માનવજાતિને અમરત્વ પામવાના અભરખા જાગ્યા છે એવા સમયે, આધુનિક વિજ્ઞાન, તબીબી સુવિધાઓ અને ટેકનોલોજીના વિકાસને લીધે, માનવીના સરેરાશ આયુષ્યમાં વધારો જરૂર થયો છે, પણ એની સાથે અનેક નવા પ્રકારની બીમારીઓએ આપણને ભરડામાં લીધાં છે. આવા સમયે, શું આપણે કલ્પના કરી શકીએ કે, દુનિયામાં કેટલાક એવા વિસ્તારો છે, જ્યાં લોકો કોઈપણ આધુનિક દવાઓ, મોંઘા જિમ કે આહારના કડક નિયમો વગર સો વર્ષથી વધું જીવે છે? માત્ર જીવે છે એટલું જ નહીં, આ ઉંમરે પણ તેઓ શારીરિક રીતે સક્રિય રહે છે, ખેતી કરે છે, પહાડો ચડે છે અને માનસિક રીતે એકદમ સ્વસ્થ રહે છે. આવા નવાઈભર્યાં વિસ્તારોને વૈજ્ઞાનિકો 'બ્લૂ ઝોન્સ' તરીકે ઓળખે છે.  


 બ્લૂ ઝોન' શબ્દ નેશનલ જિયોગ્રાફ્કિના સંશોધક, પત્રકાર ને લેખક ડેન બ્યુટનરે આપ્યો હતો. વર્ષ 2004માં તેમણે વૈજ્ઞાનિકો, તબીબો અને ડેમોગ્રાર્ફ્સની એક ટીમ બનાવીને દુનિયાના એવા વિસ્તારોને શોધવાનું શરૂ કર્યું હતું, જ્યાં સો વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોની સંખ્યા સૌથી વધું હોય. આ શોધમાં જ્યારે તેઓ નકશા પર આવા વિસ્તારોને માર્ક કરતા હતા, ત્યારે તેઓએ વાદળી રંગની પેનનો ઉપયોગ કર્યો હતો. આ વાદળી રંગના નિશાન વાળા વિસ્તારો આગળ જતાં 'બ્લૂ ઝોન્સ' તરીકે પ્રખ્યાત થઈ ગયા.  

 સંશોધકોએ લાંબા, ઊંડા અભ્યાસ પછી વિશ્વભરમાંથી આવા પાંચ વિસ્તારો તારવ્યા, જ્યાં લોકો અસાધારણ રીતે લાંબુ જીવે છે. આ વિસ્તારો પૈકીનો એક વિસ્તાર છે, જાપાનનો 'ઓકિનાવા'. અહીં દુનિયામાં સૌથી વધું શતાયુ મહિલાઓ રહે છે. અહીંના લોકોના લાંબા આયુષ્યનું મુખ્ય કારણ તેમની જીવનશૈલી અને ઈકીગાઈ'ની વિભાવના છે. 'ઈકીગાઈ' એટલે જીવનનો હેતુ; દરરોજ સવારે પથારીમાંથી ઊઠવા માટેનું કારણ. અહીંના લોકો વનસ્પતિ આધારિત ખોરાક લે છે, ઉપરાંત, તેઓ 'મોઆઈ' નામનું એક સામાજિક માળખું ધરાવે છે, જેમાં નાનપણથી જ પાંચ છ મિત્રોનું જૂથ બનાવવામાં આવે છે, જે આજીવન એકબીજાને આર્થિક અને ભાવનાત્મક ટેકો આપે છે.   

 આવો બીજો 'બ્લૂ ઝોન' છે, ઇટાલીનો 'સાર્દિનિયા'. આ ટાપુના પર્વતીય વિસ્તારોમાં, ખાસ કરીને બાર્બાગિયા પ્રાંતમાં, દુનિયામાં સૌથી વધું સો વર્ષની ઉંમરના પુરુષો જોવા મળે છે. અહીં મોટાભાગના લોકો ઘેટાં પાળવાનું ને ખેતી કરવાનું કામ કરે છે. પર્વતીય વિસ્તાર હોવાથી તેમને રોજિંદા જીવનમાં ખૂબ ચાલવું પડે છે, જે તેમના હૃદયને મજબૂત બનાવે છે. તેમનો આહાર ભૂમધ્ય પ્રકારનો છે, જેમાં આખા અનાજ, કઠોળ, ઓલિવ ઓઇલ, બકરીનું દૂધ અને ટામેટાં સામેલ છે. અહીં કૌટુંબિક મૂલ્યો ખૂબ મજબૂત છે. અહીં વૃદ્ધોને ખૂબ માન આપવામાં આવે છે. આવો ત્રીજો વિસ્તાર છે, 'નિકોયા પેનિન્સુલા', કોસ્ટારિકા. મધ્ય અમેરિકામાં આવેલા આ વિસ્તારના લોકોનો મૃત્યુદર ખૂબ ઓછો છે. અહીંના લોકો 'પ્લાન ડે વિડા' એટલે કે, 'જીવનના હેતુ'માં દૃઢપણે માને છે. તેઓ માને છે કે, જીવનમાં એક ઉદ્દેશ્ય હોવો જરૂરી છે. બીજું રસપ્રદ કારણ અહીંનું પાણી છે, જેમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા ખનિજો પુષ્કળ પ્રમાણમાં મળે છે, જે તેમના હાડકાંને મજબૂત રાખે છે.

આવો ચોથો વિસ્તાર તે 'ઇકારિયા', ગ્રીસ. એજિયન સમુદ્રમાં આવેલા આ નાનકડા ગ્રીક ટાપુ પર લોકો ખૂબ જ હળવાશથી જીવે છે. અહીંના લોકો ઘડિયાળના કાંટે નથી જીવતા. બપોરે ઊંઘ લેવી તેમની દિનચર્યાનો મહત્વનો ભાગ છે. અહીં ભૂલવાની બીમારી અને હૃદયરોગનો દર દુનિયામાં સૌથી ઓછો છે. અહીંના લોકો પોતાના બગીચામાં ઉગાડેલા શાકભાજી ખાય છે ને વિવિધ પ્રકારની જંગલી ઔષધિઓની ચા પીવે છે. 'લોમા લિન્ડા', કેલિફોર્નિયા આવો જ પાંચમો 'બ્લૂ ઝોન' છે. આ એકમાત્ર 'બ્લૂ ઝોન' એવો છે, જે અમેરિકા જેવા વિકસિત દેશમાં આવેલો છે. અહીં 'સેવન્થ-ડે એડવેન્ટિસ્ટ' ધર્મના લોકો રહે છે, જે સામાન્ય અમેરિકનો કરતા સરેરાશ દસ વર્ષ વધું જીવે છે. તેમનું લાંબુ આયુષ્ય તેમના ધાર્મિક નિયમોને આભારી છે, જેમાં ધૂમ્રપાન કે આલ્કોહોલનું સેવન ન કરવું અને શાકાહારી ભોજન લેવું ફરજિયાત છે. તેઓ શનિવારનો દિવસ સંપૂર્ણપણે આરામ અને ધાર્મિક કાર્યો માટે ફાળવે છે, જે તેમને માનસિક શાંતિ આપે છે. 

આ પાંચેય બ્લૂ ઝોન્સનો અભ્યાસ કર્યા પછી, સંશોધકોએ તારવ્યું છે કે, ભલે આ લોકો અલગ-અલગ ખંડ, સંસ્કૃતિ અને ભૌગોલિક પરિસ્થિતિઓમાં રહેતા હોય, પરંતુ તેમની જીવનશૈલીમાં નવ બાબતો એકદમ સમાન છે. એટલે સંશોધકોએ આ નવ બાબતોને સિદ્ધાંતો તરીકે સ્વીકારીને તેને 'પાવર-નાઇન' નામ આપ્યું છે. આ સિદ્ધાંતો પૈકીનો પહેલો સિદ્ધાંત છે, સ્વાભાવિક શારીરિક હલનચલન. આ લોકો વજન ઊંચકવા જિમમાં નથી જતા. તેમની શારીરિક કસરત જ તેમના રોજિંદા જીવનનો એક ભાગ છે. તેઓ બાગકામ કરે છે, પહાડો પર ચાલે છે, ઘરનું કામ કરે છે અને વાહનોને બદલે ચાલવાનું વધું પસંદ કરે છે. 'જીવનનો હેતુ' સારા જીવન માટે બીજો અગત્યનો સિદ્ધાંત છે. જાપાનીઝમાં 'ઈકીગાઈ' અને નિકોયામાં 'પ્લાન ડે વિડા'અર્થાત્ 'સવારે ઊઠવા માટેનું કારણ' ખૂબ મહત્વપૂર્ણ છે. 

લાંબુ, સ્વસ્થ જીવવા માટે ધીમી ગતિ અને તણાવ વ્યવસ્થાપન ત્રીજો અગત્યનો સિદ્ધાંત છે. તણાવ દરેક 'બ્લૂ ઝોન'માં પણ હોય જ છે, પરંતુ ત્યાંના લોકો પાસે તણાવ દૂર કરવાની રૂટિન રીતો છે. ઓકિનાવાના લોકો દરરોજ તેમના પૂર્વજોને યાદ કરવા થોડો સમય કાઢે છે, એડવેન્ટિસ્ટ લોકો પ્રાર્થના કરે છે, ઇકારિયાના લોકો બપોરે ઊંઘે છે તો સાર્દિનિયાના લોકો સાંજે મિત્રો સાથે બેસીને હળવાશની પળો માણે છે. એંસી ટકા જ જમવાનો નિયમ ચોથો સિદ્ધાંત છે.   

ઓકિનાવામાં જમતા પહેલા લોકો *હારા હાચી બુ* નામનો કન્ફ્યુશિયસનો 2500 વર્ષ જૂનો મંત્ર બોલે છે. તેનો અર્થ એ છે કે, જ્યારે તમારું પેટ એંસી ટકા ભરાઈ જાય ત્યારે જમવાનું બંધ કરી દો. કેમ કે બાકી બચેલી વીસ ટકા ખાલી જગા વજન ઘટાડવા કે વધારવા વચ્ચેનો તફાવત નક્કી કરે છે. આ લોકો દિવસનું સૌથી નાનું ભોજન સાંજે લે છે અને ત્યારપછી કંઈ ખાતા નથી.  

 પાંચમો સિદ્ધાંત છે, વનસ્પતિ આધારિત ખોરાક લેવો. મોટાભાગના શતાયુ લોકોનો આહાર પંચાણું ટકા વનસ્પતિ આધારિત હોય છે. કઠોળ, દાળ, સોયાબીન અને શાકભાજી તેમના ખોરાકનો મુખ્ય ભાગ છે. શ્રદ્ધા અને જોડાણ સાતમો સિદ્ધાંત છે. સંશોધકોએ ઇન્ટરવ્યૂ કરેલા 263 શતાયુ લોકોમાંથી 98% 

લોકો કોઈને કોઈ ધાર્મિક સમુદાય અથવા આસ્થા સાથે 

જોડાયેલા હતા. અભ્યાસ દર્શાવે છે કે અઠવાડિયામાં ચાર વખત ધાર્મિક કે આધ્યાત્મિક સેવાઓમાં જોડાવાથી આયુષ્ય વધી શકે છે. વળી, આ શ્રદ્ધા તેમને જીવનની મુશ્કેલીઓનો સામનો કરવાની તાકાત આપે છે.  

 પરિવારને પ્રાધાન્ય આઠમો સિદ્ધાંત છે. આ વિસ્તારના લોકો પરિવારને સૌથી મહત્વનો માને છે. વૃદ્ધ માતા-પિતા અને દાદા-દાદીને વૃદ્ધાશ્રમમાં મોકલવાને બદલે ઘરમાં જ રાખવામાં આવે છે. આમ કરવાથી બાળકોને પ્રેમ અને સંસ્કાર મળે છે અને વૃદ્ધોને હૂંફ્. તેઓ પોતાના જીવનસાથી પ્રત્યે વફાદાર રહે છે અને બાળકોને સમય આપે છે. નવમો સિદ્ધાંત છે, સાચો મિત્ર વર્ગ. આપણે કોની સાથે રહીએ છીએ તેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. 'બ્લૂ ઝોન્સ'ના લોકો એવા સામાજિક વર્તુળોમાં રહે છે, જેઓ સ્વસ્થ વર્તનને પ્રોત્સાહન આપે છે. ઓકિનાવાના 'મોઆઈ' ની જેમ, જો આપણાં મિત્રો ખુશમિજાજ, સક્રિય ને સ્વસ્થ આહાર લેતા હશે, તો આપણે પણ આપમેળે તે જીવનશૈલી અપનાવી લઇશું. એટલે, સાચી સંગત કરવી ખૂબ જરૂરી છે.  

::: થ્રી ડૉટ્સ :::  

 જિંદગી ટૂંકી નથી, પણ ઘણીવાર આપણે એને જીવવાનું મોડા શરૂ કરીએ છીએ એટલે તે ટૂંકી લાગે છે. 


  • Follow us on: