ચોમાસું લગભગ શરૂ થઈ ચૂક્યું છે. આકાશમાં ઘેરાયેલાં શ્યામલ વાદળોનો મસ્ત મસ્ત નજારો જામી ચૂક્યો છે અને વાતાવરણમાં માટીની એ સોડમ પ્રસરી ગઈ છે, જે સીધી આત્માને તૃપ્ત કરે છે. સાચે જ, ચોમાસું એટલે માત્ર પાણીનું વરસવું નથી, પણ એ તો છે રોમાન્સની, અહેસાસોની અને સ્મરણોની ઋતુ. જ્યારે આકાશમાંથી પહેલું ટીપું ધરતી પર પડે છે, ત્યારે આપણી અંદર રહેલો પ્રેમ પણ સોળ કળાએ ખીલી ઊઠે છે. હરીન્દ્ર દવેલખે છેઃ

વાયરાથી નળિયાને ફૂટી છે પાંખ, થઇ ચાલતી દીવાલ થકી ઈંટો? ભર રે ચોમાસે હવે છાપરા વિનાનો, કેમ કોરો રહે સ્મરણોનો વીંટો?''

તેમની જ એક અન્ય ખૂબ જ લોકપ્રિય કવિતા 'જાણીબૂઝીને અમે અળગા ચાલ્યા'માં પણ સ્મરણો અને ચોમાસાનું અફાટ મિશ્રણ જોવા મળે છે. તેમના શબ્દોમાં એ તાકાત છે કે, આપણી બારી બહાર ભલે ઝાપટું પડતું હોય, પણ આંખોમાં આખું ચોમાસું જીવંત થઈ જાય. તેમની વધુ એક અમર પંક્તિ જે આજે પણ હરકોઈના હોઠે રમે છેઃ ''ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઈએ, ઝાંઝવાં હો કે હો દરિયાવ, તરસતાં જઈએ.'' અને જ્યારે એ જ કવિ પ્રેમની ચરમસીમાએ પહોંચે ત્યારે ગાઈ ઊઠે છેઃ ''પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં, જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ!'' આ જ રોમેન્ટિક અને કુદરતી માહોલને શબ્દોમાં પરોવતા લેખક અને કવિ ધ્રુવ ભટ્ટ આપણને સીધા ગામડાના પાદરે અને વનની હરિયાળીમાં લઈ જાય છે. તેમની કલમ કુદરત સાથે એવી ઓતપ્રોત છે કે વાંચતા જ મન નાચી ઊઠેઃ

ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં...વાડ પરે સૂતેલી સઘળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં...ઊંચેથી આરપાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું, ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધારધાર બેઠું.''

ધ્રુવ ભટ્ટની આ કવિતા આપણા મનમાં એક આખું ગ્રામ્ય ચિત્ર ઊભું કરે છે. જો તમને પણ આ વરસાદમાં તમારું વતન, એ નદી-નાળાં અને લીલાછમ ખેતરો યાદ આવતા હોય, તો આ રચના સો ટકા તમારા માટે જ છે.

ગુજરાતી સાહિત્યના બેતાજ બાદશાહ રમેશ પારેખ (ર.પા.) ને ચોમાસામાં યાદ ન કરીએ તો આપણો સાહિત્યપ્રેમ અધૂરો ગણાય. રમેશ પારેખની કલમે વરસાદને જે પ્રચંડ વેગ અને રોમાંચ આપ્યો છે તે અદ્વિતીય છે. તેમની કવિતા વાંચીને એવું લાગે જાણે આપણી ભીતર પણ કોઈ પૂર આવ્યું હોયઃ

આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે, હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે. ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઉગ્યું રે વરસાદ ભીંજવે... અહીં આપણે બે અને વરસાદ ભીંજવે, મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે.*

રોમાંસની સાથે થોડો ખુમાર અને મિજાજ ઉમેરવો હોય, ત્યારે ગઝલસમ્રાટ ખલીલ ધનતેજવીની આ પંક્તિઓ સીધી દિલ પર ચોંટી જાય છેઃ ''તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે, અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે.'' કવિ કૃષ્ણ દવે હળવી શૈલીમાં કટાક્ષ કરતા લખે છેઃ ''નહિંતર એ કેવા કંજુસ છે! કદિ કોઇને કૈં આપે? પણ મને ગીફ્ટમાં વાદળ દૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠુંઇ''તો વળી, કવિ મિલિંદ ગઢવીની એકલતાની વેદના સભર પંક્તિઓ પણ હૃદયસ્પર્શી છેઃ ''બારીની જેમ બંધ છું, જડબેસલાક છું, પલળી રહેલ ગામમાં કોરોકટાક છું.''

પરંતુ, વરસાદ અને સંદેશાનો સંબંધ તો સદીઓ જૂનો છે. મહાકવિ કાલિદાસે પ્રાચીન કાળમાં લખેલા અમર મહાકાવ્ય 'મેઘદૂત'માં વિરહી યક્ષ આષાઢ મહિનાના પ્રથમ દિવસે વાદળને જોઈને પોતાની પ્રિયતમાને સંદેશો મોકલવા વિનંતી કરે છે. કાલિદાસે મેઘદૂતમાં વરસાદી વાદળોની સુંદરતા, પર્વતો અને નદીઓ પરથી તેમનું પસાર થવું અને પ્રકૃતિના શૃંગારનું જે અલૌકિક વર્ણન કર્યું છે, તે વિશ્વ સાહિત્યની ધરોહર છે. આ જ વાતને યાદ કરતાં આધુનિક કવિ મનોજ ખંડેરિયા લખે છેઃ

જાત છત્રીથી ઢાંકી ફરતા સહુ, હું કરું કોને પેશ ચોમાસું? ખોલીને મેઘદૂત વાંચ્યા કર, હાથવગું છે હમેશ ચોમાસું.''

ફક્ત કાલિદાસ જ નહીં, હિન્દી સાહિત્યના મશહૂર શાયરોએ પણ વરસાદને જબરદસ્ત મિજાજ આપ્યો છે. મશહૂર શાયર ગુલઝાર જ્યારે લખે છે ત્યારે વરસાદ હૃદયના તાર ઝણઝણાવી દે છેઃ

એક હીખ્વાબ ને સારી રાત જગાયા હૈ, મૈંને હર કરવટ સો કર દેખા હૈ. જૈસે કોઈ સુક્ખા હુઆ પત્તા મિલે કિતાબ મેં, ઉમ્ર ભર કી બારિશ કા પતા મિલે જિસમેં.*

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીઆખો મલક ડોલાવી દે છે : ''મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે, ઘનઘોર ઝરે ચહું ઓર મારું મન મોર બની થનગાટ કરે!''

વરસાદ માત્ર કવિઓની કલ્પના નથી, પણ વિજ્ઞાનનો એક અદભૂત ચમત્કાર પણ છે. શું તમે જાણો છો કે, વરસાદના ટીપાં ક્યારેય ગોળ નથી હોતા? જ્યારે તે આકાશમાંથી નીચે પડે છે ત્યારે હવાના દબાણને કારણે તેમનો આકાર બદલાઈને વહેતા પાણીના ટીપા જેવો અથવા તો 'બર્ગરના બન' જેવો ચપટો થઈ જાય છે! વરસાદ પડયા પછી જે માટીની મનમોહક સુગંધ આવે છે, જેને આપણે 'પેટ્રીકોર' (Petrichor) કહીએ છીએ, તે વાસ્તવમાં જમીનમાં રહેલા એક્ટિનોમાઈસેટ્સ' (Actinomycetes)નામના બેક્ટેરિયા દ્વારા ઉત્પન્નથતા 'જિયોસ્મીન' (Geosmin) નામના રસાયણને કારણે આવે છે. વનસ્પતિઓ દ્વારા મુક્ત કરાતા તેલ અને આ રસાયણના મિશ્રણથી આ અદભૂત સુગંધ પેદા થાય છે જે માણસના મગજને શાંતિ આપે છે.