મહાન ભારતની સંસ્કૃતિમાં મંદિર કોઈ સ્થાપત્ય નથી, માત્ર ધાર્મિક કેન્દ્ર નથી અને માત્ર ઇતિહાસના અવશેષ પણ નથી. એ તો છે, માનવચેતનાના ઉર્ધ્વગમનની એક સજીવ અભિવ્યક્તિ. ભારતના ઉત્તર ભાગમાં જ્યાં હિમાલયના શિખરો પર શિવજી તપસ્વી સ્વરૂપે પ્રગટ થાય છે, તો દક્ષિણ ભારતની ધરતી પર તેઓ ભવ્ય મંદિરો, ગગનચુંબી ગોપુરમો, અદ્ભુત શિલ્પકૃતિઓ અને ગહન ભક્તિપરંપરાના રૂપમાં પ્રગટ થાય છે. દક્ષિણ ભારતના શિવ મંદિરો માત્ર પથ્થરના મહાલયો નથી; તે સમય પર લખાયેલ શ્રદ્ધાના મહાકાવ્યો છે. તેમની દિવાલો પર ઇતિહાસ લખાયેલો છે, તેમના સ્તંભોમાં સંગીત વિરમી રહ્યું છે અને તેમના ગર્ભગૃહોમાં સહસ્ત્રાબ્દીઓથી મૌન ધ્યાન પ્રવાહિત થઈ રહ્યું છે.  


 ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને સ્થાપત્યકલાની વાત આવે એટલે દક્ષિણ ભારતના આ મંદિરો વિશેષ રૂપે યાદ આવે જ. આ મંદિરો પૈકીનું એક અનોખું શ્રદ્ધાકેન્દ્ર એટલે 'બૃહદેશ્વર મંદિર'. તે માત્ર એક મંદિર નથી, પરંતુ ભારતીય કલા, ધર્મ, વિજ્ઞાન, સ્થાપત્ય અને આધ્યાત્મિકતાનું જીવંત પ્રતીક છે. તામિલનાડુના તંજાવુર શહેરમાં સ્થિત આ ભવ્ય શિવમંદિર હજારો વર્ષથી ભારતીય સંસ્કૃતિની ગૌરવગાથા ગાઈ રહ્યું છે. તેની ભવ્યતા, કલાત્મકતા અને વૈજ્ઞાનિક આયોજનને કારણે તે વિશ્વભરમાં *બિગ ટેમ્પલ* તરીકે પણ ઓળખાય છે. આ મંદિર માત્ર પથ્થરોનો સમૂહ નથી; તે ચોલ સામ્રાજ્યની શક્તિ, શૈવ પરંપરાની ગહનતા અને માનવ સર્જનાત્મકતાની પરાકાષ્ઠાનું પ્રતિબિંબ છે.   

 આ મંદિરનું નિર્માણ મહાન ચોલ સમ્રાટ રાજરાજા દ્વારા ઈ.સ. 1003 થી 1010 દરમિયાન કરાવવામાં આવ્યું હતું. તે સમયગાળા દરમિયાન ચોલ સામ્રાજ્ય દક્ષિણ ભારતનું સૌથી શક્તિશાળી, મહાન સામ્રાજ્ય હતું. રાજરાજા ચોલે પોતાની રાજકીય શક્તિ, સાંસ્કૃતિક સમૃદ્ધિ અને શૈવભક્તિના પ્રતીક તરીકે આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. મંદિરનું મૂળ નામ *રાજરાજેશ્વરમ્* હતું, જે પછીથી 'બૃહદેશ્વર' તરીકે પ્રસિદ્ધ બન્યું. 'બૃહદ' એટલે વિશાળ અને 'ઈશ્વર' એટલે ભગવાન શિવ. આ નામ મંદિરની ભવ્યતા અને રાજ્યના આરાધ્ય દેવ બંનેને યોગ્ય રીતે વ્યક્ત કરે છે. સન 1987માં યુનેસ્કોએ આ ભવ્યમંદિરને 'વિશ્વ ધરોહર' સ્થળ તરીકે માન્યતા આપી હતી. આજે આ મંદિર *Great Living Chola Temples* સમૂહનો અગત્યનો ભાગ છે. બૃહદેશ્વર મંદિરને દ્રવિડ સ્થાપત્ય શૈલીનું સર્વોત્તમ ઉદાહરણ માનવામાં આવે છે. લગભગ એક હજાર વર્ષ પહેલાં આધુનિક યંત્રો વિના, આટલી વિશાળ રચના કેવી રીતે શક્ય બની હશે ! તે આજે પણ આૃર્ય પમાડે છે. મંદિરનું સૌથી આકર્ષક અંગ તેનું 216 ફૂટ જેટલું ઊંચું વિમાન (શિખર) છે. તે વિશ્વના સૌથી ઊંચા પ્રાચીન મંદિર શિખરોમાંનું એક ગણાય છે. વળી, વિશેષ વાત એ છે કે, આ આખું મંદિર મુખ્યત્વે ગ્રેનાઈટ પથ્થરોથી બનાવવામાં આવ્યું છે, જ્યારે તંજાવુરની આસપાસ ગ્રેનાઈટની કોઈ મોટી ખાણો ઉપલબ્ધ જ ન હતા. એટલે માનવામાં આવે છે કે, આ પથ્થરો દૂરના વિસ્તારોમાંથી લાવવામાં આવ્યા હતા.  

 શિખરની ટોચ પર લગભગ એંસી ટન વજનનો એક વિશાળ એકાશ્મ પથ્થર સ્થાપિત કરવામાં આવ્યો છે. ઇતિહાસકારોના મત અનુસાર તેને ઊંચે ચડાવવા માટે અનેક કિલોમીટર લાંબો ઢોળાવવાળો માર્ગ બનાવવામાં આવ્યો હશે.  

મંદિરની દિવાલો, સ્તંભો અને મંડપોમાં અદભૂત શિલ્પકામ જોવા મળે છે. તેમાં દેવ-દેવીઓ, નૃત્યમુદ્રાઓ, યુદ્ધદૃશ્યો, સંગીતકારો અને દૈનિક જીવનના અનેક પ્રસંગોનું સુંદર નિરૂપણ કરવામાં આવ્યું છે. મંદિર પરિસરમાં ભગવાન શિવના વાહન નંદીની વિશાળ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આ પ્રતિમા એક જ પથ્થરમાંથી બનાવવામાં આવી છે. તેની લંબાઈ આશરે 6 મીટર અને ઊંચાઈ લગભગ 3.7 મીટર છે. ભારતની સૌથી મોટી એકાશ્મ નંદી પ્રતિમાઓમાં તેનો સમાવેશ થાય છે. ભક્તો માટે નંદી માત્ર વાહન નથી પરંતુ અડગ શ્રદ્ધા, સમર્પણ અને ધ્યાનનું પ્રતીક છે. બૃહદેશ્વર મંદિર શૈવ પરંપરાનું એક મહાન તીર્થસ્થાન છે. અહીં ભગવાન શિવ વિશાળ શિવલિંગ સ્વરૂપે બિરાજમાન છે. શૈવ દર્શન અનુસાર શિવ અનંત ચૈતન્યના પ્રતીક છે. શિવલિંગ બ્રહ્માંડની સર્જનશક્તિ અને અનંતતાનું પ્રતિનિધિત્વ કરે છે. મંદિરની સમગ્ર રચના પણ આ જ આધ્યાત્મિક યાત્રાનું પ્રતીક માનવામાં આવે છે. મંદિરના ગર્ભગૃહ સુધી પહોંચવાની પ્રક્રિયા ભક્તને બાહ્ય જગતમાંથી આંતરિક ચેતના તરફ્ લઈ જાય છે. બહારની ભવ્યતા ધીમે ધીમે આંતરિક મૌન અને એકાગ્રતામાં પરિવર્તિત થાય છે. આ જ ભારતીય મંદિર પરંપરાનો મૂળ હેતુ છે. ભારતીય અધ્યાત્મમાં મંદિરને માત્ર પૂજાનું સ્થાન નથી માનવામાં આવતું. તે તો ચેતનાને ઉન્નત બનાવવાનું સાધન છે. બૃહદેશ્વર મંદિરનું ઊંચું શિખર મનુષ્યની ચેતનાના ઉર્ધ્વગમનનું પ્રતીક છે. પૃથ્વીથી આકાશ તરફ્ ઊંચે ઉઠતી તેની રચના જાણે આત્માની પરમાત્મા તરફ્ની યાત્રા દર્શાવે છે. ગર્ભગૃહમાં સ્થિત શિવલિંગ નિરાકાર પરમસત્તાનું પ્રતીક છે. અહીં ભક્તને સમજાય છે કે, પરમસત્ય કોઈ ચોક્કસ આકારમાં સીમિત નથી, પરંતુ સમગ્ર અસ્તિત્વમાં વ્યાપેલું છે.  

 મંદિરના શિલ્પોમાં દર્શાવવામાં આવેલી નૃત્યમુદ્રાઓ અને સંગીત ભારતીય વિચારધારામાં કલા અને આધ્યાત્મ વચ્ચેના અવિભાજ્ય સંબંધને વ્યક્ત કરે છે. અહીં કલા માત્ર મનોરંજન નથી; તે ઈશ્વરપ્રાપ્તિનો માર્ગ છે.  

બૃહદેશ્વર મંદિર દક્ષિણ ભારતીય સંસ્કૃતિનું જીવંત કેન્દ્ર રહ્યું છે. ચોલ યુગ દરમિયાન અહીં માત્ર ધાર્મિક વિધિઓ જ નહીં, પરંતુ સંગીત, નૃત્ય, સાહિત્ય અને શિક્ષણની પ્રવૃત્તિઓ પણ થતી હતી. મંદિરની દિવાલો પરના શિલાલેખોમાં જમીનદાન, વહીવટ, કરવ્યવસ્થા, સંગીતકારો અને નૃત્યાંગનાઓ વિશે વિગતવાર માહિતી મળે છે. આ શિલાલેખો મધ્યકાલીન દક્ષિણ ભારતના સામાજિક અને આર્થિક જીવનના અમૂલ્ય દસ્તાવેજો સમાન બની રહ્યા છે. વિખ્યાત ભરતનાટયમ્ નૃત્ય પરંપરાના વિકાસમાં પણ આવા દક્ષિણ ભારતીય મંદિરોનું મહત્વનું યોગદાન રહ્યું છે. મંદિરની દિવાલોમાં કોતરાયેલી નૃત્યમુદ્રાઓ આજે પણ કલાકારો માટે પ્રેરણાસ્ત્ર્રોત છે. બૃહદેશ્વર મંદિર પ્રાચીન ભારતીય ઇજનેરી કુશળતાનું અનોખું ઉદાહરણ છે. મંદિરની દિશા, પ્રકાશવ્યવસ્થા, વજનનું વિતરણ અને પથ્થરોની ગોઠવણી અત્યંત વૈજ્ઞાનિક રીતે કરવામાં આવી છે. હજારો વર્ષોથી અનેક કુદરતી પડકારો છતાં મંદિર અડીખમ ઊભું છે. ઘણા સંશોધકોનું માનવું છે કે મંદિરના નિર્માણમાં ગણિત, ભૂમિતિ અને ખગોળવિજ્ઞાનના ઊંડા જ્ઞાનનો ઉપયોગ થયો હતો. મંદિરની રચનામાં પ્રમાણ, સમતુલા અને જ્યોમેટ્રિક ચોકસાઈ આપણને સ્પષ્ટપણે જોવા મળે છે. આજે બૃહદેશ્વર મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ વિશ્વભરના પ્રવાસીઓ, ઇતિહાસકારો, સ્થાપત્યવિદો અને આધ્યાત્મિક સાધકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ અહીં આવે છે. મંદિરમાં ઉજવાતા મહાશિવરાત્રિ જેવા ઉત્સવો ભક્તિ અને સાંસ્કૃતિક વૈભવનો અદ્ભુત અનુભવ કરાવે છે.  

 આ મંદિર આપણને યાદ અપાવે છે કે, ભારતીય સંસ્કૃતિ માત્ર પ્રાચીન જ નહીં, પરંતુ અત્યંત વિકસિત, વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક પણ હતી. એક હજાર વર્ષ પહેલાં સર્જાયેલું આ સ્થાપત્ય આજે પણ આધુનિક ઇજનેરો અને કલાકારોને અૃર્યચકિત કરે છે. બૃહદેશ્વર મંદિર ભારતીય સંસ્કૃતિના સ્વર્ણિમ અધ્યાયનું જીવંત સ્મારક છે. તેમાં ચોલ સામ્રાજ્યની રાજકીય શક્તિ, શૈવ ભક્તિની ગહનતા, કલાની સૌંદર્યદૃષ્ટિ અને આધ્યાત્મિકતાની ઊંચાઈ એકસાથે જોવા મળે છે. જ્યારે આપણે આ ભવ્ય મંદિરને નિહાળીએ છીએ ત્યારે માત્ર પથ્થરોની રચના નથી જોતા, પરંતુ એક એવા યુગનું દર્શન કરીએ છીએ, જ્યાં ધર્મ, વિજ્ઞાન, કલા અને આધ્યાત્મ એકબીજાના પૂરક હોય. બૃહદેશ્વર મંદિર આપણને શીખવે છે કે, માણસની સર્જનાત્મકતા જ્યારે શ્રદ્ધા અને જ્ઞાન સાથે જોડાય છે ત્યારે, તે સમયને પણ પડકારતી અમર કૃતિઓ સર્જી શકે છે. આ કારણે બૃહદેશ્વર મંદિર માત્ર તામિલનાડુનું કે ભારતનું જ ગૌરવ નથી, પરંતુ સમગ્ર માનવજાતની સાંસ્કૃતિક ધરોહરનું પણ ગૌરવ છે.  

::: થ્રી ડૉટ્સ :::  

 બહુ વધું મીઠું બોલનાર માણસ કોઈવાર આપણને હની (મધ) નહીં, હાનિ (નુકસાન) પહોંચાડતો હોય છે.


  • Follow us on: