ વિજ્ઞાનનો સાચો વિકાસ ઓગણીસમી સદીમાં શરૂ થયો તે સાથે જ ભારતનું નામ પણ તેમાં જોડાઈ ગયું. બ્રિટિશ અધિકારી સર વિલિયમ જેમ્સ હર્શેલ, જેણે બંગાળમાં ફરજ બજાવતી વખતે સરકારી કરારો પર અંગૂઠાની છાપ લેવાની શરૂઆત કરી, તેણે નોંધ્યું કે વર્ષો પછી પણ વ્યક્તિની છાપ બદલાતી નથી. આગળ જતાં આ અવલોકને વૈજ્ઞાનિક સંશોધનનો માર્ગ ખોલી આપ્યો. બાદમાં સ્કોટિશ તબીબ ડૉ. હેનરી ફૅલ્ડ્સે સૂચવ્યું કે, ગુનાના સ્થળેથી મળેલ ફ્ગિંરપ્રિન્ટ ગુનેગાર સુધી પહોંચવમાં મદદરૂપ થઈ શકે છે. પછી સર ફ્રાન્સિસ ગાલ્ટને હજારો નમૂનાઓનો અભ્યાસ કર્યો ને તેના પરથી વૈજ્ઞાનિક રીતે સાબિત કર્યું કે, બે વ્યક્તિના ફ્ગિંરપ્રિન્ટ કદી એકસરખા હોઈ શકતા જ નથી.
ફ્ગિંરપ્રિન્ટ વિજ્ઞાનમાં ભારતનું યોગદાન ઘણું મહત્ત્વપૂર્ણ છે. 1897માં કોલકાતામાં વિશ્વનું પ્રથમ ફ્ગિંરપ્રિન્ટ બ્યુરો સ્થપાયું. ગૌરવની વાત એ છે કે, ભારતીય અધિકારીઓ ખાન બહાદુર અઝીઝુલ હક અને રાય બહાદુર હેમચંદ્ર બોઝે ફ્ગિંરપ્રિન્ટના વર્ગીકરણની એવી વૈજ્ઞાનિક પદ્ધતિ વિકસાવી, જેને આગળ જઈને સમગ્ર વિશ્વે *હેનરી ક્લાસિફ્કિેશન સિસ્ટમ* તરીકે અપનાવી. આપણને પ્રશ્ન થાય કે, જોડિયા બાળકો હોય તો તેના ડી.એન.એ. લગભગ સમાન હોવા જોઇએ પણ એવું નથી. કેમ કે, ફ્ગિંરપ્રિન્ટની રચના માત્ર આનુવંશિકતા પર આધારિત નથી. ગર્ભાશયમાં ભ્રૂણ પર પડતું દબાણ, એમ્નિયોટિક પ્રવાહીનો પ્રવાહ, રક્તસંચાર અને અન્ય અનેક સૂક્ષ્મ પરિબળો પણ તેની આ રચનાને અસર કરે છે.
વિજ્ઞાનીઓ ફ્ગિંરપ્રિન્ટને મુખ્યત્વે ત્રણ પ્રકારમાં વહેંચે છેઃ લૂપ - સૌથી સામાન્ય પ્રકાર; આશરે 60થી 65 ટકા લોકોમાં જોવા મળે છે. વ્હોર્લ - ગોળાકાર કે સર્પાકાર રચના ધરાવતો પ્રકાર; આશરે 30થી 35 ટકા લોકોમાં જોવા મળે છે અને આર્ચ - સૌથી દુર્લભ પ્રકાર; જેમાં રેખાઓ ટેકરી જેવી ઊંચાઈ બનાવી બીજી બાજુ ઉતરી જાય છે. પરંતુ તેની ઓળખ માત્ર આ ત્રણ પ્રકારથી નથી થતી. રેખાઓ ક્યાંથી શરૂ થાય છે, ક્યાં સમાપ્ત થાય છે, ક્યા બે ભાગમાં વહેંચાય છે ને ક્યાં ફરી જોડાય છે - આ બધું મળીને વ્યક્તિની અનન્ય ઓળખ બને. આ સૂક્ષ્મ લક્ષણોને 'મિનુશિયા પોઇન્ટ્સ' કહેવાય છે.
એક સમય હતો જ્યારે ફ્ગિંરપ્રિન્ટનો ઉપયોગ માત્ર પોલીસ અને અદાલતો પૂરતો મર્યાદિત હતો. આજે તે આપણા દૈનિક જીવન ભાગ બની ગયેલ છે. સ્માર્ટફોન, લેપટોપ, સ્માર્ટ લોક, ઑફ્સિ હાજરી, બેંકિંગ, ડિજિટલ પેમેન્ટ અને સરકારી સેવાઓમાં બાયોમેટ્રિક ઓળખનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. ભારતમાં આધાર આધારિત ઓળખ પ્રણાલીએ ફ્ગિંરપ્રિન્ટને સામાન્ય નાગરિકના જીવન સાથે સીધી જોડી દીધી છે. હવે ઓળખ માટે દસ્તાવેજો કરતાં બાયોમેટ્રિક માહિતી વધુ વિશ્વસનીય માનવામાં આવે છે.
આવા સમયે ફ્ગિંરપ્રિન્ટ વિશેની કેટલીક નવાઈ પમાડતી વૈજ્ઞાનિક હકીકતો જાણવી ખૂબ જ રોચક બનશે. જેમ કે, અત્યાર સુધી વિશ્વમાં કોઈ બે વ્યક્તિના સંપૂર્ણપણે સમાન ફ્ગિંરપ્રિન્ટ મળ્યા નથી. એકસરખા ડી.એન.એ. ધરાવતા જોડિયા બાળકોના પણ ફ્ગિંરપ્રિન્ટ અલગ જ હોય છે. ગર્ભાવસ્થાના લગભગ સોળમા અઠવાડિયા સુધી ફ્ગિંરપ્રિન્ટનું મૂળ સ્વરૂપ નિશ્ચિત થઈ જાય છે અને પછી જીવનભર તેમાં મૂળભૂત ફેરફાર થતો નથી. હાથની ચામડી પર સામાન્ય ઈજા થાય તો નવી ચામડી ફરીથી એ જ રેખાઓ સાથે વિકસે છે. માત્ર ખૂબ ગંભીર રીતે દાઝી જવું કે ઊંડા ઘાના કિસ્સામાં જ કાયમી ફેરફાર થઈ શકે છે. આંગળીઓની રેખાઓ માત્ર ઓળખ માટે નથી; તે વસ્તુઓને મજબૂત રીતે પકડવામાં અને સ્પર્શની સંવેદનશીલતા વધારવામાં પણ મદદ કરે છે. ફ્ગિંરપ્રિન્ટની સરખામણી કરતી આધુનિક કમ્પ્યુટર સિસ્ટમો માત્ર પેટર્ન જ નહીં, પરંતુ ડઝનો *મિનુશિયા પોઇન્ટ્સ*નું વિશ્લેષણ કરે છે. કેટલીક સપાટીઓ પર ફ્ગિંરપ્રિન્ટ વર્ષો સુધી સુરક્ષિત રહી શકે છે, જોકે, તે સપાટી, વાતાવરણ અને ભેજ પર આધાર રાખે છે. કોઆલા જેવા કેટલાક પ્રાણીઓના આંગળીના નિશાન માનવ ફ્ગિંરપ્રિન્ટ જેવા સૂક્ષ્મ હોય છે, જેથી સામાન્ય નજરે ક્યારેક ભેદ કરવો મુશ્કેલ બની શકે છે. વિશ્વના મોટા ભાગના દેશોમાં પાસપોર્ટ, વિઝા અને સરહદી સુરક્ષા માટે બાયોમેટ્રિક ફ્ગિંરપ્રિન્ટનો ઉપયોગ થાય છે.
1902માં ફ્રાન્સમાં થયેલા હત્યાકાંડની તપાસ સમયે ગુનાસ્થળેથી મળેલા ફ્ગિંરપ્રિન્ટના આધારે જ આરોપીની ઓળખ કરવામાં આવી હતી. આ ઘટના ફ્ગિંરપ્રિન્ટના ન્યાયિક ઉપયોગ માટે મીલનો પથ્થર સાબિત થઈ હતી. 1905માં ઈંગ્લેન્ડમાં થયેલા સ્ટ્રેટન ભાઈઓના હત્યા કેસમાં પ્રથમ વખત ફ્ગિંરપ્રિન્ટને અદાલત દ્વારા મુખ્ય પુરાવા માની દોષિતોને સજા ફ્ટકારી હતી. આ પછી સમગ્ર વિશ્વની પોલીસ વ્યવસ્થાએ ફ્ગિંરપ્રિન્ટને ગુનાશોધના વિશ્વસનીય સાધન તરીકે અપનાવવાનું શરૂ કર્યું. ભારતમાં પણ હત્યા, ચોરી, લૂંટ અને આતંકવાદ સંબંધિત અનેક કેસોમાં ફ્ગિંરપ્રિન્ટ નિર્ણાયક પુરાવો બની છે. ગુજરાત ફોરેન્સિક વિજ્ઞાનના ક્ષેત્રે દેશનું અગ્રણી રાજ્ય છે. ગાંધીનગર સ્થિત 'નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી'એ ફ્ગિંરપ્રિન્ટ, ડી.એન.એ., સાયબર ફોરેન્સિક અને અન્ય તપાસ પદ્ધતિઓના શિક્ષણ ને સંશોધનમાં આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. અહીં તાલીમ મેળવેલા નિષ્ણાતો ભારત સાથે અનેક દેશોની તપાસ એજન્સીઓને પણ માર્ગદર્શન આપે છે, જે આપણાં માટે ગૌરવની વાત છે. આજે તો ફ્ગિંરપ્રિન્ટ ટેક્નોલોજી કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) સાથે જોડાઈ ગઈ છે એટલે અધૂરા, ધૂંધળા અથવા નુકસાન પામેલા નિશાનમાંથી પણ તે સંભવિત ઓળખ શોધી શકે છે. આવી છે ફ્ગિંરપ્રિન્ટની કહાની.
::: થ્રી ડૉટ્સ :::
સંબંધોની સિલાઈમાં સ્વાર્થના નહીં, લાગણીના દોરા વાપરવા જોઇએ.