વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાણંદથી દિલ્હી પરત જતા પહેલાં અમદાવાદ એરપોર્ટ ઉપર પોણો કલાક મંત્રીઓની સાથે મીટિંગ કરી હતી. સ્કૂલ-કોલેજના પિરિયડ જેટલા ક્લાસમાં મંત્રીઓને ઘણું લેસન આપ્યાની ચર્ચા છે. જમીન સાથે જોડાઈને, ગુસ્સો કર્યા વગર કેમ કામ કરવું અને લેવું તેના બોધપાઠ વચ્ચે સ્પેશિયલ-26 મંત્રી પરિષદમાંથી એરપોર્ટ ઉપર હાજર 24ને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'બંધ પરબિડિયા' આપ્યા. તેને પકડતા અને લઈને બહાર નીકળતા જ કેટલાક રાજ્યકક્ષાના મંત્રીઓના મોંઢા પડી ગયા હતા. 17મી ઓક્ટોબર-2025ના દિવસે વિસ્તરણ પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં 26માંથી 20 નવોદિત મંત્રી છે. જેમાંથી કેટલાકને તો મંત્રીપદ મળ્યાને માંડ નવ મહિના પુરા થઈ રહ્યા છે. આ દ્દશ્યો જોયા અને અનુભવ્યા પછી બ્યુરોક્રેટ્સ, પોલીસ ઓફિસર્સમાં પણ ''PM સાબને મંત્રીજી કો બંધ લિફાફે મે ક્યા દિયા ?'' તેનો ક્યાસ શોધવામાં સૌનો રક્તચાપ ઊંચોનીચો થયો છે.કહેવાય છે કે,PMOએ એક એક મંત્રીના સોશિયલ મીડિયાથી લઈને ગ્રાઉન્ડ વર્ક સંબંધિત રિપોર્ટ આપ્યો છે. જેનો ઝાટકો ક્યાં, કોને, ક્યારે વાગે છે, તે જોવું રહ્યું. 

વ્હાઈટ' વહીવટમાં કાળી MO,

ફાઈલ દબાવો અને વ્યાજઅપાવો !

જમીન-સંપાદનના કિસ્સામાં અનિર્ણાયકતાથી ગુજરાત સરકારની તિજોરીમાં કરોડો રૂપિયાનો ખાડો પડે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સચિવાલયના વિભાગો અને જિલ્લાઓમાં આવા કિસ્સા શોધીને જવબાદારોને 'ઓપરેશન ગંગાજળ' હેઠળ ઘરભેગા કરવા આદેશ કર્યો છે. જેના પગલે ટોચના અધિક મુખ્ય સચિવ-ACS લેવલે થયેલી છાનભીનમાં ત્રણેક સેક્શન ઓફિસર-SOએ લાંબા સમયસુધી ફાઈલ દબાવી, ઉપલી કોર્ટમાં અપીલ નહીં કરી ખેડૂતોને વ્યાજપેટે વ્હાઈટના 40 કરોડ જેટલું પેમેન્ટ અપાવ્યાની ચર્ચા છે. બંધ, નહેર, પાઈપલાઈન સહિત સિંચાઈના અને હાઈવે-રસ્તા માટે સંપાદનના કેસોમાં વિલંબની બ્લેક મોડસ ઓપરેન્ડી-MOમાં આઠ જમીન સંપાદન અધિકારી-નાયબ કલેક્ટરઅને ત્રણ SOની સામેલગીરી હોવાનું કહેવાય છે. ટોચના ACSએ જમીનસંબંધિત કેસોમાં અપીલના વિલંબમાં જવાબદારો સામે એક્શન લેવા સંબંધિત વિભાગના ACSને વારંવાર પત્રો પાઠવ્યા છે. હવે જોવાનું એ છે કે, સિસ્ટમેટિક ફોર્મેટ +MO થકીસંપન્ન વર્ગના ખેડૂતો સામે અપીલમાં વિલંબ, નિર્ણયની ફાઈલને પડતર રાખીને સરકારી તિજોરીમાં ખાડા પાડતા 11 ક્લાસ-વન સામે પ્રમોશનનો ઈંતજાર કરતા IAS નિવૃત્તિને આરે રહેલા ACSના સૂચવ્યા મુજબ એક્શન લે છે કે પછી હરિ ઓમ તત્સત... !

કમાલ & ધમાલઃ રિટાયરમેન્ટ પછી

જ ચાર્જશીટની ફાઈલને પગ આવે ?

તું મારું સંભાળ, હું તારું સંભાળીશ. અફસરાનમાં અરસપરસનો સંબંધ છેક નિવૃત્તિની છેલ્લી મિનિટ સુધી અકબંધ હોય છે. આવી ભાઈબંધીમાં ઘણા ચોર, મોર થઈ કળા કરે છે. વાત બુધવારે મળતી કમિટી ઓફ સેક્રેટરીઝ-COSની છે. એક દિવસ પહેલાં મંગળવારે 30 જૂને IAS,SPS,Dy.SP અને અન્ય ક્લાસ વન-ટુ મળી 418થી વધુ નિવૃત્ત થયા હતા. તેમાંથી આદિજાતિ વિકાસ વિભાગે એક અફસરને સાંજે 6.10 કલાકે નિવૃત્તિ આપ્યા પછી રાત્રે ચાર્જશીટ મંજૂર કરવાની ફાઈલને અચાનક પગ આવ્યા ! કહેવાય છે કે, આવી ઘોર બેદરકારી અંગે GADના અધિક મુખ્ય સચિવ-ACS ડો.અંજુ શર્માએ COSમાં સખત નારાજગી વ્યક્ત કરી. થયું એવું કે મુખ્ય સચિવ-CS મનોજ દાસે આ પ્રેક્ટિસમાં તો ખોટું કરનારને છાવરનારાનો જ મોટો ગુન્હો છે એવું કહી છાવરનારાઓને નોટિસ આપવા આદેશ કર્યો છે. એથી આગામી COSમાં કેટલા સેક્રેટરીઓ, કેવી કાય્રવાહીનો રિપોર્ટ લઈને આવે છે તે જોવું રહ્યું.

બોલો, બે દિવસના 'એવોકાડો'માં એક

મહિનાનું બજેટ વપરાઈ જાય તો પણ...

સરકારમાં જમીની હકીકતોથી તદ્દન વિપરીત હવાહવાઈ તુક્કાઓ ચલાવતી, સમયને બરબાદ કરતી કેટલીક ચેર અર્થાત ખુરશી છે. જ્યાં ચાલતી મીટિંગ્સ, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં તથ્ય ઓછું ને હું કરું, કહું એ જ સત્ય. આ 'એકદારી'થી અફસરાન તોબા છે. પદ હોવાથી કોઈ કંઈ બોલતું નથી પણ વેકેશન પછી 'એકદારીનો એવોકાડો' કિસ્સો બ્યુરોક્રસીમાં હોટ ટોપિક છે. વાત એવી છે કે, મીટિંગમાં ચેર પરથી અફસરોને ગરીબ, પછાત, ગ્રામીણ બાળકોને બપોરના આહારને સ્થાને એવોકાડો (વિદેશથી આયાત થતું માખન ફળ) આપવું જોઈએ એમ કહેવાયું ! ખુરશી ઉપરથી વિચાર પ્રગટયો એટલે એ પદનું માન રાખી અફસરાનમાંથી કોઈ બોલ્યું નહીં. હવે એ કિસ્સો ચર્ચામાં છે. કારણ કે, ઈમ્પોર્ટેડ એક નંગ એવોકાડોની કિંમત રૂ.90થી 130 રહે છે. માલેતુજારોને પોષય તેવા માત્ર બે ઈમ્પોર્ટેડ ફ્રુટમાં જ મહિનાનું બજેટ ખર્ચાઈ જાય. આવું હોવા છતાંય તુક્કા ખૂટતા નથી. નક્કર-પરિણામલક્ષી કામ થતું નથી, આવી ગોસિપ બ્યુરોક્રેટમાં છે. 

વાઈબ્રન્ટ ગુજરાતઃUKમાં આમંત્રણ

અપાયા, પોલિસીના ઠરાવો ક્યારે ?   

વાઈબ્રન્ટ ગુજરાત'27 માટે 10થી 13 જાન્યુઆરી નક્કી થયાની જાણકારી પહેલીવાર કમિટી ઓફ સેક્રેટરીઝ-CoSમાં અપાઈ છે. નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના નેતૃત્વમાં યુ.કે.ના લંડનમાં 'ઈન્ડિયા ગ્લોબલ ફોરમ'માં ગુજરાતનું પ્રમોશન કરી પાછા આવેલા ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ-ACS મમતા વર્માએ વાઈબ્રન્ટ માટે આમંત્રણ આપ્યાનું કહેવાય છે. બ્રિટિશ હાઈ કમિશનર, બ્રિટનના પૂર્વ હોમ મિનિસ્ટર પ્રીતિ પટેલ સાથે ગુજરાતના ડેલિગેશનની મુલાકાતો પછી વાઈબ્રન્ટ સમિટ'27ના આયોજન માટે કમિટી રચાશે. જેમાં કયા IASને, કેવી જવાબદારી અને કયા દેશમાં વિજિટનું કાર્ડ ઓપન થાય છે તે જોવું રહ્યું !CoSમાં મુખ્ય સચિવ મનોજ દાસે નવી ઉદ્યોગ નીતિ જાહેર કર્યા પછી અર્થઘટનો એક સમાન રહે તેવી રીતે ઠરાવો પ્રસિધ્ધ કરવા સૂચના આપી છે. સરકારની GNFC-GSFCએ પણ નવી ઉદ્યોગ નીતિનો લાભ લેવો જોઈએ એવું કહેતા આવી કંપનીઓ શું કાઠું કાઢે છે તેની સ્પર્ધા અત્યારથી જ બ્યુરોક્રેટમાં શરૂ થઈ છે. 

ચોંકશો નહીં ! આ ગાંધીનગર જ છે,

દિલ્હી નહીં, મિનિસ્ટ્રી ઓફ **** !

ગુજરાત સરકારમાં ક્યારેય, કોઈ મંત્રી અને સેક્રેટરી પોતાના પ્રભાર હેઠળના વિભાગો-પદની ઓળખ માટે ''મિનિસ્ટ્રી ઓફ ****'' જાહેર કરતા નથી. કારણ કે, મિનિસ્ટ્રી અર્થાત મંત્રાલય એ ભારત સરકારમાં પ્રચલિત-પ્રોટોકોલ બેઝડ ઓળખ માટેની વ્યવસ્થા છે. ત્યાં એક મંત્રાલય નીચે અનેક વિભાગો (ડિપાર્ટમેન્ટ)નું બાસ્કેટ હોય છે. આથી, રાજ્ય સરકારના મંત્રીઓ તેમજ સેક્રેટરીઓ પોતાના પ્રભાર અને પદની ઓળખ ''ડિપાર્ટમેન્ટ ઓફ ****'' થાય તેવા હેતુસર શબ્દોનો ઉલ્લેખ કરે છે. પરંતુ, ગાંધીનગરમાં પહેલીવાર એક પદાધિકારીએ પોતાને ફાળવેલા વિભાગો માટે ''મિનિસ્ટ્રી ઓફ ****'' વાક્યનું પ્રયોજન કરતા બ્યુરોક્રસી અને જૂની પેઢીના રાજનેતાઓમાં ચર્ચાનું કેન્દ્ર થયા છે. પહેલીવાર કોઈએ પોતાને ''ડિપાર્ટમેન્ટ ઓફ ****''ને બદલે ''મિનિસ્ટ્રી ઓફ ****'' તરીકે રજૂ કરતા આગંતુકો જાણે લૂટિયન્સ દિલ્હીમાં છે કે પછી ગાંધીનગરમાં ? એવી હળવી મજાક કરી રહ્યા છે.   

