કચ્છના જ્વાળામુખી ઉત્પત્તિને કારણે અહીં વારંવાર ધરતીકંપ આવે છે. 19મી સદી દરમિયાન 1819, 1844, 1845 અને 1864માં કચ્છમાં ભૂકંપો આવ્યા હતા. 1819ના ભૂકંપે, ખાસ કરીને કચ્છ અને કંઈક અંશે દરિયાકાંઠાના સૌરાષ્ટ્રમાં સૌથી વધુ નુકસાન પહોંચાડયું હતું. તેની તીવ્રતા 7.7 થી 8.2 સુધીની હતી અને મેરકલ્લી ઇન્ટેન્સિટી સ્કેલ પર તેની મહત્તમ તીવ્રતા XI (એક્સ્ટ્રીમ) નોંધાઈ હતી. તેનાથી સુનામી આવી અને લગભગ 1,543 લોકોનાં મોત થયાં. અંજારમાં કલેક્ટર તરીકે તૈનાત અને ભૂજમાં રહેતા કેપ્ટન જેમ્સ મેકમર્ડોએ મુંબઈના ગવર્નરને મોકલેલા વિગતવાર અહેવાલોમાંથી આ ભૂકંપની અસર વિશેના વ્યાપક અહેવાલો ઉપલબ્ધ છે.
ઇસ્ટ ઇન્ડિયા કંપની અને કચ્છના રાવ ભારમલજી વચ્ચેની સંધિ અનુસાર સરકારી મુદ્દાઓ ઉકેલવા માટે જેમ્સ મેકમર્ડોને ભૂજ તૈનાત કરવામાં આવ્યો હતો. કચ્છના 'બોમ્બે ગેઝેટના' વાચકોએ તેમને થયેલા પ્રત્યક્ષ અનુભવોનાં વર્ણનથી ઇસ્ટ ઇન્ડિયા કંપનીના અહેવાલોની પુષ્ટિ કરી હતી. 16 જૂન, 1819ના રોજ, કેપ્ટન મેકમર્ડોએ અંજારથી અહેવાલ મોકલ્યો કે ગઈકાલે સાંજે આવેલા ભયાનક ભૂકંપમાં કિલ્લા સહિત શહેરનો મોટાભાગ નાશ પામ્યો છે, દર ચાર ઘર પૈકી માત્ર એક ઘર ઊભું જોવા મળ્યું હતું અને બધાંને ભારે નુકસાન થયું હતું. આ દુર્ઘટનામાં લગભગ 100 લોકો મૃત્યુ પામ્યાં હતાં અને ઘણાંને ઈજાઓ થઈ હતી, જેના કારણે એક સમયે ભારે સમૃદ્ધિમાં જીવતી અહીંની વસ્તી મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. અંગ્રેજોએ અંજાર વહીવટીતંત્રને કાટમાળ સાફ કરવામાં મદદ કરવા માટે ભૂજથી મજૂરો મોકલ્યા હતા. શહેરના 4,500 ઘરોમાંથી આશરે 1,500 સંપૂર્ણપણે નાશ પામ્યાં હતાં; બીજાં 1,000 ઘરો બરબાદ થઈ ગયાં હતાં, અને બાકીનાં 2,000 ઘરોમાંથી ઘણાં રહેવા લાયક રહ્યાં ન હતાં. ભૂકંપથી બચી ગયેલાં લોકોએ ચક્કર આવવા, ઊબકા આવવા, ધ્રુજારી અને અસ્થાયીરૂપે સંવેદના ગુમાવવા સહિત જુદી જુદી પ્રતિક્રિયાઓ નોંધાવી હતી. અન્ય લોકોએ ઘૂંટણના સાંધામાં નબળાઈ અનુભવાતી અને બેસવા કે ઊભા રહેવાને બદલે જમીન પર સૂવાની ઇચ્છા થતી હોવાનું જણાવ્યું હતું. ભૂકંપ દરમિયાન જમીનમાંથી આવેલો અવાજ ગર્જના જેવો હોવાનું જણાવવામાં આવ્યું હતું, જે તોપમારા અથવા ભારે ગાડીઓના ગડગડાટ જેવો હતો.
ત્યારબાદ કેપ્ટન મેકમર્ડોએ ભુજમાં થયેલા વ્યાપક નુકસાનનો અહેવાલ મોકલ્યો જેમાં તેણે લગભગ 1,000 મૃતદેહો મળી આવ્યા હોવાનું જણાવ્યું હતું અને હજુ વધુ મૃતદેહો મળવાની દહેશત વ્યક્ત કરી હતી. ભૂજના કિલ્લા અને મહેલને ભારે નુકસાન થયું હતું, જેના કારણે તે લગભગ વસવાટ લાયક રહ્યા ન હતા, અને 7,000 ઘરો તબાહ થઈ ગયાં હતાં. રાવનો પરિવાર શહેરની બહાર તંબુઓમાં રહેતો હતો. લખપત બંદર અને ભચાઉ સહિતનાં અન્ય શહેરોમાં પણ જાનમાલનું નુકસાન થયું હતું; તેરાનો કિલ્લો સંપૂર્ણપણે નાશ પામ્યો હતો. ભારે જાનહાનિ થઈ હતીઃ લખપતમાં 150 અને માંડવીમાં 116 લોકો મૃત્યુ પામ્યાં હતાં. પરંતુ સૌથી વધુ જાનહાનિ ભૂજમાં થઈ હતી.
ભૂકંપને પરિણામે ઘણી કુદરતી ઘટનાઓ સર્જાઈ, જેમાંથી મોટાભાગની અલ્પજીવી હતી અને ઝડપથી શમી ગઈ. નિરીક્ષકોએ નોંધ્યું છે કે કચ્છની ઘણી નદીઓના સૂકા પટ થોડા સમય માટે તેમના કાંઠા સુધી પાણીથી ભરાઈ ગયા હતા અને જે કૂવાઓમાં અગાઉ જમીનની સપાટીથી ઘણા નીચાં સ્તરે પાણી હતું તેમાં પાણીનું સ્તર ઝડપથી વધી જતાં તે છલકાઈ ગયા હતા અને પછી તેમાં પાણીનું સ્તર ઘટયું હતું. કેટલાક મીઠા પાણીના કૂવા ખારા થઈ ગયા હતા, જ્યારે કેટલાક ખારા પાણીના કૂવા મીઠાં પાણીના કૂવામાં ફેરવાઈ ગયા હતા. કેપ્ટન મેકમર્ડોએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે રણ અને બન્ની પ્રદેશનો એક ભાગ, જે સામાન્ય રીતે સૂકો રહે છે, ત્યાં અચાનક છ માઈલ પહોળું અને અઢી ફૂટ ઊંડું પાણી ભરેલું સરોવર રચાઇ ગયું હતું. થોડા કલાકોમાં જ આ પાણીનું સ્તર અડધું થઈ ગયું હતું; ભૂકંપ પછીના દિવસે જ્યારે ઘોડેસવારો આ વિસ્તાર પાર કરતા હતા, ત્યારે તેઓએ પાણીની ઉપર અસંખ્ય રેતીના શંકુ રચાયેલા જોયા હતા, જેમની ટોચ પર પાણીના પરપોટા થતા જોવા મળ્યા હતા.
આ ભૂકંપને કારણે મહત્ત્વપૂર્ણ કાયમી ફેરફારો પણ થયાઃ લખપતથી 30 માઈલ ઉત્તરપૂર્વમાં રણમાં હવાનું દબાણ ઘટી ગયું. સિંધડી ખાતેની 16 માઈલ સુધીની જમીન 8-10 ફૂટ નીચે ઉતરી ગઈ, જેનાથી સ્થાનિક કિલ્લામાં પાણી ભરાઈ ગયું અને સમુદ્રમાંથી આવતા ઉછાળાને કારણે આ વિસ્તાર એક આંતરિક તળાવમાં ફેરવાઈ ગયો. આ ભૂકંપની સૌથી સ્પષ્ટ જોઈ શકાય એવી ભૂસ્તરીય અસર એ થઈ હતી કે સિંધડીની ઉત્તરે અગાઉ જ્યાં સપાટ જમીન હતી ત્યાં 80 કિમી સુધી એક 20 ફૂટ ઊંચી ટેકરી રચાઇ ગઇ જેનાથી પુરમ અથવા કોરી નદી પર એક કુદરતી બંધ બની ગયો. તે એક કુદરતી રીતે બનેલો બંધ હોવાથી તેને લોકો 'અલ્લાહ બંધ' કહેતા લાગ્યા. 1826માં, સિંધુ નદીના ઉપરવાસમાંથી આવતાં પૂરનાં પાણી નદીના કાંઠા તોડીને રણમાં ફેલાઈ ગયાં અને તેણે અલ્લાહ બંધમાં પણ ગાબડાં પાડી દીધાં.
16 થી 24 જૂન સુધી, વારંવાર પણ હળવા ભૂકંપના આંચકા આવતા રહ્યા, જેના કારણે લોકોએ દિવસ-રાત સતર્ક રહેવું પડતું. 24 જૂનની મધ્યરાત્રિની આસપાસ એક જોરદાર આંચકો આવ્યો, જેના કારણે લોકો તેમનાં ઘરોની બહાર નીકળી ગયાં. છેલ્લો ભૂકંપ સપ્ટેમ્બરમાં, એટલે કે શરૂઆતના આંચકાના ત્રણ મહિના અને સાત દિવસ પછી આવ્યો. આ સમય દરમિયાન, પ્રાણીઓ અને માણસો બંને ભયભીત હતાં; રખડું કૂતરાં પણ હાલ્યા ચાલ્યા વિના પડી રહેતાં. હવામાં ક્યારેક ક્યારેક સલ્ફ્રની તીવ્ર ગંધ અનુભવાતી. એક પોલાણમાંથી વહી આવેલાં પૂરનાં પાણી શહેરથી 40 માઇલ દૂર આવેલા એક મેદાની વિસ્તાર ઉપર ફરી વળ્યાં. રેતીની ટેકરીઓ પર લગભગ ત્રણ ફૂટ ઊંચી જ્વાળા દેખાઈ હતી, અને બીજાં એક સ્થળે એક વખતની નાની ટેકરી સપાટ થઇ ગઈ હતી.
ભૂજ, અંજાર અને કચ્છનાં અન્ય શહેરોમાં આવો વિનાશ વેરનારા ભૂકંપના આંચકાઓ અમદાવાદથી સૂરત સુધીનાં, ગુજરાતની મુખ્ય ભૂમિ પરનાં તમામ મુખ્ય શહેરોમાં પણ અનુભવાયા હતા. જો કે તે એટલા ભયાનક ન હતા. લોકોને સમુદ્રના વિરાટ મોજામાં ફસાયેલાં કોઈ વહાણમાં ફંગોળાતા હોવાની લાગણી અનુભવાઈ હતી. ધ્રુજારી એટલી બધી હતી કે દરેક ક્ષણે લોકોને તેમના પગ નીચેથી જમીન ફાટી પડશે એવું લાગતું હતું. અમદાવાદ શહેરના સ્થાપક અહેમદશાહ દ્વારા બાંધવામાં આવેલી શાનદાર જુમા મસ્જિદના લગભગ 450 વર્ષથી ટકી રહેલા ગૌરવશાળી મિનારા પડી ગયા. સદનસીબે, મસ્જિદને અપેક્ષા કરતાં ઘણું ઓછું નુકસાન થયું હતું. શાહીબાગ તરફ જતા રસ્તાની ડાબી બાજુએ આવેલી બીબી અચ્યુત કૂકીની મસ્જિદને પણ નુકસાન થયું હતું. તેના મિનારાઓ તૂટી પડયા હતા અને મિનારાઓની ટોચ ઊડીને થોડે દૂર નીચે પડી ગઈ હતી, ત્યારબાદ એક પછી એક પથ્થરો ધરાશાયી થઈ ગયા હતા. ગોમતીપુર ખાતેના ઝૂલતા મિનારાઓમાં પણ તિરાડો પડી ગઈ હતી. ભદ્રના કિલ્લાના પ્રવેશદ્વારના પ્રભાવશાળી ટાવરો હચમચી ગયા હતા અને તેમાં ઘણી જગ્યાએ તિરાડો પડી ગઈ હતી. સદનસીબે, કોઈ જાનહાનિ થઈ ન હતી, માત્ર થોડા નાના અકસ્માતો થયા હતા.
મુસ્લિમ નાગરિકોએ, તેમના કાજી મારફ્ત, ઇસ્ટ ઈંડિયા કંપનીને અરજી કરી મિનારાઓ પુનઃસ્થાપિત કરવા જણાવ્યું અને તેમણે નોંધ્યું કે અગાઉ આ ઇમારતોની જાળવણી સુલતાનો દ્વારા કરવામાં આવતી હતી અને શહેરના લોકો સાધનસંપન્ન ન હતાં અને સમારકામ કરાવે તેવા કોઈ શ્રીમંત વ્યક્તિઓ કે અમીરો પણ નહોતા. જો કે, ઇસ્ટ ઇંન્ડિયા કંપનીએ તે વિનંતીને એવું કારણ આપીને નકારી કાઢી કે સમારકામનું ખર્ચ ઘણું વધારે થવાની સંભાવના હતી અને આ ઇમારતો ઉપયોગી હોવા કરતાં વધુ સુશોભન માટે હતી!
ખેડા, વડોદરા અને ભરૂચમાં પણ ભૂકંપના આંચકા નોંધાયા હતા. પાલનપુરમાં ગર્જના જેવો અવાજ સંભળાયો હતો. રાણપુરનો કિલ્લો લગભગ ધરાશાયી થઈ ગયો હતો. ભરૂચ, સુરત અને મુંબઈમાં પણ આવી જ અસરો જોવા મળી હતી. જો કે, ભૂજ અને અંજારમાં આવેલા ભૂકંપની અસરો ઘણી વધુ ગંભીર હતી અને તેનાં પરિણામે જાનમાલનું ભારે નુકસાન થયું હતું. અહેવાલમાં સામાન્ય રીતે ભૂકંપની અસરોનું દુઃખદ ચિત્ર રજૂ કરવામાં આવ્યું હતું!
1956માં અંજારમાં બીજો મોટો ભૂકંપ આવ્યો. તાજેતરમાં 2001માં પણ આ જ પ્રદેશમાં ત્રીજું એક વિનાશક ભૂકંપ આવ્યો જેની વિઘાતક અસરોના આપણામાંના ઘણાંએ ભોગવવી પડી છે!