તાજેતરમાં જ 'ફાધર્સ ડે' ગયો. આ સંદર્ભમાં બે પ્રેરક પ્રસંગો વાંચો. 


મણિબહેન પટેલ

પહેલાં સરદાર સાહેબનાં પુત્રી મણિબહેન પટેલની વાત જેઓ પિતાની સેવા માટે જિંદગીભર કુંવારાં રહ્યાં અને જીવનભર કદીયે રંગીન લૂગડાં પહેર્યા નહીં. સરદાર પટેલ શ્રોષ્ઠ રાષ્ટ્રપુરુષ હતા તો મણિબહેન પટેલ શ્રોષ્ઠ પિતાનાં શ્રોષ્ઠ પુત્રી હતાં. તા. 3 એપ્રિલ, 1903ના રોજ મણિબહેનનો જન્મ થયો હતો. મણિબહેન પટેલના અવસાનને વર્ષો થઈ ગયાં.   

છેલ્લે છેલ્લે ભદ્રમાં આવેલા સરદાર કોંગ્રેસભવનનાં પગથિયાં ચડતાં ઘણાએ જોયાં હશે. આ દેશ જેમને કદીયે ભૂલી શકે તેમ નથી તેવા ભારતના પૂર્વ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલનાં પુત્રી રિક્ષામાં બેસી કોંગ્રેસભવન આવતાં. ના ઠાઠ, ના મોભો, ના દેખાડો. એમાંયે રિક્ષાવાળો બીડી પીવે તો એમને ગમે નહીં. મણિબહેન પાસે પોતાનું કોઈ જ વાહન નહોતું. મણિબહેન એટલે મધ્યમ કદનાં, દુબળાં, પાતળાં, હંમેશાં સફેદ ખાદીનાં લૂગડાં તે પણ સારી પેઠે ઊંચો પહેરેલો સાડલો અને કોણી સુધી બાંયવાળું પોલકું. જ્યારે જુઓ ત્યારે એ જ પહેરવેશ. પાટીદારની કન્યા વયસ્ક થાય એટલે તેને પરણાવી દેવાની જ ચિંતા થાય, પરંતુ દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં વ્યસ્ત એવા વિધુર પિતાની હાલત જોઈ તેમની સેવા માટે મણિબહેને બાપુના આશીર્વાદથી લગ્ન કરવાનું માંડી વાળ્યું હતું. આ તેમનો પિતાની સેવા માટેનો પ્રથમ શ્રોષ્ઠ ત્યાગ હતો.   

મણિબહેને પિતાનો પડછાયો બનીને રહેવાનું નક્કી કર્યું. તે પછી તેમના નોકર-ચાકરથી માંડીને અંગત સચિવ સુધીની બધી જ કામગીરી મણિબહેન કરતાં હતાં. સરદાર સાહેબ શરૂ શરૂમાં તો સવારની પ્રાતઃ ક્રિયાઓ પતાવી સવાર-સાંજ ચાલવા જતા. પહાડીઓ પર ચાલવા જાય તો કોઈવાર 15-20 કિલોમીટર ચાલી નાંખે. હાડપિંજર જેવા શરીર સાથે મણિબહેન પણ પાછળ દોડતાં હોય. રોજ સવારે સરદાર સાહેબ સ્નાનાગારમાં સ્નાન કરતાં હોય, તો મણિબહેન બાથરૂમની બહાર રેંટિયો કાંતતાં બેસી રહે. મણિબહેનની એક આંખ રેંટિયા પર હોય તો બીજી આંખ બાથરૂમના દરવાજા પર. અંદરથી પાણીનો ખળખળ અવાજ કે ખાંસવાનો અવાજ આવે તે બધાનો સંકેત મણિબહેન પાસે હોય. સરદાર સાહેબ બાથરૂમમાંથી બહાર નીકળે એટલે મણિબહેનનો રેંટિયો બંધ. આઝાદી મળી તે પહેલાં અને સરદાર સાહેબ નાયબ વડાપ્રધાન બન્યા તે પછી પણ મણિબહેન જ તેમનાં પુત્રી, ચાકર, મંત્રી, ધોબી અને અંગરક્ષક રહ્યાં.   

સરદાર સાહેબ સંસદભવનમાં કેબિનેટની મીટિંગમાં અંદર જાય તો મણિબહેન બહાર બેસી રહે. કોઈનીયે ઓફ્સિમાં જઈ તડાકા મારવાની કે ચા-નાસ્તા કરવાથી તેઓ જોજનો દૂર. તેઓ જાતે રેંટિયો ચલાવે. તેમાંથી સરદાર સાહેબનાં ધોતિયાં તૈયાર થાય. ફાટે તો સાંધી આપે અને છેવટે તે ધોતિયામાંથી જ પોતાનાં બ્લાઉઝ સીવડાવે. આવા હતા પિતાની સેવા માટે જિંદગીભર કુંવારા રહેનારા સરદાર સાહેબના પુત્રી મણિબહેન પટેલ   

જેમ્સ 

હવે એક બીજી ટચૂકડી પ્રેરક કથા વાંચો. આ કથા અમેરિકાના એક પરિવારની છે.   

જેમ્સ એ વખતે કૉલેજમાં ભણતો હતો. એને બચપણથી જ મોટરકારો બહુ ગમતી હતી. તે બજારમાં જતો અને મોટરકારોના શૉ-રૂમ આગળ જઈ ઊભો રહેતો. એક શૉ-રૂમના ગ્લાસમાંથી એણે એક સ્પોર્ટ્સ કાર જોઈ. એને એ કાર બહુ જ ગમી ગઈ. એણે અંદર જઈ કારની કિંમતની પૂછપરછ કરી. એ સમજી ગયો કે આ કાર બહુ જ મોંઘી છે પરંતુ તેના પિતા માટે એ કાર ખરીદીને તેને ભેટ આપવી બહુ મુશ્કેલ વાત નહોતી. આમ છતાં એ કારનું બ્રોશર પિતાને આપતાં જેમ્સ બોલ્યોઃ 'ડેડ આ સ્પોર્ટ્સ કાર મોંઘી છે એટલે અત્યારે નહીં તો છેવટે હું ગ્રેજ્યુએટ થઈ જાઉં ત્યારે તમે તે કાર ખરીદીને મને ભેટ આપજો.'   

પિતા મૌન રહ્યા. અને એ દિવસ પણ આવી ગયો જ્યારે જેમ્સ ગ્રેજ્યુએટ થઈ ગયો અને પિતાને બિઝનેસ કરતા હતા. સુખી હતા. જેમ્સ ગ્રેજ્યુએટ થતાં એના પિતાએ જેમ્સને તેમની પ્રાઈવેટ ઑફ્સિમાં બોલાવ્યો અને કહ્યું: 'જેમ્સ, મને તારા જેવો પુત્ર મળ્યો તેથી હું ખુશ છું અને મને આ વાતનો ગર્વ પણ છે અને તું ગ્રેજ્યુએટ થયો તેની ખુશીમાં હું તને કાંઈક ગિફ્ટ આપવા માગું છું.'   

એમ કહી પિતાએ જેમ્સના હાથમાં એક સુંદર ચમકતા પેપરથી વીંટાળેલું બોક્સ ભેટ આપ્યું. જેમ્સને નિરાશા થઈ કારણ કે તેને કારના બદલે એક બોક્સ જ ભેટ મળ્યું હતું. આમ છતાં કુતૂહલતાથી એણે બોક્સ ખોલ્યું. એણે જોયું તો બોક્સમાં પિતાએ પવિત્ર બાઈબલ ભેટ આપ્યું હતું. એ બાઈબલ પણ લેધરકવરથી વીંટાળેલું હતું.   

જેમ્સ નિરાશ થઈ ગયો. એનાથી ના રહેવાયું અને તે બોલ્યોઃ 'ડેડ, તમે આટલા ધનવાન છો અને તમે મને માત્ર બાઇબલ જ 

આપ્યું ?'   

એમ કહી જેમ્સએ પિતાનું ઘર છોડી દીધું. ગુસ્સામાં તે ઘર છોડીને ક્યાંય જતો રહ્યો. એ પછી તે તેના પિતાને કદી મળ્યો નહીં.   

આ વાતને વર્ષો થયા. જેમ્સએ પોતાની રીતે પોતાની જિંદગી અને કારકિર્દી બનાવી. તે એક સફ્ળ બિઝનેસમેન બન્યો. એણે મનપસંદ યુવતી સાથે લગ્ન પણ કરી લીધા. એ બે સંતાનોનો પિતા પણ બન્યો. આખું યે પરિવાર એક સુંદર અને આલીશાન મકાનમાં રહેવા લાગ્યું. પરંતુ જેમ્સ હજુ તેના પિતાએ તેને સ્પોર્ટ્સ કારની ગીફ્ટ આપવાના બદલે માત્ર બાઈબલ જ આપ્યું હતું તે વાત હજુ તે ભૂલ્યો નહોતો. છતાં અંદરથી પિતાને યાદ કરતો રહ્યો. જો કે એ દિવસ પછી તે એના પિતાને કદી મળ્યો નહોતો.   

એક દિવસ તેને કોઈનો પત્ર આવ્યો. તેના પિતાના મૃત્યુના સમાચાર મળ્યા. એમાં લખ્યું હતું : 'જેમ્સ તારા પિતા હવે રહ્યાં નથી.'   

એને પિતાની મિલકત મળે તેમાં રસ હતો. વસિયતનામા પ્રમાણે તે તેના પિતાની તમામ મિલકતનો વારસદાર હતો. એ વાતની ખબર પડતાં તે તેના પિતાને ઘેર પહોંચ્યો. બાદ જેમ્સએ પિતાના ઘરનાં તમામ કબાટ ખોલી તેમાં રહેલા મહત્ત્વના દસ્તાવેજો અને કાગળો તપાસવા માંડયો. એટલામાં એક કબાટમાંથી તેને એ જ બાઈબલ મળી આવ્યું જે તેના પિતાએ તેને ગ્રેજ્યુએશનના દિવસે ભેટ આપ્યું હતું. એ બાઈબલ જેમ્સએ કદી ખોલ્યું જ નહોતું. તે હજુયે લેધર અને સુવર્ણપેપરથી વીંટાળેલું હતું. એ ઘટના યાદ આવી જતાં એ દુઃખી થઈ ગયો કે મેં મારા પિતાની લાગણીને ઠેસ પહોંચાડી હતી. એ પછી આંખમાં આંસુ સાથે એણે બાઈબલ પર વીંટાળેલું રેપર ખોલ્યું. અને એ બાઈબલમાં જ તેની નીચે મૂકેલી કારની એક ચાવી નીચે સરી પડી. જેમ્સને ખ્યાલ આવી ગયો કે આ એ જ સ્પોર્ટસ કારની ચાવી છે જેની તેણે પિતા પાસે ગિફ્ટ તરીકે માંગણી કરી હતી. કારની ચાવી સાથે કારની ટેગ પણ હતી અને તે કાર ક્યારે ખરીદવામાં આવી તેની તારીખ પણ લખેલી હતી. પિતાએ જેમ્સ માટે એના ગ્રેજ્યુએશનના દિવસે જ કાર ખરીદીને તેની ચાવી બાઈબલની સાથે જ એ બોક્સમાં મૂકેલ હતી. એ કારની ટેગમાં લખવામાં આવેલું હતું કે,paid infull. એટલે કે કારની કિંમત ચૂકવાઈ ગઈ છે. જેમ્સ હવે નિઃશબ્દ હતો. સ્તબ્ધ હતો. આઘાતમાં હતો. પિતાને તે ના સમજી શક્યો તે વ્યથાથી તે આઘાતમાં હતો.   

સંતાનો પણ પિતાની લાગણીઓને સમજે. માતા સ્ત્રી છે અને પિતા પુરુષ છે. છે. મા બાળકને ઉછેરવાની કોશિશ કરે છે. પિતા પુત્રને પોતાના જેવો જ કે તેમનાથી વધુ શ્રોષ્ઠ બનાવવાની કોશિશ કરે છે. માતાની લાગણીઓ શબ્દોમાં અવતરે છે. પિતાની લાગણીઓ પુત્રને શ્રોષ્ઠ બનાવવાના પુરુષાર્થમાં પ્રકાશિત થાય છે. 'લવ યોર મોમ એન્ડ લવ યોર ડેડ ટુ.' માનો પ્રેમ દેખી શકાય તેવો હોય છે. જ્યારે પિતાનો પ્રેમ અદૃશ્ય હોય છે.એક દીકરીએ એના પિતા માટે કહેલું આ વિધાન પિતા માટેનાં શ્રોષ્ઠ સુવાક્યો પૈકીનું એક છેઃ Some People don't belive in heros but they haven't met my day.' આમ તો કોઈ પણ વ્યક્તિ પિતા બની શકે છે પરંતુ 'ડેડી' બનવા માટે ખાસ વ્યક્તિ બનવું પડેછે. પોતાનાં બાળકોને ચાહવાં એ દરેક વ્યક્તિના નિસ્વાર્થ સુખનો ખાસ પ્રદેશ છે પરંતુ પિતૃત્વનું પદ પામવું એ એક અદભુત સફર છે. જે તમને અનન્ય પ્રેમના અધિકારી બનાવી દે છે. 'ફાધર્સ ડે' નિમિત્તે સૌને શુભકામના.  


  • Follow us on: