માનવજાતના ઇતિહાસમાં કેટલીક વસ્તુઓ એવી રહી છે, જે માત્ર વસ્તુ ન રહેતા સમગ્ર યુગની શક્તિનું પ્રતીક બની ગઈ હોય. એક સમય હતો, જ્યારે ગાયો સંપત્તિ ગણાતી. સમય જતા જમીન સંપત્તિનો મોટો માપદંડ બની. પછી ઔદ્યોગિક યુગમાં કોલસો અને પેટ્રોલિયમ વિકાસના આધારસ્તંભ બન્યા. આ સમય દરમ્યાન સોનાએ સદીઓ સુધી સંપત્તિ, વિશ્વાસ અને આર્થિક શક્તિના પ્રતીક તરીકેનો પોતાનો મોભો અકબંધ જાળવી રાખ્યો. પણ, આ બધાની વચ્ચે, 21મી સદીમાં એક એવી સંપત્તિનું મહત્વ ખૂબ વધી રહ્યું છે, જેને હાથમાં પકડી શકાતી નથી, તિજોરીમાં રાખી શકાતી નથી ને પરંપરાગત અર્થમાં ખરીદી કે વેચી પણ શકાતી નથી. આ વસ્તુ એટલે 'ડેટા'.
'ડેટા'નું સાચું મૂલ્ય તેના ઉપયોગ, સંદર્ભ ને વિશ્લેષણમાંથી ઊભું થાય છે. કાચો 'ડેટા' એટલે જાણકારીના માત્ર અસંખ્ય ટુકડા; પરંતુ જ્યારે તેને ગોઠવી અને વિશ્લેષિત કરવામાં આવે છે ત્યારે તે નિર્ણય લેવાની શક્તિ બની જાય છે.
આધુનિક માનવીનું જીવન ડિજિટલ બની ગયું હોવાથી સવારે મોબાઇલમાં એલાર્મ વાગે ત્યારથી રાત્રે ઊંઘવા સુધી આપણે સતત ડેટાનું સર્જન કરીએ છીએ. આપણે ક્યાં જઈએ છીએ, શું શોધીએ છીએ, કોને ફોન કરીએ છીએ, શું ખરીદીએ છીએ, કઈ તસવીર પસંદ કરીએ છીએ, કઈ વેબસાઇટ ખોલીએ છીએ, કેટલો સમય કોઈ વિડિયો જોઈએ છીએ વગેરે બધી પ્રવૃત્તિઓ પાછળ આપણે ડિજિટલ નિશાનીઓ છોડીએ છીએ. સોશિયલ મીડિયા પર મૂકેલી પોસ્ટ, ઓનલાઇન ખરીદી, ડિજિટલ પેમેન્ટ,GPS લોકેશન, સર્ચ હિસ્ટ્રી, ઇ-મેઇલ, સ્માર્ટવોચના આંકડા, સીસીટીવી કેમેરા અને વિવિધ સરકારી તથા ખાનગી ડિજિટલ સેવાઓ વગેરે બધું મળીને વિશાળ ડેટા-વિશ્વનું નિર્માણ થાય છે. એટલે કહી શકાય કે, આજનો માણસ માત્ર 'ડિજિટલ યુઝર' માત્ર નથી; તે સતત 'ડેટા' ઉત્પન્ન કરતો 'ડેટા જનરેટર' પણ છે.
કાચા 'ડેટા'થી મૂલ્યવાન માહિતી સુધીની 'ડેટા'ની આ સફર ઘણી રોમાંચક છે, પણ અહીં મહત્ત્વનું એ છે કે, 'ડેટા' સોનું છે તો પણ દરેક 'ડેટા' મૂલ્યવાન નથી. કેમ કે 'કાચા ડેટા' અને ઉપયોગી માહિતી વચ્ચે મોટો તફાવત છે. ખાણમાંથી કાઢેલું સોનું શુદ્ધિકરણ પછી જ આભૂષણ બને છે. એજ રીતે 'ડેટા'ને પણ સંગ્રહ, સફાઈ, વર્ગીકરણ, વિશ્લેષણ અને અર્થઘટનની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. પછી જ 'ડેટા' મૂલ્યવાન બને છે. ઉદાહરણ તરીકે, કોઈ શહેરના લાખો લોકોના ટ્રાફ્કિ સંબંધિત 'ડેટા' માત્ર આંકડાઓનો ઢગલો છે. પણ, એ 'ડેટા'નું વિશ્લેષણ કરીએ તો ખબર પડે કે, કયા માર્ગ પર કયા સમયે સૌથી વધુ ટ્રાફ્કિ થાય છે, ક્યાં અકસ્માતોની શક્યતા વધારે છે ને ક્યાં ટ્રાફ્કિ સિગ્નલની વ્યવસ્થા બદલવાની જરૂર છે. આમ થયા પછી આ 'ડેટા' શહેરના ટ્રાફ્કિ આયોજન માટે મૂલ્યવાન બની જાય છે. એટલે તાત્પર્ય એ છે કે, 'ડેટા'નું સાચું મૂલ્ય તેમાં રહેલી માહિતી કરતાં તેના અર્થપૂર્ણ ઉપયોગમાં છે.
આજના વ્યવસાયમાં 'ડેટા' વ્યૂહાત્મક સંપત્તિ બની ગયા છે. કંપનીઓ ગ્રાહક શું ખરીદે છે એટલું જ નથી જોતી; ગ્રાહક શું ખરીદવા માગે છે, ક્યારે ખરીદે છે, કેટલી વાર ખરીદે છે ને કઈ બાબતથી તેની પસંદગી બદલાય છે, તેનો પણ અભ્યાસ કરે છે. ઓનલાઇન પ્લેટફોર્મ પર આપણે કોઈ વસ્તુ શોધીએ છીએ તો થોડા સમય પછી સમાન વસ્તુની જાહેરાત ડિજિટલ પ્લેટફોર્મ પર જોવા મળે છે. આ કોઈ સંયોગ નથી. ડિજિટલ વર્તનના વિશ્લેષણથી તૈયાર થતી આગાહી અને અલ્ગોરિધમ તેની પાછળ કામ કરે છે. આ પ્રક્રિયાને લીધે કંપનીઓને ગ્રાહકોની જરૂરિયાત સમજવામાં, ઉત્પાદન સુધારવામાં, જાહેરાતને યોગ્ય વ્યક્તિ સુધી પહોંચાડવામાં અને બજારની દિશા સમજવામાં મદદ મળે છે. આજના બજારમાં પ્રશ્ન માત્ર 'તમારી પાસે ઉત્પાદન શું છે?' એ નથી; પ્રશ્ન એ પણ છે કે 'તમારી પાસે ગ્રાહક વિશે કેટલો ઉપયોગી 'ડેટા' છે?'
આજની કૃત્રિમ બુદ્ધિની દુનિયા 'ડેટા' વિના કલ્પી શકાય તેમ નથી.AI સિસ્ટમો વિશાળ પ્રમાણમાં રહેલા 'ડેટા'માંથી પેટર્ન ઓળખે છે ને તેના આધારે આગાહી, વર્ગીકરણ કે નિર્ણયમાં મદદ કરે છે. ભાષા સમજવા, તસવીર ઓળખવા, અનુવાદ કરવા, હવામાનની આગાહી કરવા કે કોઈ જટિલ ઔદ્યોગિક પ્રક્રિયાને ઑપ્ટિમાઇઝ કરવા 'ડેટા'ની જ જરૂર પડે છે. આજની ટેક્નોલોજીની સ્પર્ધા માત્ર કમ્પ્યુટિંગ શક્તિ માટેની સ્પર્ધા નથી; તે 'ઉચ્ચ ગુણવત્તાવાળા ડેટા', શક્તિશાળી અલ્ગોરિધમ અને કમ્પ્યુટિંગ ક્ષમતા એમ ત્રણેયના સંયોજન માટેની સ્પર્ધા છે.
આરોગ્ય ક્ષેત્રમાં 'ડેટા' માનવજીવનને વધું સારી રીતે સમજવામાં મદદ કરી શકે છે. દર્દીના ટેસ્ટ રિપોર્ટ, દવાઓનો ઇતિહાસ, સારવારનો પ્રતિસાદ અને અન્ય તબીબી માહિતી યોગ્ય રીતે સંકલિત થાય તો ડૉક્ટરોને સારવારના નિર્ણયો લેવામાં વધું મદદ મળી શકે છે. મોટા પાયે 'આરોગ્ય ડેટા'ના વિશ્લેષણથી રોગોના વલણો સમજવા, જાહેર આરોગ્યની જરૂરિયાતો ઓળખવા ને સંશોધનને વેગ આપવા માટે પણ મદદ મળી શકે છે. પરંતુ અહીં એક અત્યંત ગંભીર પ્રશ્ન એ છે કે, વ્યક્તિના આરોગ્ય સંબંધિત 'ડેટા'ની માલિકી ને ગોપનીયતા કોની? આ પ્રશ્ન આપણને 'ડેટા'ની બીજી બાજુ તરફ્ લઈ જાય છે. 'ડેટા' જેટલો શક્તિશાળી હશે એટલો જ તેની ગોપનીયતાનો પ્રશ્ન પણ મોટો રહેવાનો. 'ડેટા' સંપત્તિ છે, પરંતુ વ્યક્તિગત ડેટા વ્યક્તિની ઓળખ, પસંદગી અને ખાનગી જીવન સાથે જોડાયેલો હોય છે. તેથી તેનો ઉપયોગ જવાબદારીપૂર્વક થવો જરૂરી છે. જો કોઈ સંસ્થા વ્યક્તિ વિશેની માહિતી તેની જાણ કે યોગ્ય સંમતિ વિના એકત્રિત કરે, તેનો અનિચ્છનીય રીતે ઉપયોગ કરે તો તે માહિતી ખોટા હાથમાં જઈ શકે છે. એટલે એ બાબતે વિચારવું જરૂરી બને છે.
'ડેટા'નો પ્રભાવ માત્ર બજાર કે ટેક્નોલોજી સુધી સીમિત નથી. સમાજમાં લોકોના વિચારો, વર્તન અને પસંદગીઓ સમજવા માટે પણ 'ડેટા'નો ઉપયોગ થાય છે. એટલે ડેટાના આધારે વ્યક્તિઓને અત્યંત ચોક્કસ રીતે લક્ષિત કરવામાં આવે ત્યારે પ્રશ્ન ઊભો થાય છે કે, માહિતી આપવી અને વ્યક્તિને પ્રભાવિત કરવી એ બંને વચ્ચે કોઈ રેખા ખરી! ડિજિટલ યુગમાં નાગરિકને માત્ર માહિતી મેળવવાનો અધિકાર પૂરતો નથી; પોતાની માહિતી કેવી રીતે એકત્રિત થાય છે ને તેનો ઉપયોગ કેવી રીતે થાય છે તેની સમજ પણ જરૂરી છે. એક રસપ્રદ પ્રશ્ન એ પણ છે કે, ભવિષ્યમાં 'ડેટા' કોની પાસે હશે? જે કંપનીઓ પાસે વિશાળ પ્રમાણમાં ગુણવત્તાયુક્ત ડેટા, શક્તિશાળી કમ્પ્યુટિંગ માળખું અને તેને વિશ્લેષિત કરવાની ક્ષમતા હશે, તેમને વિશાળ સ્પર્ધાત્મક લાભ મળી શકે છે.
ભારત જેવા વૈવિધ્યસભર દેશમાં 'ડેટા'ની સંભાવનાઓ વિશાળ છે. કૃષિ, આરોગ્ય, શિક્ષણ, પરિવહન, શહેરી આયોજન, આપત્તિ વ્યવસ્થાપન ને જાહેર સેવાઓ જેવા ક્ષેત્રોમાં યોગ્ય રીતે ઉપયોગમાં લેવાયેલો 'ડેટા' નીતિ - નિર્માણને વધું પુરાવા આધારિત બનાવી શકે છે. પણ, અહીં બે બાબતો અનિવાર્ય છે. એક 'ડેટા'ની ગુણવત્તા ને બીજું નાગરિકોની ગોપનીયતાનું રક્ષણ. ખોટો 'ડેટા' ખોટા નિર્ણયો તરફ્ લઈ જઈ શકે છે. અધૂરો ડેટા પણ ભ્રામક ચિત્ર ઊભું કરી શકે છે. તેથી 'વધુ ડેટા' કરતાં 'સાચો અને ઉપયોગી ડેટા' વધું મહત્વનો છે. 21મી સદીનું આ સોનું કદાચ આપણા હાથમાં દેખાતું નથી, પરંતુ આપણા મોબાઇલમાં, કમ્પ્યુટરમાં, હોસ્પિટલમાં, બેંકમાં, રસ્તા પરના કેમેરામાં અને ક્લાઉડના સર્વરમાં સતત સર્જાઈ રહ્યું છે. પ્રશ્ન હવે એ નથી કે ડેટા કેટલો છે ? પ્રશ્ન એ છે કે, આપણે તે ડેટા સાથે શું કરી રહ્યા છીએ અને તેની કિંમત કોણ નક્કી કરી રહ્યું છે? બસ, આ જ વાતે આપણે સજાગ રહેવાનું છે.
::: થ્રી ડૉટ્સ :::
આપણે કરેલાં ગમે તેટલાં સારાં કામની ઉંમર, માત્ર આગળની આપણી ભૂલ સુધીની જ હોય છે.
