સમગ્ર વિશ્વમાં 5મી જૂનને વિશ્વ પર્યાવરણ દિન તરીકે મનાવવામાં આવે છે. ક્લાઈમેટ ચેન્જને કારણે આખા વિશ્વમાં પર્યાવરણ અને ઋતુચક્રમાં મોટાપાયે ફેરફાર થઈ રહ્યા છે. પેરિસ એકોર્ડ કરવામાં આવ્યો અને કાર્બન ઉત્સર્જનને મર્યાદિત રાખવાનાં લક્ષ્યાંકો નક્કી કરવામાં આવ્યા પણ વિકસિત દેશો જ આ અભિયાનમાં અવરોધો સર્જતા રહ્યા. માનવીઓએ જ્યારથી પ્રકૃતિનું જતન કરવાને બદલે વૃક્ષોની કત્લેઆમ બોલાવવાનું શરૂ કર્યું, શહેરોમાં કોન્ક્રીટનાં જંગલો ઊભા કરવા માંડયા. જમીનમાંથી આડેધડ મન ફાવે તેટલું પાણી ખેંચાતું રહ્યું. જંગલોનો નાશ થયો ત્યારથી પૃથ્વી પર વસતા માનવી માટે ક્લાઈમેટ ચેન્જ અને પ્રદુષણની માયાજાળ માનવીની પથારી ફેરવવા લાગ્યા. ગલ્ફનાં દેશો કે જ્યાં વર્ષો સુધી પાણીનું ટીપું સુદ્ધા વરસતું ન હતું ત્યાં અબુધાબી, કુવૈત, મસ્કત, દોહા અને કતાર જેવા રણ વિસ્તારોમાં મકાનોનાં મકાનો અને રસ્તા પરનાં વાહનો ડૂબી જાય તેવો ગાંડોતૂર વરસાદ પડવા લાગ્યો. અમેરિકાનાં અનેક રાજ્યોમાં વાવાઝોડા કાળો કેર વર્તાવતા રહ્યા તો ક્યાંક જંગલોમાં દાવાનળે લોકો માટે શાંતિથી જીવવાનું દુષ્કર કરી મુક્યું છે. ભારત, અમેરિકા સહિત વિશ્વનાં કેટલાક ખંડોમાં અને કેટલાક દેશોમાં જ્યાં સ્થળ ત્યાં જળ હાહાકાર મચાવવા લાગ્યું. આ બધા માનવીએ પર્યાવરણની જાળવણી કરવાની પરવા ન કરી તેનાં માઠા પરિણામો છે. છેલ્લા બે દાયકાથી ભારત સહિત તમામ દેશોએ પર્યાવરણની જાળવણી માટે સંખ્યાબંધ પગલાં લીધા છે તેમાં ક્યાંક ખામીઓ જણાઈ છે તો અમેરિકા જેવા કેટલાક વિકસિત દેશોએ આ માટે તેમની જવાબદારી નિભાવ્યા વિના વિકાસશીલ દેશો ઉપર તેમનો દોષનો ટોપલો ઢોળી દીધો છે. અમેરિકા, યુરોપનાં કેટલાક દેશો સીફતપૂર્વક તેમની જવાબદારીમાંથી છટકી ગયા છે. ભારતે 2030 સુધીમાં કાર્બન ઉત્સર્જનનું પ્રમાણ ઓછામાં ઓછું રાખવા પગલાં લીધા છે. ભારતે 2030નાં 11 વર્ષ પહેલા જ કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટેનાં પગલાં લીધા છે. ભારત તેનાં આર્થિક વિકાસને ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનથી અલગ રાખવામાં સફળ રહ્યું છે. ભારતમાં ક્લાઈમેટ ચેન્જને કારણે થતા ફેરફારોની અસરો ઓછી કરવા પગલાં લેવામાં આવ્યા છે. લોકોની જીવનશૈલી બદલવા જન આંદોલન કરવા કમર કસી છે. સૌર ઉર્જા અને નવીન ઉર્જાને કારણે સ્વચ્છ ઈંધણનો કન્સેપ્ટ વિકસ્યો છે. સ્વચ્છ જમીનની માંગ અને પાણીનાં સ્તરમાં વધારો કરવા પગલાં લેવામાં આવી રહ્યા છે. ભારતમાં જો હવે લોકો નહીં સમજે અને હજી પણ ભૂગર્ભમાંથી પાણી ખેંચાતું રહેશે, લોકો નદી અને નહેરોને સ્વચ્છ નહીં રાખે. વધુ વૃક્ષોનું વાવેતર કરીને વનીકરણને વેગ નહીં આપે, જંગલો અને વૃક્ષોનું આડેધડ નિકંદન કાઢવામાં આવશે. શહેરોમાં વૃક્ષોની સંખ્યા ઘટશે અને ગામડાઓમાં વનીકરણ માટે પગલાં નહીં લેવાય તો દર વર્ષે પર્યાવરણ દિવસે તેનાં જતન માટેનાં શપથ લઈને તેની જાળવણી માટે કોઈ પગલાં નહીં લઈએ તો કાળઝાળ ગરમી, નદીઓમાં ઘોડાપૂર, પર્વતોનો અને જંગલોનો વિનાશ માનવી માટે તબાહી સર્જતો જ રહેશે. 


  • Follow us on: