નિયતિ ક્યારે, કઈ ક્ષણે કયો પલટો મારશે એ કોઈ જાણી શકતું નથી. જ્યારે કોઈ કલાકાર પોતાની કલાના સર્વોચ્ચ શિખરે હોય, કરોડો હૃદયો તેના અવાજ કે અભિનય પર ધબકતા હોય, બરાબર એ જ સમયે પડદા પાછળથી સમયનો કરુર પંજો આવે છે અને આખી જિંદગીની મહેનતને એક ક્ષણમાં સ્તબ્ધ કરી દે છે. તાજેતરમાં ભારતીય સંગીત જગતની સૌથી મધુર અને લોકપ્રિય ગાયિકા અલ્કા યાગ્નિકને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા, આ સન્માન સાથે તેમની સાથે બનેલી દુર્ઘટનાએ ફરી એકવાર એ વિચારવા મજબૂર કરી દીધું છે કે- જિંદગીમાં કોની સાથે ક્યારે શું બને એ કંઈ નક્કી નથી! જે અવાજે ત્રણ દાયકા સુધી કરોડો દિલો પર રાજ કર્યું, તે અવાજ આજે પોતાની જ ધૂન સાંભળવા માટે સંઘર્ષ કરવો પડે એ કેવી ટ્રેજેડી કહેવાય? અલ્કાજીએ એક પોસ્ટમાં ભાવવાહી રીતે જણાવ્યું કે, હવે બધું સામાન્ય થઇ રહ્યું છે, હું ફરી તમારી વચ્ચે આવી રહી છું.
2000ની સાલ સુધી બોલિવૂડમાં જો કોઈ એક અવાજ દરેક દિશામાં ગુંજતો હતો, તો તે અલ્કા યાગ્નિકનો હતો. કોલકાતાથી મુંબઈ સુધીનો તેમનો પ્રવાસ સખત સંઘર્ષ અને સમર્પણની મિસાલ છે. 'તેઝાબ' ફિલ્મનું 'એક દો તીન' ગીત હોય, 'આશિકી'ના રોમેન્ટિક નગ્મા હોય, 'કુછ કુછ હોતા હૈ'નું શીર્ષક ગીત હોય કે પછી 'તાલ' અને 'લગાન'ના શાસ્ત્રીય સૂર-અલ્કાજીએ પોતાના અવાજથી ભારતીય સિનેમાને સંગીતમય બનાવ્યું. 7 વાર ફિલ્મફેર એવોર્ડ અને 2 વાર નેશનલ એવોર્ડ મેળવનાર આ મહાન ગાયિકાએ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે, સંગીતની આ સફરમાં આવો અણધાર્યો વળાંક આવશે. વર્ષ 2024માં એક ફ્લાઈટમાંથી ઉતર્યા બાદ અલ્કાજીને અચાનક અહેસાસ થયો કે, તેઓ કંઈ સાંભળી શકતા નથી. તબીબી તપાસમાં બહાર આવ્યું કે, તેઓ 'સન્સોરીન્યુરલ હિયરિંગ લોસ' (Sensorineural Hearing Loss-SNHL) નામની દુર્લભ બીમારીનો ભોગ બન્યા છે. એક વાયરલ એટેકના કારણે તેમના કાનના અંદરના ભાગની નાજુક હેર સેલ્સ અને ઓડિટરી નર્વ (શ્રવણ ચેતા) ડેમેજ થઈ ગઈ. આ એ કોષો છે જે અવાજના સિગ્નલ મગજ સુધી પહોંચાડે છે અને તે એકવાર નષ્ટ થયા પછી આપમેળે સાજા થતા નથી. જે સિંગર સૂરની આટલી બારીકીઓ સમજતી હતી, તેના માટે સાંભળવાની ક્ષમતા ગુમાવવી એ શરીરના કોઈ અંગ ગુમાવવી કરતાં પણ મોટો આઘાત છે. તાજેતરમાં પણ તેમના સ્વાસ્થ્યને લઈને સોશિયલ મીડિયા પર ચાહકો ભારે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે અને સૂરની દેવી માટે દુઆઓ માગી રહ્યા છે.
અલ્કા યાગ્નિક આ દર્દ સહન કરનારા પ્રથમ કલાકાર નથી. ઇતિહાસ ગવાહ છે કે, નિયતિએ સંગીતના અનેક બેતાજ બાદશાહોની કારકિર્દી પર આવો જ કરુર પ્રહાર કર્યો છે. વૈશ્વિક સ્તરે જાણીતા અમેરિકન રોક સિંગર હ્યુ લુઈસ પણ અલ્કાજી જેવી જ સ્થિતિમાંથી પસાર થયા છે. તેમને 'મેનિયર્સ ડિસીઝ' (Meniere'sDisease) નામની કાનની બીમારી થઈ, જેના કારણે તેમને એટલું ઓછું સંભળાવા લાગ્યું કે, તેઓ મ્યુઝિકના નોટ્સ ઓળખી શકતા નહોતા અને પરિણામે, પોતાની ટોચની કારકિર્દી દરમિયાન તેમણે લાઈવ પર્ફોર્મન્સ કાયમ માટે બંધ કરવું પડયું. પિૃમી શાસ્ત્રીય સંગીતના જાદુગર બિથોવન જ્યારે માત્ર 26 વર્ષના હતા ત્યારથી જ તેમની સાંભળવાની ક્ષમતા ઓછી થવા લાગી હતી અને 44 વર્ષની ઉંમરે તેઓ સંપૂર્ણ બહેરા થઈ ગયા હતા. જોકે, તેમણે કમ્પોઝિશન ચાલુ રાખ્યું, પણ સિંગિંગ અને ડાયરેક્શનની લાઈવ દુનિયા તેમના માટે અંધકારમય બની ગઈ હતી. ભારતમાં જગજીત સિંહના અવાજનો જાદુ આજે પણ જીવંત છે, પરંતુ તેમના જીવનમાં આવેલી એક અંગત દુર્ઘટના (તેમના એકમાત્ર યુવાન પુત્ર વિવેકનું કાર અકસ્માતમાં અવસાન) એ તેમના અવાજનો રણકો બદલી નાખ્યો. આ માનસિક આઘાત એટલો મોટો હતો કે તેમની પત્ની અને પ્રખ્યાત ગાયિકા ચિત્રા સિંહે તે જ દિવસથી સિંગિંગ કાયમ માટે છોડી દીધું. એક ક્ષણની દુર્ઘટનાએ ભારતીય સંગીતની એક અદભૂત જોડીનો કાયમ માટે અંત આણી દીધો. ભૂતકાળના ગાયિકા મીના કપૂર અને ગીતા દત્ત પણ શારીરિક કે માનસિક અસ્વસ્થતા અને અંગત જીવનની તકલીફોને કારણે સમય વહેલો હોવા છતાં માઇકથી દૂર થઈ ગયા હતા.
ગાયન સિવાય જો કલાના અન્ય ક્ષેત્રોની વાત કરીએ, તો અભિનય અને નૃત્યના આકાશમાં ઝળહળતા કેટલાય સિતારાઓને પણ આવી હોનારતોનો સામનો કરવો પડયો છે. ભારતની એક અત્યંત પ્રતિભાશાળી ક્લાસિકલ ડાન્સર સુધા ચંદ્રન, જેમણે કારકિર્દીની શરૂઆતમાં જ એક માર્ગ અકસ્માતમાં પોતાનો પગ ગુમાવવો પડયો હતો. જો કે, તેમણે પ્રોસ્થેટિક જયપુર ફૂટની મદદથી અદભુત પુનરાગમન કર્યું, પણ કુદરતની એ એક ક્ષણ તેમની લાઈફ બદલી નાખવા માટે પૂરતી હતી. અભિનયના ક્ષેત્રે જ્યારે ઋષિ કપૂર અને ઈરફાન ખાન જેવા કલાકારો પોતાની મેચ્યોરિટીના શ્રોષ્ઠ શિખરે હતા અને સિનેમાને ઘણું બધું આપી રહ્યા હતા, ત્યારે કેન્સર જેવી જીવલેણ બીમારીએ તેમની સફરનો અકાળે અંત આણી દીધો.
આ બધી ઘટનાઓ આપણને જીવનનો સૌથી મોટો પાઠ ભણાવે છે કે, ગમે તેટલા સફળ હો, ગમે તેટલી સંપત્તિ કે કીર્તિ તમારી પાસે હોય, પણ કુદરતના એક સપાટા સામે માણસ લાચાર છે. ''સિકંદર ભી જહાં સે ગયા થા તો દોનોં હાથ ખાલી થે...'' જિંદગી આપણને આગામી સેકન્ડની ગેરંટી આપતી નથી. આજે જે અવાજ આપણને મંત્રમુગ્ધ કરે છે, કાલે કદાચ એ અવાજ મૌન થઈ શકે છે. તેથી જ, કલાકારો પ્રત્યે માત્ર તાળીઓનો નહિ, પણ તેમના સંઘર્ષના સમયમાં સાચો આદર અને સહાનુભૂતિ હોવી જરૂરી છે. અલ્કા યાગ્નિકજી આજે જે શારીરિક અને માનસિક પીડામાંથી પસાર થઈ રહ્યા છે, તે કટોકટીમાં પણ તેમની હિંમત અકબંધ છે. ચાહકોની પ્રાર્થના અને તબીબી વિજ્ઞાનના સમન્વયથી આ મધુર અવાજ ફરીથી સાજો થઈને કમબેક કરે તેવી જ આશા રાખી શકાય. જિંદગી અનિશ્ચિત છે, પણ કલા અને કલાકાર પ્રત્યેનો પ્રેમ કાયમી છે.