દેશમાં સોનાના ભાવ સતત નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. થોડાં વર્ષો પહેલાં સુધી જે સોનું પ્રતિ 10 ગ્રામ 30થી 40 હજાર રૂપિયાની આસપાસ મળતું હતું, તે આજે એક લાખ રૂપિયાની નજીક પહોંચી ગયું છે. સામાન્ય આર્થિક સિદ્ધાંત કહે છે કે જ્યારે કોઈ વસ્તુની કિંમત વધે છે ત્યારે તેની માંગ ઘટે છે. પરંતુ ભારતમાં સોનાના મામલે આ સિદ્ધાંત વારંવાર નિષ્ફ્ળ સાબિત થયો છે. ભાવ વધે છે, સરકાર ચિંતા વ્યક્ત કરે છે, અર્થશાસ્ત્ર્રીઓ ચેતવણી આપે છે, છતાં જ્વેલરી શોરૂમોમાં ભીડ યથાવત રહે છે. પ્રશ્ન એ છે કે આખરે આવું કેમ?
ભારતમાં સોનું રોકાણ નહીં, માનસિક સુરક્ષા છે
ભારતમાં સોનાને માત્ર ધાતુ કે આભૂષણ તરીકે જોવામાં આવતું નથી. તે પરિવારની આર્થિક સુરક્ષાનું પ્રતીક છે. શેરબજાર તૂટી શકે છે, બેંકો ડૂબી શકે છે, રિયલ એસ્ટેટમાં મંદી આવી શકે છે, પરંતુ સામાન્ય ભારતીયના મનમાં સોનાની વિશ્વસનીયતા ક્યારેય ઓછી થઈ નથી. ગ્રામ્ય ભારતમાં તો સોનું આજે પણ ક્ષ્ચાલતી-ફરતી બેંક જમાખ્ માનવામાં આવે છે. જરૂર પડે ત્યારે તેને ગીરવે મૂકી શકાય છે, વેચી શકાય છે અને તરત જ રોકડ મેળવી શકાય છે. એ જ કારણ છે કે મધ્યમ વર્ગ અને નીચી આવક ધરાવતા લોકો પણ પોતાની નાની-નાની બચતને સોનામાં ફેરવવાનું પસંદ કરે છે.
સરકારની ચિંતા બની ગયો છે ભારતીયોનો સોનાપ્રેમ
ભારત વિશ્વના સૌથી મોટા સોનાના વપરાશકર્તા દેશોમાં સામેલ છે. દેશમાં વપરાતું મોટાભાગનું સોનું વિદેશમાંથી આયાત થાય છે. તેની સીધી અસર વિદેશી મુદ્રા ભંડાર અને વેપાર ખાધ પર પડે છે. જ્યારે પણ સોનાની આયાત વધે છે, ત્યારે સરકારની ચિંતા પણ વધી જાય છે. અનેક વખત આયાત શુલ્ક વધારવામાં આવ્યા, ગોલ્ડ બોન્ડ જેવી યોજનાઓ લાવવામાં આવી, લોકોને ડિજિટલ રોકાણ તરફ્ પ્રોત્સાહિત કરવામાં આવ્યા. પરંતુ આ બધાની વચ્ચે પણ ભારતીય પરિવારોના સોના પ્રત્યેના લગાવમાં કોઈ મોટો ઘટાડો આવ્યો નથી. હકીકતમાં સરકાર આર્થિક દૃષ્ટિકોણથી વિચારે છે, જ્યારે સામાન્ય પરિવારો ભાવનાત્મક અને સામાજિક દૃષ્ટિકોણથી વિચારે છે. આ જ તફવત નીતિ અને વર્તન વચ્ચેનું અંતર ઊભું કરે છે.
લગ્ન-પ્રસંગો અને પરંપરાઓએ સોનાની અતૂટ માંગ ઊભી કરી છે
ભારતમાં સોનું માત્ર ખરીદી નથી, તે સંસ્કૃતિનો ભાગ છે. દીકરીના લગ્નથી લઈને તહેવારો સુધી, દરેક મોટા પ્રસંગે સોનાની મહત્વપૂર્ણ ભૂમિકા રહે છે. ધનતેરસે સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. અક્ષય તૃતીયાએ સોનું ખરીદવાની પરંપરા છે. લગ્નમાં સોનું પ્રતિષ્ઠા અને સામાજિક સન્માનનું પ્રતીક માનવામાં આવે છે. અનેક પરિવારોમાં સોનું પેઢી દર પેઢી વારસામાં આગળ વધે છે. એ જ કારણ છે કે ભાવ ભલે કેટલા પણ વધી જાય, માંગ સંપૂર્ણપણે સમાપ્ત થતી નથી. લોકો માત્રા ઓછી કરી દે છે, હળવા આભૂષણો ખરીદી લે છે, પરંતુ સોનું ખરીદવાનું બંધ કરતા નથી.
શું શેરબજાર કરતાં વધુ વિશ્વસનીય છે ગોલ્ડ?
છેલ્લાં કેટલાક વર્ષોમાં શેરબજારે ઉત્તમ વળતર આપ્યું છે. મ્યુચ્યુઅલ ફ્ંડમાં રોકાણ પણ ઝડપથી વધ્યું છે. તેમ છતાં કરોડો ભારતીયોનો વિશ્વાસ આજે પણ સોનામાં જ છે. તેનું કારણ માત્ર વળતર નથી. સોનું લોકોને દેખાય છે, સ્પર્શી શકાય એવું છે અને સરળતાથી સમજાય છે. જ્યારે શેર, બોન્ડ અને મ્યુચ્યુઅલ ફ્ંડ જેવા ઉત્પાદનો હજુ પણ મોટી વસ્તી માટે જટિલ વિષય છે. જ્યારે વૈશ્વિક સંકટ આવે છે, યુદ્ધ ફાટી નીકળે છે અથવા આર્થિક અનિશ્ચિતતા વધે છે, ત્યારે સમગ્ર વિશ્વના રોકાણકારો સોના તરફ્ દોડે છે. એ જ કારણ છે કે ભારતીય રોકાણકારોને પણ લાગે છે કે સોનું અંતિમ સુરક્ષા કવચ છે.
મોંઘવારી સામેનો સૌથી મોટો જવાબ બની ગયું છે ગોલ્ડ
ભારતમાં મોંઘવારી સતત લોકોની બચતને અસર કરતી રહી છે. બેંકમાં પડેલા નાણાં ધીમે-ધીમે પોતાની ખરીદ શક્તિ ગુમાવતા જાય છે. આવી સ્થિતિમાં સોનું અનેક પરિવારો માટે મોંઘવારી સામેના સુરક્ષા કવચ તરીકે ઊભર્યું છે. લાંબા ગાળે જોવામાં આવે તો સોનાએ ઘણી વખત મોંઘવારીને પાછળ છોડી છે. એ જ કારણ છે કે ઘણા પરિવારો તેને સંપત્તિ જાળવી રાખવાનું સાધન માને છે. તેમના માટે સોનું માત્ર નફો કમાવાનું સાધન નથી, પરંતુ મૂડીને સુરક્ષિત રાખવાનો માર્ગ છે.
ખરીદીની રીત બદલાઈ રહી છે, પરંતુ માંગ ખતમ
નહીં થાય
સોનાના બજારમાં એક મોટો બદલાવ ચોક્કસ જોવા મળી રહ્યો છે. પહેલાં લોકો ભારે આભૂષણો ખરીદતા હતા. હવે હળવી જ્વેલરી, ગોલ્ડ કોઈન, ડિજિટલ ગોલ્ડ અને ગોલ્ડ ETF જેવા વિકલ્પો લોકપ્રિય બની રહ્યા છે. નવી પેઢી રોકાણના આધુનિક સાધનો પણ અપનાવી રહી છે. પરંતુ તેનો અર્થ એવો નથી કે સોનાની માંગ સમાપ્ત થઈ જશે. તેના બદલે આ માંગ નવા સ્વરૂપમાં સામે આવશે. બજાર નિષ્ણાતો માને છે કે ભવિષ્યમાં સોનાની ખરીદીનું સ્વરૂપ બદલાઈ શકે છે, પરંતુ ભારતીય સમાજમાં તેની ભૂમિકા યથાવત રહેશે.
સોનાની અસલી ચમક કિંમતે નહીં, વિશ્વાસમાં છે
સોનાના વધતા ભાવ જોઈને ઘણા લોકો આશ્ચર્ય વ્યક્ત કરે છે કે આખરે તેની માંગ કેમ ઘટતી નથી. પરંતુ તેનો જવાબ ભારતીય સમાજની માનસિકતામાં છુપાયેલો છે. ભારતમાં સોનું માત્ર રોકાણ નથી. તે પરંપરા છે. તે સુરક્ષા છે. તે સામાજિક પ્રતિષ્ઠા છે. તે ભાવનાત્મક વારસો છે. તેથી જ્યારે ભાવ વધે છે ત્યારે લોકો ચિંતિત તો થાય છે, પરંતુ બજારથી દૂર જતા નથી. તેઓ ખરીદીની રીત બદલે છે, માત્રા ઓછી કરે છે, પરંતુ સોના સાથેનો સંબંધ તોડતા નથી.
કદાચ આ જ કારણ છે કે દરેક આર્થિક સંકટ, દરેક વૈશ્વિક અનિશ્ચિતતા અને દરેક બજારની ઉથલપાથલ વચ્ચે સોનું આજે પણ ભારતીય પરિવારોનું સૌથી વિશ્વસનીય સાથી બનીને ઊભું છે. અને જ્યાં સુધી આ વિશ્વાસ યથાવત રહેશે, ત્યાં સુધી સોનાની ચમક માત્ર બજારમાં નહીં, પરંતુ ભારતીય માનસમાં પણ અવિચળ રહેશે.