દાસભઈ કંઈક કરવું પડશે' -CMએ

તલાટીઓની હાજરીમાં આવું કેમ કહ્યું   

મહેસૂલી તલાટીઓને નિમણૂકપત્રો એનાયત કરી વેળાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ''દાસભઈ કંઈક કરવું પડશે'' કહ્યું ને નવોદિત કર્મચારીઓએ તાલીઓથી ટાઉનહોલ ગુંજાવી નાંખ્યો હતો ! મૂળમાં વાત એ છે કે, સરકારની ભરતીમાં પરીક્ષાઓ પછી સિલેક્ટ ઉમેદવારોના સર્ટિફિકેટની ચકાસણીમાં મહિના નીકળે છે. મુખ્યમંત્રીએ સ્વ-અનુભવને નવોદિત તલાટીઓની સમક્ષ મુકી મુખ્ય સચિવ મનોજ કુમાર દાસને સર્ટિફિકેટ વેરિફિકેશન- ક્લિયરન્સ માટે કંઈ કરવું જોઈએ. આ બધા (ઉમેદવારો) આઘાપાછા થાય છે. સોમવાર- મંગળવારે મારે ત્યાં પણ રજૂઆત કરવા આવે છે. મુખ્યમંત્રીનો સમય નથી મળતો એટલે આવું થાય છે એવા કારણો ન આપવા. જરાક બેસીને જોઈ લેવું જોઈએ'' કહ્યું હતું. આથી, મુખ્ય સચિવ વિભાગોના સેક્રેટરીઓ પાસેથી કેટલી ઝડપથી ભરતી પ્રક્રિયાને પાર ઉતારે છે તેના પર ઉમેદવારોની બાજ નજર છે. 

નવી વાઈબ્રન્ટ સમિટ અને નવા વહીવટી સુકાનીના ઈન્ટરલિંક થયેલા વિષયોની બ્યૂરોક્રસીમાં ચર્ચા

જાન્યુઆરી-2027માં યોજાનારી 11મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ચર્ચા શરૂ થઈ ચૂકી છે. 29-30 જૂને પ્રાદેશિક વાઈબ્રન્ટ સમિટની અંતિમ કડી વડોદરા ખાતે યોજાઈ એ પછી ગત બુધવારે સચિવોની બેઠકમાં ઉદ્યોગ-ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્માએ ચારેય પ્રાદેશિક સમિટ્સને સાંકળી પ્રેઝન્ટેશન કર્યું હતું, ત્યારબાદ વિષય 11મી સમિટ તરફ્ વળ્યો હતો, જેમાં સમિટ પહેલાં હંમેશની માફ્ક યોજાતા વિદેશ પ્રવાસો, મેટ્રો શહેરોમાં રોડ-શો, વિવિધ વિભાગોના સેમિનારની ચર્ચા થઈ હતી. હોલ બહાર નીકળ્યા પછી તરત જ અધિકારીઓમાં નવી સમિટ વખતે વહીવટી તંત્રનું નેતૃત્વ કોણ કરતું હશે એની ચર્ચા શરૂ થઈ છે. વર્તમાન મુખ્ય સચિવ મનોજ કુમાર દાસ 31મી ડિસેમ્બરે રિટાયર થઈ રહ્યા છે, બ્યૂરોક્રસીમાં સૌથી સિનિયર શ્રીનિવાસ કટિકિથલા કેડર સ્ટેટમાં પાછા ફરવા માગતા નથી એ લગભગ નિશ્ચિત થઈ ચૂક્યું છે, મનોજ દાસ પછી સિનિયોરિટીમાં એસીએસ ચંદ્ર વાનુ સોમ આવે છે, પણ એ વર્ષોથી સાઈડલાઈન પોસ્ટિંગ ઉપર છે, ત્યારબાદ એસીએસ અરુણ સોલંકીનો નંબર આવે છે, જેઓ ફેબ્રુઆરી-2027માં સેવાનિવૃત્ત થઈ રહ્યા છે. આવા સંજોગોમાં 11મી વાઈબ્રન્ટ સમિટના ઉપલક્ષ્યમાં મનોજ દાસને ત્રણ મહિનાનું એક્સ્ટેન્શન મળે છે કે પછી મુખ્ય સચિવપદે અન્ય કોઈ આવે છે તે જોવાનું રહ્યું.

લ્યો, 'સ્ટેટ ઓફ ધ હેડ'ની હાજરીમાં

બે IASએ ઝઘડવાનું જ બાકી રાખ્યું

બોલ દેના તેરી કલેક્ટર કો, મેં યહાં પૈર નહીં રખુંગા'' આ કકળાટ પછી શાળા પ્રવેશોત્સવ વખતે બે IAS વચ્ચે જાણે ઝઘડવાનું જબાકી રહ્યું હોય તેવા દ્દશ્યો 'સ્ટેટ ઓફ ધ હેડ'ની વચ્ચે આખા જિલ્લાએ જોયા છે. અહીં વાત આદિવાસી બાહુલ્ય ધરાવતા પછાત જિલ્લાની છે. જ્યાં દર ત્રીજે પાંચમે દિવસે બે IAS વચ્ચે ઝીણીઝીણી બાબતેચકમક ઝરે છે. તેની અસર તંત્ર, નેતૃત્વ અને નાગરિકોને થઈરહ્યાનો કકળાટ છે. લાંબા સમયથી IPSના પતિ એવા જુનિયર IAS અને IASના પત્ની સિનિયર IAS વચ્ચે ચાલતો ગજગ્રાહ પ્રવેશોત્સવના કાર્યક્રમમાં સાયલન્ટ રીતે વકર્યો હતો. થયું એવું કે, 'સ્ટેટ ઓફ ધ હેડ' સ્વંય આવી રહ્યા હોવાથી કો-ઓર્ડિનેશનના ભાગરૂપે પણ જિલ્લાના મુખિયા તરીકે બંને IASએ સાથે બેસવાનું હોય. પણ પહેલાંની બબાલ પછી જુનિયર IASએ કાર્યક્રમના સ્થળે જવાનું ટાળ્યું હતું ! કચેરીના કેટલાકની સમજાવટથી ગયા ત્યારે સ્ટેટ પર જાણે ફાઈલોનું ટોસિંગ ચાલતું હોય તેવી વર્તુણૂંકથી આખો જિલ્લો સ્તબ્ધ છે.

વરસાદ વોટ્સએપમાં પડયો ને ચાર્જ   

છોડયા પછી ફોરવર્ડ કરવો પડયો !   

કમિટી ઓફ સેક્રેટરીઝ-CoSમાં પણ ક્યારેક ક્યારેક હળવી રમૂજ જેવા દૃશ્યો સર્જાતા હોય છે. બુધવારે શાળા પ્રવેશોત્સવ પછી મળેલી CoSમાં ચીફ સેક્રેટરી મનોજ દાસે મુખ્યમંત્રીની સમક્ષ કેબિનેટમાં જતા પહેલાં આદિજાતિ વિકાસ વિભાગના સચિવ આલોક પાંડે પાસેથી વરસાદનો ડેટા માંગ્યો ! પાંડેએ તો એક સપ્તાહ પહેલા જ રાહત કમિશનર અને GSDMAના CEOનો ચાર્જ છોડયો હતો. છતાંયે ચીફ સેક્રેટરીએ ડેટા માંગ્યો તો શું થાય ? તેમણે ફટાફટ મોબાઈલ કાઢયો અને વોટ્સએપમાંથી ડેટા કાઢીને ફોરવર્ડ કર્યો. આવું દૃશ્ય જોઈને કેટલાક સેક્રેટરીઓએ 'પાંડેજીના વોટ્સએપમાં વરસાદ પડતો રહે છે' એવી રમૂજ કરતા રહ્યા. અલબત્ત, આ ઘટના પછી તુરંત જ સામાન્ય વહીવટ વિભાગ-GADએ 10 દિવસમાં ઓર્ડર બદલ્યો અને અગાઉ રાહત કમિશનર અને GSDMAનો ચાર્જ મહેસૂલ તપાસણી કમિશનર રાજેશ માંજુને હવાલે રાખવા કહ્યું હતું તેને બદલીને અનુક્રમે જેડાના ગૌરાંગ મકવાણા અને ખાણ કમિશનર ધવલ પટેલને સોંપવા આદેશ કર્યો છે. આમ એક જ વરસાદના વોટ્સએપ મેસેજે આખું ચિત્ર બદલી કાઢયું છે ! 

ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીના બળવાખોરો સામે કોંગ્રેસની શિસ્ત સમિતિ નત-મસ્તક

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ માટે નાલેશીભર્યા પરિણામો આવ્યા છે, હારનું પોસ્ટમોર્ટમ કરવા માટે બેઠકોનો દોર પણ પૂરો થયો છે પરંતુ હજી સુધી પક્ષ વિરુદ્ધ ઉમેદવારી કરનારા સામે કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી, સંગઠનના વફાદાર કાર્યકરોએ એવી નારાજગી વ્યક્ત કરી છે કે, ચૂંટણીમાં ટિકિટ ના મળી હોય તેવા સંખ્યાબંધ કાર્યકરો - આગેવાનોએ પક્ષ વિરુદ્ધ બળવો પોકારી ઉમેદવારી કરી હતી, આ બળવાખોરોને તો સસ્પેન્ડ કરાતા નથી ને બીજી તરફ્ વોર્ડ પ્રમુખ સહિતના નાના કાર્યકરો સામે એક્શન લેવામાં આવી રહ્યા છે. અગાઉની ચૂંટણીઓમાં ભાજપને જીતાડવા માટે જેમણે કામ કર્યું હતું તેમને ટિકિટની લોટરી લાગી હોવાના પણ સંખ્યાબંધ કિસ્સા સામે આવ્યા છે, આવા પ્રકરણમાં જવાબદારો સામે કેમ કોઈ પગલાં ભરવામાં આવતા નથી, સમગ્ર પ્રકરણને લઈ પ્રદેશ કોંગ્રેસની શિસ્ત સમિતિ સામે આંગળીઓ ચીંધાઈ રહી છે, 700 કરતાં વધુ ઉમેદવારી ફોર્મ પરત ખેંચાઈ ગયા, આવા પ્રકરણમાં જે કોઈ આગેવાને ઉમેદવારના નામની ભલામણ કરી છે, તેમની સામે પણ કેમ હજુ સુધી કોઈ પગલાં લેવાયા નથી, આમ કોંગ્રેસમાં ફરી એકવાર બરોબરનો આંતરિક કકળાટ જામ્યો છે.

સુરત કમિશનર બનવા થનગનાટ કરતા IPSએ મેસેજ ફરતા કરાવ્યા

સુરતના પોલીસ કમિશનર બનવા માટે રેસમાં ચારથી પાંચ આઈપીએસ અધિકારીઓ હોવાની ચર્ચા જોરશોરથી શરૂ થઈ ગઈ છે. બીજી તરફ્ છેલ્લા કેટલાક સમયથી સાઈડ પોસ્ટિંગમાં રહેલા સિનિયર આઈપીએસ અધિકારી પણ સુરત જવા માટે થનગની રહ્યા છે. આ અધિકારીએ પોતાની નોંધ લેવાય અને સુરત જવા મળે તે માટે પોતાના વર્તુળમાં રહેલા લોકો થકી મેસેજ ફરતા કરાવ્યા છે. બીજી તરફ્ અન્ય એક જુનિયર આઈપીએસ અધિકારીએ પોતાના રાજકીય સંપર્કોનો ઉપયોગ કરી સુરત જવા માટે તૈયારીઓ કરી છે. આ બધા વચ્ચે બાજી કોણ મારશે તે તો સમય બતાવશે. બીજી તરફ્ સુરત પોલીસ કમિશનરનોચાર્જ આઈપીએસ વાબાંગ ઝમીરને સોંપવાનો નિર્ણય જાહેર થયો છે, જેના કારણે રથયાત્રા પછી આઈપીએસ અધિકારીઓની ટ્રાન્સફર થશે તેવુંમનાઈ રહ્યું છે.