હાલમાં દેશના મોટાભાગ લાંબા અને વધુ તીવ્ર ગરમીના મોજાનો સામનો કરી રહ્યાં છે. ઝડપી શહેરીકરણ, કોંક્રિટની બનેલી ભારે માળખાકીય સુવિધાઓ, એરકન્ડીશનીંગ અને ઘટતાં જતાં હરિયાળાં આવરણને પરિણામે શહેરી ગરમીનો ટાપુ પોતાની જ ગરમીમાં અટવાઇ ચૂક્યો છે. ઓક્સર્ફ્ડ યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસ મુજબ, 2010 ની આસપાસ વિશ્વની લગભગ 23% વસ્તી ભારે ગરમીની સ્થિતિમાં આવી હતી. વૈશ્વિક તાપમાનમાં વધારો થવાના સંજોગોમાં આ પ્રમાણ 2050 સુધીમાં નોંધપાત્ર રીતે વધીને લગભગ 41% થવાનો અંદાજ છે જેથી લગભગ 3.79 અબજ લોકો ખાસ કરીને દક્ષિણ એશિયા, આફ્રિકા અને દક્ષિણપૂર્વ એશિયાના ભાગોમાં ભારે ગરમીથી પ્રભાવિત થઈ શકે છે. આ વધારો સતત ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનને કારણે ચાલતા ગ્લોબલ વોર્મિંગને આભારી છે, અને વૈશ્વિક તાપમાન પૂર્વ-ઔદ્યોગિક સ્તરથી 1.5ઢ્ઢC થી 2ઢ્ઢCસુધી પહોંચવા અથવા તેનાથી વધુ થવાથી તેની અસરો વધુ તીવ્ર થવાની ધારણા છે.


તદુપ્રાંત, શહેરી વિસ્તારોમાં ગરમીનો બહાર નીકળવાનો માર્ગ અવરોધાયો છે. આ પરિવર્તન પાછળ મૂળભૂત રીતે અધારમાળખાકીય સુવિધાઓમાં વપરાતી કોંક્રિટ, ડામર, સ્ટીલ અને કાચ જેવી સામગ્રી જવાબદાર છે. આ સામગ્રી ગરમીને ઝડપથી શોષી લે છે પરંતુ તેને ધીમે ધીમે છોડે છે. દિવસ દરમિયાન માર્ગો, છતો અને રવેશ ગરમ થાય છે અને રાત્રે તે ગરમીનું ઉત્સર્જન કરે છે, જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરવામાં વિલંબ થાય છે. ગીચ વિસ્તારોમાં સપાટીનું તાપમાન ભર બપોરે 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે. આ સપાટીઓ લાવાના જળાશયો જેવું કાર્ય કરે છે, જે આસપાસની હવાને રાત્રે પણ ગરમ રાખે છે અને શહેર વાસ્તવમાં સૂર્યની ગરમીનો સંગ્રહ કરે છે. બાંધકામ સામગ્રીમાં જ્યાં કાચનો ભારે વપરાશ થયો છે એવાં શહેરી વિસ્તારોમાં ઘરોમાં સોલર રેડિએશનની સમસ્યા વધુ વકરી છે અને ગરમી ઘટાડવાને બદલે એર કન્ડીશનીંગ પર નિર્ભરતા વધી છે.

અને પછી વાહનોની અવરજવર ગરમીમાં સતત વધારો કરતી રહે છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ જેવા કોરિડોર સતત ગરમીના સ્ત્ર્રોત તરીકે કાર્ય કરે છે, જ્યાં એન્જિન અને વાહનોનો ધૂમાડો ઓકતા એક્ઝોસ્ટ ગરમી-શોષક ડામર સાથે મળીને સતત હોટસ્પોટ્સ બનાવે છે. સમય જતાં, આનાથી થર્મલ કોરિડોર રચાય છે, જે શહેરનાં માઇક્રો-ક્લાઇમેટને બદલી નાખે છે. એક તરફ્ જ્યાં આ રીતે શહેરોમાં ગરમીનો સંગ્રહ થાય છે ત્યારે શહેર ગરમી છોડવા માટે પણ સંઘર્ષ કરે છે. ખુલ્લાં આંગણાં, છાંયડાવાળા માર્ગો, વેન્ટિલેશન કોરિડોર જેવાં વાતાવરણને ઠંડું રાખતાં પરંપરાગત પરિબળો મોટાભાગે અદૃશ્ય થઈ ગયાં છે તેના સ્થાને ગીચ બાંધકામ ધરાવતા વિસ્તારો અને સાંકડી શેરીઓ હવાના મુક્ત પ્રવાહને અવરોધે છે. પરિણામે, અવરોધાયેલી ગરમ હવાથી શહેરોમાં ગરમીનો સંગ્રહ થાય છે.

ગરમીમાં વધારા સાથે ઠંડકની માંગ વધે છે. એરકંડીશનીંગથી ઇમારતનો અંદરનો ભાગ ઠંડો થાય છે પરંતુ ગરમી બહાર ફેંકાય છે. આનાથી ગીચ વિસ્તારોમાં આસપાસના તાપમાનમાં 1-2 ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો થાય છે. આનાથી એક એવું દુષ્ટ ચક્ર ઊભું થાય છે જ્યાં વધતા તાપમાનને કારણે એરકંડીશનીંગની માંગ વધે છે, જેનાથી બહારનું વાતાવરણ વધુ ગરમ થાય છે. શહેરની ઇમારતો અંદરથી ઠંડી થાય છે પરંતુ બહાર ગરમી વધે છે. એરકંડીશનીંગ-પંખાની માંગને કારણે વીજ વપરાશ પણ નોંધપાત્ર રીતે વધે છે. રાષ્ટ્રીય સ્તરે, 2050 સુધીમાં ઇમારતની અંદરની ઠંડક માટેની માંગ લગભગ આઠ ગણી વધવાનો અંદાજ છે, જે વીજપ્રણાલી પર દબાણ વધારશે અને પરિણામે ભારે ગરમી દરમિયાન આઉટેજનું જોખમ વધશે.

પારિસ્થિતિક રીતે, શહેરો તેની કુદરતી ઠંડક જાળવી રાખતી પ્રણાલીઓ ગુમાવી ચૂક્યું છે. ઘટી રહેલું હરિયાળું આવરણ, ઘટી રહેલી જળપ્લાવિત જમીન અને નદીઓમાં પૂરનાં મેદાનોને થયેલાં નુકસાનથી બાષ્પીભવન ઘટયું છે. વનસ્પતિ અને જળાશયો વિના, તાપમાનને નિયંત્રિત કરવાની શહેરોની ક્ષમતા નબળી પડી છે. આ કટોકટીનો સામનો કરવા માટે શહેરોનું નિર્માણ કરવાની અને તેનું સંચાલન કરવાની પદ્ધતિમાં માળખાકીય પરિવર્તન લાવવાની જરૂર છે. હવે બાંધકામમાં એવી સામગ્રીનો ઉપયોગ અનિવાર્ય બન્યો છે જેનાથી ઊંચું પરાવર્તન (પ્રકાશ પાછો ફેંકવાની) ક્ષમતા ધરાવતી સપાટી, ઠંડી છત અને રિફ્લેક્ટીવ કોટિંગ્સનું નિર્માણ કરી શકાય. ઇમારતોને ઇન્સ્યુલેશન અને શેડિંગ અને ક્રોસ-વેન્ટિલેશન જેવી પેસીવ ડિઝાઇન અપનાવવાની જરૂર છે, જેનાથી મકાનની રચના, દિશા (orientation) અને આસપાસના વાતાવરણનો ઉપયોગ કરીને કુદરતી રીતે જ ઘરનું તાપમાન આરામદાયક રાખી શકાય.

શહેરી આયોજનમાં વેન્ટિલેશન, કોરિડોર અને વધુ શેરીઓ માટે વધુ સારા દિશા-આયોજન દ્વારા હવાના પ્રવાહને પુનઃસ્થાપિત કરવો જોઈએ. શહેરી જંગલો, ઉદ્યાનો અને જળાશયોનો સમાવેશ, કુદરતી પાણી પ્રણાલીઓ (વાદળી)ને વનસ્પતિ અને લેન્ડસ્કેપ્સ (લીલા) સાથે સાંકળીને પારિસ્થિતિક રીતે સાતત્યપૂર્ણ શહેરો બનાવી શકાય. માનવ પ્રવૃત્તિ દ્વારા ઉત્પન્ન થતી ગરમી ઘટાડવી પણ એટલી જ મહત્ત્વપૂર્ણ છે. ટકાઉ પરિવહન, ઇલેક્ટ્રિક વાહનો અને બહેતર જાહેર પરિવહનથી વાહનોનું ઉત્સર્જન ઘટાડી શકાશે. ઊર્જા-કાર્યક્ષમ ઉપકરણો અને ડિસ્ટ્રીક્ટ કૂલીંગ સીસ્ટમ પણ ગરમીને ઘટાડી શકે છે. ચીનનું દાખલા ઉદાહરણરૂપ છે; તે તમામ ઇલેક્ટ્રિક વાહનોના 60%, લિથિયમ બેટરીનો 78% અને મોટાભાગના ફેટોવોલ્ટેઇક્સનો વેચાણ માટે જવાબદાર છે.

વર્તમાન સદીના અંત સુધીમાં ગરમ ??રાત્રિઓની આવૃત્તિમાં 70% નો વધારો થવાનો અંદાજ છે, જ્યારે ગરમ દિવસોમાં 55% નો વધારો થવાનો અંદાજ છે, જે સૂચવે છે કે રાત્રિઓ વધતા તાપમાનથી ઓછી રાહત આપી શકછે. 2024 માં ભારતમાં ગરમીના મોજાના દિવસો 19.8 હતા, જેમાંથી 6.6. ગરમીના દિવસોનો અનુભવ ન થયો હોત જો આબોહવા પરિવર્તન ન થયું હોત તો! 1901 થી 2018 દરમિયાન ભારતના સરેરાશ તાપમાનમાં 0.7% નો વધારો થયો હતો. 1976-2005ના બેઝલાઇન સમયગાળાની તુલનામાં વર્તમાન સદીના અંત સુધીમાં સમગ્ર ભારતમાં ઉનાળાના ગરમીના મોજાની આવૃત્તિમાં 3-400% વધારો થવાનો અંદાજ છે!

ગરમી સંબંધિત નાની બીમારીઓમાં ફોલ્લીઓ, સોજો, ખેંચાણ અને ગંભીર બીમારીઓમાં બેભાન થવું, થાક લાગવો અને હીટ સ્ટ્રોક નો સમાવેશ થાય છે. આમાં હીટ સ્ટ્રોક એ ગરમી સંબંધિત બીમારીનું સૌથી ગંભીર અને જીવલેણ સ્વરૂપ છે, જેના પરિણામે ભારતમાં વાર્ષિક અંદાજે 1000 લોકો જીવ ગુમાવે છે.WHOના મતે, ભારે ગરમીને કારણે વૈશ્વિક સ્તરે લગભગ 5 લાખ લોકોના મોત થાય છે, જેમાંથી 45% મૃત્યુ એશિયામાં થાય છે.

રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (NDMA) ગરમી કાર્ય યોજનાઓ (HAPs)અમલમાં મૂકવા માટે 23 રાજ્યો સાથે સહયોગ કરી રહ્યું છે, જેમાં પ્રારંભિક ચેતવણી પ્રણાલીઓ, જાગૃતિ અભિયાનો, જાહેર આરોગ્ય પ્રતિભાવો અને ઠંડક કેન્દ્રો સ્થાપવાનો સમાવેશ થાય છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ખાસ ગરમીના મોજાની ચેતવણી બુલેટિન અને અસર આધારિત ગરમીના મોજાની આગાહીઓ જારી કરે છે, અને જિલ્લા સ્તરે ઠંડી છત, શહેરી જંગલો, જળાશયો અને પ્રતિબિંબીત માળખા જેવા ગરમી-પ્રતિરોધક શહેરી આયોજન પગલાં અપનાવવા માટે માર્ગદર્શિકા અથવા સલાહની વિગતો પ્રદાન કરે છે. 2023 થી,IMDએ દેશના વિવિધ ભાગોમાં ગરમીના મોજા સંબંધિત જોખમોને ઘટાડવા માટે સક્રિય પગલાં લેવા સક્ષમ બનાવવા માટે મોસમી અને માસિક ગરમીના મોજાના અંદાજો જારી કરવાનું પણ શરૂ કર્યું છે.

ભારત સરકાર આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટે નેશનલ એક્શન પ્લાન ઓન ક્લાઈમેટ ચેન્જ (NAPCC) અને સ્ટેટ એક્શન પ્લાન ઓન ક્લાઈમેટ ચેન્જ (SAPCC),જેવી યોજનાઓ દ્વારા સૌર ઉર્જા, ઉર્જા કાર્યક્ષમતા, જળ સંરક્ષણ, ટકાઉ કૃષિ, આરોગ્ય, હિમાલય ઇકોસિસ્ટમ સંરક્ષણ, ટકાઉ નિવાસસ્થાન વિકાસ, ગ્રીન ઇન્ડિયા અને આબોહવા પરિવર્તન માટે વ્યૂહાત્મક જ્ઞાન જેવા ક્ષેત્રોમાં એક વ્યાપક માળખા તરીકે સેવા આપે છે. વધુમાં, આંતર-સરકારી પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જ (IPCC) પ્રકાશિત અભ્યાસોના આધારે ક્લાઈમેટ ચેન્જ, તેના કારણો, સંભવિત અસરો અને પ્રતિભાવ વિકલ્પો અંગેના જ્ઞાન વિશે વ્યાપક મૂલ્યાંકન અહેવાલો તૈયાર કરે છે.

ગરમીના મોજાની અસરો ઘટાડવા માટે, ભારતે પ્રારંભિક ચેતવણી પ્રણાલીઓ, શહેરી ગરમી-પ્રતિરોધક ડિઝાઇન, જાહેર આરોગ્ય તૈયારી અને સંવેદનશીલ બહારની વસ્તી માટે કડક કાર્યસ્થળ નીતિઓને સંયોજિત કરતી બહુ-સ્તરીય વ્યૂહરચના અમલમાં મૂકવી જોઈએ. ભારે ગરમી દરમિયાન ગરીબ વસ્તી માટે સામાજિક સુરક્ષા પણ એટલી જ મહત્ત્વપૂર્ણ છે. તેમને સુરક્ષિત રાખવા માટે પોષણક્ષમ રહેઠાણમાં સુધારો, ઠંડક આપે તેવાં સહાયકીયુક્ત અને સમુદાયિક કેન્દ્રો સ્થાપિત કરવું જરૂરી છે.


  • Follow us on: