રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ચાર વર્ષથી યુદ્ધ લડાઈ રહ્યું છે. અમેરિકા- ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેનું યુદ્ધ બે અઢી મહિના પછી માંડ શાંત પડશે તેવી આશા જાગી હતી પણ આ આશા ઠગારી નીવડી છે. ઈરાને હોર્મુઝમાં રૂટ બદલનાર ત્રણ જહાજો પર હુમલા કર્યા તેમાં તો અમેરિકાનો અને ટ્રમ્પનો ગરાસ લૂંટાઈ ગયો છે. ટ્રમ્પનું એવું માનવું છે કે આડોડાઈ કરતા દેશોને તે જ હુમલા કરીને સીધા કરી શકશે. ટ્રમ્પ કે અમેરિકા બીજા કોઈ દેશ પર હુમલા કરે તો તે ચલાવી લેવાય પણ જો ભૂલેચૂકે બીજો કોઈ દેશ આડોડાઈ કરનાર પર હુમલા કરે તો છીનાળું કહેવાય. આ તે વળી ક્યાંનો ન્યાય? ટ્રમ્પ અને અમેરિકાએ જન્માવેલી તંગદીલી આખા વિશ્વને હચમચાવી રહી છે અને મોટાભાગનાં દેશોએ એક યા બીજા કારણોસર તેનાં શસ્ત્ર ભંડારોને સુષુપ્ત અવસ્થામાંથી જાગૃત કરીને શસ્ત્રોની ધાર કાઢવા માંડી છે ત્યારે ભારતે ઓસ્ટ્રેલિયા પાસેથી યુરેનિયમ ખરીદવાનો મોટો સોદો કર્યો છે. પીએમ મોદીનો આ માસ્ટર સ્ટ્રોક ચીન, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અમેરિકા સહિત કેટલાક દેશો માટે આંચકો આપનારો અને પેટમાં તેલ રેડનારો છે. જે રીતે આખી દુનિયા ત્રીજા વિશ્વ યુદ્ધનાં ખાંડા ખખડાવી રહી છે ત્યારે ભારત માટે આ સોદો વિન વિન પોઝીશન સર્જનારો છે. ભારત અને ઓસ્ટ્રેલિયાએ સિવિલ અણુ કરાર પર સહીસિક્કા કર્યા છે. જેને કારણે ઓસ્ટ્રેલિયામાંથી ભારતને યુરેનિયમ પૂરૂં પાડવાનો માર્ગ ખુલ્યો છે. ઓસ્ટ્રેલિયા પાસે યુરેનિયમનો સૌથી મોટામાં મોટો ભંડાર છે. ભારત 2047 સુધીમાં 100 ગીગાવૉટ અણુ ઉર્જા ઉત્પાદન કરવાનો લક્ષ્ય રાખે છે. ભારત પહેલા પણ અને આજે પણ અણુ શક્તિ અને અણુ ઉર્જાનો શાંતિપૂર્ણ ઉપયોગ કરવામાં માને છે. ઓસ્ટ્રેલિયા પાસેથી યુરેનિયમ ખરીદવાથી લાંબા ગાળા માટે ભારતની ઉર્જા સુરક્ષા મજબૂત થશે. ગ્રીન એનર્જીનાં લક્ષ્યોને સાકાર કરી શકાશે. આખા વિશ્વમાં યુરેનિયમનો ભંડાર 59,25,700 ટનનો છે જેનો 28 ટકા હિસ્સો ઓસ્ટ્રેલિયામાં છે. ભારતમાં હાલ 24 અણુ રિએક્ટર સક્રિય છે. જેની કુલ ક્ષમતા 8.78 ગીગાવૉટ છે. ભારત પાસે હાલ યુરેનિયમનો 30,000 ટનનો ભંડાર છે. ભારત તેની જરૂરિયાતનું યુરેનિયમ રશિયા, કઝાખસ્તાન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો પાસેથી આયાત કરે છે. યુરેનિયમનાં ઉત્પાદનમાં કેનેડા નંબર વન છે જ્યારે ઓસ્ચ્રેલિયા પાસે 16,71,200 ટન યુરેનિયમ છે. કઝાખસ્તાન પાસે 8,13,900 ટન યુરેનિયમનો ભંડાર છે. અમેરિકા વિશ્વની સૌથી મોટી ઈકોનોમી છે પણ તેની પાસે 67,800 ટન યુરેનિયમ છે. જે ગ્લોબલ રિઝર્વનાં માત્ર 1 ટકા છે. અણુ ઉર્જાનાં મામલે અમેરિકા સૌથી આગળ છે. આમ છતાં ફ્રાન્સ કુલ વીજળી ઉત્પાદનમાં અણુ ઉર્જાનો 65 ટકા હિસ્સો ધરાવે છે. આમ અમેરિકા યુરેનિયમનાં ભંડારમાં ઘણું પાછળ છે અને એટલે જે અન્ય દેશો પાસેથી યુરેનિયમ તેમજ અન્ય દુર્લભ ખનિજો મેળવવા ટ્રમ્પ રઘવાયા થયા છે.
