ઇતિહાસ વારંવાર સાક્ષી પૂરે છે કે યુદ્ધ ક્યારેય કોઈ સમસ્યાનું કાયમી અને સકારાત્મક સોલ્યુશન લાવી શક્યું નથી, માત્ર વિનાશની નવી તવારીખ લખે છે. 28 ફેબ્રુઆરી 2026ના રોજ શરૂ થયેલું ભીષણ ઈરાન-અમેરિકા-ઇઝરાયેલ યુદ્ધ આશરે 40 દિવસ સુધી સક્રિય તાંડવ મચાવ્યા બાદ 8 એપ્રિલ 2026ના રોજ કામચલાઉ યુદ્ધવિરામ સુધી પહોંચ્યું, પરંતુ આ ટૂંકા ગાળામાં તેણે સમગ્ર વિશ્વને હચમચાવી મૂક્યું છે. આ ભીષણ સંઘર્ષમાં હજારો નિર્દોષ નાગરિકો અને સૈનિકોએ જીવ ગુમાવ્યા છે. આ યુદ્ધની સૌથી મોટી લશ્કરી અને રાજકીય અસર ઈરાન પર પડી, જેમાં ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનીનું અવસાન થયું અને ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના ટોચના કમાન્ડરો સહિત ન્યુક્લિયર પ્રોગ્રામના મુખ્ય વડાઓ અને મંત્રીઓ માર્યા ગયા.


બીજી તરફ, વૈશ્વિક વેપારની જીવાદોરી સમાન 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' જે પહેલાં ખુલ્લું જ હતું, તેને ઈરાને યુદ્ધ દરમિયાન બ્લોક કરી દીધું હતું. હવે આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ નવી સમજૂતી (MOU) સાથે જે નવું ફોર્મેટ બહાર આવ્યું છે, તેમુજબ આ માર્ગને કાયમ ખુલ્લો રાખવા માટે ત્યાં આંતરરાષ્ટ્રીય મેરીટાઇમ સિક્યોરિટી ફ્રેમવર્ક ગેરંટી લાગુ કરવામાં આવી છે. આ યુદ્ધ પછી ઈરાનના ન્યુક્લિયર વેપન પ્રોગ્રામ પર મોટો ફર્ક પડયો છે; યુદ્ધ પહેલાં જે ઈરાન અણુબોમ્બ બનાવવાની અણી પર હતું, તેણે હવે પ્રસ્તાવિત ડીલ મુજબ પોતાનો ન્યુક્લિયર પ્રોગ્રામ સંપૂર્ણ નાબૂદ કરવો પડશે અને આશરે 400 કિલો જેટલું સંવર્ધિત યુરેનિયમ આંતરરાષ્ટ્રીય એજન્સીને સોંપવું પડશે. પાકિસ્તાનના ઇસ્લામાબાદ ખાતે ચાલી રહેલી આ ડીલના મુખ્ય મુદ્દાઓમાં હોર્મુઝની સ્ટ્રેટ કાયમ ખુલ્લી રાખવી, આતંકી સંગઠનોનું ફંડિંગ બંધ કરવું અને 60 દિવસનો સ્થાયી યુદ્ધવિરામ સામેલ છે. અમેરિકાએ વર્ષોથી રોકેલા ઈરાનના નાણાં અને ઓઇલ રેવન્યુમાંથી 25% એસેટ્સ આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે અને શરત મૂકી છે કે સંપૂર્ણ પરમાણુ નિઃશસ્ત્રીકરણ વિના એક પણ ડોલર આપવામાં આવશે નહીં, જોકે લાંબાગાળે શરતી રાહત રૂપે 300 અબજ ડોલરના ઇન્વેસ્ટમેન્ટ ફંડની વાત ચાલી રહી છે.

આ યુદ્ધથી ઇઝરાયેલે ભલે પોતાના સૌથી મોટા શત્રુ ઈરાનની લશ્કરી પીઠ તોડી નાખી હોય, પરંતુ આ જ ગાળામાં લેબેનોન સરહદે હિઝબુલ્લાહ સાથે શરૂ થયેલા ભીષણ જંગના કારણે ઇઝરાયેલ પોતે પણ ભારે આર્થિક સંકટમાં મુકાયું છે. હાલમાં લેબેનોન સરહદે 'પાઇલોટ ઝોન' બનાવીને યુદ્ધવિરામની વાતો ચાલે છે, પરંતુ ઇઝરાયેલનું કડક વલણ શાંતિ આડે મોટો પડકાર છે. આ યુદ્ધમાં આધુનિક મિસાઇલો, ડ્રોન, ફાઇટર જેટ્સ અને આયર્ન ડોમ જેવી એર ડિફેન્સ સિસ્ટમ્સ પાછળ થયેલો અંધાધૂંધ ખર્ચ સેંકડો અબજ ડોલર સુધી પહોંચે છે. જો આ આર્થિક વિનાશને દુનિયાના અન્ય દેશોના બજેટ સાથે માપીએ, તો આ યુદ્ધનો કુલ ખર્ચ વિશ્વના 100થી વધુ નાના અને વિકાસશીલ દેશોના વાર્ષિક બજેટ અથવા તેમની કુલ જીડીપી કરતાં પણ વધારે ગણાય. જો આ જ જંગી રકમનો ઉપયોગ માનવતાના કલ્યાણ માટે થયો હોત, તો આ ખર્ચમાંથી વિશ્વમાં 50,000 થી વધુ અત્યાધુનિક મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલો અને લાખો હાઇ-ટેક શાળાઓનું નિર્માણ થઈ શક્યું હોત, જે કરોડો ગરીબ બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી દેત.

પરંતુ તેના બદલે, યુદ્ધના કારણે વૈશ્વિક અર્થતંત્રના પાયા હચમચી ગયા છે. હોર્મુઝની સામુદ્રધુની બંધ રહેવાને કારણે ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસના ભાવ આસમાને પહોંચ્યા, જેના લીધે વિશ્વના 150થી વધુ દેશોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભડકો થયો છે. વૈશ્વિક સપ્લાય ચેઈન તૂટી પડતાં જીવનજરૂરી ચીજવસ્તુઓ એટલી મોંઘી બની ગઈ છે કે, સામાન્ય માણસ માટે જીવવું દુષ્કર બન્યું છે. ભવિષ્યમાં પણ ગ્લોબલ ઇકોનોમી પર આ યુદ્ધની લાંબાગાળાની અસરો રૂપે આર્થિક મંદી અને મોંઘવારીનો સામનો કરવો પડશે, કારણ કે, હજુ પણ ઇઝરાયેલ-લેબેનોનની સ્થિતિ અને ઈરાન સમર્થિત પ્રોક્સી સંગઠનોના કારણે સ્થાયી શાંતિ સામે મોટા પડકારો ઊભા છે.

20 જૂને જ્યારે સમગ્ર વિશ્વ 'વિશ્વ રેફ્યુજી દિવસ' (World Refugee Day) મનાવી રહ્યું છે, ત્યારે આ યુદ્ધે માનવજાતના સૌથી મોટા કલંક સમાન શરણાર્થી સંકટને વધુ વહેતું અને ઘેરું બનાવ્યું છે. યુનાઇટેડ નેશન્સના આંકડા મુજબ આજે વિશ્વમાં 12 કરોડથી વધુ લોકો વિસ્થાપિત થઈને શરણાર્થી તરીકે નરકાગાર જેવું જીવન જીવી રહ્યા છે. અગાઉના સિરિયા, અફઘાનિસ્તાન, યુક્રેન, પેલેસ્ટાઈન અને સુદાનના યુદ્ધોની જેમ જ હવે ઈરાન અને લેબેનોનના લાખો લોકો આ યાદીમાં ઉમેરાયા છે. બાંગ્લાદેશનું 'કુટુપાલોન્ગ' (રોહિંગ્યા માટે), કેન્યાનું 'દાદાબ' અને જોર્ડનનું 'ઝઆતરી' જેવા કેમ્પો આજે માનવતાની લાચારીના પ્રતીક બન્યા છે. સૌથી કમનસીબ અને હૃદયદ્રાવક સ્થિતિ મધ્ય પૂર્વના એવા કેમ્પોની છે જ્યાં બબ્બે-ત્રણ ત્રણ પેઢીઓથી લોકો શરણાર્થી તરીકે જ જન્મે છે, તંબુઓમાં જ મોટા થાય છે અને ત્યાં જ ગુમનામીમાં મરી જાય છે. જે બાળકે ક્યારેય પોતાના ઘરની પાકી છત, શાળાનું આંગણું કે હસતું ખીલતું નાનપણ જોયું જ નથી, તેની આંખોમાં ભવિષ્યના કયા સપના હોઈ શકે?

આ દયનીય સ્થિતિ અને માનવીય દર્દ પર બનેલી આંતરરાષ્ટ્રીય ફિલ્મો જેવી કે, 'કેપરનાઉમ' (Capernaum) અને 'ધ સ્વિમર્સ' (The Swimmers) મનુષ્યના કાળજાને ચીરી નાખે છે. 'કેપરનાઉમ' ફિલ્મમાં એક નાનો શરણાર્થી બાળક નરક જેવી જિંદગીથી કંટાળીને પોતાની જાતને જન્મ આપવા બદલ પોતાના જ માતા-પિતા પર કોર્ટમાં કેસ કરે છે! આ ફિલ્મો ઓસ્કાર અને અન્ય વૈશ્વિક એવોર્ડ્સ તો જીતી જાય છે, પરંતુ સત્તાના ભૂખ્યા અને અહંકારી રાજકારણીઓના પથ્થર દિલને પીગળાવી શકતી નથી. આટઆટલી કમનસીબી, લાખો નિર્દોષોના મોત અને ભૂખમરાના આંકડા છતાં વિશ્વમાં યુદ્ધો અટકતા નથી એ જ આ સદીની સૌથી મોટી વિડંબના છે. પ્રથમ વિશ્વયુદ્ધથી લઈને રશિયા-યુક્રેન અને હવે ઈરાન-અમેરિકા યુદ્ધ સુધી, ઇતિહાસે વારંવાર સાબિત કર્યું છે કે, વિજેતા બનેલો દેશ પણ અંતે તો હારેલો જ હોય છે, કારણ કે તે અસંખ્ય માસૂમોની લાશ પર વિજય મેળવે છે. જે નાણાં અને બુદ્ધિ માનવજાતને રોગમુક્ત કરવા, શિક્ષણ આપવા અને ગરીબી હટાવવા પાછળ ખર્ચવાના હતા, તે આજે એકબીજાના અસ્તિત્વને મિટાવવા પાછળ વેડફાઈ રહ્યા છે.


  • Follow us on: