પરેશ મકવાણાઃ ગાંધીનગરઃ નાયબ સેક્શન અધિકારી, શિક્ષણ વિભાગઃ સરકાર દ્વારા નવી સરકારી શાળા ખોલીને સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરેલા શિક્ષકોને નિમવામાં આવે છે. છતાં વાલીઓ પ્રાઇવેટમાં વધુ પૈસા ભરીને ઓછી ગુણવતા વાળું શિક્ષણ લેવા તૈયાર છે; જેનું શું કારણ હોઈ શકે. એક સમય એવો હતો જ્યારે સરકારી શાળાઓ જ સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો માટે શિક્ષણનું મુખ્ય કેન્દ્ર ગણાતી હતી. ગામડાં હોય કે શહેરો, સરકારી શાળાઓએ લાખો બાળકોને શિક્ષણ આપીને દેશના સામાજિક અને આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. આજે પણ સરકારી શાળાઓમાં મફ્ત શિક્ષણ, મફ્ત પાઠયપુસ્તકો, ગણવેશ, મધ્યાહન ભોજન, શિષ્યવૃત્તિ અને વિવિધ સરકારી યોજનાઓ જેવી અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે. શિક્ષકોની નિમણૂક, PTC કે B.Ed જેવી શૈક્ષણિક લાયકાત અને TET,TAT જેવી કઠિન સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કર્યા બાદ કરવામાં આવે છે. તેમ છતાં સમાજનો મોટો વર્ગ પોતાના બાળકોને ખાનગી શાળાઓમાં મોકલવાનું વધુ પસંદ કરે છે. આ એક એવો સામાજિક અને શૈક્ષણિક વિરોધાભાસ છે કે જ્યાં એક તરફ્ સરકાર કરોડો રૂપિયા ખર્ચીને સરકારી શાળાઓને મજબૂત બનાવવાનો પ્રયાસ કરે છે, તો બીજી તરફ્ વાલીઓ ખાનગી શાળાઓની ઊંચી ફી ભરવા માટે તૈયાર છે.
આ પરિસ્થિતિ પાછળ વાલીઓની માનસિકતા, સમાજની અપેક્ષાઓ, બદલાતી રોજગારીની જરૂરિયાતો, શાળાનું વ્યવસ્થાપન અને શિક્ષણની ગુણવત્તા જેવા અનેક પરિબળો કામ કરે છે. સૌથી મોટું કારણ અંગ્રેજી માધ્યમનો વધતો પ્રભાવ છે. આજના વૈશ્વિકીકરણના યુગમાં અંગ્રેજી માત્ર એક ભાષા નથી રહી, પરંતુ ઉચ્ચ શિક્ષણ, ટેકનોલોજી, મેડિકલ, એન્જિનિયરિંગ, આઈટી ક્ષેત્ર અને આંતરરાષ્ટ્રીય રોજગાર માટે મહત્વપૂર્ણ સાધન બની ગઈ છે. વાલીઓમાં એવી માન્યતા મજબૂત બની છે કે બાળક જો શરૂઆતથી જ અંગ્રેજી માધ્યમમાં ભણશે તો તેને ભવિષ્યમાં વધુ તકો મળશે. માતૃભાષામાં શિક્ષણ બાળકના વિચારશક્તિના વિકાસ માટે ખૂબ ઉપયોગી છે તે વાત શિક્ષણશાસ્ત્ર્રીઓ પણ સ્વીકારે છે, પરંતુ સમાજમાં અંગ્રેજી ભાષાને મળેલી પ્રતિષ્ઠાને કારણે વાલીઓ અંગ્રેજી માધ્યમ તરફ્ વધુ આકર્ષાય છે. ખાનગી શાળાઓ પ્લે-ગ્રુપ અને નર્સરીથી જ અંગ્રેજી બોલવાની ટેવ, ઉચ્ચારણ, સંવાદ કૌશલ્ય અને પ્રેઝન્ટેશન સ્કિલ પર ભાર મૂકે છે. પરિણામે વાલીઓને લાગે છે કે તેમનું બાળક શરૂઆતથી જ સ્પર્ધાત્મક દુનિયા માટે તૈયાર થઈ રહ્યું છે. ઘણા વાલીઓમાં એવો ભય પણ જોવા મળે છે કે જો બાળક સરકારી શાળામાં ભણશે તો તે ભવિષ્યમાં અન્ય બાળકો કરતાં પાછળ રહી જશે. આ ભય સાચો નથી, કારણ કે અનેક સરકારી શાળાના વિદ્યાર્થીઓ આજે ઉચ્ચ સ્થાન પર છે,
મોટાભાગે સરકારી શાળાના શિક્ષકો ખાનગી શાળાના શિક્ષકો કરતાં વધુ શૈક્ષણિક લાયકાત ધરાવે છે. પરંતુ શિક્ષણની સફ્ળતા માત્ર શિક્ષકની ડિગ્રી પર આધારિત નથી. શિક્ષકની જવાબદારી, સતત મૂલ્યાંકન, બાળક પર વ્યક્તિગત ધ્યાન અને શાળાના સંચાલનની કાર્યક્ષમતા પણ એટલી જ મહત્વપૂર્ણ છે. સરકારી શાળાઓમાં ઘણીવાર વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોય છે. જેથી શિક્ષક માટે દરેક બાળકની વ્યક્તિગત જરૂરિયાત સમજવી મુશ્કેલ બને છે. ઘણીવાર ત્રીજા કે ચોથા ધોરણ સુધી બાળકને સારી રીતે વાંચતા, લખતા અને ગણતરી કરતા આવડતું નથી હોતું. ખાનગી શાળાઓ આ બાબતમાં વધુ વ્યવસ્થિત દેખાય છે. વાલીઓ મોટી ફી ચૂકવતા હોવાથી તેઓ શાળાની કામગીરી અંગે સચેત હોય છે. નિયમિત યુનિટ ટેસ્ટ, પ્રોગ્રેસ રિપોર્ટ, વાલી-શિક્ષક મિટિંગ અને બાળકની નબળાઈ અંગે વ્યક્તિગત ચર્ચા કરવામાં આવે છે. બાળકની પ્રગતિ અંગે સતત માહિતી મળતી હોવાથી વાલીઓને લાગે છે કે શાળા તેમના બાળક પર પૂરતું ધ્યાન આપી રહી છે.
સરકારી શાળાઓ સામેનો બીજો મોટો પડકાર બિન-શૈક્ષણિક કામગીરી છે. સરકારી શિક્ષકોને ચૂંટણી ફરજ, વસ્તી ગણતરી, વિવિધ સરકારી સર્વે, ઓનલાઈન માહિતી ભરવાની કામગીરી, મધ્યાહન ભોજનના હિસાબ અને અન્ય વહીવટી જવાબદારીઓ સોંપવામાં આવે છે. આ કામો જરૂરી હોવા છતાં તેનો સીધો પ્રભાવ શિક્ષણના સમય પર પડે છે. બીજી તરફ્ ખાનગી શાળાના શિક્ષકોનું મુખ્ય ધ્યાન માત્ર શિક્ષણ, અભ્યાસક્રમ પૂર્ણ કરવો અને વિદ્યાર્થીઓનું પરિણામ સુધારવા પર રહે છે. આ કારણે અભ્યાસનું આયોજન વધુ નિયમિત અને પરિણામલક્ષી બની શકે છે.
આજના સમયમાં શિક્ષણનો અર્થ માત્ર પાઠયપુસ્તકનું જ્ઞાન મેળવવું નથી રહ્યો. વાલીઓ ઇચ્છે છે કે તેમનું બાળક ભણવામાં સારું હોય તેની સાથે સર્વાંગી વિકાસ થવો જોઈએ. આ બાબતમાં ખાનગી શાળાઓએ પોતાની અલગ ઓળખ ઊભી કરી છે. ખાનગી શાળાઓ બાળકના સર્વાંગી વિકાસ માટે વિવિધ ઇત્તર પ્રવૃત્તિઓ પર વિશેષ ભાર મૂકે છે. વાર્ષિક ઉત્સવ, રમતોત્સવ, સંગીત, નાટક, વક્તૃત્વ સ્પર્ધા, કરાટે, સ્કેટિંગ, ચિત્રકામ અને વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા બાળકોની અંદર રહેલી પ્રતિભાને બહાર લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. સરકારી શાળાઓમાં પણ રમતગમત અને અન્ય પ્રવૃત્તિઓ માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. શાળાઓ પાસે મેદાન અને જરૂરી સાધનો પણ છે, પરંતુ તે માટે જરૂરી નિષ્ઠા, આયોજન, સતત માર્ગદર્શનનો અભાવ અને તેનો અસરકારક ઉપયોગ ન થવાને કારણે તેનો સંપૂર્ણ લાભ વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકતો નથી. માત્ર સુવિધાઓ ઊભી કરવી પૂરતી નથી, પરંતુ તેનો યોગ્ય ઉપયોગ થાય તે મહત્વનું છે, આ માટે સક્રિય વ્યવસ્થાપનનો સરકારી શાળાઓમાં અભાવ છે.
શિસ્ત અને સમયપાલન બાબતે ખાનગી શાળાઓ તરફ્ વાલીઓનું આકર્ષણ પણ એક કારણ છે. ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે યુનિફોર્મ, સમયસર હાજરી, હોમવર્ક, વર્તન અને અભ્યાસ અંગે કડક નિયમો હોય છે. શિક્ષકોની હાજરી અને કામગીરી પર પણ મેનેજમેન્ટ દ્વારા નજર રાખવામાં આવે છે. જો કોઈ શિક્ષકની કામગીરી નબળી હોય તો તરત જ એને કાઢી મૂકવામાં આવે છે. તેનો અર્થ એવો નથી કે સરકારી શાળાઓમાં શિસ્ત નથી હોતી. ઘણી સરકારી શાળાઓમાં પણ નિયમો અને સંસ્કાર આધારિત વાતાવરણ જોવા મળે છે, પરંતુ ખાનગી શાળાઓ આ બાબતોનું વધુ આક્રમક પાલન કરાવે છે. સરકારી શાળામાં નબળા શિક્ષકને ચલાવી લેવામાં આવે છે. જેથી વાલીઓ ખાનગી શાળાના શિક્ષકોને વધુ સારા માને છે.
સામાજિક પ્રતિષ્ઠા અને દેખાદેખી પણ ખાનગી શાળાઓના વધતા આકર્ષણ પાછળનું એક મોટું કારણ છે. સમાજમાં એક એવી માનસિકતા વિકસી છે કે મોંઘી વસ્તુ એટલે વધુ સારી*. ઘણીવાર વાલીઓ બાળકની જરૂરિયાત કરતાં સમાજમાં પોતાની પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખીને ખાનગી શાળાની પસંદગી કરે છે. કેટલાક પરિવારો પોતાની આર્થિક સ્થિતિ મજબૂત ન હોવા છતાં મોટી ફી ભરવા તૈયાર થાય છે, કારણ કે તેમને લાગે છે કે પ્રતિષ્ઠિત શાળામાં બાળક ભણશે તો સમાજમાં તેમનું સ્થાન વધશે. આ માટે વાલીઓ ગૌરવ પણ લે છે.
ડિજિટલ યુગે પણ ખાનગી શાળાઓની લોકપ્રિયતા વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આજે ઘણી ખાનગી શાળાઓ પાસે પોતાની મોબાઈલ એપ હોય છે, જેના દ્વારા વાલીઓને બાળકની હાજરી, હોમવર્ક, પરીક્ષાની તારીખ, પરિણામ, ફીની માહિતી અને શાળા બસનું લાઈવ લોકેશન જેવી માહિતી સરળતાથી મળી રહે છે. વર્ગખંડોમાં સ્માર્ટ બોર્ડ, પ્રોજેક્ટર, કમ્પ્યુટર લેબ અને ડિજિટલ શિક્ષણ પદ્ધતિઓનો ઉપયોગ વાલીઓને આધુનિક શિક્ષણનો અનુભવ આપે છે. બીજી તરફ્ સરકારી શાળાઓમાં પણ સરકાર દ્વારા સ્માર્ટ ક્લાસરૂમ અને ડિજિટલ સાધનો આપવામાં આવ્યા છે, પરંતુ કેટલીક જગ્યાએ ટેકનિકલ જાળવણી, શિક્ષકોની બિનકાર્યક્ષમતા અને યોગ્ય ઉપયોગના અભાવે તેનો સંપૂર્ણ લાભ મળી શકતો નથી.
અહીં એક પ્રશ્ન ઊભો થાય કે, શું સરકારી શાળાઓ ખાનગી શાળાઓને ટક્કર આપી શકે નહીં? હા, ચોક્કસ આપી શકે. દિલ્હીની સરકારી શાળાઓ તેનું ઉત્તમ ઉદાહરણ છે. યોગ્ય આયોજન, રાજકીય ઈચ્છાશક્તિ, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષકોની તાલીમ અને પરિણામ આધારિત વ્યવસ્થાપન દ્વારા સરકારી શાળાઓમાં મોટું પરિવર્તન લાવી શકાય છે. દિલ્હીમાં ઘણી સરકારી શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ, આધુનિક લેબોરેટરી, સુંદર રમતના મેદાનો અને ઉત્તમ શૈક્ષણિક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. શિક્ષકો અને આચાર્યોને નવી શિક્ષણ પદ્ધતિઓ માટે તાલીમ આપવામાં આવી છે. આ દર્શાવે છે કે સમસ્યા સરકારી શાળાઓની ક્ષમતામાં નથી, પરંતુ વ્યવસ્થાપન અને અમલીકરણમાં છે. સરકારી શાળાઓમાં જો ખાનગી શાળાઓ જેવી જવાબદારી, શિસ્ત, ટેકનોલોજીનો ઉપયોગ અને પરિણામલક્ષી અભિગમ અપનાવવામાં આવે તો સમાજનો વિશ્વાસ ફરીથી મજબૂત બની શકે છે. કારણ કે વાલી માટે શાળા સરકારી છે કે ખાનગી તે મુખ્ય નથી. વાલી પોતાના બાળક માટે ઉજ્જવળ ભવિષ્ય ઇચ્છે છે.
અશોકીઃ શાળાની સાચી ઓળખ ફી, ઇમારત કે બ્રાન્ડમાં નથી, પરંતુ તે બાળકના જીવનમાં કેટલું સકારાત્મક પરિવર્તન લાવે છે તેમાં રહેલી છે.