પેટ્રોલ સસ્તું કેવી રીતે થઈ શકે એના અન્ય વિકલ્પો ઉપાયો ઉપર ચર્ચા કરવા બાબુના બાકડે નવરત્નોની પરિષદ ભરાઈ!  


નવે નવ નંગ રત્નો....સાયકલ લઈને આવ્યા હતા!જા.ખા.!)  

લલ્લુઃમને પેટ્રોલ ક્યારેય મોંઘું લાગ્યું જ નથી..હું પહેલા પણ વીસ નું જ પુરાવતો હતો અને હવે પણ વીસનું જ પુરાવું છું...!  

વક્તાભાઈઃમારું પણ એવું જ છે હું પહેલાં પણ વાંકુ વાળીને જ સ્કુટરની કીક મારતો હતો..હજુપણ વાંકુ વાળીને કીક મારું પછી જ સ્કૂટર સ્ટાર્ટ થાય છે...!  

પંજુઃલેટ મી ટેલ.. લલ્લુભાઇ કે વીસમાં હવે કેટલા ટીપા આવે છે...??!  

લલ્લુઃવાંકુ વાળું તો બે ચાર આવી જાય...!!  

પંજુઃતમે વારેઘડીએ બહુ વાંકુ કાઢો છો!  

લલ્લુઃશું થાય?!બે ચાર ટીપા કાઢવા...વાંકુ કરવું જ પડે!  

ગંજુઃચૂંકુ પણ કરો....!એક જમાનો હતો જયારે વીસ રૂપિયામાં પેટ્રોલની ધાર આવતી હતી.. 2026માં હવે ધારદાર આવે છે...!  

પંજુઃધાર વધારે કહેવાય કે ધારદાર...??!  

લલ્લુઃધાર કે તે વીસનું પેટ્રોલ પુરાવ્યું..!!  

ગંજુઃહું ધારવા વાળી ધારની વાત નથી કરી રહ્યો..હું પેટ્રોલની ધારની વાત કરી રહ્યો છું..પ્લીઝ તમે બે ધાર ભેગી ન કરો...કન્ફ્યુઝ થવાય છે!  

લલ્લુઃધાર માટે ધારવું જરૂરી છે!ચલ ધાર કે..પેટ્રોલના પાઈપમાંથી બે ત્રણ ટીપા જ ટાંકીમાં પડયા તો તને કેવું ફ્લિ થાય..!?  

ગંજુઃધક્કા મારવા જ પડશે....એવું ફીલ થાય!દિલ ઉપર ધારદાર વાગે.. !!  

લલ્લુઃબસ તો હું એમ જ કહી રહ્યો હતો...વર્ષો પહેલા વીસની ધાર આવતી હતી અને હવે વીસમાં ધારદાર વાગે છે....!સ્કૂટર વાંકુ વાળીએ ત્યારે સીટની ધાર ઘુટણે વાગે છે..એ તો અલગ!  

બકતાભાઈઃવીસમાં ધધુડો ક્યારે આવશે ..?!!  

લલ્લુઃસરકાર સો ટકા ઇથેનોલનો પ્લાન કરી રહી છે...!જેવું ઇથેનોલ ભળ્યું કે તરત વીસમાં ધધુડો આવશે...!એય ને પછી..પેટ્રોલની પાઈપમાંથી ધધુડો પડશે...!  

પંજુઃઇથેનોલ પંજાબમાં બને છે?!  

લલ્લુઃઅલ્યા...વિસે વાન... ત્રીસે શાન...!('વીસે' વ્હાન.. પણ થાય!)ઇથ્થે... નોલ નથી!ઇથેનોલ છે!  

સાંકળચંદઃમને તો...ઇથે...'લોન' જેવું સંભળાય છે!ઇથ્થે.. લોન લઈને જ ગાડું ચાલે છે!  

વક્તાભાઈઃઇથ્થે..કીથ્થે થી લોન લઈને જ ગાડું ગબડાવવું! હવે તો વીસનું નહિ પણ બે હજાર વીસ રૂપિયાનું પેટ્રોલ ભરાવો તો જ ક્યાંક પૉહચાય!  

બકતાભાઈઃતમારે યાર..પોહચવું છે ક્યાં..??!બાઈકને સ્ટેન્ડ ઉપર પાર્ક કરી શાંતિથી ઉભા રહો ને...!  

પંજુઃચલો..એવી રીતે ઉભા રહીશું તો આપણા તો વીસ પણ બચ્યા...!  

 બાબુભાઇ બાકડાવાળા આને 'વીષ'નો પ્યાલો કહે છે...! સરકારે સ્પષ્ટ કહ્યું છે કે 'ઘરે રહેવામાં જ મજા છે..!!!'ઘરમાં રહો..ખર્ચા ઘટી જાય!હાથ ઉપર હાથ રાખી ઘરે બેસી રહેનારનો મોંઘવારી વાળ પણ વાંકો નથી કરી શકતી!ઘરની બહાર નીકળો એટલે ખર્ચાના ઘર શરૂ થઈ જાય!ઘરે રહો..બચત કરતા રહો!ઘણાં બચેલું બચાવવામાં પડયા છે..મોટાભાઈ!  

 ચર્ચા ચકડોળે ચઢી!(ચર્ચામાંથી ઉકેલ કરતા ચૂંટર ચું અવાજ વધારે આવતો હોય છે!!)  

પંજુઃતમને કોઈને ખબર છે સરકાર ઇથેનોલ કેમ લાવી રહી છે!   

ગંજુઃદેશ ચલાવવા.....!!!  

પિતળચંદઃગંજુ ની વાત સાચી છે...આપણું વાહન જેમ પેટ્રોલ ઉપર ચાલે છે એમ જ સરકાર પણ પેટ્રોલ ઉપર જ ચાલે છે...!  

સાંકળચંદઃચાલે છે નહીં નભે છે..એવું બોલો!  

સુખીલાલઃઆ તો જબરું કહેવાય..સરકાર પણ પ્રજાના પૈસે નભતી હોય તો હવે પ્રજાએ કેવી રીતે નભાવાનું...??!  

વક્તાભાઈઃનભ નીચે જ નભીએ છીએ ને...!નીચે જમીન ઉપર નભ....!!વચમાં આપણે !!  

બકતાભાઈઃઠીક છે...તમે હવે નભની વચમાંથી ખસો...!અને ખાડીમાંથી જહાજ જલ્દી નીકળે એવું વિચારો!  

પિતળચંદઃહું તો કહું છું!છાશથી વાહન ચાલી શકે કે કેમ..??!એ અંગે સંશોધન કરવું જ રહ્યું!  

ગંજુઃચલો...વાહનની ટાંકીમાં દહીં ઝમાવો..!  

 દહીં ની છાશ થશે..  

 પછી જ પબ્લિકને હાશ થશે..!!  

લલ્લુઃપેટ્રોલની ટાંકીમાં દહીં ઝામી ગયું તો..?!  

પંજુઃબીજે દિવસે શ્રીખંડ...!!  

વક્તાભાઈઃબે ખંડ ઝઘડી રહ્યા છે!મને એ કહો કે એક લીટર છાશમાં કેટલા ખંડ ફરી શકાય?!  

બકતાભાઈઃતમે તાલુકા લેવલના માણસ છો..તમારે ખંડ ફરવાની જરૂર નથી..!  

સુખીલાલઃતમે પેટ્રોલની ટાંકીમાં બનેલું શ્રીખંડ ઝાપટો..!!  

પિતળચંદઃદૂધ વડે ચાલતા દુધાળા વાહનો..ની શોધ તરફ્ આગળ વધવું જોઈએ!ઇથેનોલ માં એક લિટરમાં હજાર લીટર પાણી વપરાય છે..એવું છોટુલાલ કહેતા હતા!  

સાંકળચંદઃપછી...પાણીનો ભાવ પેટ્રોલ જેટલો....!આપણા બધા લિકવિડ કોસ્લી જ રહેવાના...!!દુધાળા વાહનો શરૂ થાય તો..ખેડૂતોની આવક ડબલ...!!  

ગંજુઃ ભેંસ કિડનેપ થઈ ગઈ તો...??!  

સુખીલાલઃકોઈ પેટ્રોલ દૂધની જેમ દોહી જશે તો.....!  

દુખીલાલઃગઈ ભેંસ પાની મેં ની જગ્યાએ..નવી કહેવત!ગઈ ભેંસ પેટ્રોલ મેં...!!  

લલ્લુઃદુધાળા વાહનોમાં મલાઈ ઝામી ગઈ તો..??!  

પંજુઃતમારે પી.યુ.સી. કઢાવવું પડશે...!  

વક્તાભાઈઃદુધાળા વાહનમાં પી.યુ.સી. નહીં પણ ફેટ કઢાવવું પડે....!!  

બકતાભાઈઃફેટ વાળું ફ્ટફ્ટીયું...!!વાહ..હવે પેટ્રોલ મુક્ત વાહનો...!!  

સુખીલાલઃપાર્કિંગમાંથી કોઈ રાતે દૂધ કે છાશ પી ગયું તો...??!  

પિતળચંદઃઆને પોષણ યુક્ત વાહનો કહેવાય..!એવુ થાય તો દયા રાખવી..તમારે કારણે કોઈ પોષણ મેળવે તો પ્રભુ કૃપા મળે!  

સાંકળચંદઃઅરે..પણ દુધાળા વાહનો...ધુમાડા કેવા કાઢશે...!  

ગંજુઃબોમ મિસાઈલના ધુમાડા કરતા અલગ !સફેદ ધુમાડા!  

સુખીલાલઃઆ શોધ કરશે કોણ.....??!  

દુખીલાલઃહું તો કહું છું...શોધ થાય એ પહેલાં દુધાળા પ્રાણીઓને આપણા વાહનોની આગળ જોડી દઈએ...!અને પછી..લગામ ખેંચી જઈશું..ઓફ્સિે..એય ને હુરુરુરુરુ.. હટ..!!  

બુધીયો બોલ્યોઃશાંતિ કરાર થઈ ગયો છે!  

આખો બાકડો બોલ્યોઃહુરુરુરુ.... હટ!!દૂધ પણ બે રૂપિયા વધી ગયું છે...!ફુરુરુરું... ફ્ટ...!


  • Follow us on: