આતંકવાદ હવે દરવાજો ખખડાવીને નથી આવતો. તે ચુપચાપ માણસના મગજમાં પ્રવેશ કરે છે. મોબાઇલની સ્ક્રીનથી વિશ્વાસ ઊભો કરે છે. ચેટબોક્સમાં સંબંધો ગૂંથે છે. અને પછી સમાજની અંદર એક ક્કસાયલન્ટ ટેરર નેટવર્કક્ર તૈયાર કરે છે. તેનો અણસાર ત્યારે આવે છે, જ્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે. ગુજરાત ATSની તાજેતરની કાર્યવાહીએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. માત્ર પંદર દિવસમાં બે તબક્કામાં કાર્યવાહી કરવામાં આવી અને 13 શંકાસ્પદ આતંકીઓને દબોચી લેવામાં આવ્યા. તપાસ એજન્સીઓનો દાવો છે કે તેમનો સંપર્ક પાકિસ્તાનમાં બેઠેલા કથિત હેન્ડલર સાથે હતો. સોશિયલ મીડિયા મારફ્તે યુવાનોને જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કથિત પરીક્ષણાત્મક વિસ્ફેટો કરવામાં આવ્યા હતા. શંકાસ્પદ નાણાકીય ફ્ંડિંગ પણ થઈ હતી. અને ગુજરાતમાં એક આતંકી મોડયુલ ઊભું કરવાની કથિત તૈયારીઓ ચાલી રહી હતી. જો તપાસ દરમિયાન આ તમામ આરોપો સાબિત થાય, તો મુદ્દો માત્ર 13 ધરપકડો પૂરતો મર્યાદિત નહીં રહે. વાસ્તવિક સવાલ તો તેનાથી પણ ઘણો મોટો હશે. શું ગુજરાતની શાંત ધરતી પર ગુપ્ત રાહે એક સાયલન્ટ ટેરર નેટવર્ક ઊભું કરવામાં આવી રહ્યું હતું?
આતંકનું નવું સ્વરૂપ હવે બંદૂક નહીં, પરંતુ બ્રેઇનવૉશ છે
દુનિયા બદલાઈ ગઈ છે. આતંકવાદ પણ બદલાઈ ગયો છે. એક સમય હતો જ્યારે આતંકવાદીઓ સરહદ પાર કરીને દેશમાં પ્રવેશતા હતા. તેઓ હથિયારો સાથે લાવતા હતા. તાલીમ શિબિરોમાં તૈયાર થતા હતા. તેમની ઓળખ કરવી તુલનાત્મક રીતે સરળ હતી. પરંતુ આજનો આતંકવાદ તેનાથી અનેકગણો વધુ જોખમી છે. હવે સરહદ પાર કરતા પહેલાં વિચારધારા સરહદ પાર કરે છે. હથિયારો આવતાં પહેલાં નફરત પ્રવેશે છે. વિસ્ફેટકો તૈયાર થતાં પહેલાં માનસિક વિસ્ફેટ થાય છે. આજે કોઈ યુવાન સુધી પહોંચવા માટે આતંકવાદી સંગઠનને તેના ઘરે જવાની જરૂર નથી. તેના હાથમાં રહેલો સ્માર્ટફોન જ પૂરતો છે. થોડાં વીડિયો... ધાર્મિક અથવા વૈચારિક રીતે ઉશ્કેરતા કેટલાક સંદેશાઓ... કેટલીક ખાનગી ચેટ્સ... થોડાં આર્થિક પ્રલોભનો... અને ધીમે-ધીમે એક સામાન્ય યુવાનને કટ્ટર વિચારધારા તરફ્ ધકેલી શકાય છે. આ જ કારણ છે કે આજે સાયબર સ્પેસ આતંકવાદનું સૌથી મોટું રણક્ષેત્ર બની ગયું છે.
ગુજરાત જ કેમ? આ સૌથી મહત્વનો સવાલ છે
ગુજરાત માત્ર એક રાજ્ય નથી. તે ભારતની આર્થિક શક્તિનું મહત્વપૂર્ણ કેન્દ્ર છે. બંદરો... ઔદ્યોગિક કોરિડોર... રિફાઇનરીઓ... સંરક્ષણ સંબંધિત સંસ્થાઓ... ઝડપથી વિકસતા શહેરો... અને રોકાણ માટેનું સૌથી મોટું કેન્દ્ર. આવા સંજોગોમાં જો કોઈ આતંકવાદી સંગઠન અહીં પોતાનું નેટવર્ક ઊભું કરવાનો પ્રયાસ કરે, તો તેનો હેતુ માત્ર એક વિસ્ફેટ કરવાનો હોઈ શકે નહીં. તેનો હેતુ ભયનું વાતાવરણ ઊભું કરવાનો હોઈ શકે છે. રોકાણકારોનો વિશ્વાસ ડગમગાવવાનો હોઈ શકે છે. સામાજિક સૌહાર્દને નુકસાન પહોંચાડવાનો હોઈ શકે છે. અને સૌથી મહત્વની વાત એ છે કે દેશના સૌથી શાંત અને સુવ્યવસ્થિત રાજ્યને પણ અસુરક્ષિત હોવાનું દર્શાવવાનો પ્રયાસ હોઈ શકે છે. આ જ આતંકવાદની વાસ્તવિક રણનીતિ હોય છે.
સૌથી મોટો ખતરો સ્લીપર સેલ નહીં, પરંતુ સાયલન્ટ સેલ છે
સ્લીપર સેલક્ર શબ્દ હવે ધીમે-ધીમે જૂનો બની રહ્યો છે. આજે તેનાથી પણ વધુ ખતરનાક એક નવી સંકલ્પના સામે આવી છે-ક્કસાયલન્ટ સેલક્ર. એવા લોકો, જે સામાન્ય જીવન જીવતા હોય તેવું દેખાય છે. જેમનો કોઈ ગુનાહિત ઇતિહાસ ન હોય. જે સમાજમાં સહજ રીતે ભળી ગયા હોય. ડિજિટલ દુનિયામાં સક્રિય હોય. અને જરૂર પડયે અચાનક સક્રિય થઈ જાય. જો તપાસ એજન્સીઓના દાવા મુજબ સોશિયલ મીડિયા મારફ્તે નેટવર્કનો વિસ્તાર, કથિત ડિજિટલ સંપર્કો, નાણાકીય ફ્ંડિંગ અને તાલીમ જેવી બાબતો સામે આવી રહી હોય, તો આ માત્ર કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો રહેતો નથી, પરંતુ રાષ્ટ્રીય સાયબર સુરક્ષાનો વિષય બની જાય છે.
સવાલ ધરપકડ કરાયેલા લોકોનો નથી, પરંતુ તેમને તૈયાર કરનારી વ્યવસ્થાનો છે
દરેક ધરપકડ પછી સમાજ રાહતનો શ્વાસ લે છે. પરંતુ પત્રકારનું કાર્ય માત્ર રાહત આપવાનું નથી, સવાલ પૂછવાનો પણ છે. જો ખરેખર કોઈ નેટવર્ક યુવાનો સુધી પહોંચવામાં સફ્ળ થયું હોય, તો પછી કેટલાક મૂળભૂત પ્રશ્નો ઉભા થાય છે- આ કેવી રીતે શક્ય બન્યું? ડિજિટલ પ્રવૃત્તિઓ પર પૂરતી નજર કેમ રાખવામાં આવી નહીં? શંકાસ્પદ આર્થિક લેવડદેવડને કોણે અવગણી? શું સ્થાનિક સ્તરે કોઈ મદદગાર પણ હતા? શું આ મામલો માત્ર એક રાજ્ય પૂરતો જ મર્યાદિત છે? શું અન્ય રાજ્યો સાથે પણ તેની કોઈ કડી જોડાયેલી છે? અને સૌથી મહત્વનો પ્રશ્ન- શું આપણે આજે પણ માત્ર ઘટના બન્યા પછી કાર્યવાહી કરવાની જ પદ્ધતિ પર ચાલીએ છીએ? આતંકવાદ સામેની સૌથી મોટી જીત માત્ર ધરપકડ નથી.
શાંત ખતરો : બારૂદ પહેલાં વિચાર
આ મામલો અદાલતમાં જશે. તપાસ આગળ વધશે. આરોપો સાબિત થશે કે નહીં, તેનો અંતિમ નિર્ણય અદાલત કરશે. એ જ અંતિમ સત્ય ગણાશે. પરંતુ એક વાત અત્યારે જ સ્પષ્ટ દેખાઈ રહી છે. આતંકવાદ હવે માત્ર સરહદ પારથી આવતો ખતરો રહ્યો નથી. તે હવે ડિજિટલ છે. તે માનસિક છે. તે વૈચારિક છે. અને સૌથી ખતરનાક વાત એ છે કે- તે શાંત છે. અને આ જ ખામોશી સૌથી મોટો ખતરો છે.
જ્યારે સમાજ એવું માનવા લાગે છે કે *આપણા અહીં આવું થઈ જ ન શકે,* ત્યારે જ દુશ્મન સૌથી વધુ મજબૂત બને છે. ગુજરાતની ઓળખ શાંતિ, વિકાસ અને સામાજિક વિશ્વાસના પાયાં પર ઊભી છે. જો કોઈ પણ શક્તિ આ વિશ્વાસને તોડવાનો પ્રયાસ કરે, તો તેનો જવાબ માત્ર પોલીસ કાર્યવાહીથી નહીં, પરંતુ સમગ્ર સમાજની સામૂહિક સતર્કતાથી આપવો પડશે. કારણ કે આતંકવાદનું સૌથી મોટું હથિયાર માત્ર વિસ્ફેટ નથી, પરંતુ લોકોના વિશ્વાસને તોડવાનો મનસૂબો છે. અને કોઈપણ રાષ્ટ્રની સૌથી મોટી સુરક્ષા માત્ર તેની સેના નથી, પરંતુ તેના જાગૃત અને જવાબદાર નાગરિકો છે.
હવે સવાલ માત્ર એટલો જ છે- શું ગુજરાતમાં ખરેખર એક ક્કસાયલન્ટ ટેરર નેટવર્કક્ર ઊભું કરવાનો પ્રયાસ થઈ રહ્યો હતો? કે પછી આ માત્ર એક પ્રારંભિક મોડયુલ હતો, જેને સમયસર પકડી લેવામાં આવ્યો? આ પ્રશ્નનો અંતિમ જવાબ તપાસ એજન્સીઓ અને અદાલત તો આપશે જ, પરંતુ ત્યાં સુધી દેશે જાગૃત રહેવું પડશે. સમાજે વધુ સચેત બનવું પડશે. અને ડિજિટલ દુનિયાને વધુ સારી રીતે સમજવીપડશે. કારણ કે બારૂદ પહેલા વિચારો પર હુમલો થાય છે.